Wednesday, July 22, 2009

ભાવનગરના રાજવીને વરસાદના આંકડા પોસ્ટકાર્ડથી અપાતા!

By ENN,
ભાવનગર,
આજે ઇન્ટરનેટ અને સેલફોનના જમાનામાં દુનિયાભરના સમાચારો એ જ ક્ષણે દુનિયાના કોઇપણ ખૂણે બેઠા જાણી શકાય છે, પરંતુ સંદેશા વ્યવહારના આટલા આધુનિક સાધનોનો જન્મ પણ નહોતો થયો ત્યારે ભાવનગર સ્ટેટમાં વરસાદના વાવડ પોસ્ટકાર્ડથી આપવાનો કાયદો હતો.

તા.1 જુલાઇ 1921ના રોજ ઘડાયેલ કાઉન્સીલ ઠરાવ રજી.નં. 289નો ઠરાવ તા. 8 જુલાઇ 1921ના રોજ, ભાવનગર સંસ્થાનના જાવક નંબર 1333થી રાજ્યના તમામ મહાલોમાં અમલ થવા માટે મોકલવામાં આવેલો.

ભાવનગરના દરબારી કોઠાર ખાતે કાર્યરત જિલ્લા દફતર ભંડારમાં સચવાયેલા આ ઠરાવનો અભ્યાસ કરતાં રાજવીને વરસાદના વાવડ જાણવાની કેટલી ઉત્કંઠના હતી અને તે માટે નિયમ ઘડીને કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કુલ છ સૂચનાઓ ધરાવતા ઠરાવમાં મહાલના કસ્બામાં જ્યાં જ્યાં રેનગેજ (વરસાદ માપવાનું સાધન) મૂકેલા છે ત્યાંના ખબર રોજે રોજ પોસ્ટકાર્ડથી નેક નામદાર દરબારશ્રીની હાજરમાં, આજમ વસુલાત અધિકારીને, આજમ મુખ્ય વકીલ (રાજકોટ)ને તથા આજમ પ્રાંત વકીલ (સોનાગઢ)ને મોકલવા મહાલના આજમ વહીવટદારને જણાવાયું છે. પોસ્ટકાર્ડમાં લખી મોકલવાની વિગતોનો પમ નિયત નમૂનો તેઓને આપવામાં આવ્યો હતો.

વરસાદનું માપ સવારે 8 વાગ્યાથી બીજા દિવસ સવારે 8 વાગ્યાથી બીજા દિવસ સવારે 8 વાગ્યા સુધીના ચોવીસ કલાકનું લેવું, તેવું પમ સ્પષ્ટ માર્ગદર્શન આ ઠરાવમાં છે.

જે દિવસે વરસાદ હોય તે જ દિવસના સમાચાર આ રીતે પોસ્ટકાર્ડથી આપવા, વરસાદ ન હોય તો સમાચાર આપવાની જરૂર નથી એવી સૂચના પણ આ ઠરાવમાં અપાઇ છે. પોસ્ટકાર્ડમાં રીમાર્કમાં વરસાદથી જમીનમાં તરે કેટલો બેઠો? તથા તેની મોલાત પર કેવી અસર થઇ છે તે જણાવવા પણ સૂચવાયું છે.

સૌથી વધુ રસપ્રધ બાબત એ છે કે, કલમ-6માં સૂચવાયું છે કે વરસાદની શરૂ મોસમમાં વાવણી લાયક વરસાદ થતા સુધી અથવા વરસાદ પડી ગયા પછી તણાવ્યું હોય કે જેથી વરસાદની ખબર જણવા ઇન્તેજારી રહે, એવે વખતે એક ઇંચ કે થી વધુ વરસાદ મહાલના કસ્બામાં થાય તો તેના ખબર આગળ દર્શાવેલ ચારે સ્થળે આજમ વહીવટદારે પોસ્ટકાર્ડને બદલે તારથી આપવા.

વરસાદ સંબંધેના ખબર કોણે-કોને-ક્યારે આપવા? એ શિર્ષક તળે થયેલો ઠરાવ મહારાજાની આંતરસૂઝ અને રાજ્યની તમામ ગતિવિધીથી પરિચિત રહેવા માટેની ઉત્સુકતાનું દર્શન કરાવે છે. ભાવનગરના દરબારી કોઠારમાં સચવાઇ રહેલાં સંખ્યાબંધ ગેઝેટસ રાજવીઓની આવી તો કંઇ કેટલાય ક્ષેત્રની દૂરદેશીના જીવંત પ્રમાણ છે.

"ગાંધર્વ યોનિમાં ભ્રષ્ટ કલાકાર છું": ઉપેન્દ્ર ત્રિવેદી

By ENN,અમદાવાદ,સાહિત્યકળાનો સમન્વય, ને રસિકતાનો પુંજ છે,
મદમસ્ત ચાલે મલપતો, માલવપતિ એ મુંજ છે!
રંગભૂમિ હૃદયતખ્તે, અભિનય સમ્રાટ છે,
અણમોલ રત્ન ઉપેન્દ્રની ગૌરવભીની ગુજરાત છે!

