Wednesday, December 23, 2009

પ્રકૃતિપ્રેમ હોય તો સાપેય મિત્ર બની જાય છે

કચ્છમાં 50 ટકા સાપ ઝેરીઃ સાપ વિશેની ગેરમાન્યતાનું ખંડન કરતા ભુજના નિષ્ણાતો

By ENN, ભુજ, સામાન્ય રીતે સાપ દેખાય એટલે માણસો પહેલેથી ડરીને તેને શત્રુ માની પ્રતિકાર કરવાનું શરૂ કરી દે છે. પરંતુ વાસ્તવમાં તે કોઈનો શત્રુ નથી માત્ર આપણે પ્રકૃતિપ્રેમ જગાવવાની જરૃર છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે. એવી લાગણી અહીંના બે સર્પ નિષ્ણાંતો દર્શાવી હતી.

શિયાળો દસ્તક દઈ રહ્યો છે પણ હજુ ગરમીના લીધે અચાનક સાપ નીકળતા જિલ્લામાં ઘણાં બનાવો હજુ બની રહ્યા છે. ત્યારે હમીરસરની આવના કિનારે વસેલી નવી ઉમેદનગરમાં તાજેતરમાં બનેલા નાગદેવતા નીકળવાના બનાવો સમયે મળી ગયેલા આ નિષ્ણાંતોએ લોકોમાં પ્રવતર્તી અનેક ગેરમાન્યતાઓનું ખંડન કર્યું હતું. ઉમેદનગરના રહેવાસીઓનું કહેવું છે, અમારા વિસ્તારમાં સાપ નીકળે છે તો અમને ભય નથી લાગતો અને ભુજમાં ક્યાંય પણ સાપ નીકળે તો અમારા વિસ્તારમાં બે જાણકારો રૂચિતભાઈ ઠાકર અને કાંતિભાઈ સોલંકી આ જીવને બચાવી લે છે.

રૂચિરભાઈ આમ તો વ્યવસાયે તાલુકાના મંજલની હાઈસ્કુલના શિક્ષક છે, પરંતુ સાહિત્ય અને પ્રકૃતિપ્રેમી છે. અત્યાર સુધી 1000થી વધુ વિવિધ જાતના સાપને બચાવીને જંગલ વિસ્તારમાં છોડી આવનારા રૂચિતભાઈ પત્રકારની વાતચીતમાં કહ્યું કે, સાપ કોઈપણ વ્યક્તિને જોયા પછી ફરીવાર તેને ઓળખી શકતો નથી એટલે તેનો વેર વાળવાનો પ્રશ્ન અસ્થાને છે. કુંભારિયાની તાજેતરની ઘટના અંગે ગેરસમજ દૂર કરતાં તેમણે કહ્યું કે, એકને મારી નાખ્યા બાદ બીજો ત્યાં એવો જ સાપ દેખાય તો અંધશ્રદ્ધાળુઓ વેરની વાત ફેલાવે છે. વળી તે વાત એવું પ્રાણી છે કે, જો તમે પ્રતિક્રિયા ન આપો તો તમારા શરીર પરથી કોઈપણ હાનિ વિના શાંતિથી પસાર થઈ જાય અને છંછેડવામાં આવે તો પણ તે લાંબા અંતર સુધી વ્યક્તિનો પીછો કરી શકતો નથી. આ ઉપરાંત બિનઝેરી સાપ કરડે તો કોડીના દંશ કરતાં પણ ઓછી તકલીફ થાય છે.

કચ્છમાં સાપ-નાગ વિશેની જાણકારી આપતાં કવિતાના વિષયે એમ.ફીલ થયેલા અને કચ્છ ઈકો એન્ડ વાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન નામની મિત્રો સાથે સંસ્થા પણ ચલાવતાં શ્રી ઠાકરે કહ્યું કે, કચ્છમાં મુખ્યત્વે ત્રણ ઝેરી સાપ જોવા મળે છે. ટકાવારીની દ્રષ્ટિએ તે લગભગ 50 ટકા છે અને કોબ્રા પ્રકારના છે. આ ત્રણ ઝેરી જાતના કાળતરો (કચ્છીમાં શંખચૂડ), નાગ(કોબ્રા) અને ફુરસા કોડિયાનો સમાવેશ થાય છે. જ્યારે કેટ સ્નેઈક, ટિન્કેટ, વુલ, કોમન એન્ડ બોઆ જેવી અનેક બિનઝેરી સાપની જાતો કચ્છમાં છે, આ જિલ્લાની ખાસિયત એ છે કે, સિન્ધ ક્રેટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છમાં જ દેખાય છે. સાપ નીકળે અને કોઈપણ બોલાવે તો વિનામૂલ્યે એટલું જ નહીં ગાંઠના ખર્ચીને પહોંચી સેવાભાવના દાખવતા રૂચિતભાઈએ વધુમાં ઉમેર્યું કે, દરેક જીવપ્રકૃતિના સંતુલન માટે જરૂરી છે. લોકોએ ડરી જઈને સાપને મારી ન નાખવો જોઇએ બમોઈ જાતના સાપ તો એવો છે કે, ગમે તેટલું પરેશાન કરો બટકું જ ન ભરે.

મોટા ભાઇ નિલેન્દુ ઠાકરના પ્રકૃતિપ્રમમાંથી શરૂ કરેલા કાર્યમાં મિત્રો રાપરના યોગેશ જોષી, દીપક ગોસ્વામી, મુંદરાના અશોક ચૌધરી, ભુજના અલ્પેશ જાની, અંજારના પ્રતાપ સેવક, અંજારના ઓસમાણ ખત્રી અને મંજલના વીનેશ વ્યાસ પણ સંસ્થાના માધ્યમથી કચ્છમાં પર્યાવરણ જાગૃતિ સંબંધી પ્રવૃતિમાં સહયોગી હોવાનું રૂચિરભાઇએ ઉમેર્યું હતું.

ઉમેદનગરમાં જ બીજા એવા સાપ નિષ્ણાંત રહે છે કાંતિલાલભાઈ સોલંકી મૂળ રાજકોટના વતની પણ 22 વર્ષથી કચ્છમાં સ્થાયી કાંતિભાઇને ગમે ત્યારે બોલાવો મદદે પહોંચી જાય છે. લોકો તેમને જે કંઈ રકમ આપે તેમાંથી પણ તેઓ અડધી ધર્માદાના કામમાં વાપરે છે. વ્યવસાયે ડ્રાઈવિંગ અને સિલાઈકામ કરતા કાંતિભાઇનું કહેવું છે કે, માત્ર ભુજ નહીં આસપાસના ગામડાઓમાંય લોકો તેમને તેડી જાય છે. કચ્છમાં 100 એ બે કુંભારિયા પ્રકારના સાપ દેખાય છે. ગરમીના મહિનામાં લગભગ દરરોજ તેમને ક્યાંકને ક્યાંક આવી વરધી આવે જ છે એટલું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઠંડીમાં તે ઘટી જશે. નાગ દેખાય તો તેને જવા દેવા જોઇએ. તે સીધો કરડતો નથી પણ છંછેડવાથી જો તે ઊભો રહી ગયો તો નિષ્ણાંત વિના હાથમાં નહીં આવે, એવી સલાહ આપતાં તેમણે ઉમેર્યું કે જો કરડી જાય તો તરત આજુબાજુ રૂમાલ બાંધવો જેથી ઝેર આગળ ફેલાય નહીં. હવે 108 એમ્બ્યુલન્સમાં પણ ઈન્જેકશન રાખવામાં આવે છે. 56 વર્ષીય કાંતિભાઇને 20 વર્ષથી આ કુશળતા હાંસલ હોવા ઉપરાંત 26 વાર રક્તદાન પણ કર્યું છે.

સાપ વિશેની અંધશ્રદ્ધા

વનતંત્ર દ્વારા સાપ વિશેની અંધશ્રદ્ધા દૂર કરવા આ પ્રમાણેની માન્યતાનું ખંડન કરી જાગૃતિ ફેલાવાય છે.
■ સાપ ઊડી શકે છે
■ સો વર્ષનું આયુષ્ય હોય છે
■ દૂધ ભાવે છે
■ મારી નાખીયે તો તેનો સાથી બદલો લે છે
■ સાપનું ઝેર ભુવા-તાંત્રિક ઉતારે છે
■ મોરલીની ધૂન પર નાચે છે
■ માથે મણિ હોય છે
■ ઇચ્છાધારી હોય છે, માનવનું સ્વરૂપ લઇ શકે છે.

Saturday, December 12, 2009

ગુજરાતી ભાષા આંતરીક રાજકારણના આટાપાટામાં અટવાઇ

હિન્દી, તમિળ, બંગાળી અને કન્નડ ઓનલાઇન શીખી શકાય, પણ ગુજરાતી નહીં

ByENN,
અમદાવાદ, આજે વિશ્વના ખૂણેખૂણે ગુજરાતીઓના સંતાનો ગુજરાતી નિઃશુલ્ક ધોરણે શીખી શકે એવો એક પણ ઓનલાઇ, ઓફલાઇન અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. પરિણામે વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓને પોતાના સંતાનોને ગુજરાતી શીખવું મુશ્કેલ છે.

ગુજરાતી યુનિવર્સિટીના ભાષા વિભાગે 2004માં ગુજરાતીના ઓનલાઇન અને ઓફલાઇન અભ્યાસક્રમ તૈયાર કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ આઘાતજનક વાત તો એ છે કે, 'ગુજરાતી હોવાનો અમને ગર્વ છે' એવું બોલવામાં સહેજપણ કંજુસાઇ ન કરતા શિક્ષણવિદ્દોએ ફક્ત આંતરિક રાજકારણને સાધવા માટે આ અભ્યાસક્રમની ફાઇલ બે વાર ખોઇ નાખી હતી. પરિણામે અત્યારે નિઃશુલ્ક ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે 2005થી ઓનલાઇન તમિળ, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષા શીખવાના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે પરંતુ ગુજરાતી ભાષા રાજકારણના આટાપાટામાં અટવાઇ છે.

