Saturday, June 26, 2010

70 વર્ષથી જાદુના પ્રયોગો રજુ કરી રહેલા જાદુગર કે.લાલનો 22 હજાર પ્રયોગો રજુ કરવાનો વલ્ર્ડ રેકોર્ડ


અમદાવાદ, છલ્લા સીતેર વર્ષથી ભારતભરમાં અને વિશ્વના લગભગ તમામ દેશોના મુખ્ય શહેરોમાં જાદુના અદ્દભુત અવનવા અને હેરત પમાડે તેવા આધુનિક જાદુના પ્રયોગો રજુ કરીને આજે કે.લાલ એટલે જાદુની દુનિયામાં શહેનશાહ અને ભિષ્મ પિતામહનું બિરૂદ આદર સાથે મેળવી ચૂક્યા છે.
આપણા કાઠીયાવાડનું ગૌરવ કહી શકાય તેવા આ જાદુ સમ્રાટ કે.લાલ તથા તેમના સુપુત્ર જાદુગર જુનિયર કે.લાલ (હર્ષદભાઇ)એ મુલાકાતમાં તેમની આ સફળ યાત્રાના અનેક સારા નપસાં અનુભવો-પ્રસંગોને યાદ કરી વર્ણવ્યા હતાં. કે.લાલે 1940માં અર્થાત આજથી 70 વર્ષ અગાઉ માત્ર 17 વર્ષની ઉમરથી જાદુના પ્રયોગો શરૂ કર્યા હતાં. 1944માં કોલકતામાં જાદુગરોના અધિવાશનમાં હાજરી આપનાપ તેઓ સૌથી નાની વયના જાદુગર હતાં તે વખતે તેમણે જાદુના પ્રયોગો લોકો સમક્ષ રજુ કરવા માટેના કેટલાંક સૂચનો કર્યા હતાં. જેમકે માત્ર કાળાં કપડા પહેરવા, ડરાવે તેવી સ્પીચ ન આપવી, લોકેન અંધશ્રધ્ધાથી દૂર રાખી સમાજ સુધારણાના સંદેશ આપવા વગેરે અને કે.લાલ આજદિન સુધી આ આદર્શોને સાથે રાખીને જાદુના પ્રયોગો રજુ કરી રહ્યા છે. કે.લાલ આજે 86 વર્ષના છે છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને ટાઇમીંગ સાથે સ્ટેજ પર પરફોમન્સ રજુ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 21,900થી વધુ વન મેન શો જેવા જાદુના પ્રયોગો રજુ કરી વલ્ર્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. સાઉન્ડ ઓફ મ્યુઝીક ઓરકેસ્ટ્રાનો 21,500 શો રજુ કરવાનો રેકોર્ડ કે.લાલ ક્યારનો તોડી નાંખ્યો છે. તેમની આ સફળ કારકિર્દી માટે કે.લાલે ઇશ્વર પ્રત્યેની અતુટ શ્રધ્ધા અને ભક્તિને કારણભૂત ગણાવ્યા છે. તેમના પિતા લાલચંદભાઇ તથા આખો પરિવાર ચુસ્ત ગાંધીવાદી વિચારસરણી ધરાવે છે. અને તેના પરિણામે આજે જુનિયર કે.લાલે સ્ટેજપર મહાત્મા ગાંધીના વ્યસન મુક્તિના સંદેશાને જાદુના પ્રયોગો રૂપે રજુ કરી એક અનોખી કેડી કંડારી છે.
જાદુગર કે.લાલે ગૌરવભેર જણાવ્યું હતું કે જાદુના પ્રયોગો અગાઉ શેરી ગલીઓમાં મદારીઓ દ્વારા રજુ થતાં હતાં કે.લાલે આ જાદુકલાને સ્ટેજ પર રજુ કરી તેને અનેરૂં મહત્વ આપ્યું અને તેના પરિણામે આજે દેશભરમાં પાંચ હજારથી વધુ નાના-મોટા જાદુગરો જાદુ કલાના પ્રયોગો રજુ કરી રોજી રોટી મેળવી રહ્યા છે.
જાદુગર કે.લાલે ભારતના લગભગ તમામના મોટા શહેરોમાં તેમજ વિશ્વના અનેક દેશોમાં તેમની કલા દર્શાવી છે છતાં ભારતીય સંસ્કૃતિને કડક પણે વળગી રહ્યા છે. ભારતનું ગૌરવ જાળવવા માટે ક્યારેય કોઇ દબાણ કે લાલને વશ થયા નથી કે કોઇ સમાધાન કર્યું નથી.