કવિ દાદે આ શેર તેમના માટે જ લખ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીને પોતાની ફિલ્મોથી ભવ્ય અને ગૌરવવંતી બનાવનાર અભિનેતા, નિર્માતા અને રાજકીય ક્ષેત્રે અવિરત પ્રવૃતિ કરતા રહેતા ઉપેન્દ્ર ત્રિવેદી ખરેખર જ્ઞાનનો ભંડાર અને અભિનયના શહેનશાહ છે. સાહિત્ય હોય કે પત્રકારત્વ, ગુજરાતી ફિલ્મો હોય કે રાજકારણ, ભવની ભવાઇનું ગાંધી જીવન હોય કે પૃથ્વીવલ્લભના મહારાજા માલવપતિ મુંજ, દરેક ક્ષેત્રની ચર્ચા ઉપેન્દ્રભાઇ બહુ સહજતાથી કરી શખે. આ અભિનય શહેનશાહની મદમસ્ત કલમે આલેખાયેલી આત્માકથા ટૂંક સમયમાં જ પ્રગટ થવાની છે. પરંતુ, આજે તો એમની સાથે કરીએ અંતરંગ મજેદાર વાતો.

મુખ્ય શોખ :- અભિનય અને સાહિત્ય વાચન
પ્રિય સાહિત્યક કૃતિઓ :- પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઇ', દર્શકની 'ઝેર તો પીધા છે જાણી જાણી', ઝવેરચંદ મેઘાણીની 'વેવિશાળ', કનૈયાલાલ મુનશીની 'પૃથ્થીવલ્લભ', ચંદ્રકાંત બક્ષીની 'પેરેલિસિસ'. આ બધી જ નવલકથાઓ મને એટલી ગમે છે કે તેને તખ્તા અને પરદા પર ઉતારવા માટે મારી સર્વસ્ત શક્તિ ખર્ચી નાંખી હતી. આ બધી જ કૃતિઓ મને ખાસ કરીને ઐતિહાસિક, ગ્રામ્ય સંસ્કૃતિની અને મૂલ્યાનિષ્ઠ જીવનના પાઠ ભણાવતી હોવાથી ગમે છે. મુનશીની ઓજસ્વી ભાષા ધરાવતી કથા પૃથ્વી વલ્લભમાં હું બહુ તર્યો છું અને ડૂબ્યો છું. ગુજરાતી ફિલ્મોના મુગટમણિસમાં આ ચિત્રપટને મારી કારકિર્દીની હું શ્રેષ્ઠ ફિલ્મ ગણું છું.

ફેવરિટ સંગીત અને સંગીતકાર :- સંગીતની બાબતમાં ઘણો કાચો છું. એટલે કે હું ગાંધર્વ યોનિમાં એક ભ્રષ્ટ કલાકાર તરીકે મારી જાતને સમજું છું. છતાં પણ લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેના આહૃલાદને માણી શકું છું અને સમજ વધારવા સંગીતના જાણકારોને સાથે રાખું છું. મારો પુત્ર હેમંત ઉત્કૃષ્ટ સંગીતકાર છે તેનો મને ગર્વ છે. પં. ઓમકારનાથ ઠાકુર અને અવિનાશ વ્યાસ મારા પ્રિય સંગીતકારો.

મનગમતી ફિલ્મો :- મધર ઇન્ડિયા, દિલીપકુમારની દેવદાસ, કોશિશ, ટાઇટેનિક, માલવપતિ મુંજ.
પ્રિય લેખકો :- પન્નાલાલ પટેલ, દર્શક, મેઘાણી, મુનશી અને ચંદ્રકાન્ત બક્ષી મારા પ્રિય લેખકો.
પ્રિય કવિઓ :- ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ, અમૃત ઘાયલ. મેઘાણીની 'લાગ્યો કસુંબીનો રંગ' મને બહુ પ્રિય.

મનપસંદ વાનગી :- દાળઢોકળી.
મનગમતું પરફ્યુમ :- સુખડનું અત્તર.
તમારે માટે સ્ટ્રેસ બસ્ટર શું છે? :- ઊંઘ ખેંચી કાઢવી.
પ્રિય પ્રવાસસ્થળ :- હિમાલય બે વખત ત્યાં જઇ આવ્યો છું. હું માનું છું કે એ રસ્તેથી આપણે આર્યો આવ્યા એટલે તેની વિરાટતા, સૌદંર્યની અનુભૂતિ અને ભવ્યતા આપણી અલ્પતા અને પામરતાનું ભાન કરાવે છે. વીકએન્ડ કઇ રીતે વિતાવવો ગમે? મારા માટે વીકએન્ડનું નહીં પણ ઋતુઓનું મહત્વ છે. ઋતુઓમાં આશ્ચર્। અને વિસ્મય પ્રગટ કરવા માટે આપણા પૂર્વજોએ ઉત્સવો રચી આપ્યા છે. એ ઉજવવા બહુ ગમે.
તમારે માટે મનગમતી સાંજ એટલે? :- મંદિરમાં વાગતી ઝાલર, પાછાં વળતાં ગોધણની ખરીઓથી ઊડતી ધૂળ અને પ્રકાશ ને અંધકારની મારામારી.