ગુજરાતમાં આવેલા પરપ્રાંતીય ઉચ્ચ સરકારી અધિકારીઓ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ સહિત બહારના રાજ્યોના અનેક લોકો માટે જે તે રાજ્યની ભાષા શીખવી અનિવાર્ય હોય છે. આ માટે ઓનલાઇન, ઓફલાઇન અભ્યાસક્રમ આર્શીવાદરૂપ બને છે. આવી વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને યુનિવર્સિટીના ભાષા વિભાગે મૈસુરની ભારતીય ભાષા સંસ્થાનના સહયોગથી ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની તત્કાલીન કુલપતિ એ.યુ.પટેલ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. જે અંતર્ગત પ્રાથમિક તબક્કે અંગ્રેજી પરથી ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો હતો. આ માટેના રૂ. 16 લાખના ખર્ચમાંથી રૂ. 9 લાખ મૈસુરની સંસ્થા આપવાની હતી. જ્યારે બાકીની રકમ યુનિવર્સિટી અથવા અન્ય કોઇ સંસ્થા પાસેથી લઇ અભ્યાસક્રમ તૈયાર કરવાનું આયોજન હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, આ માટે કોઇ નાણાકીય તકલીફ તો હતી જ નહીં. પરંતુ આ અભ્યાસક્રમની આખી ફાઇલ જ બે બે વાર ખોવાઇ ગઇ. આ દરમિયાન અભ્યાસક્રમ તૈયાર કરવાના હતા તે નિષ્ણાતો જ્યારે આ અંગે પૂછપરછ કરતા, તો તેમને જવાબ મળતો કે, વિચારીએ છીએ. એક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે પણ રાજકારણ રમતા યુનિ. સત્તાધીશોની આડોડાઇના કારણે આ પ્રોજેક્ટ છેવટે પડતો મૂકી દેવાયો છે.

25 વર્ષની મહેનત બાદ તૈયાર થયો ગુજરાતી ભાષાનો મહાવિશ્વકોશ

25 હજાર પાનાઓ ઉપર સવા કરોડ શબ્દોનો સમાવેશ : ધીરૂભાઇ ઠાકરની મહેનત લેખે લાગી

ByENN,
અમદાવાદ, કોઇપણ ભારતીય ભાષામાં અત્યાર સુધી તૈયાર થયો ન હોય તેવો ગુજરાતી ભાષાનો એક વિશ્વકોષ 25 વર્ષના અથાગ પ્રયત્નો પછી તૈયાર થઇ ગયો છે. 25 વોલ્યુમ ધરાવતાં આ ગુજરાતી વિશ્વકોશનાં 25 હજાર પાનાઓ ઉપર લગભગ સવા કરોડ જેટલા શબ્દો લખવામાં આવ્યા છે. આ શબ્દકોશ બનાવવા પાછળ અઢી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેની વેંચાણ કિંમત 15,600 રૂપિયા રાખવામાં આવી છે.

આ વિશ્વકોશ તૈયાર કરનાર 91 વર્ષના ધીરૂભાઇ ઠાકરની વર્ષોની મહેનત કામે લાગી છે. સતત કામ કરવામાં માનતા ધીરૂભાઇ ઠાકરે જણાવ્યું છે કે, શબ્દકોશ તૈયાર કરવાનું મારુ સપનું પુરું થયું છે અને મારા માટે આ એક અનેરો અનુભવ રહ્યા છે જો કે હું હજુ આ બાબતને પૂર્ણવિરામ નહીં ગણું મારું કામ ચાલુ જ રહેશે. ગુજરાત ભલે 1960માં સ્થાપાયું હોય પરંતુ સતત પ્રયત્નો પછી ધીરૂભાઇ ઠાકર 1985માં ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરી શક્યા હતા અને આ ટસ્ટ્રમાં અનેક મહાનુભાવોનો સમાવેશ કર્યો હતો. આ શબ્દકોશ તૈયાર કરવા માટે દાતાઓની પણ જરૂર પડી હતી અને સામાજીક અગ્રણી સાકરચંદ પટેલે પ્રથણ દાતા બનવાનું બહુમાન મેળવ્યું છે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કુમારપાળ દેસાઇના જણાવ્યા અનુસાર આ શબ્દકોશ તૈયાર કરવામાં ઘણી મહેનત થઇ છે અને તેની પાછળ હજારો લોકોની મહેનત કામે લાગી છે. આ શબ્દકોશને ગુજરાતના 50માં જન્મદિવસની ગિફ્ટ ગણી શકાય. પ્રારંભમાં આ શબ્દકોશ માટે 20 વોલ્યુમ તૈયાર કરવાનું પ્લાનીંગ હતું પરંતુ ત્યારબાદ 5 વોલ્યુમ ઉમેરવામાં આવ્યા હતા. આ શબ્દકોશમાં 170 વિષયોને આવરી લેવાયા છે. દેસાઇએ એમ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતીઓ માત્ર ધંધો જ કરી જાણે છે તેવું નથી આ પ્રકારના પ્રયાસો પણ તેઓ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.

દેશનો સૌથી લાંબો રોપ-વે ગિરનારનો હશે

આ રોપ-વેમાં સૌથી ઓછા પિલ્લર હશે


ByENN,
અમદાવાદ, બહું ગાજેલા અને અઢી વર્ષથી આગળ નહીં વધી શકેલા ગિરનાર રોપવે પ્રોજેક્ટનું કામ ગઇકામથી વિધિવતૃ શરૂ તઇ ગયું હતું. ગઇકાલે રોપવેના ગ્રાઉન્ડ સ્ટેશન માટે ગિરનાર તળેટી પર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. જર્મન ટેકનોલોજીથી બની રહેલો ગિરનાર રોપવે સથી ઓછા પિલરવાળો દેશનો સૌથી ઓછા પિલરવાળો દેશનો સૌથી ઓછા પિલરવાળો દેશનો સૌથી લાંબો રોપવે હશે. જુનાગઢના કલેક્ટર અશ્વિનીકુમારે કહ્યું છે કે, ગિરનાર પર્વત પર બનનારા 3911 ફૂટ લાંબા રોપવે માટે ફક્ત 10 જેટલા પિલર બનાવવામાં આવશે. આ દરેક પિલર અંદાજે 391 ફૂટ કેબલ અને ટ્રોલીનું વજન ઝીલશે. જર્મન ટેકનોલોજીને કારણે ઓછા પિલર પર વધુ વજન સહન કરી શકવાની ક્ષમતા ઉભી થશે.

ઓછા પિલરનો ઉપયોગ થવાનો હોવાથી ગિરનાર રોપવે માટે ગિરનાર પર્વત પાસે આવેલા જંગલમાથી હવે ફક્ત 995 મીટર જેટલી જમીનનો દજ ઉપયોગ કરવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટ માટે રૂ. 2.19 હેક્ટર જંગલની જમીન માગવામાં આવી હતી.

ગિરનાર પર્વત કુલ 3661 ફૂટની હાઇટ ધરાવે છે, પણ જંગલ સલામત રહે એ પ્રકારનો પ્રોજેક્ટ બન્યો હોવાથી ગિરનાર રોપવેની લંબાઇ લગભગ 250 ફૂટ વધી જશે અને એને કારણે આ રોપવે અંદાજે 3911 ફૂટ લંબાઇનો હશે, જે પાવાગઢ પર્વતના રોપવે કરતાં 1586 ફુટ લાંબો છે. રોપવેનું કન્સ્ટ્રક્શન કામ શરૂ થયા પચી જરૂરિયાત મુજબ જે તે સાઇટ પર દર્શનકાર્ય બંધ કરવામાં આવશે. રોપવે પ્રોજેક્ટ માર્ચ - 2011 સુધીમાં પૂરો થઇ જશે.

ગુજરાતી ભાષાનું સંસદીય અપમાન

ByENN,
ભારતના બંધારણે માન્ય કરેલી શેડ્યુલમાં સમાવાયેલી ભાષાઓ પૈકી કોિ પણ ભાષામાં શપથ લઇ શકાય તેવી જોગવાઇ છે છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ્ય વિધાનસભામાં હિન્દી ભાષામાં સોગંદ લેનારા સંમાજવાદી અબુ આઝમી જોડે હાથોહાથની કરી હતી. કારણ કે રાજ્યના વિધાનસભ્યોએ મરાઠી ભાષામાં જ શપથ લવા જોઇએ તેવી મ.ન.સેના વડા રાજ ઠાકરેની જિદ હતી.

પરંતુ આવો કોઇ આગ્રહ જો ગુજરાતી માટે રખાય, રાજ્યોમાંથી ચૂંટાયેલા સાંસદો ગુજરાતી ભાષામાં સોગંદ લઇ શકે તેમ નથી. એ જ સ્થિતિ કશ્મીરી અને કોંકણી ભાષાની પણ છે.

બંધારણમાં આ ત્રણે ભાષાઓનો માન્યતા આપી હોવા છતાં સાંસદો તે ભાષાઓનો ઉપયોગ કરી શકે તેમ નથી. કારણકે લોકસભા-રાજ્યસભામાં આ ત્રણ ભાઇઓના અનુવાદકો નથી. બંધારણની આઠમી અનુસૂચિમાં શામેલ 22 ભાષાઓમાં ગુજરાતી, કશ્મીરી અને કોંકણીનો સમાવેશ થતો હોવા છતાં ફક્ત 14 ભાષાઓના ભાષાંતરકારો, સંસદના સચિવાલય પાસે હાલ ઉપલબ્ધ છે.

