Friday, August 28, 2009

વિશ્વના સૌથી ઓછાં ખર્ચાળ શહેરોમાં દિલ્હી-મુંબઈનો સમાવેશ
ઓસ્લો, ઝ્યુરિચ અને કોપનહેગન ટોચનાં સૌથી મોંઘાં શહેરો

By ENN,
ભારતના રાજકીય પાટનગર દિલ્હી અને ફાયનાન્સિયલ કેન્દ્ર મુંબઈ વિશ્વના સૌથી ઓછા ખર્ચાળ શહેરોમાં સ્થાન ધરાવતા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. દેશમાં અન્ન અને હાઉસિંગનો ખર્ચ વધતો જતો હોવા છતાં આ શહેરો પ્રમાણમાં સસ્તા હોવાનું જાણવા મળતાં તમામને આશ્ચર્ય થયું છે.
સ્વિસ બેંકિંગ કપની યુબીએસે કરેલાં સંશોધન મુજબ, ભારતનાં ટોચનાં શહેરો દિલ્હી અને મુંબઈ સર્વેક્ષણ કરાયેલાં વિશ્વના સૌથી મોંઘા 73 શહેરોમાં ભાવની શ્રેણીમાં તળિયેં રહ્યા હતા જ્યારે બીજી બાજુ ઓસ્લો, ઝ્યુરિચ અને કોપનહેગન જેવાં શહેરોને વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ટોચના સ્થાને રહ્યાં છે. આ શહેરોમાં જીવન ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે.
રસપ્રદ બાબત એ છે કે, ઓછા વિકસિત અર્થતંત્રોનાં કેટલાંક શહેરો ભારતના આ બન્ને શહેરો કરતાં મોંઘા જાહેર થયાં છે. ચલણમાં અવમૂલ્યન થતાં કેટલાંક ઊભરતાં બજારના શહેરોમાં ચીજવસ્તુઓના ભાવમાં ગાબડાં પડ્યા છે. મેક્સિકો સિટી, મેક્સિકો અને સીઓલમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
2006માં વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં બાજા ક્રમે સ્થાન ધરાવતું લંડન આ વર્ષ પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે 20મા ક્રમે ગગડી ગયું છે. સૌથી મોંઘા અને સસ્તા શહેરમાં ભાવનો ગાળો એશિયામાં સૌથી વધુ છે. વિશ્વના સૌથી મોંઘા પાંચ શહેરોમાં ટોકિયોને સ્થાન મળ્યું છે. કુઆલા લુમ્પુર, મનીલા, દિલ્હી અને મુંબઈ સૌથી ઓછાં ખર્ચાળ શહેરોમાં સ્થાન ધરાવે છે.
પગારના સંદર્ભમાં ટોકિયોના કામદારો એશિયામાં સૌથી વધુ વેતન મેળવે છે જ્યારે કુલ વેતનના સંદર્ભમાં કોપનહેગન, ઝ્યુરિચ, જીનીવા અને ન્યૂયોર્ક ટોચના ક્રમે છે. તેનાથી વિપીત દિલ્હી, મનીલા, જાકાર્તા અને મુંબઈમાં સરેરાશ કર્મચારી કરવેરા બાદ સ્વિટઝરલેન્ડના શહેરોમાં કલાકના ધોરણે કર્મચારીઓને મળતાં વેતનની સરખામણીએ પંદરમા ભાગનું વેતન મેળવે છે.
મહત્વની બાબત એ છે કે, ઝ્યુરિચ અને ન્યૂયોર્કમાં એક સરેરાશ કર્મચારી નવ કલાકની કામગીરી બાદ એપલ સ્ટોરમાંથી આઈપોડ નેનો ખરીદી શકે છે. જ્યારે તેની સામે આ વસ્તુની ખરીદી મુંબઈના સરેરાંશ કર્મચારીને ખરીદવી હોય તો તેણે સળંગ 20 દિવસ સુધી નવ કલાક કામ કરવું પડે છે.

કેન્યામાં 'યુનિસેફ' મદદથી કચ્છીઓએ તળાવ ભરી આપ્યા
દારૂણ દુકાળનો સામનો કરી રહેલા આફ્રિકાનાં કેન્યા દેશમાં વસતા કચ્છીઓ

By ENN,
ભુજ,
એક બાજુ માતૃભૂમિ કચ્છમાં વરસાદ ખેંચાતાં ઊભો મોલ સૂકાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ જ્યાં કચ્છીઓએ કર્મભૂમિ બનાવી એ કેન્યા દેશ બે દાયકાના સૌથી ખતરનાક દુકાળનો સામનો કરી રહ્યો છે. સ્થાનિકોને કુદરતી આપદામાં સહારો બનવા સમૃદ્ધ કચ્છી વર્ગ દ્ધારા કૃત્રિમ તળાવડાં બનાવી આપવા અભિયાન હાથ ધરાયું છે. ત્યાં વીજકટોકટી સર્જાતાં કચ્છી ઉદ્યોગગૃહોને ફટકો પડી રહ્યો છે.
નૈરોબીથી મળી વિગતો અનુસાર મકીન્ડુથી કાકામેઘા, નુકુરુ, મોઈ યુનિવર્સિટીથી મસાઈમારા પટ્ટીમાં અભૂતપૂર્વ પાણીતંગી સર્જાતાં ગરીબ વિસ્તારો ભૂખમરાથી કુપોષણનો ભોગ બન્યા છે. શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવા યુનિસેફે અભિયાન હાથ ધર્યું છે તો તાકીદના રાહત ઉપાય તરીકે કચ્છીઓએ નાના તળાવો ખોદાવી તળમાં પ્લાસ્ટિક બીછાવી શક્ય ત્યાંથી પાણી લાવી હંગામી ધોરણે ભરી દીધાં છે. જેનાથી સ્થાનિકોને ભારે રાહત થઈ છે.
કેન્યાથી વાઘજીભાઈના જણાવ્યાનુસાર મોટાં શહેરોમાં બોરવેલ બનાવવાને કાયદાના દાયકામાં લવાયો છે. જ્યારે પોલાદ, પથ્થર-કાંકરી, માઠાં ઉદ્યોગ, હાર્ડવેર એકમો પર વીજ-પાણીકાપ લદાતાં ધંધાને ફટકો પડ્યો છે. સંબંધિત પ્રવૃતિઓ સાથે મોટી સંખ્યામાં કચ્છીઓ જોડાયેલા છે. અહીં લાલજી રૂડા પિંડોરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા દવાખનું-ટેકનિકલ સ્કુલ માટે જમાન દાનમાં અપાઈ છે જ્યારે મકાઈના લોટના મોટા જથ્થાને કચ્છી બહેનો અંતરિયાળ વિસ્તારમાં વિતરણ કરવા બહાર આવી છે. સામાન્ય રીતે કેન્યામાં કચ્છી બહેનો લૂંટારાના બીકે બહાર નીકળતી નથી. સમગ્ર રાજ્ય પ્રવૃત્તિને હિન્દુ કાઉન્સિલ કેન્યા-આફ્રિકા દ્ધારા ગતિ મળી છે. જ્યારે નિઃસ્વાર્થ સેવાભાવથી કચ્છીઓએ સ્થાનિકોમાં આદરભાવ મેળવ્યો છે. તાજેતરમાં કેન્યન રાષ્ટ્રપતિ મવાઈ કિંબાકી, વડાપ્રધાન રોઈલા ઓડીંગાએ રાહતકાર્યોની મુલાકાત લઈ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

Thursday, August 27, 2009

કાચુ મટન અને કાચી માછલી ખાતો હાલોલનો યુવક
25 મિનિટમાં 17 માછલી ચાવી ગયો
લીમ્કાબુક કે ગિનિસ બુકમાં નામ નોંધાવવાની ઈચ્છા

By ENN,
હાલોલ,
કાચા શાકભાજી ખાનાર તો ઘણા લોકો જોયા હશે પણ હાલોલનો એક યુવાન તો કાચુ મટન અને માછલી ચપોચપ ખાઈ જઈ લોકોને દંગ કરી દીધાં છે. ફાંટા તળાવ પાસે રહેતો યુવાન પ્રતિદિન 500 ગ્રામ જીવતી માછલી અને 500 ગ્રામ કાચુ મટન આરોગી રહ્યો છે. પોતાની આ સિધ્ધ બદલ તે લીમ્બાબુક અથવા ગિનિસ બુકમાં નામ નોંધાવવાની મહેચ્છા ધરાવી રહ્યો છે. હાલોલના ફાંટાતળાવ પાસે રહેતા દિલીપભાઈ મારવાડી ગત ગુરુવારે બપોરે 12 વાગ્યાના અરસામાં હાલોલ તળાવની પાળ પર બેસીને 2 કિલો જીવતી માછલીના 17 નંગ માત્ર 25 મિનિટમાં આરોગી ગયા હતા. માછલીના શરીરમાં પીત્ત નામની એક નાની થેલી આવે તે ફુટી જાય તો આખી માછલી કડવી ઝેર જેવી થઈ જાય છે. આ ઉપરાંત માછલીના શરીરની ઉપરના ભાગે પીંગલા આવે તે એટલા કડક આવે તેને કાપવા માટે ચપ્પુનો ઉપયોગ કરવો પડે છે જ્યારે આ યુવાન દ્ધારા માત્ર 25 મિનિટમાં અંદાજે બે કિલો વજનની 17 નંગ જીવતી માછલી પીત્ત તથા પીંગલા સાથે સ્વાહા કરી જતાં ઉપસ્થિત લોકો મોંમા આંગળા નાખી ગયા હતા.
સામાન્ય દિવસોમાં આ વ્યક્તિ 500 ગ્રામ મચ્છી અને 500 ગ્રામ કાચુ મટન આરોગે છે. કાચુ મટન અને મચ્છી જંગલી જાનવરો જ પચાવી શકે છે. આ સામાન્ય લાગતો માણસ કાચુ મટન અને માછલી ખાય છે છતાં તેના પાચનતંત્રમાં કોઈ જ ખામી સર્જાતી નથી. ક્યારેય અપચો કે પેટમાં દુખાવાની ફરિયાદ પણ થતી નથી. ગુરુવારે મચ્છીના વેપારી પાસે બે કિલો મચ્છી લઈ તળાવની પાર ઉપર પાણી ભરેલા તગારામાં મુકી ગાજર મુળા ખાતો હોય તેમ આરામથી માત્ર 25 મિનીટમાં 17 નંગ માછલી આરોગી ગયો હતો. દિલીપની આ હરકત જોઈને હાજર લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા, અમુક લોકોએ તેને આધુનિક જમાનાના ભીમ અને કુંભકર્ણ સાથે સરખાવ્યો હતો.

ગામના મોટાભાગના લોકો ઝીણાની યાદોને ભૂલી ગયા છે
મહમદઅલી ઝીણાના રાજકોટનાં મોટી પાનેલીના મકાનમાં આજે પટેલ પરિવાર રહે છે

By ENN,
જસવંતસિંહનાં પૂસ્તકને લઈને મહમદઅલી ઝીણાં આજકાલ ફરી ચર્ચામાં છે. ત્યારે બહુ ઓછા લોકોને ખબર હશે કે, પાકિસ્તાનના આ સર્જકનું મૂળ વતન રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી હતું. જો કે, આજે મોટી પાનેલીનાં મોટાભાગના લોકો મહંમદ અલી ઝીણાની યાદો વિસરી ગયું છે પણ હજુયે બૂઝૂર્ગ ગુલામ હુસેન લાખાણી એ વખતના સાક્ષી આજેય હયાત છે, એટલું જ નહીં, મોટી પાનેલીને ઝીણાનાં પૂર્વજોનું મકાન આવેલું છે જેનાં રૂપરંગ બદલાઈ ચૂક્યા છે જેમાં એક પટેલ પરિવાર રહે છે. જસવંતસિંહે તેમના પુસ્તકમાં સરદાર પટેલની ટીકાંઓ કરતાં ઝીણાંનાં વતન મોટી પાનેલીના લોકો ભારે રોષે ભરાયા છે તેમનું કહેવું છે કે, ભારત પાકિસ્તનમાં ભાગલા સરદારે નહીં બલ્કે ઝીણાં એ કરાવ્યાં છે તે જગજાહેર છે પરિણામે ભાજપે તેમને પક્ષમાંથી હાંકી કાઢયાં તે બરાબર છે.
મોટી પાનેલીના સરપંચ મનસુખભાઈ ભાલોડિયાએ કહ્યું કે, ઝીણાં અમારાં ગામના હતાં તે અમારાં માટે તો ગર્વ સમાન છે પણ જસવંતસિંહે જે રાતે ભાગલા માટે જવાબદાર ઠેરવ્યાં છે તે યોગ્ય નથી આ એક્ટ પબ્લિસિટી સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. સરદારે તો ભારત દેશને ઘડ્યો હતો, તે લોખંડી અને મહાન પુરુષ હતાં તેમની વિરૂધ્ધઆવું લખી શકાય નહીં.જસવંતસિંહે સરદાર વિરુધ્ધ લખાણ લખતાં મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે, તેમણે લેખિતમાં માફી માંગવી જોઈએ. મોટી પાનેલીના શિક્ષક ભરતભાઈ વિરાણીએ કહ્યું કે, વર્ષ 45 અગાઉ ઝીણાંએ મોટી પાનેલી આવીને એવું કહયું હતું કે, હિંદુ મુસ્લિમો એક થઈને રહો પણ ત્યારબાદ તેમનામાં કટ્ટરવાદ આવ્યો ને ભાગલા પડાવ્યાં. જસવંતસિંહે આડેધડ લખ્યું છે પરિણામે આ મુદ્દે માફી માંગવી જોઈએ.
મહંમદ અલીના પૂર્વજો મોટી પાનેલીમાં વેપારી હતા. મહંમદ અલી ઝીણાંના લગ્ન કરવા તેમનો પરિવાર મોટી પાનેલી આવ્યો હતો. તેમની જાન લાલપુર તાલુકાના ખોજાબેરાજા ગામે ગઈ હતી. તા,26મી જાન્યુ, 40નાં રોજ ઝીણાં મોટી પાનેલી આવ્યા ત્યારે સાર્વજનિક અંગ્રેજી સ્કૂલમાં જઈને સ્કૂલ પોથીમાં એવી નોંધ કરી હતી કે, I Came to paneli as it is the home of my ancestors and i was vary happy to see this school.......