પ્રેમ એટલે શું? :- ઐક્યસ! જોકે, તેના માટે મને પ્રસિદ્ધ શેર યાદ આવે છે, "યે ઇશ્ક નહીં આસાન, હો ગયા વહી જાને! હૈ આગ કા દરિયા ઔર ડૂબ કે જાના હૈ!!" તમને કેવી જીવનસાથી ગમે? :- જેવી છે તેવી જ મારી પત્ની શારદા. જે હંમેશાં મને અનુકૂળ થઇને જીવે છે અને મારી ચિંતાઓ દૂર કરે છે.
તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે? :- જીવન જ સૌથી મૂલ્યવાન છે. તેની સામે કશાનું મૂલ્ય નથી.
લોકો તમને કઇ રીતે યાદ રાખે તે ગમે? :- આપ મૂઆ ફિર ડૂબ ગઇ દુનિયા... મૃત્યુ પછી જીવન હોય તો આ દુનિયાને ગુમાવ્યાનું દુઃખ જરૂર અનુભવીશ. અહીંના સમુદ્ર, ચારેબાજુ ફરફરતી હવા, નદીઓ અને સંગીતનું ગૂંજન કરતા પક્ષીઓની હારમાળા, દૂરસુદૂર દેખાતાં સુંદર એકલા અટૂલા પર્વતોની હારમાળા.. આ બધું સૌદંર્ય મને મૃત્યુ પછી ક્યાં જોવા મળશે?

કોઇ વ્યસન? :- સત્સંગનું. દરરોજ હું મારી શુભ લાગણીઓને સત્સંગ દ્વારા એક્સચેંજ કરું છું. લોકોની કઇ બાબત તમને નથી ગમતી? :- નાસ્તિકતા. તમારો કોઇ આદર્શ અને આદર્શ વ્યક્તિ? :- ભગવાન શ્રીકૃષ્ણ. માનવમાંથી ભગવાન થવાની પ્રક્રિયા એટલે કૃષ્ણચરિત્ર.

જિંદગીમાં કોઇ ખેદ? :- અત્યારે તો જીવું છું ત્યાં સુધી કોઇ ખેદ નથી. જોકે, હજુ આશાઓ ઘણી છે. "હજારોં ખ્વાહિશેં હૈ ઐસી કે હર ખ્વાહિશ પે દમ નીકલે! બહોત નીકલે મેરે અરમાં, લેકિન ફિર ભી કમ નિકલે!!" એક ખ્વાહિશ એક આયુષ્ય જેટલી છે, તે ક્યારેય પૂરી થતી નથી.
પુનર્જન્મ જેવું કંઇક હોય તો શું બનવાનું પસંદ કરો? :- વિજ્ઞાની. ભ્રમણના સત્યો તારવીને મનુષ્ય જીવનને વધુ સહ્ય બનાવવા માટે મારે વૈજ્ઞાનિક બનવું છે.

કોણ કહે છે, ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો 'એવરેજ' હોય છે?

By ENN,
અમદાવાદ,
સામાન્ય રીતે હવે પોતાને આધુનિક માનતા લોકો ગુજરાતી ભાષામાં ભણતા વિદ્યાર્થીઓને ગામડાના લોકો સમજીને વર્તન કરતા હોય છે. અંગ્રેજી શાળામાં ભણતા જ વિદ્યાર્થીએ હોશિયાર હોય છે, એવી ખોટી માન્યતા તેમના મનમાં ઘર કરી ગઇ હોય છે. અલબત્ત, આજે અમારે તમને મુંબઇની એવી ગુજરાતી શાળાનું ઉદાહરણ આપવું છે કે જેણે એસએસસીનું 100 ટકા પરિણામ મેળવ્યું છે.

ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષાના માધ્યમ દ્વારા કેળવણી આપીને અંગ્રેજી ભાષાને પણ એટલું જ મહત્વ આપતી ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી કાંદિવલીની એમ.કે.એન. ભાટિયા હાઇસ્કૂલે એસએસસીના પરિણામમાં સતત 13મા વર્ષે 100 ટકા પરિણામ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

આ શાળામાંથી 10મા ધોરણના કુલ પંચાવન વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. મજાની વાત તો એ છે કે તમામે તમામ વિદ્યાર્થી સારી રીતે પાસ પણ થઇ ગયા છે. પંચાવનમાંથી પાંચ વિદ્યાર્થીએ તો 90 ટકાથી વધારે ગુણ મેળવ્યા હતા. 31 વિદ્યાર્થી ડિસ્ટિંક્શન, પાંચ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ અને માત્ર એક વિદ્યાર્થી સેકન્ડ કલાસ પાસ થયા હતા.

ગુજરાતી શાળામાં ભણીને પણ જો આ વિદ્યાર્થીઓ આટલું સરસ પરિણામ લાવી શકતા હોય તે એટલિસ્ટ આપણે હવે તો મગજમાં ભરાયેલી ઇંગ્લિશની રાઇ કાઢી દેવી જોઇએ. શું કહો છો?

ભારતમાં 9,000 ટ્રેનમાં 1.80 કરોડ પ્રવાસી પ્રવાસ કરે છે

By ENN,
નવી દિલ્હી,
ભારતીય રેલવેની સત્તાવાર શરૂઆત 1853ની 16 એપ્રિલથી થઇ હતી, જ્યારે મુંબઇના બોરીબંદરથી થાણે વચ્ચે પ્રથમ ગાડીને લીલીઝંડી દેખાડવામાં આવી હતી.

ત્યારબાદ ભારતમાં રેલવે નેટર્વકનું ઝડપી વિસ્તરણ થયું છે જેનું શ્રેય તે વખતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉઝીને જાય છે.