સચિવાલયના કહેવા મુજબ જે તે ભાષાના સાંસદો પાસે માંગણી કરવા છતાં દુભાષિયા મળ્યાં નથી તેથી આ હાલત છે. ગુજરાતી ભાષા પાંચ-પાંચ-પાંચ (પ્રફુલ્લ પટેલ, દિનેશ, ત્રિવેદી સહિત) પ્રધાનો અને 40 ઉપરાંત સાંસદો હોવા છતાં ભાષાનું આવું અપમાન અસ્મિતાના રખેવાળો સહન કરવાની ફરજ સાડા પાંચ કરોડ ગુજરાતીઓને માથે લાદે છે.

પોરબંદરના યુવાનની અનોખી ગાંધીભક્તિ

ByENN,
પોરબંદર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવા માટે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે એક શ્રમજીવી યુવાને ગાંધીજીના સુક્ષ્મ કદના ત્રણ ફોટો આલબમ બનાવ્યા છે. જે પૈકી એક આબલમ વિશ્વનો સૌથી નાનો હોવાનું મનાય છે. આ આલ્બમ આંગળીના નખ જેટલી સાઇઝનો છે.

આજની આધુનિક અને ફાસ્ટ જીંદગીમાં લોકો પોતાની દોડધામમાં ગાંધીજીના સાહિત્ય વાંચવા ન હોવાથી તેઓ રાષ્ટ્રપિતાના સિદ્ધાતોથી અપરિચિત હોવાનું માનીને પોરબંદરના શ્રમજીવી જયેશભાઇ હિંગળાજીયાએ ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમણે ગાંધીજીના જન્મની લઇને તેમના નિધન સુધીના તમામ ફોટોગ્રાફ, એકઠાં કરીને નાના-નાના કદના ત્રણ ફોટો આલબમ તૈયાર કર્યા છે. 251 ફોટાનો બે બાય ત્રણ ઇંચનો આબ્લમ, 65 ફોટાનો એક બાય એક ઇંચનો આલ્બમ તથા અતિ સુક્ષ્મ એવા 54 ફોટોગ્રાફનો માત્ર આઠ બાય બાર મિ.મી. સાઇઝનો આલ્બમ બનાવીને શ્રમજીવીએ વિશ્વમાં ગાંધીજીના સૌથી ટયૂકડા ફોટો આલ્બમનું સર્જન કર્યું છે. ગાંધીજીના અનોખા ચાહક જયેશભાઇએ અનેક વખત ગાંધીજી જેવો જ પહેરવેશ ધારણ કરીને કલાકો સુધી પૂતળાની માફક ઊભા રહેવાના રેકોર્ડ તેમણે સ્થાપ્યા છે. આ ટચૂકડા આલબમને જયેશ કીર્તિમંદિરને ભેટમાં આપશે.

ગુજરાત કન્યા કેળવણીમાં હજૂ પણ પાછળ

ગુજરાતમાં કન્યા કેળવણીની ટકાવારીના આંકડા 54 ટકાથી આગળ વધતા જ નથી

કન્યા કેવળણીમાં ગુજરાત કરતા પડોશી મહારાષ્ટ્ર 68 ટકા, કેરળ 94 ટકા, પંજાબ 60 ટકા તામીલનાડુ 65 ટકા, પં.બંગાળ 60 ટકા સાથે આગળ

By ENN,
'એક ભણેલી માતા સારા શિક્ષકની ગરજ સારે છે' એવી ઉક્તીથી ગુજરાતમાં કન્યા કેળવણીની પરિસ્થિતિ વિપરીત છે. રાજ્યની 25 જિલ્લાઓની અક્ષરજ્ઞાનની પરિસ્થિતિ જોઇએ તો માત્ર 11 જિલ્લાઓમાં રાજ્યની કન્યાઓ સાક્ષરતાની સપાટી ઉપર છે. કન્યા કેળવણી અંગે રાજ્ય સરકાર દ્વારા વારવાર કરાતી જાહેરાતો છતાં, શહેરી વિસ્તારો જ્યાં વધુ છે એવા જિલ્લાઓમાં કન્યાઓનું શિક્ષણ સરેરાશની ઉપર છે. જિલ્લાઓની વાસ્તિવકતા જોઇએ તો રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં સૌથી તળિયે દાહોદમાં 45 ટકા છે. ભારતની કન્યા કેળવણીની 54 ટકા કરતાં 9 ટકા ઓછી છે. જોકે ગુજરાતમાં કન્યા કેળવણી 58 ટકા છે.

ઘરકામ, ઢોર ચરાવવા જવું, નાના ભાઇ-બહેનોની સંભાળ રાખવા, ખેતરના કામમાં જોતરાવું, સામાજીકિ રીતિ રિવાજો અને નાની ઉંમેર લગ્ન સહિતના વિવિધ પ્રશ્નોને કારણે રાજ્યના 63 ટકા ગામડામાં રહેતા પરિવારો દીકરીને અધ વચ્ચે શાળામાંથી ભણાવાનું છોડાવી દે છે.

દેશના અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો કન્યા કેળવણીમાં ગુજરાત છઠ્ઠા નંબરે છે. જ્યારે પ્રથમ નંબરે કન્યા કેળવણીમાં કેરળ 68 ટકા સાક્ષરતા ધરાવે છે. દેશમાં સૌથી નીચો કન્યા કેળવણી ધરાવતો પ્રદેશ બિહાર છે. બિહારમાં માત્ર 34 ટકા કન્યા કેળવણી છે. મહત્વના કન્યા કેળવણી ધરાવતા રાજ્યોમાં કેરળ (94 ટકા), મહારાષ્ટ્ર (68 ટકા), તામીલનાડુ (65 ટકા), પંજાબ (60 ટકા) અને પશ્ચિમ બંગાળમાં (60 ટકા) છે. જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણીનો દર માત્ર 54 ટકા છે.

દેશમાં અક્ષરજ્ઞાન મળે અને નિરક્ષરતા નાબુદ થાય એ માટે ચાલતા કાર્યક્રમોના સંકલનના અભાવે યોજનાઓ ફળીભૂત થતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ટકી રહે અને ઓછામાં ઓછું દરેક બાળક 7 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવે એ હેતુથી ગુજરાતમાં સૌથી પ્રથમ માધવસિંહ સોલંકીની સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી પણ વહીવટી આંટીઘૂંટીઓ, શિક્ષણનો વ્યાપ વધે એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ (પોલીટીકલ વીલ પાવર) ને શિક્ષકો તથા રાજકારણીઓની ઉધાસીનતાને લઇ યોજના પૂરેપૂરી સફળ થઇ નથી. કન્યા કેળવણી સાથે શિક્ષણનો સરેરાશ દર વધે એ માટે સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય નિષ્ફળ રહ્યાનું રહ્યાનું કહી શકાય. 'સા વિદ્યા યા વિમુક્તયે' (અર્થાત જે મુક્તિ અપાવે તે વિદ્યા) નો આપણી પુરાતન સંસ્કૃતિનો સંકલ્પ સાકાર કરવા અને સાચા અર્થમાં તમામને શિક્ષણ અને વિશેષમાં કન્યાઓમાં શિક્ષણનું સ્તર વધારવા સમાજના તમામ લોકોએ સહિયારો પુરૂષાર્થ કરવો અનિવાર્ય છે.

Thursday, December 10, 2009

ગુજરાતની શાળાઓમાં કન્યાઓની અને શિક્ષિકાઓની અછત

By ENN,
અગિયારમી નવેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની અને દેશના સૌપ્રથમ શિક્ષણ પ્રધાન શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની સ્મૃતિમાં આ દિવસ શિક્ષણને સમર્પિત છે. દેશ સાથે ગુજરાતે પણ સૌપ્રથમવાર શિક્ષણ દિવસની ઉજવણી કરી. આપણા રાજ્યમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધારવા અને શિક્ષણ સૌને સુલભ બને એ માટે સરકાર અને સમાજ અનેકવિધ પ્રયત્નો કરે છે. આ દિશામાં થયેલી કામગીરી ખાસ કરીને ગુજરાતની કન્યાઓ અને મહિલાઓના જીવનમાં કેવું અને કેવું અને કેટલું પરિવર્તન લાવી શકી છે તેના લેખાંજોખાં આજે કરીએ તો અવશ્ય ફળદાયી નીવડશે. વર્ષ 2001ની વસ્તી ગણતરીને ઠીક ઠીક સમય પસાર થયો હોવા છતાં તે આંકડાને આધારરૂપ ગણીએ તો ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેની શૈક્ષણિક અસમાનતાને સમજી શકાશે. આ માહિતી પ્રમાણે ગુજરાતમાં મહિલાઓમાં વાંચતાં, લખતાં આવડતું હોય તેનું પ્રમાણ 57.80 ટકા હતું. તેની સામે પુરુષોમાં આ પ્રમાણ 79.66 ટકા નોંધાવ્યું હતું.

શિક્ષણના સંદર્ભમાં આપણા ગુજરાતમાં પ્રાદેશિક તફાવતો આંખે ઉડીને વળગે એવાં છે. રાજ્યના 13 જિલ્લાઓમાં એટલે કે અડધોઅડધ ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ રાજ્યની સરેરાશથી ઠીક ઠીક ઓછું હતું. તેનો અર્થ એ થયો કે આજે પણ આપણા પ્રદેશમાં 40 ટકાથી વધુ મહિલાઓને વાંચતા લખતાં આવડ્યું નથી. આશા છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત થશે ત્યારે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હશે.