ગુજરાતનાં નાસ્તા બજાર ઉપર ચાઈનીઝ ભેળનું આક્રમણ

By ENN,
અમદાવાદ,
શહેરના વધતા જતાં વ્યાપની સાથોસાથ ઘરથી નોકરી ધંધાના સ્થળો દૂર દૂર થતાં જતાં હોય. ''ઓન રોડ ઈટીંગ'' નું ચલણ વધ્યું છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં બપોરના સમયે તાજો નાસ્તો કે ગરમાગરમ કટકબટક મળવું મુશ્કેલ હતું. આજે સ્થિતિ એ છે કે, વડાંપાઉ, સેન્ડવીંચ, સમોસા, કચોરી, દાબેલી, બર્ગર, હોટડોગ, વેજીટેબલ સેન્ડવીચ સહિતના નાસ્તા ભરબપોરે પણ અનેક વિસ્તારોમાં મળી રહે છે. દુકાનો કે નાના રેસ્ટોરેન્ટ કરતાં આ પ્રકારનું રસ્તા પરના ઠેલા ઉપર જ મળવા લાગ્યું છે. વેજીટેબલ સેન્ડવીચ, હોટડોગ, બર્ગર બનાવવા નાના ગલ્લાં જેવી ટ્રોલી ઉપર બનાવેલી કેબીન જ કાફી છે. આ રીતે જ વડાંપાઉ શહેરમાં પગપેશારો કરી ચુક્યા છે. અહીંની ફેવરીટ દાબેલી અને રગડા-પેટીસની લારીઓ સામે વડાંપાઉનો ધંધો હરીફાઈ કરી રહ્યો છે. જો કે મુંબઈની સુકી ભેળ હજુ એટલી આકર્ષી શકી નથી. મુંબઈની સુકી ભેળ ભલે વડાંપાઉ જેટલી હિટ ન થઈ હોય. પરંતુ મુંબઈમાં વડાંપાઉના ધંધાની વાટ લગાવી રહેલી ચાઈનીઝ ભેળ આક્રમણ કરવા તૈયાર જ છે.

ફ્રાઈડ નુડલ્સમાં કોબી, ગાજર, કાંદા, લીલાકાંદા અને બીટના ટુકડા ઉમેરી હોઝવાન, સોયા અને ચીલી સોસનો ચટાકેદાર સ્વાદ રેડવામાં આવે છે. ઉપર થી કોથમીર ભભરાવીને તૈયાર થતી ચાઈનીઝ ભેળ રૂ।. 8 થી રૂ।.12 સુધીમાં પેપર ડીશમાં પીરસવામાં આવે છે. ફોરેનઅમેરીકન મકાઈ અને તેની વિવિધ વાનગીઓનો ચસ્કો લગાડનાર હોય કે પછી બ્રેડને આંમલીના પાણીમાં ઝબોળી અંદર સમોસું અને બે ચટણી તથા સેવ દબાવી અલગ પ્રકારના ટેસ્ટ સાથેની 'સમોસા બ્રેડ' વેચતા હોય. બપોરના સમયે ભાવે તેવું પીરસવામાં તેઓ સતત તૈયાર હોય છે.

જાણકારોના કહેવા મુજબ ચાઈનીઝ ભેળ આરોગ્યની ર્દષ્ટીએ હાઈજેનિક છે. કારણ કે, આ ભેળ બનાવવા માટે મોટાભાગે સુકા ખાદ્યપ્રદાર્થો જ ઉપયોગમાં લેવાય છે. ચોમાસામાં દાબેલી હોય કે વડાપાઉં પરંતુ તેની સાથે પીરસાતી ચટણીમાં પાણી નાખવામાં આવતું હોય તે ઘણી વખત આરોગ્ય માટે જોખમી બની જાય છે. રસ્તા ઉપર નાની જગ્યામાં જ ઉભા રહીને ધંધો થઈ શકતો હોય અને તેમાં રાધવું પડતું ન હોય ખાદ્યપ્રદાર્થ વેચતા ફેરિયાઓ માટે આ ચાઈનીઝ ભેળનો ધંધો ફેવરિટ બની ગયો હોય મુંબઈમાં તો વડાપાઉના ધંધાર્થીઓ 'વટલાઈ' ને ચાઈનીઝ ભેળ વેંચતા થઈ ગયાં છે. શાળા-કોલેજે આવતાં-જતાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ વગેરેમાં વડાપાઉં જૂની પેઢીનું ખાણું થઈ ગયા હોય તેઓ હવે સ્ટાઈલીશ અને જરા હટકે ખાવા માટે ચાઈનીઝ ભેળ તરફ વળ્યા છે નહીં દોટ માંડી ચૂક્યાં છે. રમકડાં, ઈલેક્ટ્રોનીક્સ, ઈલેક્ટ્રીક, સ્ટેશનરી જેવી મોટાભાગ બજારોમાં ચાઈનાની વસ્તુનું આક્રમણ જોવા મળે છે ત્યારે સ્વાદેન્દ્રીય ઉપર પણ ચાઈનીઝ વાનગીઓ કબજો જમાવી રહી છે. ચાઈનીઝ વાનગીઓ પીરસતા અનેક ધંધાર્થીઓ 'ઓન રોડ' ધંધો કરે છે. હવે ફેરિયાઓ ચાઈનીઝ ભેળ પીરસતા થઈ જાય તેવાં દિવસો દૂર નથી. ત્યારે ચાઈનીઝ ભેળનું આક્રમણ હવે સામાન્ય ભેળની સાથોસાથ દાબેલી અને વડાપાઉંને પણ હડપ કરી જાય તેવું બની શકે.