ભારતીય રેલવેના ઇતિહાસની મહત્વની ઘટના 1925ની ત્રણ ફેબ્રઆરીએ બની હતી, જે દિવસે મુંબઇ, વીટી અને કુર્લા વચ્ચે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવામાં આવી હતી. 1937માં વાતાનુકૂલિત કે એ.સી. બોગી શરૂ થઇ હતી. સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે અંદાજપત્ર 1947માં જોન મથાઇએ રજૂ કર્યું હતું.

રાષ્ટ્રીય પાટનગર સાથે રાજ્યોના પાટનગરના જોડાણ માટે 1969માં પ્રથમ રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવી. 1984માં કોલકત્તાાં દેશની પ્રથમ મેટ્રો રેલવે, 1986માં રેલવે રિઝર્વેશનમાં કોમ્પ્યુટરાઇઝેશન અને 1988માં પ્રથમ શતાબ્દિ ટ્રેન શરૂ કરવામાં આવી. ટ્રેનો વિશેની માહિતી માટે 2007માં 139 સેવા શરૂ કરવામાં આવી.

ભારતીય રેલવે સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રેલવે છે જેમાં 14 લાખ કર્મચારીઓ કામ કરે છે.
આ વિશ્વનું સૌથી મોટું પાંચમું રેલ નેટવર્ક છે. જેના 63 હજાર કિલોમીટર લાંબા પાટા ઉપર 9,000 ટ્રેન અને રોજ 1.80 કરોડ પ્રવાસીઓ સફ કરે છે.

દર વરસે રેલવે પ્રધાન રેલવે માટે અલગ અંદાજપત્ર રજૂ કરે છે. પ્રથમ રેલવે પ્રધાનની આગેવાની હેઠળ રેલવેમાં અચાનક ટિકિટની તપાસ થતી. કમલાપતિ ત્રિપાઠીના સમય સુધી આ પ્રથા હતી. ત્રિપાઠી જ્યારે રેલવે પ્રધાન હતા. ત્રિપાઠી જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે તે પોતાના રાજ્ય પ્રધાનોને ટિકિટની તપાસ કરવા કામે લગાડતા હતા.

વીજળીનો શ્રેષ્ઠ વિકલ્પઃ સૌરઊર્જા દાહોદ જિલ્લામાં સંશોધન

By ENN,
અમદાવાદ,
ગામેગામ વીજળી અને પાણી જેવી સુવિધા આપવાનું અનેક પક્ષો વચન આપે છે. હકીકતમાં ચૂંટણીમાં જીત્યા પુછી તેઓ એ ગામની મુલાકાત પણ લેતા નથી. હાલને તબક્કે અનેક ગામ વીજળી અને પાણી જેવી સુવિધાથી વંચિત છે. બીજે છેડે શહેરમાં પણ વીજકાપને પરિણામે લોકોએ પેટ્રોમેક્સ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. આ સંદર્ભમાં જણાવવાનું કે તાજેતરમાં ગુજરાતમાં તાઇવાનના પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધન પરથી એક વાત ફલિત થઇ હતી કે સૌરઊર્જા સંચાલિત ફાનસનો ઉપયોગ કરવાથી વાર્ષિક સ્તર પર આશરે બાર હજાર રૂપિયાની બચત થઇ શકે છે.

તાજેન યુનિવર્સિટીના પ્રોફેસર ગોવિંદસ્વામી તથા નેશનલ સન યેટ-સેન યુનિવર્સિટીના ડો. મીના હસુ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી ઉક્ત તારણ રજૂ કરવામાં આવ્યું હતું, એક બિનનિવાસી સંસ્થા દ્વારા દાહોદ જિલ્લાના આશરે 25 ગામમાં સો જેટલા સૌરઊર્જા સંચાલિત ફાનસ આપવામાં આવ્યા હતા. પ્રોફેસરે જાન્યુઆરી 2004થી ડિસેમ્બર 2007 સુધી તેમના પર સર્વેક્ષણ કર્યું હતું. જેમાં સૌરઊર્જાથી સંચાલિત ફાનસનો ઉપયોગ કરનારા ઘરમાં સરેરાશ રૂપિયા. 7,531થી રૂ. 12556 સુધીની બચત થઇ હતી. સૌરઊર્જા સંચાલિત ફાનસનો ઉપયોગ કરવાને લીધે એટલી માત્રામાં કેરોસીન અને વીજળીની બચત પરથી આંક નક્કી કરવામાં આવ્યો હતો.

સંશોધકોના મતાનુસાર સૌરઉર્જાથી સંચાલિત ફાનસ ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા ગૃહિણીઓને ખૂબ લાબદાયક પુરવાર થાય છે. સૌરઉર્જા સંચાલિત ફાનસ છ કલાક સુધી પ્રકાશ આપે છે. જેને પરિણામે વારંવાર વીજળી વેરણ થતી હોય તે વિસ્તારના લોકો સહિત વિદ્યાર્થીઓને અભ્યાસમાં અને ગૃહિણીઓને ઘરકામમાં સૌરઉર્જા સંચાલિત ફાનસ ખુબ લાભદાયક પુરવાર થાય છે.