એક તરફ સાક્ષરતાનું પ્રમાણ આજે પણ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાને વ્યક્ત કરે છે. તો બીજી તરફ શાળામાં ભણતા કિશોર-કિશોરીઓ વચ્ચે પણ ખાસા તફાવતો સર્જાયા છે. આજથી એક દાયકા પૂર્વ એટલે કે વર્ષ 2000માં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં કન્યાઓનું પ્રમાણ 40.66 ટકા વર્ષ 2007ની ગણતરી સરકારી માહિતી પ્રમાણે તેમાં નજીવો વધારો થઈને માત્ર 41.12 ટકાએ પહોંચ્યું છે. અહીં એ બાબત પર ધ્યાન દોરવું અનિવાર્ય છે કે ગુજરાતની કુલ મહિલાઓમાં 40 ટકા અભણ છે. તો તેના સમાંતર 12 વર્ષથી 17 વર્ષ સુધીમાં સમાવિષ્ટ કન્યાઓમાં અડધો અડધ કન્યાઓ બારમું ધોરણ પાસ કરીને કોલેજના પગથિયે પહોંચી શકતી નથી. આ છેવાડે રહી ગયેલી એકવીસમી સદીનો ગુજરાતી કન્યાઓ ક્યાં તો ખેતરોમાં કે કારખાનામાં કામ કરે છે અથવા તો નાની ઉંમરે લગ્ન થવાથી ગૃહસ્થીમાં સામેલ થઈ જાય છે.

આપણી શાળાઓના વર્ગખંડોમાં કન્યાઓની હાજરીમાં ધીમો વધારો થાય છે, પરંતુ તેઓ શિક્ષણના ક્યા ક્ષેત્રમાં ભણે છે તે હકીકત સમજવાથી કન્યા કેળવણીનું ચિત્ર વધુ સ્પષ્ટ અને ગંભીર બને છે. સરકારના શિક્ષણ વિભાગની વર્ષ 2007ની માહિતી તપાસીએ તો રાજ્યની શાળાઓના બારમા ધોરણમાં કુલ 110925 કન્યાઓ ભણતી હતી. તેમાંથી મહંદ અંશે એટલે કે 72 ટકા માત્ર વિનયન (આર્ટસ) વિદ્યાશાખામાં નોંધાઈ હતી. વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં આ પ્રમાણ અનુક્રમે 16 ટકા અને માત્ર 6 ટકા જ હતું.

આપણે જોયું કે કિશોરાવસ્થા દરમિયાન ભણતરના મુદ્દે છોકરાં અને છોકરીઓમાં અસમાનતા છે પરંતુ આ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકોમાં પણ સ્ત્રી પુરુષના સંદર્ભમાં આપણે સમાનતા લાવી શક્યા નથી. લેખમાં દર્શાવેલ માહિતીમાં એક હકીકતમાં દીવા જેવી સ્પષ્ટ થઈ કે કોલેજમાં પ્રવેશતા પહેલાં બારમા ધોરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમાં પણ કન્યાઓ આર્ટસ વિદ્યાશાખામાં જ ભણી શકે છે. તેના કારણે વ્યવસાયલક્ષી આજીવિકા કે નોકરી માટે તેઓના દરવાજા બંધ થઈ જાય છે. પરિણામે વિશેષ રૂપે છોકરીઓને શિક્ષિકા બનાવવાનું વલણ રાખવું પડે છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષિકાઓનું પ્રમાણ ઉતરોત્તર વધતું જાય છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુરુષ અને સ્ત્રી શિક્ષિકાની સંખ્યામાં મોટું અંતર સર્જાયું છે.

લેખના કોઠામાં વર્ષ 2006-07 દરમિયાન શિક્ષકોની જિલ્લાવાર માહિતી પ્રમાણે રાજ્યમાં 76054 શિક્ષકો હતા. તેમાં મહિલા શિક્ષકો માત્ર 20413 (27ટકા) હતી. આ તફાવત તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસે આપણને એટલો અહેસાસ તો અવશ્ય થવો જોઈએ કે સ્ત્રી સશક્તિકરણને વાસ્તવિકતા બનાવવી હશે તો કન્યાઓ અને શિક્ષિકાઓ બંનેને પુરુષ સમોવડી તક અને સવલતો આપવી પડશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે નવી પેઢીને કેળવવાના પ્રશ્ને આપણી પાસે શિક્ષિકાઓનું આટલું મર્યાદિત પ્રમાણ છે અ હકીકત અનેક પ્રશ્નો સર્જશે. કન્યાઓ શાળામાં ભણતી હોય એ સમયે તેઓના શૈક્ષણિક, માનસિક, શારીરિક કે અન્ય પ્રશ્નોને સમજવા અને તેનો ઉકેલ લાવવામાં મહિલા શિક્ષકો અગત્યની ભૂમિકા ભજવી શકે એમ છે. બનાસકાંઠા જિલ્લામાં તો માત્ર 12 ટકા શિક્ષિકાઓ છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક બદલાવ આવવો જોઈએ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ સંદર્ભનો તફાવત આપણે મહિલાઓને શિક્ષિત કરવામાં ક્યાં ઉભા છીએ એ સ્પષ્ટ કરે છે. શિક્ષણના ક્ષેત્રે હાંસિયામાં ધકેલાતી ગુજરાતણ પ્રશ્ન કરે છે.

Monday, December 7, 2009

વર્તમાન પાલનપુર અગાઉ પાતાલનગર નામે વિખ્યાત બંદર હતું..!

By ENN,
પાલનપુર,
આપ માનો યા ન માનો પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે હાલના નવાબી પાલનપુરના વર્ષો જુના ઈતિહાસમાં પાતાલનગરના અવશેષો ધરબાયેલા છે અર્થાત્ વર્તમાન પાલનપુરની જગ્યાએ હજારો વર્ષ પૂર્વે પાતાલનગર નામનું બંદર હતું જે નાગ જાતિના લોકોએ વસાવ્યું હતું જો કે આ હકીકત કોઈ માનવા તૈયાર થાય નહીં પરંતુ આજ એક વાસ્તવિક્તા હોવાનો દાવો કરી પાલનપુરના પ્રો. યશવંત રાવલે તેમના સંશોધનામિક પુસ્તક પાતાલનગર પાલનપુર મા દસ્તાવેજી પુરાવાઓ નો આધાર રજુ કરતા પીંઢ ઈતિહાસવિદો પણ માથુ ખંજવતા થઈ ગયા છે.

પાલનપુરથી જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સના પૂર્વ પ્રોફેસર અને સંશોધનામિક લેખક પ્રો. યશવંત રાવલના પુસ્તક પાતાલનગર પાલનપુર નામના પુસ્તકે પાલનપુરીઓને વિચારતા કરી મુક્યા છે. પાતાલનગરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો સાહિત્યમાં ઘણીવાર થયો છે. પણ આજ સુધી આ નગર પશ્ચિમ સમુદ્રકાંઠે ક્યા વિસ્તારમાં હતુ તેની ભાળ મળી નથી. જો કે પ્રસ્તુત પુસ્તકમાં દસ્તાવેજ પુરાવાઓ દ્વારા લેખકે પુરવાર કર્યું છે કે આ નગર લગભગ વૈદિક કાળમાં વર્તમાન પાલનપુરની જગ્યાએ હતું.

સમયના વહેણ સાથે કુદરતી આયદાઓ જેવી કે ભયાનક ભુકંપો, જ્વાળામુખી, વિસ્ફોટો, સામુદ્રિય જળ પ્રલયો અને ભૂર્ગભીય હલચલોને કારણે જમીનનું સ્તર ઉંચું આવતા સમુદ્ર ક્રમશઃ ડીસા, થરાદ, માવસરી, બેણાપ, સુઈગામ, પાટણ, વારાહી જેવા સ્થળો તરફ દુર જતો ગયો. આજે પણ આ સ્થળોએ ભુતકાળમાં સમુદ્ર હતો તેવા ચિહ્નો સાંપડે છે. સ્થાનિકલ દંતકથાઓમાં અને મધ્યકાલિન સમયે લખાયેલી સચિત્ર હસ્તપ્રતમાંથી પુરાવા સાંપડે છે. પુરાતત્વના સમયે વિદ્વાનોએ રીમોટ સેન્સીંગ ડેટાનો અભ્યાસ કરી ઉપગ્રહીય તસ્વીરો લઈ આ બાબતોની ચકાસણી કરી પુરવાર પણ કર્યું છે. સ્કંદ પુરાણ પાતાલનગર આબુ પર્વત નજીક હતુ તેવો નુર્દેશ આપે છે. પાતાલનગરમાં જવું મુશ્કેલ હતું કેમ કે અરવલ્લીના પર્વતો, જંગલો, હિસંક પશુઓનો ભય વગેરે કારણે જઈ શકાતુ ન હતું. પાતાલનગર જવાના સ્કંદ પુરાણે બે માર્ગો દર્શાવ્યા છે (1) ઉત્તરમાંથી આબુ પર્વતના માર્ગે અને (2) પશ્ચિમમાં જ્યાં સિંધુ અને સરસ્વતીના જળપ્રવાહો સમુદ્રને મળતા હતા બે નદીઓનાં માર્ગે આ પ્રવેશ અધોભૂળન-પાતાલ લોક કહેવાતા હતા. જ્યાં વેદકાલીન નાગ-પ્રજા આવીને વસેલી જે સમુદ્રકાંડ બંદરો હીરા વિદેશો સાથે વેપાર કરતી હતી.