મુંબઈ વિશ્વનું સાતમાં નંબરનું થર્ડ કલાસ શહેર

By ENN,
મુંબઈમાં બાંદરા-વરલી સી લિન્કનું ઉદ્પાદન કરવામાં આવ્યું ત્યારથી મુંબઈગરા નાગરિકો પોતાના કોલર ઊંચા રાખીને ફરી રહ્યા છે. આખા ભારતમાં જેનો જોટો ન જડે તેવો સેતુ મુંબઈને મળે તે બદલ આ શહેરના નાગરિકો ગર્વ અનુભવે તે સમજી શકાય તેવી વાત છે, પણ આ એક અદ્યતન બ્રિજ બનાવવાને કારણે મુંબઈના નાગરિકોના જીવનની ગુણવત્તા સુદ્યરી જશે, એવું માની લેવાની જરાય જરૂર નથી. બાદરાં-વરલી સી લિન્કની મુલાકાત લેનારા સહેલાણીઓ પછી ત્તદ્દન નજીક આવેલી દ્યારાવીની ઝૂંપડપટ્ટીની મુલાકાત લેશે તો તેમને મુંબઈની જિંદગીની વાસ્તવિકતા સમજાય જશે. દ્યારાવીની કયાં વાત કરવી; મુંબઈના પોશ વિસ્તારમાં નાગરિકોની ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ ઈષ્ર્યા કરવા જેવી નથી.
મુંબઈ શહેરમાં વાલકેશ્વર કે નરીમાન પોઈન્ટ જેવા પોશ વિસ્તારના ગગનચુંબી મકાનમાં રહેતા નાગરિકો ભલે હરખાતા હોય કે તેઓ એક કરોડ કે બે કરોડ ના ફ્લેટમાં રહે છે, પણ માનવ વસાહતોના નિષ્ણાંતો સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે ઊંચા મકાનોમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા ખૂબ જ નીચી હોય છે. સ્કાયસ્ક્રેપર્સમાં ઓપન સ્પેસનો બિલકુલ અભાવ હોય છે અને સામાજિક ગતિવિધિઓ સંકોચાઈ જતી હોય છે, જે માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. આ કારણે જ માનવ વસાહતના નિષ્ણાતો મુંબઈ શહેરના ઝૂંપડાંવાસીઓને ઝૂંપડાંની બદલીમાં ગગનચુંબી મકાનોમાં ફ્લેટ આપવાની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો અભિપ્રાય એવો છે કે, ખુલ્લી જમીન ઉપર જ રહેવાને ટેવાયેલા આ ગરીબ લોકોને ફ્લેટોની બંધિયાર હવા બિલકુલ માફક નહીં આવે અને તેઓ પોતાનું જીવનધોરણ સુધારવા પાછા ઝૂંપડાંઓમાં રહેવા ચાલ્યા જશે. હકીકતમાં ઝૂંપડાંવાસીઓને ફ્લેટો આપ્યા ત્યારે આવું જ બન્યું હતું.
મુંબઈ શહેરમાં માનવ વસાહતો વિશેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ ગઈ, જેમાં ભાગ લેવા માટે વિશ્વના અનેક ટોચના નિષ્ણાતો પણ આવ્યા હતા. આ પરિષદમાં ડેન્માર્કના વિદ્યાર્થીઓએ યોજેલું પ્રદર્શન સૌનું ધ્યાન ખેંચતું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગગનચુંબી મકાનોમાં વસતિની ગીચતા ખૂબ જ વધી જતી હોવાથી વ્યક્તિ દીઠ ખુલ્લી જગ્યાનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. આ કારણે જે કંઈ થોડી ખુલ્લી જગ્યા હોય તેના ઉપર બહુ જ દબાણ આવી જાય છે અને રહેવાસીઓના જીવનની ગુણવતા સરવાળે કથળે છે. લંડનના એક માનવ વસાહત નિષ્ણાત ડેવિડ મોર્ગન તો સ્પષ્ટ કહે છે કે, "લંડનમાં સમાજ સાથે રહેવાના આગ્રહી પરિવારોમાં ગગનચુંબી ઈમારતો જરાય લોકપ્રિય નથી. લંડન શહેરના સમજદાર શ્રીમંતો તો ઓછી ઊંચાઈ અને વધુ ખુલ્લી જગ્યા વચ્ચે જ રહેવાનું વધુ પસંદ કરે છે. "
મુંબઈના શ્રીમંતો પણ કે જિંદગી જીવવાનો ખરો આનંદ તો નાના મકાનોમાં અને માટી ખુલ્લી જગ્યામાં જ આવે છે; પરંતુ મુંબઈમાં જમીનની તંગીને કારણે તવો લાચાર છે. આ કારણે જ તેઓ ભલે રહેતા હોય ગગનચુંબી મકાનમાં પણ સેકન્ડ હાઉસ તરીકે લોનાવલામાં કે દેવલાલીમાં બંગલો બનાવી રાખે છે. જોકે તેમના નસીબમાં રહેવાનું લખાયેલું નથી હોતું એ એક અલગ બાબત છે. માનવ વસાહતોના નિષ્ણાતો એમ કહે છે કે, ભારતનાં ગામડાંઓ અને નાના શહેરોમાં જે પ્રકારનાં મકાનો તૈયાર કરવામાં આવે છે. તે માનવ આરોગ્ય અને સામાજિક સંબંધો માટે સૌથી વધુ ફાયદાલાયક છે. શું છે આ મકાન બાંધકામની ખૂબીઓ ?
મુંબઈ શહેરના શ્રીમંતો કરોડો રૂપિયા ખર્ચીને જે તાજી હવા શ્વાસમાં નથી લઈ શકતા તે તાજી હવા ગામડાંના ગરીબોને મફતમાં મળી જાય છે.
ગાંમડાંના ગરીબો જે મકાનો બનાવતા હોય છે તે ગારમાટીનાં પાકાં મકાનો હોય છે, જેમાં માચીનાં નળિયાનું જ છાપરું હોય છે. માટીનાં મકાનો સસ્તા હોય છે, ટકાઉ હોય છે. અને આરોગ્ય માટે પણ ઉપકારક હોય છે. આ મકાનોમાં બળબળતાં ઉનાળામાં ટાઢકનો અનુભવ થાય છે. અને કડકડતી ઠંડીમાં હૂંફાળું વાતાવરણ પ્રાપ્ત થાય છે. આ મકાનોનાં છાપરાં વાંસની વળીઓ ઉપર માટીનાં નળિયાં નાંખીને બનાવેલા હોય છે, જેમાંથી હવાની અવરજવર થઈ શકે છે. વળી છાપરું માટીનાં નળિયાનું બનેલું હોવાથી તેમાં તાપ લાગતો નથી. ગામડાંના આ હવાદાર મકાનોની સરખામણીએ શહેરના લોકો જે મકાનો બનાવે છે, તેમાં સિમેન્ટ અને લોખંડ જેવા ગરમીના સુવાહક પદાર્થો વાપરવામાં આવે છે. આ મકાનો ઉનાળામાં ભઠ્ઠી જેવાં બની જાય છે અને શિયાળામાં ઠંડા હિમ જેવાં બની જાય છે.
માનવ વસાહતના નિષ્ણાતો મુંબઈ શહેરના ઝૂંપડાંવાસીઓને ઝૂંપડાંની બદલીમાં ગગનચુંબી મકાનોમાં ફ્લેટ આપવાની યોજનાનો વિરોઘ કરી રહ્યા છે
ગામડાંના ગરીબો હોય કે શ્રીમંતો, તેઓ પોતાનાં મકાનો એવી રીતે જ બાંધે છે કે તેમાં પુષ્કળ ખુલ્લી જગ્યા મળી રહે અને સામાજિક સંબંધો પણ જળવાઈ રહે. આ મકાનમાં પ્રવેશ કરતાં જ ફળિયું આવે છે, જેમાં બાળકો રમી શકે છે. સ્ત્રીઓ વાતો કરી શકે છે અને સાંજ પડ્યે ફળિયામાં ખાટલા ઢાળી બેસી શકાય છે. ઉનાળામાં તો ઘરના બધા જ સભ્યો ખાટલા ઢાળી રાત્રે ફળિયામાં જ સુઈ જતાં હોય છે. ફળિયામાંથી ઘરમાં પ્રવેશ કરવામાં આવે એટલે વચ્ચેના ભાગમાં ચોક આવે છે, જે ઘરનાં ફેફસાં જેવો હોય છે. આ ચોકમાંથી તાજી હવા અંદર આવે છે અને સ્નાન વગેરેની સગવડ પણ તેમાં કરી શકાય છે.
ગામડાંમાં પાછળના ભાગમાં વાડાના રૂપમાં ખુલ્લી જગ્યા હોય છે, જેમાં પાળેલા પશુઓ બાંધી શકાય છે અને શાકભાજી પણ ઉગાડી શકાય છે. ખુલ્લી જગ્યાના આ વરદાનને કારણે ગામડાંના લોકો તાજા શાકભાજી અને શુદ્ધ ઘી-દૂધનો લાભ લઈ શકે છે. ગામડાંના ગરીબો ગારમાટીનાં મકાનો બાંધે છે તો શ્રીમંતો ઈંટ-ચૂનાના કે પથ્થરના મકાનોમાં રહે છે, પણ ખુલ્લી જગ્યાની બાબતમાં બંને એકસરખા જ નસીબદાર છે. ગામડાંનો ગરીબમાં ગરીબ માણસ ખુલ્લી જગ્યાનો વૈભવ માણી શકે છે, તે વૈભવ શહેરના ગગનચુંબી મકાનોમાં રહેતા શ્રીમંતોના નસીબમાં નથી. આ કારણે જ માનવ વસાહતના નિષ્ણાતો સ્કાયસ્ક્રેપરમાં રહેતા શ્રીમંતોના જીવનમાં ગુણવતાનો અભાવ જુએ છે.
દુનિયાભરના રહેવાલાયક કે ન રહેવાલાયક 130 શહેરોનો એક સર્વે લંડનના ઈકોનોમિક ઈન્ટીલિજન્સ યુનિટ તરફથી તાજતરમાં કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મુંબઈ સાતમાં નંબરનું અને દિલ્હી દસમાં નંબરનું રહેવા માટેનું સૌથી ખરાબ શહેર છે. આ સર્વે મુજબ ઓસ્ટ્રિયાનું પાટનગર વિયેના સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર છે. તેનાં પછી બીજા ક્રમાંકે વાનકુંવર અને ત્રીજા નંબરે મેલર્બોન બિરાજે છે. આ સર્વે મુજબ ન રહેવાલાયક શહેરોમાં મુંબઈ અને દિલ્હીની સાથે સાથે કરાચી અને ઢાકાનો પણ સમાવેશ થાય છે. દુનિયાના સૌથી ખરાબ શહેર તરીકે પપુઆ ન્યુ ગિનીની રાજધાની મોરેસ્બીનું નામ આવે છે.
લંડનના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે જે સર્વે કરાવ્યો છે, તેનું પ્રયોજન મલ્ટીનેશનલ કંપનીઓ વિશ્વના વિવિધ શહેરોમાં પોતાની શાખાઓ સ્થાપવા માંગતી હોય અને કર્મચારીઓને વસાવવા માંગતી હોય તો તેનું આયોજન કરવા માટે છે. આ સર્વેના લેખક જોન કોપસ્ટેક કહે છે કે, મુંબઈ અને દિલ્હીના નાગરિકોના જીવનમાં જે હાડામારીઓ છે, તેને ધ્યાનમાં લઈ અમે તેમને આટલું પાછળ સ્થાન આપ્યું છે. મુંબઈનું સ્થાન જાકાર્તા, ડકાર, કોલંબિયા, હેનોઈ, તહેરાન અને નૈરોબી પછી આવે છે.
મુંબઈના પોશ વિસ્તારમાં રહેતા નાગરિકોની ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ ઈર્ષા કરવા જેવી નથી
રિલાયન્સના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ શ્રીમંત ગણાય છે. તેમણે અલ્ટામાઉન્ટ રોડ ઉપર 100 કરોડ રૂપિયાના ખર્ચે પોતાનો બંગલો બનાવ્યો છે. આ 100 કરોડનો ખર્ચ કર્યા પછી પણ તેમણે પ્રદૂષિત હવામાં જ જીવવાનું રહેશે. ગામડાંના લોકોને જે તાજી હવા મફતમાં મળે છે, તેનો લાભ શ્રીમંતો કરોડો રૂપિયા ખર્ચીને પણ મેળવી શકતા નથી. લંડનના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ શહેરી જીવનની હાડમારીઓ વિશે જે સર્વે તૈયાર કર્યો તેમાં સલામતીથી લઈ ટ્રાફિકની ગીચતા, પર્યાવરણ, પ્રદૂષણ વગેરે પાસાંઓનો વિચાર પણ કરવામાં આવે છે. આ સર્વે મુજબ જો કોઈ પશ્ચિમી નાગરિક ભારતમાં વસવાટ કરવા માંગતા હોય તો તેણે મુંબઈમાં 62 ટકા અને દિલ્હીમાં 57 ટકા જેટલી હાડમારીનો અનુભવ કરવો પડે છે. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની દુનિયાના કોઈ પણ શહેરમાં પોતાની શાખા ખોલતા અગાઉ આ સર્વેને ખૂબ જ મહત્વ આપતી હોવાથી તેની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. વિદેશી કંપનીઓ વસવાટ કરવા માટે જેટલી તરતપાસ કરાવે છે, તેના દસમાં ભાગની ચીવટ પણ આપણા નાગરિકો રાખતા નથી. તેમને તો જ્યાં પૈસા છે ત્યાં સ્વર્ગ દેખાય છે.
આ સર્વે મુજબ જો કોઈ પશ્ચિમી નાગરિક ભારતમાં વસવાટ કરવા માંગતો હોય તો તેણે મુંબઈમાં 62 ટકા અને દિલ્હીમાં 57 ટકા જેટલી હાડમારીનો અનુભવ કરવો પડે છે
એક જમાનામાં મુંબઈ શહેરમાં પણ વાડીઓ અને ચાલીઓનું કલ્ચર વિદ્યમાન હતું, જેમાં રહેનારાઓને પુષ્કળ ખુલ્લી જગ્યા મળી રહેતી અને સામાજિક પ્રતિક્રિયાઓને પણ પુષ્કળ અવકાશ રહેતો. હવે તે કલ્ચર પણ નામશેષ થતું જાય છે. ગુજરાતનાં કેટલાંક નાના શહેરોમાં કે ગામડાંઓમાં બંગલો વેચીને લોકો જ્યારે મુંબઈની ડબલ રૂમમાં વસવાટ કરવા આવી જાય છે, ત્યારે તો ભારે અચરજ થાય છે. સ્વતંત્ર અને સ્વચ્છ જીવનનો આનંદ ગુમાવી લોકો શા માટે આ મહાનગરની ગીચતા વધારવા આવી જાય છે એ એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે. મુંબઈના શ્રીમંતો તેઓ જે જીવન જીવી રહ્યા છે તે શ્રેષ્ઠ ક્વોલિટીનું જીવન છે, તેવા ભ્રમમાંથી બહાર આવે તો પણ ઘણું છે.
પોરબંદરના ગુરુકુળમાં દીકરીઓને પણ યજ્ઞોપવીત સંસ્કાર અપાય છે

By ENN,
પોરબંદર,
સમાજમાં જ્યારે દીકરા-દીકરીને એક સમાન ગણવાની હિમાયત 21મી સદીમાં ચાલી રહી છે ત્યારે પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા સાત દાયકાથી દીકરા-દીકરીને એકસમાન ગણવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે દીકરાની જેમ જ દીકરીઓને પણ યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ કોઇ પણ ધર્મની દીકરી ગુરુકુળમાં હોય તો તે પણ અહીં યજ્ઞોપવીત સંસ્કાર અંગીકાર કરી સર્વધર્મ સમભાવનો સંદેશો ફેલાવે છે. એટલું જ નહીં અહીં વર્ષોથી જ્ઞાની દીકરીઓ વેદની ઋચાઓ સાથે યજ્ઞ પણ કરે છે.
પોરબંદરના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ નાનજીભાઇ મહેતા દ્વારા સ્થાપિત પોરબંદર આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા 70 વર્ષથી દીકરીઓના શિક્ષણની પ્રવૃતિ થાય છે અને દર વર્ષે અહીં હજારો દીકરીઓના શિક્ષણની પ્રવૃતિ થાય છે અને દર વર્ષ અહીં હજારો દીકરીઓને ભણતરની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. જેના ભાગ સ્વરૂપે યજ્ઞોપવીત સંસ્કારનું અનેરું મહત્તમ સમજી દીકરા-દીકરીઓને સમાન ગણી યજ્ઞોપવિત સંસ્કાર આપી જનોઇના ત્રણ તાંતણા એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સુરક્ષા કવચ આપી સંસ્કારોથી રક્ષીત કરવામાં આવે છે.
સાથે સાથ સર્વધર્મ સમભાવને પણ મહત્વ આપી સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. અભ્યાસ કરતી કોઇપણ ધર્મની દીકરીને એક પરિવારની માફક જોવામાં આવે છે. તેઓ પણ સંસ્થાને ખૂબ જ માનથી જુએ છે. દીકરીઓ ભલે પોતે કોઇ પણ ધર્મની હોય પરંતુ રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી સર્વધર્મ સમભાવનો ગુરુકુળનો સંદેશો દોહરાવે છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં જ્યારે ધાર્મિક કટ્ટરવાદને કારણે વાડાબંધી ઊભી કરી માનવીને માનવીથી અલગ પાડી વેરના વમળમાં ઉલઝાવી રહ્યા છે ત્યારે રણમાં મીઠી વિરડી સમાન આવી સંસ્થાઓ માનવીને સાથે જોડી પ્રેમ અને સહચર્યનો માર્ગ પ્રસસ્થ કરતી હોય તે ભારતીયતાને ગૌરવંતી બનાવે છે.

Thursday, August 20, 2009

મોલમાં ફરવા સહેલગાહે નીકળેલા ટોળાને "ગ્રાહક" બનાવવા મથતાં મોલ માલિકો

by ENN,
મોલ કલ્ચર અમેરિકા-યુરોપના દેશોની આઉટ ટેડેટ ફેશન થઈ ત્યાં આપણે આ કલ્ચરને હૃદય ભરીને આવકાર આપ્યો. સુરત -અમદાવાદ કે પછી વડોદરા જેવા મોટા અને સમૃદ્ધ શહેરોના આશરે 45 જેટલાં મોલની મુલાકાત બાદ લાગ્યું કે એક વસ્તુ લેવી હોય તો પસંદગીમાં તકલીફ આવતી હોય છે. તો પછી આટલાં મોટા વિકલ્પો અને રજૂઆત પછી આમ શાને બને છે? આપણી (ગ્રાહકો)ની જરૂરિયાત વિશેના ખોટી અને અસ્થાયી માનસિકતા! એક મોલમાં રંગબેરંગી અને આકર્ષક ગોઠવણી અને વધારે પડતું એવું બનતું હોય છે કે ગ્રાહક બનાને મોલમાં આવનાર કરતાં સહેલાણી બનીને મોલમાં આવનાર લોકો મોટા પ્રમાણમાં હોય છે. અને આજ ફરવાં-સહેલગાહે નીકળેલ ટોળાંને અમે ગ્રાહકમાં તબદીલ કરવાની મહેનત કરતાં રહીએ છીએ, અને જે મોલની આર્થિક પ્રગતિનું ઉજળું પાસું અમને વારંવાર કાર્યાન્વિત કરાવતું રહે છે અને આ વાત પણ સાચી છે. મોલ કે સુપર માર્કેટની રોશનીમાં પોતાને મોટી રકમની ખરીદીના માલિક સમજ્યાં કરતાં લોકોનો કાફલો હવે વધી રહ્યો છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ગ્રાહક એક નાની જરૂરિયાત લઈને મોટા મોલના શાહીદ્વારમાં પ્રવેશે છે અને તરત બીનજરૂરી વસ્તુની ખરીદીનો આગ્રહી બનતો જાય છે. સત્યતો એ છે કે તેની નાની જરૂરિયાત તેના રહેણાંક વિસ્તારની નજીકની જ કોઈક દુકાનમાંથી સંતોષાઈ શકતી હોય છે. ભારતીયોનું જીવનધોરણ મહદ્અંશે સામાજિક ઘટનાઓ પ્રસંગોના સમૂહોથી બન્યું છે. ન ચાહે પણ એણે સમાજના રીતરિવાજને અનુસરીને તેનો આર્થિક હિસ્સાનો 40 ટકા જેટલો ભાગ સામાજિક પ્રતિષ્ઠા અને કર્તવ્યમાં નાંખવાનો હોયછે અને એજ વર્ષોથી સાચું ગણવામાં આવી રહ્યું છે. તો જીવનને બિનજરૂરી વસ્તુઓના ઉદભોગતાવાદથી જ્યાં સુધી બચાવવામાં નહીં આવે, ત્યાં સુધી અન્ય રાષ્ટ્રોના આઉટડેટેડ કલ્ચરને આપણે સ્ટેટ્સ સિમ્બોલ તરીકે ગણતા રહીશું. આખા ભારતભરનું સર્વેક્ષણ કદાચ એવું બતાવે છે કે સામાન્ય મધ્યમવર્ગના લોકો મોલ-કલ્ચરને વીકએન્ડ ફીકઆઉટનું સ્થાન સમજી રહ્યાં છે. ફરા જાય છે અને બિનજરૂરી ખરીદી કરતાં હોય છે. કહેવાનો મતલબ એટલો જ કે આપણે આપણી જરૂરિયાતોથી સભાન થવું જ જોઈએ. નહીં તો મોલ સવારે 9 થી રાતના 9.30 સુધી આપણું સ્વાગત કરતાં ઉભાં જ રહેશે..