દ.આફ્રિકા કરતા ગુજરાતની વસ્તી વધારે!
વિશ્વના અનેક દેશો કરતાં આપણા રાજ્યોની વસ્તી વધુ

By ENN,
અમદાવાદ,
વિશ્વમાં ચીન પછી સૌથી વધુ વસતીવાળા આપણા દેસના ઘણાં રાજ્યોની વસ્તી વિશ્વના અન્ય ઘણાં દેશોથી વધુ છે. મધ્યપ્રદેશમાં થાઇલેન્ડથી વધુ વસતી છે તો, રાજસ્થાને ઇટાલીને વસતીની બાબતે પાછળ ધકેલી દીધું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વસતી સ્થિરતા સેલ દ્વારા જારી કરવામાં આવેલા ચાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વસ્તીનાં મામલે આ જ સ્થિતિ છત્તીસગઢ, હરીયાણા, પંજાબ, દિલ્હી અને લગભગ બધાં જ રાજ્યોની છે. ઉત્તરાખંડ જેવા નાના રાજ્યની વસતી પણ ઓસ્ટ્રેલિયાથી વધુ છે.

શનિવારે વિશ્વ વસતી દિવસના પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વધી રહેલી વસતી પર અંકુશ લાદવામાં નહીં આવે તો, દેશની વસતીમાં આગામી 16 વર્ષમાં 50 ટકાથી વધુ વધારો થઇ જશે.

વસતી વધારા માટે ઉતર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસંગઠ, ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યો જવાબદાર હશે. તેનાથી વિપરીત દક્ષિણ ભારતના રાજ્યોનું વસતી વધારામાં માત્ર 13 ટકાનો ફાળો હશે.