પાલનપુરમાં પાતળેશ્વરનું શિવાલય નાળોમાં ઈષ્ટદેવ છે જે પાતાલનગરનો પુરાવો પણ જોવા મળે છે. નાગોની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતિક એવા નાગ પ્રતીકો પાતલેશ્વરમાં બચી ગયેલા આજે પણ જોવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ભુસ્તરીય ભૌગોલીક અને પુરાતક્ષીય આધારો આપી આ ખોવાઈ ગયેલા નગરનું એડડસ પગેરૂ શોધી કાઢ્યું છે. લોથલ એક બંદર હતું લોથલથી સમુદ્ર આજે કેટલો દુર થઈ ગયો ? એવું જ પાતાલનગર વિશે બન્યું છે. નાશ પામેલા અવશેષો પર કરી પ્રહલાદનગર પાલનપુર વસ્યુ હોવાથી આ પ્રાચીન નગરના પુરાવા પણ નાશ પામી ગયા એટલે જ હજી સુધી શોધાતું ન હતું. હાલનું નવાબનું પાલનપુર અગાઉ રાજા પ્રહલાદ દવે વસાવેલું પ્રહલાદનગર હોવાના ઈતિહાસ વચ્ચે હવે વૈદિક કાળમાં અહીં પાતાલનગર હોવાનું પુરવાર કરતું સંશોધનમાં પ્રસ્તુત પ્રસિધ્ધ કરીને પ્રો. યશવંત રાવલે પીઢ ઈતિહાસ વિદોને પણ વિચારતા કરી મુક્યા છે.

નોન સ્ટોપ 30 કિ.મી. દોડતો ગુજરાતી બુધિયો

By ENN,
મેઘરજ,
સાત વર્ષ પહેલાં લોરેન્સ ડામોર નામના સૈનિકને ત્યાં જન્મ લેનાર માઈકલ નામનો ગુજરાતી બાળક ઓરિસ્સાના જાણીતા દોડવીર બુધિયા જેટલી જ દોડવાની ક્ષમતા ધરાવે છે. સાબરકાંઠા જિલ્લાના જેસીંગપુર નામના ખોબા જેવડા ગામમાં રહેતો દોડવીર માઈકલ હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાળક રોજ કોઈપણ જાતના વિશ્રામ વગર સતત 30 કીમી દોડે છે. દોડનું લક્ષ્યાંક પૂરું થયા પછી માઈકલને હાંફ ચઢતી નથી, દોડ દરમિયાન પાણી પણ માગતો નથી. ત્રણ વર્ષનો હતો ત્યારથી જ માઈકલને તેના સૈનિક પિતાએ દોડવાની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. પ્રેક્ટીસ દરમિયાન જ પુત્ર અસાધારણ પ્રતિભા ધરાવતો હોવાનો ખ્યાલ આવી જતાં પિતા લોરેન્સે માઈકલ પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. લોરેન્સે જ્યારે ભોપાલ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે માઈકલની આ વિશિષ્ઠતાને બિરદાવવા મધ્યપ્રદેશના રાજ્યપાલે તેનું સન્માન પણ કર્યું હતું.

અમદાવાદના 12,000થી વધુ હેરિટેજ મકાનો જોખમમાં

અમદાવાદના હેરિટેજ વિભાગ પાસે કોઈ માહિતી નથી

By ENN,
અમદાવાદ,
અમદાવાદની પોળમાં આવેલા હેરિટેજને સાચવવા માટે રાખવામાં આવેલા મ્યુનિ. ના હેરિટેજ ડિપાર્ટમેન્ટ પાસે હેરિટેજ મકાનો વિશે કોઈ વિગતો જ કે સત્તા ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં અમદાવાદમાં કોઈપણ જુનું હેરિટેજ મકાન તૂટે કે વેચાય તેની કોઈ જાણ હેરિટેજ વિભાગને હોતી નથી. અમદાવાદના શોભાના ગાંઠિયા જેવા હેરિટેજ ડિપાર્ટમેન્ટનો આ બાબતે સંપર્ક કરાતાં તેમણે શહેરના 12,000થી વધુ હેરિટેજ મકાનોની વિગત હોવાનું જણાવ્યું હતું જોકે આજ વિભાગે આરટીઆઈ અરજીમાં આવી કોઈ માહિતી ન હોવાનો એકરાર કર્યો છે.

રાજ્યમાં આવેલા હેરિટેજને બચાવવા માટે ગુજરાત સરકારે બે વર્ષ પહેલા ગેઝેટમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત હેરિટેજ રેગ્યુલેશન્સને લિસ્ટ કરવામાં આવ્યા હતાં. આ રેગ્યુલેશન્સમાં હેરિટેજની અંદર આવતા કોઈપણ મકાન કે મિલકતના રીપેરિંગ કે રીડેવલપમેન્ટ માટે જે તે સત્તાની મંજૂરીની વાત કરવામાં આવી હતી. આ માટે જે તે સ્થાનિક સત્તાએ સરકાર દ્વારા નિયુક્તિ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનો અભિપ્રાય લઈને કાર્યવાહી કરવાની વાત હતી. હેરિટેજને કોમર્શિયલ કામની મંજૂરીથી લઈને તેની સાચવણી અંગે વિવિધ ઈન્સેન્ટીવની વાત પણ તેમાં કરવામાં આવી હતી. જોકે ગેઝેટમાં આ બાબત પ્રકાશિત થયાને બે વર્ષ બાદ આજે અગિયાર સભ્યોની હેરિટેજ કમિટીના કોઈ ઠેકાણા નથી, જેથી અમદાવાદની પોળ સંસ્કૃતિ સામે ભારે જોખમ ઊભું થયું છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિ. ના હેરિટેજ પ્રોગ્રામના એડવાઈઝર દેબાશિષ નાયકને પૂછાતાં તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતાં. તેમણે જ્ણાવ્યું હતું કે, અમે પોળના મકાનોની સાથે સાથે આખી સંસ્કૃતિ બચાવવા પ્રયત્નશીલ છીએ. પોળમાં આજે કોઈ છોકરી આપવા તૈયાર નથી તે વાતને અમે બદલવા માંગીએ છીએ. કેટલાંક કુટુંબો પોળ છોડીને જવાના હતાં. પણ અમારા પ્રયત્નોને કારણે તેમને હવે પોળમાં રહેવું ગમે છે. દેબાશિષ નાયકને હેરિટેજ વિભાગની સત્તાએ અંગે પૂછાતાં તેમણે જ્ણાવ્યું કે, અમારી પાસે કોટ વિસ્તારના 60,000 મકાનોમાંથી 12,000 મકાનોની વિગતો છે. મ્યુનિ. એ આ મકાનો હેરિટેજ મકાનો છે. આ મકાનોના રિપેરીંગની અરજી આવે ત્યારે અમે તેની સ્ક્રૂટીની કરીએ છીએ. પોળમાં તૂટતા જતાં મકાનો અંગે હેરિટેજ વિભાગ શું કરે છે તેવું પૂછાતાં તેમણે જ્ણાવ્યું હતું કે, લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છીએ. આ વિશે સરકારે હેરિટેજ નીતિ બનાવી છે તેનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે. આ નીતિ હેઠળની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જો સક્રીય બને તો જ હરિટેજ જાળવણી અંગે મજબૂત પગલાં લઈ શકાય તેમ છે.

મ્યુનિ. ના હેરિટેજ વિભાગની બે મોંઢાની વાત

અમદાવાદ,
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેરિટેજ વિભાગની સત્તાઓ અંગે થોડા સમય અગાઉ એક જાગૃત નાગરિકે રાઈટ ટુ ઈન્ફર્મેશન હેઠળ અરજી કરતાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. અરજીના જવાબમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં કેટલી હેરિટેજ બિલ્ડિંગો છે તેની માહિતી ન હોવાનો મ્યુનિ. એ સ્વીકાર કર્યો છે. હેરિટેજ મકાનો કેટલા વર્ષ જૂના છે, તેના માલિકો કોણ હતાં, છેલ્લા 3 વર્ષમાં થોડા સમય પહેલાં મ્યુનિ. ઝોનમાં કેટલા હેરિટેજ મકાનો ખરીદાયા, વેચાયા, ખરીદનારના નામ વગેરે કોઈ વિગતો હેરિટેજ વિભાગ પાસે નથી. હેરિટેજના મકાનોને તોડી પાડવાની જાણ પણ હેરિટેજ વિભાગને કરાતી ન હોવાનો વિભાગે સ્વીકાર કર્યો છે. આમ મ્યુનિ. ના એક જ વિભાગના બે અધિકારીઓ અલગ-અલગ વાત કરી રહ્યા છે.

કદાચ સમગ્ર વિશ્વમાં એકમાત્ર બહુચરાજી મંદિરને ''ગાર્ડ ઓફ ઓનર'' અપાય છે.

દેશભરમાં એકમાત્ર ગુજરાતના મંદિરની અનોખી પરંપરા: 240 વર્ષોથી ચાલી આવતી રસમ

By ENN,
અમદાવાદ,
સમગ્ર દેશમાં એકમાત્ર ઉતર ગુજરાતમાં આવેલું બહુચરાજી માતાનું મંદિર આવેલું છે કે, જેમાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પોલીસ દ્વારા આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં બે વાર માતાજીની પ્રતિમાને નજીકના શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યારે પણ માતાજી માટે ભરી બંદુકે પોલીસને ચોકી પહેરો ગોઠવાયેલો હોય છે. રાજા રજવાડાંના જમાનામાં જે પ્રકારનું માનસન્માન રાજા મહારાજાને અપાતું હતું તે જ પ્રકારનું સન્માન આજે પણ બાલા બહુચર ગણાતી મા બહુચરાજીને આપવામાં આવે છે.