રાજકોટમાં ધમધમતા ગેમ્સ પાર્લર કે ગેમ્બલિંગ પાર્લર?

by ENN,
રાજકોટ,
શહેરમાં એક સમયે ધમધમતો લોટરીનો જુગાર કંઈ કેટલાય પરિવારને બરબાદ કરી ગયો હતો. લોટરીના દૂષણને પોલીસ કમિશ્નર સુધિરકુમાર સિન્હાએ જે તે વખતે નેસ્તનાબૂદ કર્યું હતું. હવે રાજકોટમાં વીડિયો ગેમ્સ પાર્લરના ઓઠા તળે ધમધમતા જુગારના દૂષણે માથું ઉંચક્યું છે. ખાસ કરીને બાળકો-તરૂણોને આ દૂષણ દરબાદીના માર્ગ તરફ ધકેલી રહ્યાનું ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત યુવાનો પણ લાલચમાં આવી જુગારના રવાડે ચડી હજ્જારો રૂપિયા ગુમાવતાં હોવાનું જાણકારો કહે છે.

ચર્ચા મુજબ જે લોકો માત્ર અને માત્ર વીડિયો ગેમ્સ રમાડે છે તે લોકો તંત્ર દ્વારા કનડગત ન થાય એ માટે કાયદાનો સહારો પણ લેતાં હોય છે. અને માત્ર મનોરંજન માટે ગેમ્સ જ રમાડતાં હોય છે. પણ મોટાભાગના પાર્લરના સંચાલકો સેટીંગ કરી ગેમ્સના નામે ગેમ્બલિંગ ધમધમાવે છે. અને દરરોજ મોટા પાયે હારજીત થાય છે. શહેરના એક પણ એવા વિસ્તાર નથી કે જ્યાં વીડિયો ગેમ્સ પાર્લર ધમધમતું ન હોય તો માત્ર મનોરંજન માટે ગેમ્સ રમાડવામાં આવતી હોય તે યોગ્ય કહી શકાય. પણ મોટાભાગે ચાવવાના અને દેખાડવાના જુદા એ કહેવત મુજબ દુકાન બહાર બોર્ડ તો ગેમ્સ પાર્લરનું લગાડવામાં આવ્યું હોય છે. પણ એકંદરે રમાડાતો હોય છે જુગાર.

શહેરમાં આમ તો છાને ખૂણે ગેરકાનૂની ગણાય તેવું ઘણું બધું થતું હોય છે. ક્યારેક પોલીસને ખબર હોય છતાં આંખ આડા કાન થયા હોય છે. તો ઘણીવાર પોલીસ બેખબર પણ હોય તેવું બની શકે. જ્યારે ગેમ્સ પાર્લરની બાબતમાં પાર્લરમાં રમાડાતો જુગાર બધાને દેખાય છે પણ પોલીસને દેખાતો નથી. તેવું ખુલ્લેઆમ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. શરૂઆતમાં ત્રણ-ચાર સ્થળોએ ગેમ્સ પાર્લરના ઓઠા તળે જુગાર રમાડવાનું શરૂ થયું હતું. પણ ધીમે ધીમે આ દૂષણ વાર્તાઓમાં આવતી રાજાની કુંવરીની જેમ રાત્રે ન વધે એટલું દિવસે ને દિવસે ન વધે એટલું રાત્રે વધવા માંડ્યું. આજે હાલત એવી છે કે શહેરની દસેય દિશાઓમાં આ દૂષણે પોતાનો પગ જમાવી લીધો છે. જાણકારોના કહેવા મુજબ કેટલાંક વીડિયો ગેમ્સ પાર્લરમાં તો કસીનો ટાઈપ જુગાર પણ રમાડવામાં આવતો હોય છે. માલિકીની દુકાન, મકાન કે અન્ય જગ્યામાં ગેમ્સ પાર્લર શરૂ કરી દેવામાં આવ્યાં છે. દુકાનનું ભાડું 5 થી 7 હજાર કે તેથી વધુ ચુકવવામાં આવે છે, શરૂઆતમાં થોડા દિવસ માત્ર અને માત્ર વિડીયો ગેમ રમાડાય છે. પણ બાદમાં પાર્લરમાં નિયમિત આવનારાઓની સંખ્યા વધી જાય પછી શરૂ કરી દેવાય છે. ગેમ્સના નામે ગેમ્બલિંગ, બાળકો-તરૂણો પણ આવા પાર્લરોમાં ગેમ્સ પડતી મૂકી પૈસા કમાવવાની લાલચમાં જુગાર રમતા થઈ જાય છે. આ જુગારમાં મોટાભાગે કોઈ જીતતું નથી. હા, જીતે છે -માત્ર રમાડનારા! શહેરના કેટલાંક વિસ્તારોમાં તો કહેવાતા રાજકીય લોકો પણ આ ધંધામાં કાળા હાથ કરી રહ્યાંનું કહેવાય છે.

બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા ગેમ્સ પાર્લરોમાં બેરોકટોક જુગટૂ રમાય છે છતાં આ બધું અટકાવવાની જેની જવાબદારી છે તે પોલિસ તંત્ર નિરાંત રાખીને શા માટે બેઠું છે....? આવો સવાલ સૌ કોઈ જાગૃત નાગરિકોના મનમાં ઉઠે એ સ્વાભાવિક છે. ત્યારે આ સવાલના જવાબના રૂપે જાણકારો કહી રહ્યાં છે કે તાલી એક હાથે ન પડે. જે બધાને દેખાય તે પોલીસને ન દેખાય તેનું કારણ છે સેટીંગ. માત્ર જે તે પોલીસ મથક નહીં પણ બ્રાન્ચને પણ સાચવવી પડતી હોય છે.

ગેમ્સના નામે ગેમ્બલીંગના પાર્લર ચલાવવા મહિને મોટું ચૂકવણું કરી સેટીંગ થતું હોવાનું પણ જાણકારો કહે છે. આવા ધંધામાં કમાય છે. પાર્લરના સંચાલકો અને સેટીંગ કરનારા. જ્યારે ગુમાવે છે-બેહાલ થઈ જાય છે. બાળકો-તરૂણો અને યુવાનો. રોજેરોજ રમવાની ટેવ ધરાવતાં આવા બાળકો તરૂણો-વિદ્યાર્થીઓ અને યુવાનો ટેવ પોષવા ચોરી કરવાના રવાડે ચડી પણ જતાં હોય છે.તો ક્યારેક આવા પાર્લરમાં આવતાં રખડું, લુખ્ખા, આવારા તત્વોની સોબતમાં આવી જઈ ગુન્હાખોરીના માર્ગ તરફ પણ કદમ માંડી લેતાં હોય છે.

ધ્રાંગધ્રાના કોંઢ ગામને ઈઝરાયેલ પદ્ધતિ દ્વારા હવામાં ખેતી કરવા સજ્જ કરાશે

by ENN,
રાજકોટ,
આ અગાઉ જૈન બટેટા વિશે અહીં ઉલ્લેખ કરાયો હતો પરંતુ હવે ભારતમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા તાલુકામાં કોંઢ ગામ ગામ ઈઝરાયેલની પદ્ધતિથી તમામ કંદમૂળ એટલે કે માત્ર બટેટા જ નહીં, મૂળા, ગાજર, સક્કરિયા વિગેરે જમીનના બદલે હવામાં ઉગાડી કૃષિક્ષેત્રના એક અદ્યતનયુગમાં કદમ માંડવા જઈ રહ્યું છે.

ઈઝરાયેલના ડો. ઈઝીકીયેલ ગોલન કોંઢ ગામે કોઢેશ્વર કેમ્પ ફાર્મ હાઉસમાં ખાસ આ ગામના ખેડૂતોને આ અદ્યતન પદ્ધતિની માહિતી આપવા આવ્યા હતા.
ડો. ગોલન સાથે કરેલી વાતચિત પરથી આ અદ્યતન પદ્ધતિથી રસપ્રદ વિગતો જાણવા મળી છે, એટલું જ નહીં અન્ય ખેડૂતો માટે પણ આ પદ્ધતિ ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ફાયદો આપે તેવી પુરવાર થાય તેમ છે.

પહેલા તો હવામાં ખેતી કરવા જેવી વાતને હવામાં તીર મારવા જેવી લાગશે. પણ ખરેખર ડો. ગોલનને આપેલી માહિતી બાદ આ વાત ખોટી સાબિત થાય તેમ છે. તો શું છે આ હવામાં ખતી કરવાની પદ્ધતિમાં?
ડો.ગોલન કહે છે કે પહેલાં તો આપણે સૌએ હવો ગ્લોબલાઈઝેશનના યુગમાં હવે અન્ય દેશોની સાથે જો ઉભું રહેવું હશે તો આપણી પારંપારિક ખેતીની પદ્ધતિને છોડી આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે. હવામાં ખેતીની પદ્ધતિ ઈઝરાયેલમાં સારા પરિણામ આપ્યાં છે.

આ પદ્ધતિમાં વાવેતર એક ખાસ પ્રકારના પ્લેટફોર્મમાં કરવામાં આવે છે. આ પ્લેટફોર્મની રચના એવી હોય છે કે છોડ ઉપર રહે છે અને તેના મૂળ પ્લેટફોર્મની નીચેની બાજુએ જ્યાં ખાસ હોલ બનાવાયા હોય તેમાંથી નીકળતા હયો છે. આ મૂળને સ્પર્શે તે રીતે તેમાંથી પાણી સતત પસાર થતું રહે છે. આ એક જ પાણીનો ઉપયોગ વારંવાર થઈ શકે છે. બીજું જમીનમાં જે રીતે ખાતર સહિતના રસાયણો નાખવામાં ઘણી વખત તેના રસાયણો નાખવામાં ઘણી વખત તેના માપદંડોમાં ફેરફાર થઈ જવાના કારણે પાકને નુકસાન થાય છે
તેનો ભય આ પદ્ધતિમાં રહેતો નથી. આ માટે ડો. ગોલન એવું કહે છે કે મૂળને સ્પર્શીને પાણી સતત વહેતું રહેતું હોય અને પાણીમાં જ આ ખાતર કે રસાયણ તેના ચોક્કસ માપ પ્રમાણે ઉમેરી દેવાથી તેના ઓછા કે વધારાપણાનો ભય રહેતો નથી.

કચ્છના વસાણાની સોડમ સરહદ પારઃ કચ્છી અડદિયા, ખજૂર પાકની વિદેશમાં બોલબાલા

by ENN,
ભૂજ,
રણપ્રદેશ કચ્છમાં શિયાળાની ઋતુએ પોતાનો પગપેસારો શરૂ કર્યો છે અને ધીમે ધીમે ઉષ્ણતામાનનો પારો નીચે ગબડી રહ્યો છે. આ શિયાળાની મોસમ દરમિયાન શરીરને ગરમાવો આપે તેવા વસાણાનું ખાસ મહત્વ છે અને તેમાં પણ અડદિયાની બોલબાલા રહે છે. કચ્છના અડદિયા લંડનમાં રૂપિયા સાત હજાર પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે.

કચ્છના અડદિયાનો સ્વાદ એટલો લોકપ્રિય છે કે કચ્છથી ખાસ અડદિયાના પાર્સલો દેસ-દેશાવરોમાં વસતાં કચ્છીઓ મંગાવીને પણ વિદેશમાં આ કચ્છી અડદિયાનો સ્વાદ અચૂક માણે છે.