Friday, July 17, 2009


રેલવે મંત્રીઓ લોકોને મુરખ જ બનાવે છે

By ENN,
અમદાવાદ,
કેન્દ્રીય રેલવે મંત્રી મમતા બેનરજીએ રેલવેનું છેલ્લું બજેટ રજૂ કર્યું ત્યારે તેણે પ્રજામાં ભારે આકર્ષણ એ વાતે જણાવ્યું કે રેલવે નૂર અને ભાડામાં મમતાઓ કોઇ વધારો સૂચવ્યો નહીં. 57 જેટલી નવી ટ્રેનો શરૂ કરી. રેલવેના ઇતિહાસમાં 12 નોનસ્ટોપ ટ્રેનો શરૂ કરી. રેલવેના ઇતિહાસમાં 12 નોનસ્ટોપ ટ્રેનો લાંબા લાંબા અંતર સુધી દોડાવવાની જાહેરાત થઇ. 1500ની આવકવાળાને 25 રૂપિયામાં માસિક પાસ 'ઇજ્જત' નામે બાઇજ્જત જાહેરાત પામ્યો. 309 સ્ટેશનો આદર્શ સ્ટેશનો બનાવવાની જાહેરાત થઇ જેમાં 109 તો ખાલી પશ્ચિમ બંગાળના જ છે. પશ્ચિમ બંગાળને નવી ટ્રેનો અપાઇ ને એવું તો ઘણું પશ્ચિમ બંગાળને ખટાવાયું. અગાઉના રેલવે મંત્રી લાલુપ્રસાદે બિહારને ખટાવેલું તો મમતા શું કામ બાકી રહી જાય? તેણે પણ પશ્ચિમ બંગાળને ઘણી લહાણીઓ કરી.
લાલુએ પોતાના છેલ્લા બજેટમાં 26 વર્લ્ડ કલાસ સ્ટેશનો જાહેર કરેલાં તેમાં પટનાનું નામ પણ હતું. મમતા બેનરજીએ વર્લ્ડ કલાસ સ્ટેશનોની જાહેરાત કરી ત્યારે પટનાનું નામ ન આવ્યું એટલે લાલુને લાલપીળા થવાનું કારણ મળ્યું. ચાલુ બજેટે જ લાલુએ પશ્ચિમ બંગાળનું કેચાઇ રહ્યું હોવાની ટકોર કરી ત્યારે મમતાએ મોં તોડી લેતાં કહ્યું કે તમે બિહારનું ખેંચતા રહ્યા તો પશ્ચિમ બંગાળને કંઇક તો આપવા દો. પશ્ચિમ બંગાળને લહાણી કરવાનું સીધું કારણ મમતા પાસે સત્તા પ્રાપ્તિનું જ છે. એ તક મમતા શું કામ ચૂકે? છો પછી ભાજપ કે યુપીએના સાથી પક્ષો કાખલી કૂટતા! મમતા બેનરજીએ તો બધા વિરોધો વચ્ચે ધાર્યું જ કર્યું ને લાલુ જેવાને બરાબરની ચાટી ગઇ. ભૂતપૂર્વ લાલુએ અભૂતપૂર્વ મમતાને સાત દિવસમાં રેલવે વહીવટ બાબતે શ્વેતપત્ર બહાર પાડવા પડકાર ફેંકયો, એટલું જ નહીં પોતાના કાર્યકાળ અંગે શ્વેતપત્ર બહાર પડે તેવો આગ્રહ ખુદ લાલુએ રાખ્યો. પોતે કશું ખોટું નથી કર્યું તેવો દાવો કર્યો ને પોતાના તરફથી કોઇ ગેરરીતિ થઇ હોય તો પોતે ગૃહની માફી માંગવા તૈયાર છે. લાલુ કદાચ સમજીને જ બોલ્યા હશે કે માફી માંગીશ, કારણ એથી વધુ નુક્સાન ઉઠાવવાનું તો તેમને પરવડે એમ નથી, કારણ ગેરરીતિનો ઘેર ગઇ, પણ ગઇ રેલવે યોજના બાબતે તેમણે પોતે જ સાબિત કર્યું કે તેમમે બકવાસ કર્યો હતો.
તેમણે ફિશિયારી તો મારી કે તેમનો રેલવે મંત્રી તરીકે જે કાળ વીત્યો તે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. તેની સામે મમતાનું માનવું હતું કે લાલુ પ્રસાદે જે લક્ષ્યાંકો બજેટમાં નક્કી કર્યા છે તે વાસ્તવિકતાથી ઘણા દૂર છે. એક વાત નોંધવી ઘટે કે મમતાએ ભાડા વધાર્યાં નથી, જ્યારે લાલુએ ભાડા ઘટાડ્યા છે. આ કરામત કેવી રીતે થઇ તે તો લાલુ જાણે, પણ તે લાલુ પાસે બુદ્ધિ પણ હતી ને તે તેમણે પ્રજાને છેતરવામાં વાપરી પણ હતી. પ્રજાના એટલા નસીબ કે લોકલ ટ્રેનને સુપરફાસ્ટ જાહેર કરીને તેનો ચાર્જ વસૂલ ન કર્યો, પણ લગભગ લોકલ જેવી જ કેટલીક ટ્રેનોને સુપરફાસ્ટ જાહેર કરીને પેસેન્જરોને ખંખેરી લીધા. રિઝર્વેશન કેન્સલેશનમાં ચાર્જ એવી રીતે વસૂલ્યા કે લોકોને રિફંડ, દંડની જેમ નામ પૂરતા જ મળતા થયા. 'તત્કાલ'માં 150 રૂપિયા. ચાર્જ ફટકારીલ લોકોની ગરજ વધારીને તેનો લાભ લીધો. જ્યાં બે બર્થ હતી ત્યાં ત્રણ બર્થ કરી ને એમ એટલા ખેલ પાડયા કે સગવડને નામે અગવડ વધીને ત્રીજી બર્થે રેલવેને સારું એવું ખટાવ્યું. વેલ, મમતાએ ભાવો ના ઘટાડ્યા, પણ તત્કાલનો ચાર્જ 150 પરથી 100 રૂપિયા પર આણ્યો. એટલો લાભ તો થયો જ. આમ તો બંનેએ જે લક્ષ્યાંકો આપ્યાં. તેમાં વાસ્તવિક્તા જોડે ઝાઝી લેવાદેવા રહી નથી. આવનારા 8 મહિનામાં એ શક્ય નથી. 12 ટ્રેનો નોન સ્ટોપ શરૂ કરવાની વાત છે. એ પણ આવનારા સમયમાં પાર પડે તેવી શક્યતા ઓછી છે ને બંને બોગસ છે તે વાત વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવા સંદર્ભે ઉઘાડી પડી ગઇ છે. બંને ગપ્પા મારે છે. બંને છેતરે છે. કમસેકમ લાલુએ તેમના જ કહ્યા પ્રમાણે ગૃહની તાત્કાલિક અને બિનશરતી માફી માંગાવી જોઇએ કારણકે તેમણે પોતે જ થૂંકીને ચાટ્યું છે. જો કે એવી આદત લાલુ માટે નવી નથી. પ્રજા પણ જાણે છે કે રાજકારણીઓ ક્યારેક સાચું પણ બોલે છે.
