Wednesday, June 23, 2010

વિશ્વના ફાર્મા ઉદ્યોગમાં ઝળકતું ગુજરાતીનું નામ-પંકજ પટેલ

1995ની સાલમાં ઝાયડસ જૂથનું વાર્ષિક ટર્નઓવર રૂ.250 કરોડ હતું તે આજે રૂ. 3700 કરોડ પહોંચી ગયું છે.


'ઝાયડસ કેડિયા' એ માત્ર ગુજરાતના નહીં, સમગ્ર દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું ખૂબ ઝળકતું નામ છે અને તેના આત્મા છે-પંકજ રમણભાઇ પટેલ. ભારતીય ફાર્મા ઉદ્યોગમાં 30 વર્ષનો અનુભવ ધરાવતા પંકજ પટેલ સંશોધન અને ટેફનો-કમર્શિયલ બાબતોના નિષ્ણાત છે. અત્યાર સુધીમાં 50 જેટલા સંશોધન-પેપર પ્રકાશિત કરી ચૂક્યા છે. ઝાયડસ કેડિલાના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે ખૂબ ઝડપથી કંપનીને ફાર્મા ઉદ્યોગની ટોચે બેસાડી દીધી છે. 1995ની સાલમાં ઝાયડસ જૂથનું વાર્ષિક ટર્નઓવર રૂ. 250 કરોડ હતું તે આજે રૂ. 3700 કરોડ ઉપર પહોંચી ગયું છે. 2010-11ના ચાલુ વર્ષમાં તો કંપની 'બિલિયન ડૉલર લીગ' (અબજો ડૉલરમાં કામ કરતી કંપનીઓના જૂથ)માં જોડાઇ જશે એવી અપેક્ષા છે. 2020ની સાલ સુધીમાં એ 'ગ્લોબલ રિસર્ચ ડ્રીવર કંપની' એટલે કે સંપૂર્ણ વૈશ્વિક સંશોધન પર ચાલતી કંપની થઈ જશે.
પંકજ પટેલની સંશોધનાત્મક ધંધાકીય પદ્ધતિઓ અને આગવી વ્યૂહરચનાની ધીંગી સફળતાએ ઝાયડસને સમગ્ર દુનિયાના ફાર્મા ઉદ્યોગમાં માનભર્યું સ્થાન અપાવી દીધું છે. અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા, જાપાન એ અન્ય દેશોમાં ઝાયડસનો પથારો મજબૂત રીતે વિસ્તારતો રહ્યો છે. ભારતનાં પાંચ રાજ્યોમાં ઝાયડસના ઉત્પાદન એકમો ફેલાયા છે અને તેમાં ઉત્તમ પ્રકારની ઉત્પાદન-પ્રક્રિયાઓનો આવિષ્કાર થયો છે. ઝાયડસ જૂથે વિશ્વની મોટી મોટી ફાર્મા કંપનીઓ-હોસ્પીરા, નાયકોમ્ડ, બોહરિંગર, ઇંજલહીમ, ઇલી લીલી, બાયર શેરિંગ ફાર્મા, એબટ અને મેડોસ સાથે જોડાણો સાધ્યા છે. સંશોધન ક્ષેત્રે વધુમાં વધુ રોકાણ કરવામાં કંપની આગળ છે. ભારતની ટોચની 300 ફાર્માસ્યુટિકલ બ્રાન્ડમાં 16 બ્રાન્ડ ઝાયડસની છે.
આ બધું જ કંપનીના સર્વેસર્વા પંકજ પટેલની દીર્ઘદ્દષ્ટી અને સ્વપ્નને સાકાર કરવાની કાબેલિયતને આભારી છે. આ જ કારણે ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇકોનોમિસ્ટસ (એફઆઇઆઇઇ)નો 2004નો 'ફાર્મા મૅન ઑફ ધ યર' એવોર્ડ તેમને એનાયત થયો. 2009ના વર્ષમાં તેઓ 'ઇ ઍન્ડ વાય ઍન્ટ્રપ્રેન્યોર ઑફ ધ યર-લાઇફ સાયન્સીસ એવોર્ડ મેળવી ચૂક્યા છે. પટેલ અનેક અગ્રીમ ફાર્માસ્યુટિકલ કૉલેજો અને મૅનેજમેન્ટ સંસ્થાઓની એકેડેમિક કાઉન્સિલ અને સલાહકાર સમિતિઓમાં સ્થાન શોભાવે છે.
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. હાલમાં તેઓ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના પ્રમુખ તેમજ ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ગુજરાત રાજ્ય કાઉન્સિલ)ના અધ્યક્ષ છે. તેઓ ગુજરાત કૅન્સર સોસાયટીના ઍક્ઝિક્યુટિવ અધ્યક્ષ તેમજ ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અધ્યક્ષ છે. અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના પ્રમુખ તેમજ ગુજરાત યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડમાં પણ તેઓ સ્થાન શોભાવી રહ્યા છે.

0 comments:

Post a Comment