ભૂજ તાલુકામાં મૂળ માધાપર ગામના અને હાલે ધંધાર્થે લંડન ખાતે સ્થાયી થયેલા પ્રવિણભાઈ હાલાઈ દર વર્ષે શિયાળાની શરૂઆત થવાની સાથે જ તેઓ કચ્છના અડદિયા ખાસ પાર્સલ દ્વારા મંગાવે છે. જે માટે એક કિલોગ્રામના રૂપિયા સાત હજાર ચૂકવે છે. હાલ કચ્છમાં ફરવા આવેલા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે કચ્છના અડદિયાની માગ લંડન ખાતે વસવાટ કરતાં કચ્છીઓમાં વધારે જોવા મળે છે. કચ્છી અડદિયાના ભાવ ભલે ગમે તે હોય પણ આમ પણ ઠંડા મુલક ગણાતા બ્રિટનમાં સ્થાયી થયેલા માત્ર કચ્છી નહીં, પરંતુ ગુજરાતી પરિવારો પણ અડદિયાનો સ્વાદ શિયાળા દરમિયાન માણવાનું કદી ચૂકતાં નથી.

માધાપર ખાતે મીઠાઈની દુકાન ધરાવતાં રમેશ કારાના જણાવ્યાનુસાર હાલમાં જ્યારે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે બ્રિટનની વર્ધીને ધ્યાનમાં રાખીને, ખાસ કારીગરો રોકી, શિયાળાની મોસમના વસાણા જેવા કે, અડદિયા, ખજૂરપાક, ખજૂર રોલ, ખજૂરલાડુ, સાલમ પાક, મેથીપાક, અને ગુંદરપાક સહિતની ગરમ મીઠાઈઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે.

તેઓની શિયાળાની સિઝનને લગતી મીઠાઈઓ લંડન ઉપરાંત નાઈરોબી મીઠાઈઓ લંડન ઉપરાંત નાઈરોબી, મસ્કત અને દુબઈ ખાતે વસવાટ કરતાં પટેલ પરિવારોને પાર્સલ મારફતે મોકલી રહ્યાં છે.
વિદેશ ઉપરાંત મુંબઈ કોચિન, કોલકતા, બેંગ્લોર, ચેન્નાઈ સહિતના શહેરોમાં તેમજ ગુજરાતના અન્ય મથકોમાં સ્થાયી થયેલા કચ્છીઓ પણ કચ્છના અડદિયા મંગાવતા હોય છે. કચ્છને લાગે વળગે છે. ત્યાં સુધી અડદિયા પછી, શિયાળાની સૌથી વધુ લોકપ્રિય મીઠાઈ ચીક્કી બની રહી છે. જેસલના ધામ સમા કચ્છના અંજારની ગુબીજ વખણાય છે. સૂંઠવાળી ગુબીજનો ઉપાડ શિયાળા દરમિયાન સવિશેષ રહે છે.

દુનિયાનો સૌથી લાંબો ઢોસો !

by BNN,
અમદાવાદ,
શહેરના એક રેસ્ટોરન્ટે ચાલીસ મિનિટથી પણ ઓછા સમયમાં દુનિયાનો સૌથી લાંબો 32.5 ફૂટ ઓ ઢોસો બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.

રેસ્ટોરન્ટના અધ્યક્ષે જણાવ્યું કે, તેઓએ 40 મિનિટથી પણ ઓછા સમયમાં દુનિયાનો સૌથી લાંબો ઢોસો બનાવ્યો છે જેની લંબાઈ 32 ફૂટ અને પાંચ ઈંચ છે. તેઓ પાસે અગાઉથી જ સૌથી ઓછા સમયમાં ઢોસા બનાવાનો રેકોર્ડ છે. ફેબ્રુઆરી 2006 માં અમે 30 ફૂટ લાંબો ઢોસો બનાવ્યો હતો. આજે અમે અમારો જ રેકોર્ડ તોડતા 32.5 ફુટ લાંબો ઢોસો બનાવ્યો છે. શાકાહારના ફાયદાઓ પર આધારિત ફિલ્મ ‘ક્વિક ગન મુરાગન' પર ઢોસાનું નામ રાખવામાં આવ્યું છે.

16 રસોઈયાઓ અને આઠ સહાયકોની એક ટુકડી છેલ્લા દસ દિવસથી યોગ્ય આકારનો ઢોસો તૈયાર કરવાનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ટુકડીના એક સભ્યે જણાવ્યું કે, 32 ફૂટ લાંબા તવા પર ઢોસો બનાવવો અને એક સમાન તાપમાન જાળવી રાખવું ઘણું મુશ્કેલ કામ છે.

ગિનીજ વર્લ્ડ બુક રિકાર્ડસમાં 25 ફુટ લાંબો ઢોસો બનાવવા પર પહેલી વખત નોંધવામાં આવ્યું હતું.

Monday, August 10, 2009

રાજકોટની ગુજરી બજારોઃજૂની અને એન્ટીક વસ્તુઓ ખરીદવા માટે ઉત્તમ સ્થળ

By ENN,
રાજકોટ,
સસ્તાભાવમાં સારૂં મળી રહે તેવી સુવિધા આપતી ગુજરી બજારો ઘણીવાર આશિર્વાદરૂપ બની રહે છે. જો કે આવી બજારોમાંથી યોગ્ય વસ્તુની પરખ કરવાની આવડત પણ એટલી જ જરૂરી બની રહે છે. કોઈ મૂલ્યવાન વસ્તુ પણ અહીં પાણીના ભાવે મળી રહે છે તો ક્યારેક બજારમાં ક્યાંય ન જોવા મળે તેવી અતિ પુરાણી અને એન્ટીક ગણાતી વસ્તુઓ પણ ગુજરી બજારોમાંથી મળી રહે છે.
દિવાળી પૂર્વેના દિવસોમાં ખાસ કરીને ગુજરી બજારોમાં ચિક્કાર સામગ્રી ઠલવાતી હોય છે. ત્યારે રાજકોટમાં વિવિધ માર્ગો ઉપર વિવિધ આઈટમોની ભરાતી ગુજરી બજારોની વિસ્તૃત વિગતો અહીં માણીએ.
શહેરના ભાવનગર રોડ ઉપર દર રવિવારે બજાર ભરાય છે. આ બજાર રવિવારી બજાર તરીકે ઓળખાય છે.
અહીં નાત-જાત, નાના મોટા કોઈપણ ભેદભાવ વગર સોયથી માંડીને દરેક જૂની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. અહીં વસ્તુઓની ખરીદી કરવા સાઈકલવાળાથી માંડીને ગાડીઓવાળા લોકો આવે છે. કોઈપણ વસ્તુ સામાન્ય વર્ગને પોસાય તેવી કિંમતે મળી જાય છે. સામાન્ય વર્ગથી માંડીને ઉચ્ચ કક્ષાનો વર્ગ દર રવિવારે ખરીદી કરવા આવે છે.
રવિવાર પડે એટલે આ રોડનો નકશો જ કંઈક અલગ જોવા મળે છે. વહેલી સવારથી આ માર્ગ ઉપર પોતપોતાનો સામાન લઈ લોકો વસ્તુ વહેંચવા પહોંચી જાય છે. આ માર્ગ ઉપર વ્હેલી સવારથી જ ધમધમાટ જોવા મળે છે. જગ્યા રાખી લેવા ફેરિયાઓ અને ધંધાર્થીઓ દ્વારા વહેલી સવારથી જ કે આગલી રાત્રીથી જ આ જગ્યા ઉપર કબજો જમાવી લેતાં હોય છે.
ભાવનગર રોડ ઉપર દર રવિવારે કપડાં, વાસણ, કબાટ, ટેપ, રેડિયો, ટી.વી. સાયકલ-સ્કુટર,ના સ્પેરપાર્ટસ, ટાયર ટ્યુબ સહિતની પુરાણી વસ્તુઓનું વેચાણ થાય છે. આ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો અહીં આવે છે. ખરીદનાર આ વસ્તુ બજારની કિંમત કરતાં ઘણાં જ સસ્તાભાવે મળી જાય છે. જો કે આ વસ્તુઓ જૂની હોય છે.
આવી કડકડતી મોંઘવારીમાં મધ્યમવર્ગ તેમજ નીચલા વર્ગના લોકો ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદ કરવાની શક્તિ ધરાવતાં ન હોય જેથી વસ્તુઓની ખરીદી કરે છે. પરંતુ અમુક જૂની વસ્તુઓ ઓછી કિંમતે અને ટકાઉ મળી રહે છે. ગ્રાહકો પોતે વસ્તુ ખરીદ કરવાની સમજ હોવી જોઈએ.
જ્યારે હવે તો શહેરના રૈયા રોડ ઉપરના ભરચક એરિયામાં આવી બજાર ભરાય છે. અહી દરરોજ બજાર ભરાય છે. જ્યાં તમોને ટેપ, કોમ્પ્યુટરના સાધનો, ટાયર-ટ્યુબ ઘર સજાવટની કોઈપણ વસ્તુઓ વગેરે સેકન્ડહેન્ડની વસ્તુઓ મળી જાય છે.
રૈયા રોડ ઉપરના મૂઢી ચોક વિસ્તારમાં અમુક લોકો તો એવા છે કે જે બપોરના સમયે પોતાના ઘરે જમવા જાય ત્યારે અહીં ભરાતી બજારમાં ચક્કર મારી જાય છે અને પોતાને ગમતી તથા પોતાના ખિસ્સાને પરવડે તેવી વસ્તુઓ ખરીદતા જાય છે.
આ રોડ ઉપર પાથરણું રાખી અને વિવિધ વસ્તુઓ વેંચતો એક ફેરિયો જણાવે છે કે અહી અમે રમતા-રમતાં દરરોજના 400થી 500 રૂ. રળી લઈએ છીએ. કોઈવાર સારી એવી વસ્તુ વેચાણ માટે આવી જાય તો વધારે રૂપિયા પણ મળી જતાં હોય છે. જેવી રીતે ભાવનગર રોડ, મઢી ચોકમાં બજારો ભરાય છે. તેવી જ રીતે દર રવિવારે જ રામનાથપરા સ્મશાનથી માંડીને મરચાની પીઠ સુધીના વિસ્તારમાં કપડાની બજાર ભરાય છે. અહીં દર રવિવારે કપડાના શોખીનો ઉમટી પડે છે. રૂ.20થી માંડીને કોઈપણ કિંમત સુધીના કપડાં મળી જાય છે.
અહીં કપડાની ખરીદી કરવા નીચલા વર્ગથી માંડીને ઉચ્ચકક્ષાના લોકો જોવા મળતાં હોય છે. જેમાં ખાસ કરીને યુવા વર્ગ વધુ દેખાય છે. આ ઉપરાંત લોખંડની કોઈપણ જૂની વસ્તુઓની ખરીદી કરવી હોય તો દર રવિવારે પહોંચી જાવ જિલ્લા ગાર્ડનમાં જિલ્લા ગાર્ડનથી શરૂ થઈને 80 ફૂટ રોડ સુધીના માર્ગમાં લોખંડની બજાર ભરાય છે. અહીં સ્કૂટરની વ્હીલપ્લેટથી માંડીને કોઈપણ લોખંડની વસ્તુઓ ઓછી કિંમતે મળી જાય છે. એજ રીતે રાજકોટમાં શનિવારી બજાર પણ બહુ જાણીતી છે. સાધુ વાસવાણી માર્ગથી પંચાયતનગર ચોક સુધી આ બજાર માત્ર શનિવારે જ ભરાય છે. કેટલાક જૂનવાણી માલ જે નવી બજારમાં ક્યારેય ન મળે તે ગુજરીમાંથી મળી જતો હોય છે. સસ્તાભાવમાં અને સારી વસ્તુઓ મળી જાય છે. ક્યારેક તો એન્ટીક પીસ પણ મળી જતાં હોય છે. આવી બજારોમાં બેસવા માટે પાથરણા અને પલંગની વ્યવસ્થા પણ હોય છે. પલંગ ઉપર માલ વેચવા આવા પલંગ ભાડેથી પણ મળતાં હોય છે. આવી બજારોમાં ખાણી-પીણીવાળાઓ પણ રોજી મેળવી લેતાં હોય છે. નાસ્તા તેમજ પુરી શાક તથા ખાવા-પીવાની આઈટમોનો થડો નાખી વેંચતા હોય છે. આમ, આવી ગુજરીબજારોને લીધે ખાણી-પીણીની વસ્તુઓનું વેચાણ કરનારને પણ રોજી રોટી મળી રહે છે.

