Monday, June 14, 2010

ગુજરાતમાં 252 જાતોના મચ્છરો છે
- મેલેરિયા અને મચ્છર અંગે જાણવા જેવું

અમદાવાદ, મેલેરિયા અને મચ્છરના કરડવા વચ્ચેના સંબંધ અંગે જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. આર.એમ.શર્માએ રસપ્રદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આમતો ગુજરાતમાં 252 જાતના મચ્છરો પેદા થાય છે પરંતુ મેલેરિયાનો રોગ માત્ર માદા એનોફિલીસ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર સામાન્ય રીતે 28 દિવસનું આયુષ્ય ધરાવે છે. અને તે દરમિયાન માદા ચારથી પાંચવાર, 50 થી 100 જેટલાં ઇંડા મુકે છે. એટલે મલેરિયા નિયંત્રણમાં પોરાનાશક કામગીરી ઘણીજ અગત્યની બની જાય છે.
માદા એનોફિલીસ ઢોર અને માણસ, બંનેને કરડે છે. અને ઢોરનું લોહી વધુ પસંદ કરે છે. પણ ડેન્ગ્યુ માટે જવાબદાર એડીસ ઇજીપ્તી મચ્છર માત્ર માણસને કરડે છે. તેના દેખાવને કારણે આ મચ્છરને ટાઇગર મચ્છર તરીકે ઓળખવામાં આવે છે. કયુલેક્સ મચ્છર કરડવાથી ફાયલેરીયાનો રોગ થાય છે. એનોફીલીસ અને કયુલેક્સ રાત્રે કરડે છે જ્યારે એડીસ દિવસે કરડે છે.
મેલેરિયાના રોગીઓની સારવાર માટે કલોરોકવીન ગોળીઓ આપવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરતાં ડૉ. શર્માએ ચેતવણી આપી હતી કે આ ગોળી ભૂખ્યા પેટે કદાપી ન લેવી.
પાણીનો ભરાવો એ મચ્છર પેદા કરતા મશીન જેવો છે. બારેમાસ પાણીનો ભરાવો શક્ય તેટલો અટકાવો જોઇએ. ઘરના પાણી પ્લાન્ટમાં અને પક્ષીઓ-પશુઓને પાણી પીવડાવવાં માટેની ઘર બહાર મુકવામાં આવતી નાની કુંડીઓમાં પણ મચ્છર ઇંડા મૂકે છે. એટલે પાણી ભરાતું રોકવાની કામગીરીનું મેલેરિયા નિયંત્રણ વ્યૂહાત્મક મહત્વ છે.

0 comments:

Post a Comment