સામાન્ય રીતે દર વર્ષે ચૈત્રી પૂનમે તથા આસો મહિનાની પૂનમે માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપીને શંખલપુર ગામે લઈ જવાય છે. ત્યાં રાત્રીના એક દોઢ વાગ્યા સુધી માતાજી શયનખંડમાં વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો વિશ્રામ કરે છે અને તે પછી ત્યાંથી ભક્તો સાથે પરત ફરે છે. એવી દંતકથા પ્રવર્તે છે કે, માતાજીએ આ વિસ્તારના લોકોને પજવાતા બગાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યાર બાદ શંખલપુર ગામ ખાતે વિશ્રામ કરવાની પરંપરા સર્જાઈ છે.

માતાજીની બાદીના દસ મહિનાની દસેય પૂનમે તેમજ ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રીની આઠમે પાલખી નીકળે છે. જે ગામમાં પ્રદક્ષિણા કરીને માન સરોવર ઉપરથી પરત ફરે છે. તેવી જ રીતે દશેરાનાં દિવસે માતાજીની પાલખી નજીકમાં આવેલા બેચર ગામના એક શમીના વૃક્ષ સુધી લઈ જવાય અને ત્યાંથી મોડેથી પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વડોદરામાં વડોદરાનાં મહારાજનું રાજ અને આણ પ્રવતર્તી હતી, તે પહેલાં એટલે કે, છેલ્લા 240 વર્ષથી માતાજીને ગાર્ડ ઓફ ઓનર દ્વારા માન-સન્માન આપવાની ઐતિહાસિક ભવ્ય પરંપરા ચાલી આવે છે.

પતંગ ચડાવવી એટલે બિનજામીની ગુનો !


By ENN,
ફટાકડાની સીઝન પૂરી... પતંગ ચગાવવાની મોસમ ઢૂકડી છે. ગુજરાતમાં તો મકરસંક્રાંતિ પાછળ પ્રજા ઘેલી છે પણ ચેન્નઈમાં આવું ઘેલાપણું જેલભેગા કરી શકે છે. હા, ચેન્નઈમાં રહેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવી એ બિનજામીન ગુનો બનશે, પતંગ દોરાથી સર્જાતા જોખમો ધ્યાને લેતા સલામતી ખાતર રૂ. 1000નો દંડ અને ત્રણ માસ સુધીની કેદ સુધી જોગવાઈ કરી છે.

કાચની ભૂકીથી પાયેલા દોરાનો ઉપયોગ કરનાર સામે પણ આવી સખત કાર્યવાહી કરવાનો હુકમ પોલીસે બહાર પાડ્યો છે. આમ તો વર્ષ 2007 થી જ ચેન્નઈમાં જાહેરસ્થળો પર પતંગ ઉડાવવા સામે પોલીસે પ્રતિબંધ લાદેલો છે. પણ અત્યાર સુધી માત્ર 150 રૂપિયાનો દંડ વસૂલી ગુનેગાર ને છોડી મુકાતો હતો હવે નવા કાયદા મુજબ પોલીસ માંજા વેચનારાને ત્યાં દરોડા પાડીને ધરપકડ પણ કરી શકાશે.

દેશના 300 ભયજનક શહેરોમાં ગુજરાતનાં સુરત અને જામનગરનો સમાવેશ
By ENN,
અમદાવાદ,
ભારતના 300 જયજનક શહેરોની યાદીમાં રાજ્યના સુરત અને જામનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી આઈ.એ.એસ. અધિકારીની બેઠકમાં ગુજરાતના બે શહેરોની પસંદગી કરવામાં આવ્યાની માહિતી જિલ્લા કલેકટરાલયમાંથી પ્રાપ્ત થઈ છે.

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકમાં સુરતના કલેકટર દિલીપ રાવલ અને જામનગરના કલેકટર હાજર રહ્યા હતા. પહોંચી વળવા એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો.

કુદરતી, કૃત્રિમ કે અકસ્માતના કારણે આવનારી આફતો ધરાવતા દેશના 300 શહેરોમાં સુરતની પણ ગણતરી કરવામાં આવી છે. સુરત શહેરના નજીક આવેલા હજીરા ઔધોગિક એકમોમાં ગેસ સહિતના જવલનશીલ ઉત્પાદનો ઉપરાંત જિલ્લાના અણુમાલા ખાતે કાર્યરત અણુ ઉર્જા મથક, નેશનલ હાઈવે નંબર-8 ઉપર અમદાવાદ- મુંબઈ- દિલ્હી વચ્ચે ચાલતા ટ્રાન્સ-ર્પોટેશનમાં વહન થતા ઉત્પાદનો તાપીમાં દર ચાર વર્ષે આવતું પુર, દરિયા કાંઠાની સહિતની સમસ્યાઓને સાંકળીને સુરતનો ભયજનક શહેર તરીકે સમાવેશ કરાયો છે. સુરતનો ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી છે. સુરતના હજીરાપટ્ટામાં આવેલા મહાકાય ઓ.એન.જી.સી., ગેઈલ, સેલ, રીલાયન્સ સહિતના એકમોને કારણે ગમે ત્યારે કુદરતી કે કૃત્રિમ હોનારત સર્જાઈ શકે હજીરાના દરિયા કાંઠાને કારણે ગમે ત્યારે તોફાનો આવી શકે તથા દરિયાઈ સવારી વધવાના કારણે કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

નેશનલ હાઈવે આંઠ પર મુંબઈ-અમદાવાદ વચ્ચેના વાહન વ્યવહારમાં ગેસ, પેટ્રોલ, કેમીકલ સહિતનું ટ્રાન્સર્પોટેશન પણ હોનારતનું કારણ બની શકે તેમ છે. જ્યારે જિલ્લાના કાકરાપાર ખાતે અણુ ઉર્જા એકમમાં કુદરતી કે માનવ સર્જીત પ્રકોપની શક્યતાઓ બેઠકમાં દર્શાવાઈ હતી. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જામનગર પણ સામ્યતા ધરા છે. જામનગરનો દરિયા કાંઠો, રીલાયન્સનું પેટ્રો કેમીકલ એકમ સહિતના મુદ્દાઓને જોતા જામનગરને પણ ભયજનક શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સુરત અને જામનગરમાં કુદરતી કે કૃત્રિમ આપત્તિ સમયે જિલ્લા વહીવટી તંત્ર આપતકા0લિન સમસ્યાને પહોંચી વળે તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિને પહોંચી વળવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં પર્યાવરણના તજજ્ઞો, ડીઝાસ્ટર મેનેજમેન્ટના જાણકારો, પ્રોફેસરો, એન.જી.ઓ., મહાપાલિકા અને અણુ ઉર્જાના નિષ્ણાંતો જાનહાનિ અને મિલકતના નુકસાનને તત્કાલીન અટકાવવાની કામગીરી કરવા સાથે તેના અભ્યાસો કરાવવાની કામગીરી કરશે. પૂર, આગ, ભૂકંપ કે ઉદ્યોગોમાં આકસ્મિક ઘટના સંદર્ભે કોઈપણ પ્રકારની કામગીરીને પહોંચી વળવા તૈયાર રહે એ માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ઇગ્નો (ઈન્દિરા ગાંધી આપતકાલીન તાલીમ સંસ્થા) દ્વારા તાલીમ સાથે તેના ઉપાયો આપશે. તત્કાલીન કામગીરી માટેની જરૂરિયાત અને આધુનિક ઉપકરણો ચલાવવાનું પણ ઈગ્નો દ્વારા કામ કરવામાં આવનાર હોવાથી સુરતીઓએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

Thursday, December 3, 2009

ફરવાના શોખિન ગુજરાતી!
ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ક્યારે વાઈબ્રન્ટ થશે ?

By ENN,
'આઈયે સા'બ, હમારા હોટેલ બઢિયા લોકેશન પર હૈ, ગુજરાતી થાલી ભી મીલેગી... આઈયે, હમારે હોટેલ મેં ઠહરિયે.....'

સિમલા, કુલુ, કેરાલા, જલપાઈગુડી, જમ્મુ જ્યાં પણ જાવ ત્યાં ગુજરાતીને જોઈએ ત્યાંના હોટેલ એજન્ટો ઘેરીવળે. ભારતનું ટુરીઝમ વાઈબ્રન્ટ છે. વખાણાય છે. ફરવાના સ્થળો ઢગલાબંધ છે. આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની 62 ટકા જેટલી કમાણી માત્ર ગુજરાતીઓ થકી છે. આખા ભારતમાં ગુજરાતીઓ જેટલા રૂપિયા ખર્ચે છે. તેટલા રૂપિયા એક રાજ્યના લોકો ફરવા પાછળ ખર્ચતા નથી. હા બીજા નંબરે આંધ્રપ્રદેશના લોકો આવે.