નામ બડે ઔર દર્શન ખોટે ભરમાવતી જાહેરાતોથી ચેતજો

By ENN,
આપણે ત્યાં ભરમાવતી ખોટે માર્ગે દોરતી જાહેરાતો સામાન્ય થઈ ગઈ છે. આ જાહેરાતો એવી હોય છે કે સામાન્ય માણસને સ્પર્શી જાય છે. એ ભોળવાઈ જાય છે જેમ કે
-જાણીતા હસ્તરેખા નિષ્ણાંત ટૂંક સમય માટે જ મુંબઈ આવ્યાં છે. સચોટ ભવિષ્ય અને સફળતાની ખાતરી.
-હૃદયના કોઈપણ દર્દ કે હુમલા માટે ઓપરેશનની આવશ્યકતા નથી. ટૂંક સમયમાં જ દર્દ ગાયબ.
-ઘૂંટણના દુઃખાવો થાય છે. ચાલી શકાતું નથી. કોઈપણ સર્જરી વગર દોડતાં કરી દઈશું.
- 150-170 કિલો વજન છે? સ્થૂળતાથી શરમાવે છે? એક માસમાં જ ગેરંટેડ 10 કિલો વન ઓછું કરી દઈશું. સાઈડઈફેક્ટ નહીં.
-ડાયાબીટીસ-મધુમેહ-આયુર્વેદિક દવાથી ત્રણ માસમાં અંકુશ.
અને આવી તેમજ આવા પ્રકારની જાહેરાતો આવ્યા જ કરે છે. આ જાહેરાત કરનારાઓ સારી પેઠે જાણે છે કે 10 વખત જુઠું બોલો તો એ સાચું થઈ જાય છે... પંચતંત્રની જાણીતી વાર્તા છે. એક બ્રાહ્મણ બકરી લઈ જતો હતો. ત્રણ ધુતારાઓએ આંતરે-આતંરે દર એકે કીધું , અરે આ તો કૂતરું છે બ્રાહ્મણ એને કંઈ ઊંચકે? ને બિચારા બ્રાહ્મણે બકરીને છોડી મૂકી. એટલે તો જાહેરાત વાંચનારા માનવા લાગે છે , હેં એમ છે. તો લાવ અજમાવી જાઉં. કેટલાંક વર્તમાનપત્રો તો વાચકોને ચેતવે છે કે આ જાહેરાતોની સત્યતાની કોઈ ખાતરી એમના તરફથી નથી, માટે સમજી-વિચારીને તેઓ અપનાવે.
આપણી મહાકાય કંપનીઓ આ ફોર્મ્યુલા વ્યાપક રીતે અપનાવે છે. એ પુરવાર થઈ ગયું છે કે કોલા અને પેપ્સીમાં જંતુનાશક તત્વો સમાયેલા છે અને સ્વાસ્થ્યને હાનિકારક છે. એમાં શર્કરાનું સારું પ્રમાણ છે એટલે કંપનીઓએ નવું તૂત ઉમેરી દીધું. ડાયટ કોક પીવો વધારે પડતી સેકરીન પણ એટલી જ નૂકસાનકારક છે. આ કંપનીઓને જરાપણ આંચ આવી નથી સીને કલાકારો એની શુદ્ધતાની ખાતરી આપતા ટીવી અને સીને પરદે દેખાય છે. એ સ્ફુર્તિ પ્રેરે છે. સ્વાસ્થ્યજનક છે. એમ કહેવામાં આવે છે શા માટે છાશ અને નાળિયેર પાણીની જોરદાર જાહેરાતો નથી? એ પૌષ્ટિક છે. સ્વાસ્થ્ય પ્રેરક છે. જે ગુણધર્મો આપણામાં બેશલાક સમાયેલા છે. એનો પ્રચાર આવશ્યક છે.
શું આવી ભરમાવતી જાહેરાતોને પડકારી ન શકાય? જ્યારે કોઈપણ વ્યક્તિ - સંસ્થા ગ્રાહક પ્રચારના કોઈ પણ માધ્યમ દૂરદર્શન, રૂપેરી પડદો, રેડિયો, અખબારો ઈત્યાદિમાં કોઈ પણ ઉત્પાદન કે સેવાને ભરમાવતી ગેરમાર્ગે દોરતી કે સત્યની ઉપેક્ષા કરતી જાહેરાત જુએ તો સંપૂર્ણ વિગતો સાથે ધી એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા-સંક્ષેપમાં એએસસીઆઈ-એશીને મોકલાવી શકે છે. આ સંસ્થાની કન્ઝ્યુમર્સ કમ્પલેઈન્ટ કમિટિ સીસીસી ફરિયાદ મળ્યાની છ દિવસની અંદર સ્વીકાર નોંધ આપે છે. ત્યારબાદ 15 દિવસ સુધી જાહેરાત કરનાર ઉત્પાદક-ડીલર એજન્સીએ આ ફરિયાદ અંગે ટીકા-ટિપ્પણ અવલોકન માટે સમય આપવામાં આવે છે.
ફરિયાદમાં વજૂદ જણાય તો વિજ્ઞાપનકાર એજન્સીને જાહેરાતમાં સુધારાઓ કરવાનું કહેવામાં આવે છે. એમની સૂચના પ્રમાણે એજન્સી પ્રતિભાવ ન દાખવે તો યાદી મોકલવામાં આવે છે. તેમની પણ 15 દિવસની અંદર જવાબ ન મળે તો ચેરમેન તરફથી ઓલ-ઈન્ડિયા ધોરણે અખબારી યાદી મોકલવાય છે. આ પ્રમાણે આ વિજ્ઞાપનકારોને સંયમ અને શિસ્તમાં રાખવા સંનિષ્ઠ પ્રયાસો કરે છે.
ભરમાવતી જાહેરાતોમાં નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ છે. આજે મોલ સંસ્કૃતિમાં ભરપૂર ડિસ્કાઉન્ટ પાણીના ભાવે માલ આપવામાં આવશે.
રવિવારે ખુલ્લું છે. 60 ટકા ડિસ્કાઉન્ટ ફક્ત આજ સાંજે 6.00 વાગ્યા સુધીને ગ્રાહકોનો દરોડાઓ થાય છે. શું ખરેખર આટલું જબ્બર વળતર દેવામાં આવે છે? મુંબઈનું મોલ બીગ બાઝાર આવા ભરપૂર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ 75 ટકા ડિસ્કાઉન્ટે ઓફર કર્યા હતા આ ઓફરને ઝીણવટથી જોતાં ધ્યાનમાં આવ્યું કે એમાં છટકબારી હતી. ખરીદ-કિંમત પર પ્રથમ 50 ટકા ડિસ્કાઉન્ટની ગણતરી કરવામાં આવી હતી. એટલે 75 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ નહીં પણ 62.5 ટકા થાય એને અર્થ એ થયો કે 12.5 ટકા ડિસ્કાઉન્ટ ઓછું આપવામાં આવતું. આ એક છેતરામણી હતી. આમ ભરમાવતી જાહેરાતોમાં નામ બડે દર્શન ખોટે જેવા ઘાટ છે. અમદાવાદ સ્થિત ગ્રાહક સંગઠન કન્ઝુયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ ઉપરોક્ત મોલની આ ગેરમાર્ગે દોરતી જાહેરાત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મેનેજમેન્ટે જવાબ આપ્યો અમે કશી પણ નોટીસ આપ્યા વગર અમારી ઓફરની શરતો-લાભો પાછા લઈ શકીએ છીએ. અમારી ઓફરની યોગ્યતા અમારે જોવાની રહે છે. ગ્રાહકોએ આવી ભરમાવતીજાહેરાતોનો અભ્યાસ કરીને નિર્ણય કરવાનો રહે છે.

સિવિલનો પોસ્ટમોર્ટમ રૂમ એટલે જાણે હોરર ફિલ્મનો શૂટિંગ સેટ..!

By ENN,
અમદાવાદ,
એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું બિરૂદ ધરાવતી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની હાલત યોગ્ય જાળવણીના અભાવે એટલી તો બિહામણી બની ગઈ છે કે અહીંના તીવ્ર બદબૂભર્યા માહોલમાં ભયાનક અને ત્રાસદાયક દ્દશ્યોને જોતા ભલભલાનું ચિત્ત ભ્રમિત થઈ જાય તેવી સ્થિતિ છે. અહીં મૃત્યુ પછી માનવીના મૃતદેહનો પણ જાણે મલાજો જળવાતો નથી.
મોર્ગ રૂમમાં કુલિંગ સિસ્ટમ કાયમ ખાડે ગયેલી અવસ્થામાં હોય છે અને ક્યારેક તો એક જ બોક્સમાં ચાર-ચાર લાશોનેએક બીજા પર ખડકીને સાચવણી કરવી પડે છે. આધુનિક સારવારનો દાવો કરતી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમની એકવાર મુલાકાત લેવા જેવી છે. કેટલાક લોકો આ રૂમને હોરર ફિલ્મના શુટિંગના વાસ્તવિક સેટ સમાન કહે છે. તેની દશા જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે પોસ્ટ મોર્ટમ રૂમનું જ પોસ્ટ મોર્ટમ હવે જરૂરી બની ગયું છે.
અમદાવાદમાં મળી આવતી બિનવારસી લાશોને જાળવી રાખવા માટેના કોલ્ડરૂમની કુલિંગ સિસ્ટમ બંધ છે. સમગ્ર પોસ્ટ મોર્ટમ રૂમ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી એસી પ્લાન્ટ બંધ છે. ઘણીવાર તો કોલ્ડરૂમમાં એક-એક બોક્સમાં ત્રણ-ચાર લાશો સાથે રાખવી પડે છે. આ રૂમમાં 48 મૃતદેહો સાચવી શકાય તેવું આયોજન છે. ચાર વિભાગોમાં વહેંચાયેલા રૂમમાં જો એ સેકશનનું કુલિંગ બંધ થઈ જાય તો તે સેકશનમાંની 12 લાશોની કેવી રીતે જાળવણી કરવી તેનો પ્રશ્ન સર્જાય છે.
કેમ કે કોલ્ડરૂમમાં શૂન્ય ડિગ્રી તાપમાન રાખવું જરૂરી હોય છે. આથી બંધ પડેલા સેકશનમાંની લાશો ચાલુ સેકશનના બોક્સમાં ખસેડવી પડે છે. આ મુદ્દે સિવિલના જ ઈલેક્ટ્રિક વિભાગને વારંવાર જાણ કરી હોવા છતાં પણ કોઈ પરિણામ નથી. કુલિંગ સિસ્ટમ અને એસી તો ઠીક, પંખા પણ ચાલતા નથી. પૂરતી ટ્યુબલાઈટો હોવા છતાં ઘણી બંધ હાલતમાં હોય છે.
પોસ્ટ મોર્ટમ રૂમ એક અધ્યાયન રૂમ હોય છે. તેમાં મૃત્યુ પામનારી વ્યક્તિના મરણનું કારણ જાણવા માટે તબીબોએ અભ્યાસ કરવાનો હોય છે. આ જગ્યા બેક્ટેરિયા અને વાયરસ રહિત હોવી જોઈએ. પણ અહીં તો તબીબોને સખત દુર્ગંધભર્યા વાતાવરણમાં કામ કરવું પડે છે.
વળી, પોસ્ટમોર્ટમ માટે ઉપયોગમં લેવાતા વર્ષો જૂના સાધનો હજુ બદલાયા નથી. ખૂન કે અન્ય ઈન્વેસ્ટીગેશનના કેસમાં લાશમાંથી લેવાતા અંગોને મૂકવા માટે પ્લાસ્ટીકની બકેટ સુદ્ધાં ઉપલબ્ધ હોતી નથી. પરિણામે મરનાર વ્યક્તિના સ્વજનોએ તે પૂરી પાડવી પડે છે.

નાળિયેરના છોતરામાંથી 2000 વસ્તુનું નિર્માણ

By ENN,
અમદાવાદ,
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રતિવર્ષ એક કરોડ જેટલાં શ્રીફળ વધેરવામાં આવે છે, પરંતુ દર વર્ષે તેના છોતરાના નિકાલની સમસ્યા હતી. નંદનવન ગ્રામોદ્યોગ નામની સંસ્થાએ આ સમસ્યાને આશીર્વાદના રૂપમાં પલટાવી છે. નાળિયેરના છોતરામાંથી 2000 જેટલી વસ્તુ બને છે. તથા 400 વ્યક્તિને રોજગારી મળે છે.
નાળિયેરના છોતરામાંથી ચંપલ બનાવવામાં આવે છે જે એક્યુપ્રેશરનું કામ કરે છે. જેની 100 જેટલી ડિઝાઈન ઉપલબ્ધ છે. આ સિવાય મીણબત્તી બનાવવામાં આવે છે. તેમાં પણ હનીમૂન કેન્ડલ્સમાં એક જ પીસમાં મોગરા, પિસ્તા, ગુલાબની ફ્લેવર મળે છે.