વાત છે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની. લાલુએ પોતાના કાળમાં 26 રેલવે સ્ટેશનોને વર્લ્ડ કલાસ બનાવવાની વાતો કરેલ. તેમના સમયમાં એવું એક પણ સ્ટેશન બન્યાનું બહાર આવ્યું નથી. પટના પણ નહીં. ખરેખ તો પટનાએ મોટી ભૂમિકા લાલુને ઉઘાડા પાડવામાં ભજવી છે. જો મમતા બેનરજીએ વર્લ્ડ ક્લાસ સ્ટેશનમાં પટનાનો ઉલ્લેખ કર્યો હોત તો કદાચ લાલું ઢંકાયેલા રહી શક્યા હોત, પણ મમતાએ પટનાનું પત્તું કાપી નાખ્યું ને લાલુ ઉઘાડા પડવાની હોડ બકી બેઠા.
બન્યુ એવુ કે 2011ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલને જનાદેશ મળે તેવી ચોખ્ખી ગણતરીથી મમતા બેનરજીએ એટલી લહાણીઓ કરી કે ભાજપના અનંતકુમારે પરખાવવું પડ્યું કે સબ કુછ બંગાલ, બાકી, સબ કંગાલ. ત્યારે લાલુએ આ શ્વસ્ત કરતાં અનંતકુમારને કહ્યું કે વર્લ્ડ કલાસ સ્ટેશન બનાના તો એક સોચ હૈ, યહ બનાના તો હૈ નહીં, ફિર આપ કયૂં પરેશાન હો રહે હો?
યાદ રહે આ બીજું કોઇ નહીં, પણ ભૂતપૂર્વ મંત્રી લાલુપ્રસાદ યાદવ બોલે છે. જે સ્પષ્ટપણે માને છે કે મમતાએ વર્લ્ડ ક્લાસ સ્ટેશનો અને 'મોડેલ સ્ટેશનો' ની જે જાહેરાત કરી છે તે કેવળ કલ્પના માત્ર છે. આ યોજનાઓ ક્યારેય સાકાર થવાની નથી થયું ને થુંકેલું ચાટવા જેવું. જો વર્લ્ડ કલાસ સ્ટેશનની વાત હવાહવાઇ છે તો લાલુપ્રસાદ પાસે એનો ખુલાસો મંગાવો જોઇએ કે પોતે 26 સ્ટેશનોને વર્લ્ડ કલાસ કરવાની જે જાહેરાત રેલવે મંત્રી તરીકે કરેલી તેમા પણ તરંગ સિવાય બીજું શું હતું? એનો અર્થ તો એ જ કરવાનો રહેને કે વર્લ્ડ ક્લાસને નામે લાલુએ પમ ટાઢા પહોરની જ હાંકી હતી. લાલુએ પોતે કંઇ ખોટું કર્યું નથી એવું જ્યારે કહ્યુ તેની બીજી જ મિનિટે તેમણે મમતાને વાતો પોકળ હોવાનું કહેતાં અજાણતાં જ પોતાની વાતો પણ બકવાસ જ હતી તે આપોઆપ જ સિદ્ધ કરી દીધું. લાલુએ લવારો કરવામાં બીજો કલાક પણ લીધો નહીં તે અત્યંત ખેદજનક છે. એ સાથે જ મમતાનો પણ ઊઘડો લેવો જોઇએ કે જે શક્ય જ નથી કે જે વિચાર માત્ર જ છે તે વર્લ્ડ કલાસ સ્ટેશન કન્સેપ્ટ એમણે ક્યે આધારે બજેટમાં શામેલ કરવાનું સ્વીકાર્યું? 26 સ્ટેશનોની જાહેરાત કરીને લાલુએ પડીકુ વાળી દીધું. તે તો વિચાર માત્ર છે તેવું લાલુએ સિધ્ધ કરી દીધું નહીંતર કમસેકમ પટનાને ઉદ્ધાર તો થઇ શક્યો હોત. એ ન થયું એનો અર્થ જ એ કે કશું થવાનું નથી. મમતા ભલે નોન સ્ટોપ ટ્રેનોની જાહેરાત કરે, પણ દૂરનું સપનું માત્ર છે.
આપણી કમનસીબી એ છે કે જે જે દરખાસ્તો સાથે બજેટ પાસ થાય છે તે પ્રમાણે સંબંધિત મંત્રી ખરેખ શુ કરે છે તેનો કોઇ હિસાબ ક્યારેય આપવાનો થતો જ નથી. થતો હોત તો લાલુને પછી શકાયું હોત ને કે વર્લ્ડ ક્લાસ સ્ટેનશ કા ક્યા હુઆ? આવતા બજેટમાં મમતા પાસે એ વાત મુકાવી જોઇએ કે નોન સ્ટોપ ટ્રેઇન સ્ટાર્ટ થઇ તો ક્યાંથી થઇ ને સ્ટોપ થઇ તો ક્યાં થઇ ? કેમ થઇ? મમતાએ જેમ વર્લ્ડ કલાસ સ્ટોરી કરીને લોકોને હોલસેલમાં મુરખ બનાવ્યા તેમ તે નોન સ્ટોપમાં નહીં જ કરે તેની કોઇ ખાતરી નથી. વડાપ્રદાન જેવા પણ લાલુ અને મમતાના રેલ્વે કર્મકાંડથી રાજી હતા ને વખાણ કરતા થાકતા નો'તા તો તેમને પૂછી શકાય કે વર્લ્ડ કલાસ સ્ટેશનનો વિચાર કલ્પાના જ છે તેવું ખુદ લાલુએ કબુલ્યું હોય અને મમતાએ એ ગોળો છેલ્લા બજેટમાં બિનધાસ્ત ગબડાવ્યો હોય તો નથી લાગતું કે તમે અમસ્તા જ મમતા અને લાલુને થાબડ થાબડ કરો છો? વડાપ્રધાનને પક્ષે પણ આ બાબત તેમની કમજોરી જ પ્રગટ કરે છે.
યૂપીએ સરકાર વર્લ્ડ ક્લાસ સ્ટેશન બાબતે બજેટમાં જાહેરાત કરે ને તે વચન થંગ કરતાં નાગાઇ કરતા જવાબ આપે કે એવો કોઇ વાસ્તવિક એજન્ડા જનથી તો તેવો રેલ્વે મંત્રીઓને શું કામ ટ્રેનના પાટા પર ન બાંધી દેવા જોઇએ તે કોઇ કહેશે? આ વચનભંગ તો છે જ, પ્રજાનો બેશરમીભર્યો ઉઘાડેછોહ દ્રોહ પણ છે. એમાંથી લાલુ બાકાત નથી તો મમતા યે જવાબદાર છે. કાગડા બધે જ કાળા છે તે અમથું નથી કહેવાયું.