ગુજરાતીઓ ફરવાની શોખિન કેમ? આનો જવાબ નથી. બસ, વર્ષમાં એકાદ વખત ફરવા જવાનું એટલે પાછા શોખિન પણ કેવા કે, જ્યારે સિમલા ફરવા જવા માટે પેકીંગ ચાલતું હોય ત્યારે આવતા વર્ષનું આયોજન કરતા જાય.... આવતા વખતે તો કેરાલા જ જવું છે, એ જોયું નથી. ભઈ, આ વખતનું કરો ને!! હિમાચલમાં સિમલા, કુલુ, મનાલી, ડેલહાઉસી, નૈનિતાલ, રોહતાંગ, ઉતર ભારતમાં કાશ્મીર, જમ્મુ, કટરા, વૈષ્ણોદેવી, પહેલગાંવ, પંજાબમાં અમૃતસર, વાઘા બોર્ડર, સિટીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, મૈસુર અને બેંગ્લોર દક્ષિણમાં કેરાલામાં મુનાર, ઠેકડ્ડી, કોચી, ઉટી, ઉતરાખંડમાં ગંગોત્રી, હરિદ્વાર, ઋષિકેશ, ગઢવાલ, આસામમાં જલપાઈગુડી, ગંગટોક, સીલીગુડી, મધ્યપ્રદેશમાં પંચમઢી, ગ્વાલીયર, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, બિકાનેર, જોધપુર, પેલેસ ઓન વ્હીકલ, મહારાષ્ટ્રમાં મુંબઈ સીવાય મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિરડી, નાસિક, ગોવા સહિતના સ્થળોએ ગુજરાતીઓ છવાયેલા છે, અહીં જે સ્થળના નામો છે, તે પૂરા પચાસ ટકા પણ નથી! એટલે ગુજરાતીઓનો વ્યાપ માપી લેજો. મે મહિનો અને દિવાળીના લોકેશનમાં ગુજરાતમાં ટકે એ ગુજરાતી શેના? હા, ઘણા શોખિનો મોડો પ્લાન કરે ત્યાં ટ્રેન, એર બુકિંગ પેક થઈ ગયું હોય જે પેક થયું હોય, એમાં પણ મોટાભાગના ગુજરાતીઓ જ !!

ગુજરાતીઓ વધારે બહાર ફરવા શા માટે જાય છે ? તેના લોજિકલી બે કારણો છે. એક તો ફરવાનો શોખ પણ બીજું મહત્વનું કારણ છે. ગુજરાત સરકારની ગુજરાત ટુરિઝમ પ્રત્યેની ઉદાસીનતા. જો ગુજરાતમાં જ સારી રીતે ટુરિઝમ ડેવલપ થયું હોત તો ગુજરાતીઓએ બહાર જવાની જરૂર ન પડત. બીજા રાજ્યોની જેમ ગુજરાત ટુરિઝમ ફરવાના સ્થળોનું લાંબુ લચક લિસ્ટ બનાવી શકે તેની વિશેષતા બતાવી શકે તેવી કેપેસિટી (અથવા દાનત) ગુજરાત ટુરિઝમ વિભાગની નથી. આ બધામાં એક સવાલ ધારદાર તીર જેવો છે કે, ગુજરાતીઓ જેમ બીજા રાજ્યોમાં દર વર્ષે ફરવા જાય છે, તેમ બીજા રાજ્યોના લોકો ગુજરાતમાં કેમ ફરવા આવતા નથી. હા, આવતા હશે, પણ વર્ષે કેટલીકવાર ? કેટલી સંખ્યામાં ?

હિમાચલ હોય કે તમિલનાડુ, મહારાષ્ટ્ર હોય કે આસામ ફરવાના સ્થળોએ ગુજરાતી થાળી નહીં મળતી હોય, એવું નહીં ગુજરાતીઓને આર્કષવાના જ આ પેંતરા છે, બાકી એ હોટલમાં જમો તો દાળ-ભાત ત્યાંની સ્ટાઈલમાં જ બન્યા હોય ! પણ એક વાત ખરી કે, ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોઈ જાતની માથાકૂટ નથી કરતા. એના કારણે ભારતમાં પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓને માનથી જોવાય છે. એ લોકોને એટલો વિશ્વાસ ચોક્કસ છે કે, ગુજરાતીઓ છેતરાશે પણ છેતરાશે નહીં !!

ભારતના પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓનું એટલું વર્ચસ્વ છે કે, ત્યાંના લોકો પણ ત્રૂટક ત્રૂટક ગુજરાતી શિખી ગયા છે. ગુજરાતીઓને જે રીતનું અંગ્રેજી આવડે, એ રીતનું એ લોકોને ગુજરાતી આવડે ! સમજી શકે, બોલી શકે નહીં. ગુજરાતીઓ આકર્ષાય એવું નામ રાખે છે. એના કરતાં પણ મોટી વાત એ છે કે, ગાંધીના ગુજરાતના ગુજરાતીઓ હંમેશા નોનવેજથી દૂર રહ્યા છે. ગોવા, આંધ્રપ્રદેશ, એમપી કે બીજા સ્થળોએ જ્યાં પણ ગુજરાતીઓ જાય આઈટમ મળે છે.... શુધ્ધ શાકાહારી ભોજન... ગુજરાતીઓના વિશ્વાસની વાત નીકળી છે તો નાનામાં નાનો માણસ ગુજરાતીમાં એવો વિશ્વાસ રાખે છે, કે ફરતાના સ્થળ ઉપર કેમેરા ટીંગાડીને ફરતા ફોટો ગ્રાફરો ફોટો પાડે પછી ગુજરાતીઓને કહે, સા'બ પૈસે કા જલદી નહીં હૈ, ફોટો મીલે તબ ભેજ દેના.....

ગુજરાતીઓ થકી ભારતનું ટુરિઝમ ઉજળું છે, પણ ગુજરાતનું ટુરિઝમ ઉજળું ક્યારે બનશે ?

ક્યાં ચાલી ગઈ ચકલીઓ ?
ચકલીને માળા બનાવવા માટેના સ્થાન કે તેને અનુકૂળ આવે તેવા ખોરાક હવે નથી રહ્યા
ઘરમાં એકાએક ઘૂસી જતી ચકલીને પાછી બોલાવી શકાશે ?

By ENN,
એક સમય હતો કે, ઘરમાં બારણું ખુલ્લું હોય ત્યારે ચકલી આવી જતી અને તે પંખામાં ન આવીને મરે નહીં એટલે આપણે તરત પંખો બંધ કરી દેતા. આજે ઘરના બારણા ખુલ્લા હોય છે. પણ ચકલી નથી લુપ્ત થઈ ગઈ ? એના જવાબમાં એવું કહી શકાય કે, ચકલીઓ લુપ્ત નથી થઈ પણ ઓછી તો થઈ ગઈ છે ! હા, ચકલીને પાછી ઘરે બોલાવી શકાય છે, પણ તેના માટે લોકોએ રસ દાખવવો પડે.

એક સમયે સંખ્યાબંધ ચકલીઓનું ચીં... ચીં... ચીં.... સાંભળવા મળતું, હવે એ સાંભળવા મળતું નથી. ચકલીઓ ઘટી જવાના કારણો ઘણા છે. એક તો અગાઉના સમયમાં ખપેડા, નળિયાવાળા મકાનો હતા. હવે સિમેન્ટના સ્લેબ ભરાય છે. નળિયા અને ખપેડામાં ચકલીઓ માળા બાંધતી. બીજું જૂના ઘરની સિસ્ટમમાં અભેરાઈઓ હતી. લાકડાની અભેરાઈઓ ઉપર તપેલું ઉંધું પડ્યું હોય તો પણ તપેલાની નીચે ચકલીઓ માળા બાંધતી. હવે મોડર્ન મકાનોમાં અભેરાઈઓ રહી નથી. ગઢની રાંગની બખોલની નીચે માળા બાંધતી પણ હવે એટલી સંખ્યામાં ગઢ પણ નથી રહ્યા. હા, એક સમય એવો હતો કે, જૂની સિસ્ટમથી ઘરમાં દીવાલો ઉપર ફોટા ટીંગાતા. નાની ચેઈન કે વાયરથી મોટા ફોટાની પાછળ ચકલીઓ માળા બાંધતી. ફોટાનો ઉપરનો ભાગ નમેલો હોય. આ ફોટા ટીંગાડવાની સિસ્ટમ હવે નથી. ચકલીઓને આપણે સૌથી વધારે માળા બાંધતા જોઈ હોય તો એ છે, ટ્યૂબલાઈટની પટ્ટી. મોટાભાગે ચકલીઓ ટ્યૂબલાઈટની પટ્ટીમાં માળા બાંધતી. હવે નાની લાઈટ સીધી હોલ્ડરમાં ભરાવી દેવાય છે. પટ્ટી સિસ્ટમ પણ ઓછી થઈ એવી રીતે વીજ મીટરના બોક્સમાં સીલ આવવા લાગ્યા. નહીતર વીજ મીટરના બોક્સમાં ચકલીઓ માળા કરતી.

બીજી મુદ્દાની વાત. ચકલીનો મુખ્ય ખોરાક ગણો તો બાજરો, જુવાર, કાંગ કે કમોદ છે, પણ હવે કપાસ અને મગફળીના વધારે વાવેતરના કારણે ચકલીનો મૂળ ખોરાક ઘટી રહ્યો છે, બીજુ ચકલી તેનો માળો જેનાથી બાંધે છે, તે મટીરીયલ તેને ઓછું મળે છે. ઘાસના તણખલા, સૂતળી કે સિંદરીના રેસા, સાવરણીની સળી આ બધાનું પ્રમાણ ઘટતું ગયું છે. ઘાસની વીડી ઓછી થઈ ગઈ છે. સૂતળી અને સિંદરીના બદલે નાઈલોનની દોરી આવી ગઈ છે. ઘરમાં પ્લાસ્ટીકના સાવરણા આવી ગયા છે. સફાઈનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાની નવી પ્રથા ઘરે ઘરે કચરો લેવા જવાની છે. લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બન્યા છે અને તેના કારણે ચકલાંને જે ખોરાક કે માળો બાંધવા મટીરિયલ મળવું જોઈએ તે નથી મળતું.

સવાલ એ આવે કે, શહેરમાં પહેલાં જેમ ચકલી દેખાતી તે હવે જોવા મળતી નથી, તો શું ચકલી લુપ્ત થઈ ગઈ છે ? આ સવાલનો જવાબ એવો છે કે, ના ચકલી લુપ્ત થઈ નથી, ઓછી જરૂર થઈ ગઈ છે. હવે ઘરના પંખીને બચાવવા લોકોએ રસ દાખવવો પડશે.