ક્રુઝ ટુરિઝમ તરફ રાજ્ય સરકારની નજર
ગુજરાતમાં ક્રુઝ સર્વિસ લાવવા પ્રયાસ
લક્ષદ્વિપથી મુંબઈ સુધીની સફરમાં ગુજરાતને આવરી લેવા પર ભાર

By ENN,
અમદાવાદ,
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આવા પ્રતિબંધની તરફેણ અને વિરોધ કરનારા ઘણાં છે. એ વાત અલગ છે કે દારૂબંધી હોવા છતાં પાછલા બારણે અહીં બેફામ દારૂ ઢીંચાતો હોય,
પરંતુ હવે એક રસ્તો એવો તૈયાર થઈ રહ્યો છે જે દ્વારા પીવાની સત્તાવાર છૂટ મળશે.
એક અહેવાલ અનુસાર ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારા અંગે રાજ્ય સરકાર ક્રુઝ સર્વિસ સાથે વાટાઘાટો કરી રહી છે. આ એક એવી યોજના છે જે હેઠળ વ્યક્તિ
દારૂબંધીવાળા ગુજરાતમાં કદાચ પી શકશે.
વાયબ્રન્ટ ગુજરાત જાન્યુઆરી 2009માં ગુજરાત સરકાર પોતાના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને ધ્યાને રાખી ક્રુઝ ટુરિઝમના વિચારને પ્રસ્તુત કરશે.
સ્ટાર ક્રુઝ સાથેની ગુજરાત સરકારની વાટાઘાટો અગ્રીમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ગુજરાતની ઈચ્છા છે કે સ્ટાર ક્રુઝ કે જે લક્ષદ્વિપ અને મુંબઈ વચ્ચે પેસેન્જર ક્રુઝ સર્વિસ ચલાવે
છે. તે પોતાની સેવા હેઠળ ગુજરાતને પણ આવરી લે એટલે કે ગુજરાતના એક નિર્ધારિત પોઈન્ટ સુધી સ્ટાર ક્રુઝ પોતાની સેવા લંબાવે, એક ઉચ્ચ સરકારી સૂત્રોના જણાવ્યા
અનુસાર સ્ટાર ક્રુઝ માટે અમે સ્થળને શોધી રહ્યાં છીએ.
આ મામલે હવે એક ચર્ચા જાગી છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં જો સ્ટાર ક્રુઝ આવશે તો પીવા ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાનું શું? કારણ કે ક્રુઝ પર તો દારૂની રેલમછેલ હોય છે.
ગુજરાતના ચોક્કસ સ્થળે આવ્યા બાદ સ્ટાર ક્રુઝના મુસાફરો દારૂનું સેવન કરતાં હોય તો તે માન્ય ગણાશે કે નહીં? સત્તાવાર સૂત્રો આવા સંવેદનશીલ મુદ્દે કંઈ પણ બોલવાનો
ઈન્કાર કરે છે. પરંતુ એવું જરૂર કહે છે કે દારૂબંધીનો ગુજરાતનો કાયદો દરિયા કિનારાથી માત્ર 12 નોટીકલ માઈલ સુધી લાગુ પડે છે.
બીજી તરફ ભારત સરકારે એક ડ્રાફ્ટ ક્રુઝ ટર્મિનલ પોલીસી ઘડી છે. જે હેઠળ આ સેવા વિકસિત કરનારને રૂ. 25 કરોડની સબસીડી ઓફર કરાય છે. ક્રુઝ સેવાને આકર્ષવા માટે
ગુજરાત સરકાર દ્વારા ત્રણ સ્થળો ધ્યાને લેવાયા છે. જેમાં અમરેલીના સરકેશ્વર, ઓખા નજીકનું શિવરાજપૂરા અને સૂરતનું સુવાલી સામેલ છે. આ ત્રણેય સ્થળો બિચ ધરાવે છે.
ગુજરાત પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ કે જે રાજ્યકૃત ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક પેટા કંપની છે તેના નેજાહેઠળ ટુરિઝમ ડેવલોપમેન્ટ બોર્ડને યોજના
ઘડી કાઢવા નિર્દેશ અપાયા છે.
જેમાં બીચ ટુરીઝમ તરતી હોટેલો અને બંદરો વિકાસ કરવા વગેરે જેવી બાબતો સામેલ છે.
ક્રુઝ 12 નોટીકલ માઈલથી આગળ ચાલ્યું જાય પછી શું પીવાની છૂટ અપાશે? તે અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બોટીંગ માટેની સેવાઓ અંગેની બાબતો ધ્યાને લેવાઈ રહી
છે.
ગુજરાતના દરિયા કિનારે ટુરીઝમના વિકાસ માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના પ્રયાસોને જીપીઆઈડીસીએલ જરૂરી ટેકો આપશે.
ક્રુઝ સેવા શરૂ થાય તે પહેલાં એક મત એવો ઉઠ્યો છે કે ગુજરાતે પોતાની રીતે વળગી રહેવું જોઈએ.

ગુજરાતના ગુલાબની મહેક જાપાનમાં પ્રસરી...!

By ENN,
અમદાવાદ,
જાપાનના બજારો ગુજરાતથી માતબર જથ્થામાં આવી રહેલા ફુલોથી ઉભરાઈ રહ્યાં છે. બીજી તરફ સુરતના વ્યારા તાલુકાના વધુને વધુ ખેડૂતો પરંપરાગત ખેતીના વિકલ્પરૂપે
ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) ભણી વળી રહ્યાં છે. સુરતમાં આશરે એકસો હેક્ટરમાં ઉગાડાયેલા ગુલાબના કુલ ફાલમાંથી આશરે 70 ટકાની જાપાન નિકાસ કરી દેવામાં આવે છે.
ગયે વર્ષે 35 લાખ ગુલાબની નિકાસ કરવામાં આવી હતી એમ રાજ્યના હોર્ટીકલ્ચર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાંના ઉચ્ચ તકનિકી ગ્રીન હાઉસ ફાર્મિંગ હેઠળ
ફ્લોરીકલ્ચર માટે વધુને વધુ એકર ફાળવાતાં સુરતમાંથી ગુલાબની નિકાસનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલાં સાડા ચાલીસ હેક્ટરમાં ગુલાબની ખેતી થતી તે વધીને
હવે એકસો હેક્ટરમાં થવા લાગી છે. એમ રાજ્ય હોર્ટીકલ્ચર વિભાગના સંયુક્ત ડિરેક્ટર પી.એમ. વઘાસિયાએ જણાવ્યું હતું.ખેડૂતો વિવિધ વેરાયટીઓના ગુલાબોની નિકાસ કરવા
લાગ્યા છે. બે હેક્ટરમાં ગુલાબ ઉગાડનારાઓ વિસ્તરણ કરી દસ હેક્ટરમાં ઉગાડવા લાગ્યા છે તો વળી નવા નવા ખેડૂતો ય આમાં ઝંપલાવી રહ્યાં છે એમ નાયબ ડિરેક્ટર ઝેડ.
પટેલે જણાવ્યું હતું.
સરકારે 2007માં અઢાર જેટલા એમઓયુ કર્યા હોઈ રાજ્યમાંથી ફ્લોરીકલ્ચરની નિકાસ વધવા સંભવ છે. હાઈટેક ગ્રીન હાઉસ ફાર્મિંગને અપાયેલા પ્રોત્સાહન બળવત્તર થતાં
ફૂલોનો બિઝનેસ બહોળો થતો ચાલ્યો છે.
ગુલાબની નિકાસ ઈટાલિ, હોલેન્ડ, અને જર્મની જેવા અન્ય વિદેશોમાં થઈ રહ્યો છે. એમ જણાવતાં સુરત સ્થિત ખેડૂત ધર્મેશ પટેલે ઉમેર્યું હતું કે 60 જેટલા ખેડૂતો ડચ રોઝ,
મેરીગોલ્ડ, લિલી, ગ્લેડીઓલસ, કાર્નેશન્સ અને હાઈબ્રિડ તથા ટ્યુબ રોઝ વ. ગ્રીન હાઉસ વાવેતરની ટેકનિકથી ઉગાડે છે. કેટલાક ખેડૂતો તો દર મહિને ડઝનેક વેરાયટીના એક
લાખ ગુલાબની નિકાસ કરે છે.

ગુજરાત નેત્રદાન અને સંગ્રહમાં સર્વોચ્ચ સ્થાને

By ENN,
અમદાવાદ,
ગુજરાત અને મહારાષ્ટ્ર એ રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમમાં અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ પ્રદર્શન કર્યું છે. મોતિયાના ઓપરેશન સ્કૂલના બાળકોની સંખ્યાની તપાસ અને
નેત્રદાનના ક્ષેત્રમાં રાજ્યોએ કરેલા પ્રદર્શનના આધારે આ નિષ્કર્ષ બહાર આવ્યો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ (એનપીસીબી) બાબતે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર અંધત્વ નિવારણમાં સારૂં પ્રદર્શન કરનારા રાજ્યોમાં તેમના પછી
તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ છે.
આ કાર્યક્રમમાં બિહાર, ઝારખંડ, જમ્મુ, કાશ્મીર, આસામ, અને પૂર્વોત્તર રાજ્યોનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. સૌથી સારૂં પ્રદર્શન કરતાં મહારાષ્ટ્રએ લયની એકદમ નજીક પહોંચી
જઈને 6.5 લાખ કરતાં વધુ લોકોના મોતિયાના ઓપરેશન કર્યા હતા. જ્યારે ગુજરાતે મોતિયાના 6,44,389 ઓપરેશન કર્યા હતા. મહારાષ્ટ્રના સૌથી સારા પ્રદર્શનને
ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે 11મી પંચવર્ષિય યોજનામાં રાજ્યની મેડીકલ કોલેજો અને નેત્ર વિજ્ઞાનની સ્થાનિક સંસ્થાઓને અપ-ગ્રેડેશનમાં મદદ કરવાનો નિર્ણય કર્યો
છે.
રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમના વધારાના મહાનિર્દેશક ડો. આર.જોસે જણાવ્યું હતું કે 7 ટકા બાળકોની આંખોમાં ખામી હોવાનું જાણવા મળ્યા બાદ હવે બાળકોની આંખોની
તપાસને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે શાળાઓમાં શિબિર લગાવવામાં આવશે અને ગરીબ બાળકોને મફત ચશ્મા આપવામાં આવશે.
નેત્રદાન અને સંગ્રહમાં 7,372ની સંખ્યા સાથે ગુજરાત સર્વોચ્ચ સ્થાને. મહારાષ્ટ્રનું મોતિયાના ઓપરેશનનું લક્ષ્યઃ 5,50,000 - ઓપરેશન કર્યા 6,14,667 ગુજરાતે
મોતિયાના 6,44,389 અને આંધ્રપ્રદેશમાં 3,600 નેત્રદાન અને સંગ્રહણ.
ગુજરાતમાં 51 લાખ 88 હજાર બાળકોની આંખોની તપાસ કરવામાં આવી. 82 હજાર બાળકોની આંખોમાં ખામી જોવા મળી. 75,862 બાળકોને મફત ચશ્મા વહેંચવામાં
આવ્યાં.
મહારાષ્ટ્રમાં 31 લાખ 58 હજાર બાળકોની આંખોની તપાસ, 1 લાખ 18 હજાર બાળકોની આંખોમાં ખામી, 61 હજાર બાળકોને મફત ચશ્મા વહેંચવામાં આવ્યા.

તમામ રાજ્યોમાં ગુજરાત દેહદાનમાં આગળ
દાન કરવામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે
દર વર્ષે 300 થી 350 મૃતદેહો દાનમાં મળે છે

By ENN,
અમદાવાદ,
ગુજરાતીઓ દાન કરવાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યા છે પછી ભલે પોતાના ખુદના દેહનું દાન કરવાનું હોય એટલે સુધી કે ગુજરાતની મેડીકલ કોલેજોમાં તબીબી નિરીક્ષણ
માટે કરવામાં આવતાં દેહદાનને કારણે મૃતદેહોનો ભરાવો થઈ ગયો છે.
ગુજરાત તબીબી શિક્ષણ માટે માનવ દેહદાનમાં તમામ રાજ્યોમાં સૌથી આગળ છે. દર વર્ષે મેડીકલ કોલેજોને 300-350 મૃતદેહોનું દાન કરવામાં આવે છે. અમારી કોલેજમાં
આ વર્ષે 45 મૃતદેહો દાનમાં આપવામાં આવ્યાં છે અને હવે અમારે ત્યાં દેહદાનમાં મળેલા મૃતદેહોની સંખ્યા 70 છે કે જે અમારી જરૂરિયાત કરતાં વધુ છે. એવું એન.એચ.એલ.
મ્યુનિ. મેડીકલ કોલેજના વિભાગીય વડા ડો. ભરત ત્રિવેદીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં સૌથી વધુ દેહદાન મળે છે. આ વર્ષે અમોને 45 દેહદાન મળ્યા છે અને પોતાના દેહનું દાન કરવા ઈચ્છુક લોકો તરફથી 70 સંમતિ પત્રકો મળ્યા છે કે જેથી તબીબી
વિદ્યાર્થીઓ શીખી શકે. એવું સિવિલ હોસ્પિટલ ખાતે એનેટોમી વિભાગના વડા ડો. બી.જે.ગોહિલે જણાવ્યું હતું.
રાજસ્થાન અને છત્તીસગઢની મેડીકલ કોલેજો કેટલાંક મૃતદેહો તેમને મોકલવા ગુજરાતની મેડીકલ કોલેજોની લખી રહ્યાં છે, પરંતુ કાયદાનુસાર મૃતદેહોને રાજ્યની બહાર
મોકલવાની મંજુરી નથી. અમોને વર્ષમાં માત્ર 5 થી 6 જ મૃતદેહો દાનમાં મળે છે. અને તેથી મોટી સંખ્યામાં તબીબી વિદ્યાર્થીઓને શીખવવાનું મુશ્કેલ બને છે. એવું અજમેરની
જવાહરલાલ નહેરૂ મેડીકલ કોલેજના ડો. સુરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.
ગુજરાતીઓ મૃત્યુ પામીને પણ માનવતાને સદ્ઉપયોગી બનાવવા ખ્યાલમાં હંમેશા અગ્રેસર રહ્યાં છે. સ્વૈચ્છિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને ખાસ કરીને મૃત્યુ બાદ પણ
ઉપયોગી બનવાની લાગણીને કારણે રાજ્યમાં સૌથી વધુ દેહદાન કરવામાં આવે છે, એવું એક સમાજશાસ્ત્રીએ જણાવ્યું હતું.
અમારૂં કુટુંબ એવું માને છે કે માણસના મૃત્યુ બાદ કરાતા અગ્નિ સંસ્કારમાં માણસનો દેહ રાખ થઈ જાય છે. કે જેનો કોઈ ઉપયોગ નથી. જ્યારે મૃતદેહનું દાન કરવામાં આવે તો તે
આ તબીબી વિજ્ઞાનને ઉપયોગી બને છે. એવું નિમિષ પટેલે જણાવ્યું હતું કે જેમના પિતા જ્યંતિભાઈ પટેલનો મૃતદેહ ગઈ સાલ બી.જે. મેડીકલ કોલેજના દાનમાં આપવામાં
આવ્યો તો. નિમિષે પણ પોતાનો દેહ દાન કરવાનો સંકલ્પ કર્યો છે.મુંબઈમાં અમે વાઢકાપ માટે બિનવારસી મૃતદેહોનો ઉપયોગ કરીએ છીએ. અહીં પણ મોટાભાગના મૃતદેહોનું
દાન ગુજરાતીઓ તરફથી જ મળે છે. એવું ડી.વાય. પાટીલ, મેડીકલ કોલેજ મુંબઈના ડો. વી.જી.સાવંતે જણાવ્યું હતું.

