Monday, June 14, 2010

ભગવાન જગન્નાથની અપૂર્ણ મૂર્તિની દિવ્યકથા

આગામી 13 જુલાઇએ ભગવાન જગન્નાથની રથયાત્રા સમસ્ત ગુજરાતમાં યોજાશે. ખાસ કરીને અમદાવાદ શહેરની રથયાત્રા વિશેષ શ્રધ્ધાનું કેન્દ્ર બને છે. આ પરંપરા ઓરિસ્સામાં આવેલાં જગવિખ્યાત જગન્નાખપૂરીની રથયાત્રા સાથે સંકળાયેલી જણાય છે. પૂરીમાં હજારો વર્ષ પહેલાં બંધાયેલા ભગવાન જગન્નાથના ભવ્ય, વિશાળ અને શિલ્પસૌંદર્યથી સભર મંદિરની આભા આજે એચલી જ તેજોજ્વલ્લ છે. પૂરીના આ મંદિરમાં પ્રતિષ્ઠિત જગન્નાથની અપૂર્ણ મૂર્તિ પાછળની કથા ખુબજ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે. કારણ કે આ કથામાં માનવીના અહંકાર, અહંકારની ગ્લાની, ભાવ-ભક્તિ અને અથાગ કર્મયોગનો સુંદર બોધ રહેલો છે.
સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા આદરણીય પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આ કથાને તેમનો મૌલીક અને અવલૌકિક જ્ઞાનસ્પર્શ આપતા કહે છે કે આટલા ભવ્ય અને સુંદર મંદિરમાં ભગવાનની મૂર્તિ લાકડાની અને તે પણ હાથ-પગ વગરની છે ! આવું કેમ બન્યું હશે તે જરા ઊંડાણની સમજવું પડશે.
હજારો વર્ષ પહેલા પૂરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાનું શાસન હતું. તેણે અતિશય સુંદર, મનોહારીપ્રાસાદોવાળી આ નગરીનું નિર્માણ કર્યું ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સુંદર નાગરીમાં એક ઉત્કૃષ્ટ મંદિર પણ હોવું જોઇએ. રાજાએ લાખો રૂપિયા ખર્ચીને, ગામે ગામથી ઉત્તરમ શિલ્પીઓને બોલાવી એક અદભૂત મંદિર બનાવવા તેઓને આદેશ આપ્યો. શિલ્પકારોએ રાત-દિવસ શ્રમ કરી, સોનાના ફૂલો અને હીરા-માણેક જડિત, જોનારને આંજી દે તેવું જળહળ મંદિર ખડું કરી દીધું. એક દિવસ એક બ્રાભ્હ મુસાફરી કરતો આ મંદિરમાં આવ્યો. તેણે રાજા પાસે આવી મંદિરના ખૂબ વખાણ કર્યા અને પછી ધીમેથી પૂછ્યું, "આવા સુંદર મંદિરમાં મૂર્તિ કોની બેસાડશો ?" રાજા થોડો જંખવાણો પડ્યો. તેણે કહ્યું "આ વિશે તો મેં વિચાર્યું જ નથી" ત્યારે તેણે નીલાચળ પર્વતમાં સ્થિત નીલમાધવની મૂર્તિ સ્થાપવા સૂચન કર્યું. રાજાએ વિદ્યાપતિ નામના બુધ્ધિશાળી જાસુસને આ મૂર્તિ લાવવાનું કામ સોંપ્યું. વિદ્યાપતિ નીલાચળ પર્વત પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં વસતા શબરોનો સરદાર વિશ્વાવસુએ જ આ મૂર્તિની પૂજા કરતો હતો. બીજા કોઇને તેની ખબર પણ ન હતી. વિદ્યાપતિએ વિશ્વાવસુની યુવાન પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને તેણીને આ મૂર્તિના દર્શન કરાવવા વિવશ કરી. વિશ્વાવસુએ વિદ્યાપતિને નીલમાધવની અલૌકિક મૂર્તિના દર્શન કરાવ્યાં. પણ તેણે જોયું કે વિદ્યાપતિની આંખમાં ભક્તિભાવ નથી, પણ લોભ છે તેથી તેણે વિદ્યાપતિને ગુફામાં પૂરી ધીધો... પછી તો વિદ્યાપતિ માંડ ત્યાથી છૂટ્યો. રાજાને બધી વાત કરી. ફરી તે સૈન્ય લઇ નીલાચળ પર્વત મૂર્તિ મેળવવા આવ્યો, પણ મૂર્તિ તો અદ્રશ્ય થઇ ગઇ.
રાજા નિરાશ થયો... ત્યારે ભગવાન નીલમાધવે રાજાને દર્શન આપીને કહ્યું કે તું અહંકારના જોરે મૂર્તિ લેવા માગતો હતો. શબરોનો ભાવ-સમર્પણ તારામાં નથી. અહંકારથી હું કદી તારા મંદિરમાં આવીશ નહીં. રાજાને જ્ઞાન થયું. પ્રશ્ચાતાપ થયો. તેણે સો સો યજ્ઞો કરાવ્યા. પૂ. પાંડુરંગજી કહે છે કે આ યજ્ઞો ખરા અર્થમાં તપસ્વી અને તેજલ્વી બ્રભ્હણો દ્વારા થતાં સંસ્કૃતિ નિર્માણના કાર્યો હતા. રાજાએ કરેલો આ એક મહાન કર્મયોગ હતો. ભગવાન પ્રસન્ન