સુરતમાં ગુજરાતની સૌથી ઉંચી ઈમારત બનશે
500 કરોડની યોજનાઃ 21000 ચો.મી. જગ્યામાં 30 માળ બંધાશે
30 મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનાવવાનું આયોજન


By ENN,
સુરત,
વિકાસને નવી દિશા અત્યારે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ ઉધના ખરવરનગર જંકશન પર ગુજરાતની સૌથી ઉંચી ઇમારત બનાવવાની રૂ. 500 કરોડની મહાત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. બીઆરટીએસ કોરીડોરના બે મુખ્ય રૂટ જ્યાં ભેગા થાય છે એ ખરવરનગર જંકશન પર 21 હજાર ચોરસમીટર જગ્યામાં સુરતના આઈકોન તરીકે ઉપસી આવે એવી 30 માળની ઇમારત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે આ પ્રોજેક્ટમાં આગળ વધવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે સરથામણી ડુમસ રીસોર્ટ અને ઉધના દરવાજાથી સચીન સુધી બીઆરટીએસ કોરોડોર પર કામ ચાલી રહ્યું છે. ખરવરનગર જંક્શન શહેરના ઔધોગિક અને કોર્મીશિયલ સેન્ટરની બરોબર મધ્યમાં આવેલું છે. શહેરની કાપડ માર્કેટ અહીંથી ખૂબ નજીક છે. યુનિવર્સિટી તથા સચીન અને પાંડેસરના ઔદ્યોગિક કેન્દ્રો પણ નજીક છે. ખરવરનગર જંક્શન પર બીઆરટીએસ કોરીડોરના બે રૂટ ભેગા થાય છે. અહીં સુરતના આઈકોન તરીકે ગણી શકાય એવી 100 મીટર ઉંચી એક ઈમારત અને 40 મીટર ઉંચી બે ઈમારત બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ જગ્યાનો યોગ્ય ઉપયોગ ઉભી કરી રાજ્યની સૌથી ઉંચી ઈમારત ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. યોજના માટે જમીન મનપાની રહેશે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ પીપીપી ધોરણે હાથ ધરાશે. પ્રાથમિક અંદાજ મુજબ આ યોજના પાછળ રૂ. 500 કરોડનો ખર્ચ થવાની ધારણા છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું કે, ત્રણ પૈકી બે ઈમારત સંપૂર્ણપણે કોર્મિસયલ રહેશે. ત્રણે ઈમારત સુરતના કાપડ અને હીરા ઉદ્યોગના કન્સેપ્ટને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ત્રણે ઈમારતનું એલીવેશન કાચનું રહેશે. કાપડના સળની જેમ ઈમારત ડિઝાઈન કરવામાં આવશે. ખરવરનગર જંક્શન પર તૈયાર થનારી ઈમારતના 30મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનશે. રાતના સમયે આ રેસ્ટોરન્ટ હીરાની જેમ ચમકશે. અહીં એમ્ફિ થિયેટર, આર્ટ ગેલેરી, કોર્મિસયલ સેન્ટર, લાઈબ્રેરી, પાર્ક, ગ્રીન સ્પેસ, વોક વે, ફુવારા, પાર્કીંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.

ડીસીઆરના નિયમો મુજબ સુરતમાં મહત્તમ 40 મીટરની ઉંચાઈ સુધી જ બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. સુડાના રીવાઈઝ વિકાસ નકશામાં પરગટ થયેલા ડીસીઆરના નિયમ અનુસાર 40 મીટર કરતાં વધુ ઉંચાઈના બાંધકામ માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. ખરવરનગર જંક્શન પર 100 મીટર ઉંચી 30 માળની બિલ્ડીંગ બનાવવા માટે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ રાજ્ય સરકારની મંજૂરી લઈ લીધી છે. મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ રાજ્ય સરકાર તરફથી આ યોજનામાં આગળ વધવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી બાદ હાલમાં પેપરવર્કની કામગીરી ચાલી રહી છે. પેપરવર્ક પુરૂં થયા બાદ એક્સપ્રેશન ઓફ ઇન્ટરસ્ટ મંગાવવામાં આવશે.

મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે
By ENN,
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ અને ધારણા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકાર રચાઈ ત્યારે સ્વાભાવિક રીતે આપણા મગજમાં પ્રશ્ન ઊઠે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગુજરાતીઓનું સ્થાન શું છે? મુંબઈ અને મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે એ તબૂલ કરવું રહ્યું.

1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો છૂટા પડ્યા ત્યારે તે વખતે સ્વ શ્રી. યશવંતરાવ ચૌહાણે મહારાષ્ટ્રના ગુજરાતીઓને હૈયાધારણ આપી હતી કે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં કમ સે કમ એક ગુજરાતી કેબિનેટ પ્રધાન તો રહેશે જ! એ સમયે મુંબઈ કોંગ્રેસમાં ગુજરાતીઓનું વર્ચસ્વ હતું અને મુંબઈ-મહારાષ્ટ્રના ગુજરાતીઓ રાજકારણમાં આગળ પડતું સ્થાન ધરાવતા હતા. મહારાષ્ટ્રની સ્થાપના થયા બાદ મહારાષ્ટ્ર વિધાન સભાની પ્રથમ ચૂંટણી 1962માં થઈ ત્યારે અનેક ગુજરાતીઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા એ સમયે મુંબઈ મહાનગર પાલિકામાં ગુજરાતીઓનો ડંકો વાગતો હતો અને મુંબઈના મેયરપદે ગુજરાતીઓની વરણી સામાન્ય બાબત હતી.

1967ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની 24 સીટો હતી તેમાંથી 13 સીટો પર ગુજરાતીભાષી ઉમેદવારો જીત્યા હતા. એ એક નોંધપાત્ર બાબત હતી. પણ પછી 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી ધીમે ધીમે દૂર થવા લાગ્યા. 1972ની વિધાનસભામાં મુંબઈની સીટો વધીને 28 થઈ પણ મુંબઈમાંથી માત્ર ત્રણ જ ગુજરાતીઓ જીત્યા! ગુજરાતી પ્રતિનિધિત્વમાં આવેલી આ ઓટ ખરેખર આંખે વળગે એવી હતી. શ્રી યશવંતરાવ ચવ્હાણે આપેલી એક કેબિનેટ ગુજરાતી પ્રધાનની હૈયાધારણ 1975માં મુખ્ય મંત્રી બન્યા બાદ એક ગુજરાતીને કબિનેટ મંત્રી નો દરજ્જો ન આપતા રાજ્યમંત્રીપદનો ઓફર કરી અને એ ગુજરાતી ધારાસભ્યે સહર્ષ એનો સ્વીકાર કર્યો, ત્યારથી તે છેક આજ સુધી (માત્ર 1978થી 1982નો સમય બાદ કરતા) કોઈ મુંબઈના ગુજરાતીને કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો નથી.

હવે આ સમયની ચૂંટણીનાં પરિણામો જૂઓ! ગુજરાતીઓનું સ્થાન ક્યાં છે? કોણ ગુજરાતી મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શકે અમે છે! કોઈ ગુજરાતીને ડેપ્યુટી મિનિસ્ટર બનાવવો હોય તો પણ કોની પસંદગી કરવી એ માથાનો દુખાવો બની શકે એમ છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની આ કંગાળ રાજકીય પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? આપણે માત્ર એટલું જ કહી શકીએ કે મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી તદ્દન વિમુખ થઈ ગયા છે અને મુંબઈમાં ગુજરાતીઓનો કોઈ આગેવાન સમ ખાવા પૂરતો પણ રહ્યો નથી!

ગુજરાતી સમાજો રચવાથી કંઈ ગુજરાતીઓના આગેવાન નથી થઈ જવાતું. થોડા સમય પહેલા હું એક ગુજરાતી સમાજના કાર્યક્રમમાં ગયો હતો. મનોરંજન કાર્યક્રમ કે ભોજન સમારંભ વગર ગુજરાતીઓ એકત્ર થતા નથી એ એક હકીકત છે. આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજના 'બિઝનેસમેન' પ્રમુખે, કારણ વગર કહ્યું કે જો ગુજરાતીઓ એકત્ર નહીં થાય તો રાજ ઠાકરે ગુજરાતીઓને પણ મુંબઈમાંથી બહાર હાંકી કાઢશે? આવા હાસ્યાસ્પદ વિધાનો કરી એ પ્રમુખશ્રી જો એમ ધારતા હોય કે આવો ડર બતાવી તે ગુજરાતીઓના નેતા બની શકશે તો તેમના પર દયા આવે છે! આવું કદી શક્ય જ નથી કારણ કે વાસ્તવમાં ગુજરાતીઓ મુંબઈનું અભિન્ન અંગ છે. રાજકારણક્ષેત્રે ભલે ગુજરાતીઓ પાછળ પડી ગયા હોય પણ આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં ગુજરાતીઓ આગળ પડતું સ્થાન ભોગવી રહ્યા છે. મુંબઈના ગુજરાતીઓને અત્યારે જરૂર છે એક સમજદાર લીડરશીપની જે ગુજરાતીઓને મુંબઈના, મહારાષ્ટ્રના અને સમગ્ર દેશના રાજકીય વાતાવરણથી વિમુખ થતાં જતાં બચાવે. મુંબઈના ગુજરાતીઓએ વર્તમાન રાજકીય પ્રવાહમાં ભળીને રાજકારણક્ષેત્રે પોતાનું ગુમાવેલું સ્થાન ફરી પ્રાપ્ત કરવું જ રહ્યું.