દરિયો ખુંદતી બોટને ભગવાનના નામનું સુરક્ષાકવચ

By ENN,
પોરબંદર,
દિવસો સુધી સાગરના ખોળે જાતને સમર્પિત કરી માછીમારી કરતાં સાગરખેડૂઓને મધદરિયે માત્ર ઈશ્વરનો જ આધાર હોય છે. ઈશ્વરમાં રહેલી અતૂટ શ્રદ્ધા જે તેઓના મનને
મધદરિયે મજબૂત રાખતી હોય છે. અને આ કારણે જ કદાચ માછીમારો પોતાની બોટના નામ દેવ-દેવીઓના નામ પરથી રાખે છે. અને તેમાં પણ દેવીઓના નામનો સૌથી વધુ
ઉપયોગ થાય છે. અહીંથી દરિયો ખૂંદવા જતાં સાગર ખેડૂઓ જ્યારે બોટ બનાવવાની શરૂઆત કરે ત્યારથી જ પોતાની બની રહેલી બોટનું નામ જ્યોતિષીની મદદથી જ તે
દેવી-દેવતાના નામ પરથી જ રાખે છે.
મોટાભાગની ફીશીંગ બોટોના નામો માતાજીઓના નામે રાખવામાં આવે છે. ભાદર આઈ કૃપા, હરસિદ્ધ કૃપા, જશોદા મૈયા, આવળ આઈ કૃપા, આશાપુરા કૃપા, ચામુંડા કૃપા,
શ્રીમંમાઈ કૃપા, શ્રીલક્ષમી કૃપા, જેવા જુદા જુદા માતાજીઓના નામો ઉપરાંત જપ વાછરડાદાદા, રાધેક્રિષ્ન જેવા નામો પણ રાખતાં જોવા મળે છે.
કેટલાંક મુસ્લિમ માછીમારો તેમના ધર્મના દેવતાઓના નામો પણ રાખે છે. પોરબંદરના માછીમારોને બોટોના નામો દેવી-દેવતાઓના નામે રાખવા અંગેનું કારણ પૂછતાં
મોટાભાગના માછીમારોએ જણાવ્યું હતું કે જ્યારે દિવસો સુધી દરિયો ખુંદવા એકલા નિકળી પડ્યા હોઈ તે વખતે ઈશ્વર સાથે હોવાની અનુભૂતિ થાય છે. દરિયામાં માછીમારી કરતી
વેળા ટ્રીપ ઘણીવાર ચાર-પાંચ દિવસની હોય છે. તો ક્યારેક દશથી બાર દિવસ સુધીની ટ્રીપ થઈ જાય છે. ત્યારે આવી ટ્રીપ દરમિયાન વિશાળ દરિયા વચ્ચે ઈશ્વરની હાજરી
હરહંમેશ બોટના માછીમારોની સાથે હોય તેવું અનુભવાય છે જેથી કોઈ મુશ્કેલી નડતી નથી.

હવે મોબાઈલ ફોનથી મિસાઈલ લોંચ કરી શકાશેઃવઘાસીના વિદ્યાર્થીનું નવતર સંશોધન

By ENN,
આણંદ,
ભારત દેશના લશ્કર માટે અત્યાધુનિક શસ્ત્રો તૈયાર કરવા વૈજ્ઞાનિકો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સતત પ્રયત્નશીલ રહે છે, ત્યારે સાર્વજનિક વિદ્યાલય વઘાસીના એક
વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો રીમોટ તરીકે ઉપયોગ કરી મિસાઈલ્સ કેવી રીતે દાગી શકાય તેની ડી.એન. હાઈસ્કૂલના પટાંગણના યોજાયેલ વિજ્ઞાન મેળામાં કૃતિ રજૂ કરી હતી.
આ અંગે માહિતી અનુસાર મોબાઈલ દ્વારા મિસાઈલ લોંચીંગ કેવી રીતે શક્ય છે તેનું નિદર્શન કરતાં વઘાસી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થી વિપુલ ચૌહાણ, વિજ્ઞાન શિક્ષક પારસ
શાહ અને આચાર્ય નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ ઓટોમેટીક મિસાઈલ લોંચીંગ સીસ્ટમનો સિદ્ધાંત રીમોટ સેન્સીંગ ઉપર કાર્યરત છે. જેમાં એક મોબાઈલ ઉપરથી સર્કિટ
પાસેના મોબાઈલમાં રીંગ કરવાથી મોબાઈલની ઈનકમિંગ ફ્રીકવન્સીમાં વધારો થાય છે. જેથી તેની નજીક રાખેલ ઈન્ડક્ટીવ કોઈલમાં ઈન્ડકશન ઉત્પન્ન થઈ ટ્રાન્સમીટરમાં જાય
છે અને ત્યાંથી સર્કિટમાં મૂકેલા કોમ્પીનન્ટસ દ્વારા તેનો સપ્લાય રીલેમાં જાય છે. જેથી રીલ એક્ટીવેટ થાય છે.
આ રીલે એક્ટીવેટ થવાથી તેમાંથી કોન્ટેક્સ દ્વારા પાવર સપ્લાય 230 વોલ્ટના ફાયર સ્ટેજ ટ્રાન્સફોર્મરમાં જાય છે. અને તેની સેકન્ડરી સાઈડમાં હીટીંગ થવાથી મિસાઈલ
આકાશમાં છૂટે છે.
આ ઓટોમેટીક મિસાઈલ લોંચીંગ સિસ્ટમના કારણે દૂર ગોઠવેલી મિસાઈલને નિયંત્રણ કક્ષમાં જ બેઠાં બેઠાં આકાશમાં છોડી શકાય છે. જેના કારણે જવાનોની ખુવારી પણ થવાનો
કોઈ સંભવ રહેતો નથી. આ ઉપરાંત આ સિસ્ટમથી ખેતરમાં દૂર મૂકવામાં આવેલી વર્કસની મોટર પણ દૂર બેઠાં બેઠાં જ ઓન-ઓફ કરી શકાય છે.

દસમાંથી ચાર ભારતીય ગરીબી રેખા નીચેઃ 1.25 ડોલર (રૂ. 60)ની આવક...‍‌!
વોટબેન્કને લીધે કોઈ પક્ષ-શાસક કુટુંબ નિયોજન યોજનામાં પડવા માગતું નથી-ફાટફાટ થતી વસ્તી સુધારાઓના વેગને બ્રેક મારી દે છે

By ENN,
અમદાવાદ,
દરરોજ અખબારોમાં દેશની પ્રગતિના આકર્ષક આંકડાઓ પ્રગટ થતાં જ જાય છે. આપણી પ્રગતિની ટકાવારી વધતી જાય અને ફુગાવો ઘટતો જાય છે. છડેચોક સાંસદોને લાંચ આપી શાસન ટકાવી શકાય છે. પરમાણુ કરાર થઈ ગયા છે. વીજળી હવે જેમ ફાવે તેમ વાપરો. પછી ભલેને રૂ. 71000 કરોડ ગરીબ ખેડૂતોના દેવાને માફ કરવા માટે આપ્યા હોય.. ગાડી દ્વારા 2-3 માસ પહેલાં પૂના જવાનું થયું. રસ્તામાં ચીંચવડથી પુના સુધીના હાઈવે પર ઠેર ઠેર આપણા માનવંતા ખોરાક અને પુરવઠા ખાતાના પ્રધાન શરદ પવારના હોર્ડિંગ્સ કોટી કોટી વંદનનો- આપણા શરદ પવારને જેણે આપણા ખેડૂતભાઈઓના રૂ. 71 હજાર કરોડ દેવાના માફ કરાવ્યા. વાહ શરદ પવાર સાહેબ વાહ..! ખરો જશ ખાટી ગયા, બિચારા આપઘાત કરીને કબરમાં સૂતેલા ખેડૂતો આશીર્વાદ આપતા હશે. ગરીબ ખેડૂતોની ગરીબી આમ જ દૂર થાય ને !
હાલમાં જ પ્રગટ થયેલ વર્લ્ડ બેન્કના જગતની ગરીબીના છેલ્લામાં છેલ્લા ચોંકાવનારા આંકડા પ્રસિદ્ધ થયા છે. ભારતમાં અંદાજે જગતના ત્રીજા ભાગના ગરીબો વસે છે. માત્ર 2 ડોલર (રૂ. 80)થી પણ ઓછી આવક ધરાવતા આફ્રિકાના સહારા પ્રદેશ કરતાં ભારતમાં ગરીબોની વસતિ છે.
વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતમાં 1981થી 1990 વચ્ચે ગરીબીનો દર ઓછો થતો જતો હતો, જ્યારે 1990થી 2005ના સમયગાળા દરમ્યાન ગરીબીનો આંક 1981થી 1990 કરતાં વધારે હતો. હવે અર્થશાસ્ત્રીઓએ અનુમાન કરવાનું રહ્યું કે ખરેખર ગરીબી ઘટી છે.?
નૂતન સમીકરણ પ્રમાણે 45.6 કરોડ લોકો એટલે અંદાજે વસ્તીના 42 ટકા લોકો નૂતન આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા-1.25 ડોલર પ્રતિ દિવસ-અંદાજે રૂ. 50 જેટલી ઓછી આવક ધરાવે છે. આ પ્રમાણે જગતની ગરીબની વસ્તીના 33 ટકા ભારતમાં વસી રહ્યાં છે.
ભારતની 82 કરોડની વસ્તીના માત્ર પ્રતિદિન 2 ડોલર કરતાં ઓછી આવક છે. એટલે કે કુલ વસ્તીના 75.6 ટકા લોકો થયા જે પ્રમાણ જગતના સૌથી ગરીબ પ્રદેશ સબસહારા આફ્રિકાના 72.2 ટકા કરતાં વધારે છે. એટલે કે 55.1 કરોડ લોકોની આવક 2 ડોલર કરતાં પણ ઓછી પ્રતિદિન છે.
વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ 1981માં 42.1 કરોડ લોકોની આવક માત્ર 1.25 ડોલર હતી. એની સંખ્યા હવે 2005માં 45.6 કરોડ થઈ ગઈ છે. અહેવાલ વધુમાં જણાવે છે કે નવી આંતરરાષ્ટ્રીય ગરીબીની રેખાના 1.25 ડોલર પ્રતિદિન છે, કારણ કે સૌથી ગરીબ એવા 10-20 દેશોની ગરીબીની રેખા પરથી એનું તારણ કાઢવામાં આવ્યું છે. આનો અર્થ એમ થયો કે 10માંથી 4 ઉપરાંત વધારે ભારતીયો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે- ને આપણે પ્રગતિની બાંગ પુકારતા જઈએ છીએ.
ટકાવારી ઘટી, વસ્તી વધી, સુધારાની ગાડીની ગતિ મંદ પડી...!
આપણે ત્યાં પંચ વાર્ષિક યોજનાઓ આવે છે. કેટલો વિકાસ દરેક ક્ષેત્રમાં થયો છે. અને હવે કેટલો થશે એનો અંદાજ-બજેટ આદી મૂકવામાં આવે છે. હવે ગરીબોમાં કેટલી ગરીબીની પ્રગતિ થઈ છે એના આંકડાઓ પ્રતિ કોઈ ગંભીરતાથી જોતું નથી. એના કારણો છે-વસ્તી નિયોજન યોજનાઓનો સંદતર અભાવ. કોઈ પણ પાર્ટી અને પક્ષને તેમજ શાશનને પણ પડી નથી. કોઈ પણ એના ચૂંટણી ઢંઢેરામાં એનો સમાવેશ કરતાં નથી. શાસન તો એના પ્રત્યે લેશમાત્ર ધ્યાન રાખતું નથી. કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરે એની કહેવા ખાતર સમાજ કુટુંબ-કલ્યાણ "મિનિસ્ટ્રી" રાખી છે. યુદ્ધ ધોરણે કશું કામ થતું નથી.
જ્યાં સુધી ફાટફાટ થતી વસ્તીનું નિયોજન નહીં કરવામાં આવે ત્યાં સુધી ગરીબોની ગરીબી વધતી જશે. વધતી જતી વસ્તી ગમે તેવા સુધારાઓને અસરકારક નહીં બનવા દે.
કોઈપણ શાસન કુટુંબ-નિયોજન માટે કાર્ય કરવા માંગતું નથી રખેને ! વોટ બેન્ક તૂટી જાય તો..!