થયા. રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે દરિયાકિનારે તરતું એક મોટું લાકડાંનું થડ આવશે. તેમાંથી મારી મૂર્તિ બનાવજે. રાજાએ થડ મેળવ્યું કારીગરોએ મૂર્તિ બનાવવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. ત્યારે એક વૃધ્ધ-અંધ કારીગર આવ્યો. તેણે કહ્યું કે મૂર્તિ હું બનાવીશ. પણ એકવીસ દિવસ સુધી ગર્ભગૃહના બારી-બારણા બંધ રાખવા પડશે. કોઇ અંદર આવી શકશે નહીં. પ્રભુની આ બીજી કસોટી હતી. રાજાએ વાત સ્વીકારી તો ખરી... પણ મનમાં શંકા હતી. તેમાં તેની પત્નીએ તેની આ શંકાને વધુ પ્રબળ બનાવી. રાજા પણ માનવી હતો. તે ફરી ભૂર કરી બેઠો અને સાતમાં દિવસે જ ગર્ભગૃહના દ્વાર ખોલી નાંખ્યાં... અંદર જોયું તો કોઇ જ ન હતું... હતી માત્ર હાથ-પગ વગરની... માત્ર માથા-મોંઢા અને આંખોવાળી મૂર્તિ... વૃધ્ધ કારીગર અદ્રશ્ય થઇ ગયો હતો. રાજાને ખુબ પસ્તાવો થયો. તેની આંખો આસુથી ભીજાઇ ગઇ. પ્રભુને પ્રાર્થવા લાગ્યો.
તે વખતે આકાશવાણી થઇઃ "આ મહાન કર્મયોગીનું મંદિર છે તેમાં આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર. આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે, આશ્વાસન આપશે, શરણે આવેલાને માર્ગદર્શન આપશે." પૂ. પાંડુરંગદાદા કહે છે કે આ મૂર્તિ ઉપદેશાત્મક છે. જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા ઊભા રહો ત્યારે તે સમજાવેશે કે ભગવાન અહંકારથી આવતા નથી. સત્તાથી આવતા નથી. પણ કર્મથી, કર્મના સમર્પણથી આવે છે. તમે એવો કર્મયોગ કરશો તો ભગવાન વગર બોલાવ્યે આવશે. બીજા લોકો અને તમારામાં જ રહેલો સંશયાત્મા એ કર્મયોગમાંથી ચળાવવા પ્રયત્નો કરશે, તમારો વિશ્વાસ ડગાવવા પ્રયાસ કરાવશે, પરંતુ તમે મક્કમપણે એ કર્મયગને વળગી રહેજો. જે માણસ આમ કરશે તેના હાથમાં જ મુક્તિ છે. તેમ આ મંદિર અને પાવન મૂર્તિના દર્શન કરો ત્યારે તે બન્નેની પાછળ ઊભા રહેલા ઇન્દ્રદ્યુમ્નને ભૂલશો નહીં. જે કતૃત્વ અને પ્રેમને કારણે ભગવાન કાષ્ટ થઇને તેમની પાસે આવ્યા તે ભૂલાય જ કેમ ? ઇન્દ્રદ્યુમ્નનું ચરિત્ર ખરેખર મહાન કર્મયોગીનું ચરિત્ર છે.
આ અપૂર્ણ મૂર્તિ આપણી સૌની અપૂર્ણતાની ઝાંખી કરાવે છે. કારણ કે ભગવાન તો પૂર્ણ છે. પરંતુ આપણે અપૂર્ણ છીએ અને એ અપૂર્ણતા સાથે માનવે ભગવાનની મૂર્તિ બનાવી છે. છતાં અહીં રાજાની અપૂર્ણતાને ભગવાને સ્વીકારી છે. કારણ કે રાજાનો ભાવ અને કર્મ ભગવાન માટે છે તેના અહંકારનો વિલય થયો છે. તે કૃતકૃત્ય બની ભગવાનને પ્રાર્થી રહ્યો છે. ભગવાને રાજાના પ્રેમને પ્રમાણ્યો છે, પીછાણ્યો છે માટે જ આ અધૂરી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેને કહ્યું છે.
હાથપગ વગરની મૂર્તિનો અર્થ એ છે કે ભગવાનને કઇ લેવું નથી, કંઇ આપવું નથી, ક્યાંય જવું નથી, માત્ર જોવું-નિહાળવું છે. સાક્ષી બનીને આપણા કર્મને, જીવને જોવું છે. તેનો આપણા પ્રત્યેનો પ્રેમ નિરપેક્ષ છે અને આપણે પણ તેની પાસે નિરપેક્ષ ભાવે જવાનું છે. જે કોઇને ભગવાન જગન્નાથની મૂર્તિની દિવ્ય કથાની જાણ હશે તે જ્યારે આ મૂર્તિના દર્શન કરશે તે પછી તેની કલ્પના કરશે ત્યારે તેની ર્દષ્ટિ બદલાઇ જશે. તેનું જીવન બદલાઇ જશે. પ્રભુ અને માનવ વચ્ચેના સંબંધ અને સ્નેહની કડી... માનવીના મિથ્યાભિમાન, અવિશ્વાસ અને થતાં પ્રભુની પ્રેમાળતાનું પ્રતીક એવી આ મૂર્તિ છે. રથયાત્રાના દિને આ રહસ્યને સમજીએ અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ થઇએ.

0 comments:

Post a Comment