Thursday, July 16, 2009

ભાજપ ગંદી રાજ રમત રમે છે !

By ENN,
ગાંધીનગર,
અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો વિરોધ કરાતાં ભાજપ હચમચી ઉઠ્યું હોવાનો આરોપ કરતાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહએ કહ્યું હતું કે, ભાજપ ગંદી રાજ રમત રમી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાના પરિસરમાં જૈન મંદિરની તસવીરને કોંગ્રેસ તરફથી તોડવામાં આવી હોવાની તદ્દન જુઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે પણ હકીકતમાં વિધાનસભા પરિસરમાં કોઈ ધાર્મિક ફોટો કે પોસ્ટર રાખી શકાતું નથી. માત્ર એક કલાત્મક દરવાજાનું પોસ્ટર હતું અને તે યુવા ભાજપના કાર્યકર્તાઓએ નીચે પછાડ્યું હતું તેમ વિપક્ષના નેતા શકિતસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે સંયુકત યાદીમાં જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ તદ્દન હલકી કક્ષાની રાજરમત રમી રહ્યું છે અને જૈન સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. અધ્યક્ષ તેમજ સરકારના મંત્રીઓએ જૈન સમાજના આગેવાનો અને જૈન સાધુ-સંતોને ફોન કરીને કોંગ્રેસ વિરુદ્ધ કાર્યક્રમો આપવા ઉશ્કેરવાના પ્રયાસો કરાયા હતા પણ જૈન સમાજે ભાજપની મેલી મુરાદ ભરેલી રાજનીતિને સાથ આપ્યો નથી.

Wednesday, July 15, 2009

રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ !

By ENN,
ગાંધીનગર,
ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, સુરત, વલસાડ વગેરે વિસ્તારમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અમદાવાદમાં પણ સાંજે વરસાદના ઝાપટા પડ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીમાં બે ઈંચ, બગસરામાં ચાર ઈંચ, ધારીમાં સાડાત્રણ ઈંચ, જાફરાબાદમાં સાડાચાર ઈંચ, ખાંભામાં ત્રણ ઈંચ, લીલીયામાં બે ઈંચ, રાજુલામાં ચાર ઈંચ, વડીયામાં અને સાવરકુંડલામાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. હજું વરસાદના ઝાપટા પડી રહ્યા છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડ્યા હતા. ઉમરાળામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભસાણમાં ચાર ઈંચ અને કોડીનાર, મદરડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડ્યા હતા. જિલ્લાના ધોરાજીમાં બે ઈંચ, જેતપુરમાં સાડાત્રણ ઈંચ અને કોટડા સાંગાણીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ જામનગર અને પોરબંદરમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉંમરપાડા અને કપરાડામાં 6 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સુરતના કામરેજ, ચોર્યાસી અને ઓલપાડ વિસ્તારમાં પણ દોઢથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જોકે ઊત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.

લઠ્ઠાકાંડમાં વધુ ત્રણના મોત
બિન સત્તાવાર આંક 157 થયો

By ENN,
અમદાવાદ,
શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ વ્યકિતઓના મોત નીપજતા મોતનો આંક વધીને મોતનો બિનસત્તાવાર આંક 157 પર પહોંચ્યો છે જયારે સત્તાવાર આંક 132 છે.
શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 300 જેટલા અસરગ્રસ્તો પૈકી ગંભીરની સંખ્યા વધુ છે જયારે મોતના આંકમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.
સારવાર અસરગ્રસ્તો પૈકી એલજી હોસ્પિટલમાં બે વ્યકિતઓના અને સિવિલ હોસ્પિટલમાં એક વ્યકિત મળી કુલ ત્રણ વ્યકિતઓના મોત નીપજયા છે. આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.

હરેન પંડ્યા હત્યાકાંડ, મોદીને રાહત !

By ENN,
નવી દિલ્હી,
ઉચ્ચત્તમ ન્યાયાલયે વર્ષ 2003માં ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના મામલે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પુછપરછ કરવાની સીબીઆઇની માંગણી ફગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, આરોપનો કોઇ આધાર હોવો જોઇએ.
ન્યાયાલયે હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઇ પંડ્યાની અરજીની સુનાવણી કરી હતી. હરેન પંડ્યાની 26મી માર્ચ 2003માં હત્યા કરવામાં આવી હતી. ઉચ્ચત્તમ ન્યાયાલયે જોકે હરેન પંડ્યાના પિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી કે જે ન્યાય માંગવા માટે અહીં આવ્યા હતા.
પીઠમાં ન્યાયમૂર્તિ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ બીએસ ચૌહાણ પણ સામેલ હતા. પીઠે કહ્યું કે અમને ઘણું દુખ છે કે એક પિતાને અહીં આવવું પડ્યું છે. પંડ્યાના પિતાએ જાતે જ અરજી દાખલ કરી હતી અને આગળની કાર્યવાહી ચલાવવા માટે વરિષ્ઠ વકીલ મગનભાઇ બારોટને અનુમતિ આપી હતી.
તેમણે કહ્યું કે, સીબીઆઇ દિવંગત નેતાની પત્ની સહિત કેટલાક મુખ્ય સાક્ષીઓની પુછપરછ નથી કરી રહી કે જેનાથી આ ષડયંત્ર ઉપરથી પડદો ઉઠાવી શકાય, કથિત રીતે મુખ્યમંત્રીનો પણ આમાં સમાવેશ થાય છે.