જાપાનમાં તેમણે 18 વખત પ્રવાસો કરીને નવ વર્ષ જેવા લાંબા સમય માટે 3200 જેટલા શો કર્યા છે. તેમને પ્રતિષ્ઠિત મેરેલીન એવોર્ડ લાસવેગાસમાં એનાયત થયો છે. જાપાનના વડાપ્રધાનના હસ્તે તેમનું વિશેષ સન્માન થયું હતું અને જાપાનની પાર્લામેન્ટમાં સભ્યો માટે તેમના જાદુના પ્રયોગો રજુ કરવા માટે ખાસ શો યોજયો હતો. સૌથી મોટી વયે અવિરત પણે સ્ટેજ શો/જાદુના પ્રયોગો કરવાનો રેકોર્ડ પણ કે.લાલ ધરાવે છે.
કે.લાલ અને જુનિયર કે.લાલ દ્વારા સ્ટેજ પરથી રજુ થતાં હેરતભર્યા પ્રયોગોમાં સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું વિશાળ કદનું પુતળું પલવારમાં પ્રથમ અડધું અને ત્યાર ફછી આંખેઆખું ગુમ કરી દેવું, મેજીશ્યન કટીંગની રૂવાડા ઉભી કરી દેતી આઇટમ, હ્યુડીની બોક્સની ગજબના ટાઇમીંગ સાથેની અદભુત આઇટમ વખતે થોડીવાર માટે આખા ઓડીટોરીયમમાં પીનડ્રોપ સાયલન્સ છવાઇ જાય.. અને જેવી આઇટમ પૂરી થાય કે પ્રેક્ષકો આપોઆપ તાળીઓ પાડી ઉઠે અને આખો હોલ તાળીઓ અને ચીચીયારીથી ગુંજી ઉઠે તેવી કમાલ અહી જોવા મળે છે.
આ ઉપરાંત 45 ફુટ લાંબા ડ્રેગન સાથે જાદુગરની લડાઇ, જાદુગરનું ગૂમ થઇને માત્ર એક જ સેકન્ડમાં ઓડીયન્સ માંથી પ્રગટ થવું, બોટમાંથી પળવારમાં શીશ મહેલ બનાવી દેવો જેવા અનેક નવા પ્રયોગો કે.લાલ રજુ કરી રહ્યા છે. પૂ. ગાંધી બાપુને સ્ટેજ પર લાવી સંદેશો આપવાની આઇટમ સાવ નવી જ છે અને તેના દ્વારા યુવા પેઢીને દારૂ, ગુટકાના વ્યસનથી દૂર રહેવાની પ્રેરણાદાયી સંદેશો આપીને કે.લાલે જાદુના પ્રયોગોની સાથે સાથે સમાજ સુધારણાની પોતાની પ્રવૃત્તિ દર્શાવી છે. બે અલગ અલગ રંગના કપડાં પહેરેલી છોકરીઓના શરીરના બે ટુકડા કરી અલગ અલગ ભાગને જોડવાની આઇટમ પણ ભારે અચંબો પમાડે તેવી છે. સમગ્ર શો દરમ્યાન અદ્દભુત સ્ટેજ સજાવટ, દરેક આઇટમને અનુકુળ લાઇટીંગ, મ્યુઝીક અને હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમ દાદ માંગી લ્યે તેવા છે. તેમાં ય જાદુગર કે.લાલ, જુનિયર કે.લાલ તથા સાથી કલાકારોના ભવ્ય કોસ્ચ્યુમના કારણે આખો શો અન્ય જાદુગરના કાર્યક્રમોથી એક અલગ અને ઉચ્ચસ્તરનો બની રહ્યો છે. જાદુની આઇટમો રજુ કરતી વેળાએ તો ટાઇમીંગનું ચરળતાનું મહત્વ હોય જ પણ સમગ્ર શો માં એક પછી એક આઇટમો કોઇપણ જાતના બીનજરૂરી વિલંબ કે બ્રક વગર રજુ કરવાની માહિરતા પણ કે.લાલે દર્શાવી છે.
જાદુગર સમ્રાટ કે.લાલના જાદુના પ્રયોગો માટે એક જ શબ્દમાં પ્રતિભાવ રજુ કરવો હોય તો કહી શકાય કે અદ્દભુત...!

0 comments:

Post a Comment