50 વર્ષ પહેલાં રતનપોળની સાંકડી ગલીમાંથી રથયાત્રા પસાર થતી હતી
અમદાવાદ, 133 વર્ષ શહેરમાં રથયાત્રાની પરંપરા ચાલી આવી છે અને આટલાં વર્ષોમાં રથયાત્રાના ઉત્સવમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. પરંતુ હવે રથયાત્રા શહેરના ઉત્સવની સાથે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની ચૂકી છે. અઠવાડિયા પૂર્વે જ શહેરમાં લશ્કરનો કાફલો ઠલવાય છે. રાત-દિવસ કોમ્બિંગ ચાલે એટલું જ નહીં રથયાત્રાના દિવસે સિટી વિસ્તારની ચારે તરફ ચાંપતો બંદોબસ્ત ગોઠવાય છે. સુરક્ષાકર્મીઓથી ભગવાન જગન્નાથજીનો રથ પણ ઘેરાઇ જાય છે. ભક્તજનોની સંખ્યા જેટલા લશ્કરના જવાનો, બુલેટથી ભરેલી મશીનગન અને જય જયકારના નાદમાં છૂપો સન્નાટો....
તો પચાસ વર્ષ પહેલાં રથયાત્રાનો દબદબો કેવો હશે ! ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ રથયાત્રાના દિવસે સામેથી ભક્તજનોને દર્શન આપવા શહેરના મુખ્ય રોડ ઉપરથી પસાર થતાં અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ભાવિકો માટે દર્શનનો લહાવો એક ઉત્સવ બની જતો. તે સમયે રથયાત્રા શહેરના પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, માધુપુરા માર્કેટ અને ભરચક રતનપોળ થઇને પસાર થતી હતી. આ વાતનો ઉલ્લેખ ડૉ. રિઝવાન કાદરીના પુસ્તક 'અમદાવાદ અતીતના આયનામાં' થયો છે. રથયાત્રાના અનેક રસ્તાઓ બદલાયા તે અંગે જાણકારો કહે છે કે, સમય જતાં શહેરના અનેક રસ્તાઓ વાહનોની અવરજવરના કારણે સાંકડા પડવા લાગ્યા જેના કારણે રથયાત્રા નીકળવામાં વિલંબ થતો હતો. તે સમયે દરેક કોમ અને ધર્મના લોકો રથયાત્રામાં જોડાતા. કારણ કે રથયાત્રા શહેરનો સહિયારો ઉત્સવ હતો. પરંતુ વર્ષો જતાં શહેરની કોમી વિખવાદની છબી રથયાત્રાને આડે આવી અને જૂના શહેરના અનેક વિસ્તારોમાંથી રથયત્રાનો રસ્તો બદલાઇ ગયો.
રથયાત્રામાં જોવા મળતી અખાડા પ્રવૃત્તિ પણ આઝાદીના સમયમાં શરૂ થઇ હતી. તે પહેલાં યોજાતી યાત્રામાં રથ, કેટલાક ગજરાજો, ભજન મંડળીઓ અને બેન્ડ હતાં. પરંતુ ત્યાર પછી અંખાડા અને લાઇનબંધ ટ્રકોનો સમાવેશ થયો. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રથયાત્રાના સ્વાગત માટે અનેક સ્થળોએ અંગ્રેજોથી ડર્યા વગર ત્રિરંગો લહેરાવાતો હતો. આ વાતનો ઉલ્લેખ પણ પુસ્તકમાં થયો છે. જ્યારે રથયાત્રા દરમિયાન સુરક્ષાવ્યવસ્થા અંગેની નોંધ કોઇ પણ પુસ્તકમાં લેવાઇ નથી. જાણકારો કહે છે કે, તે સમયે ચડ્ડીધારી પોલીસનો બંદોબસ્ત રહેતો હતો. પરંતુ 1969માં થયેલાં કોમી રમખાણો પછી લશ્કરની મદદ લેવામાં આવી હતી. ભલે હવે ટી.વી. ઉપર રથયાત્રા બતાવવામાં આવતી હોય તેમ છતાં દર વર્ષે ભગવાનનાં દર્શન કરવા લોકોની સંખ્યામાં વધારો થતો જ રહ્યો છે.
1947 પહેલાંનો રથયાત્રાનો રૂટ...
1947માં ભારતને આઝાદી મળી તે પહેલાં રથયાત્રા જમાલપુર મંદિરેથી નીકળી કેલિકો મિલ થઇ ગીતા મંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાળુપુર પુલ થઇ સરસપુર ખાતેના વિરામસ્થળે પહોંચતી. ત્યાં થોડોક વખત વિરામ કર્યા બાદ રથયાત્રા પ્રમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, દિલ્હીચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રતનપોળ જેવી સાંકડી પોળમાં દાખલ થતી. રતનપોળના નાકેથી ફુવારા, ફુવારાથી ચાંદલા ઓળ, સાંકડી શેરી, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઇ સાંજે પરત ફરતી.
0 comments:
Post a Comment