Wednesday, June 9, 2010

મવાલીઓ, પ્રેમી યુગલો, અને ચામાચીડિયાનો અડ્ડો બનેલી અમદાવાદની ઐતિહાસિક દાદા હરિની વાવ
અસારવા વિસ્તરમાં આવેલી દાદા પરિની વાવની ખ્યાતિ સાંભળીને દેશ-વિદેશથી અમદાવાદ જોવા આવનાર મુસાફર તેની અચૂક મુલાકાત લે છે. ટૂરિસ્ટ બસ દ્વારા, રિક્ષામાં બેસીને કે ટૂરિસ્ટ નકશાની સહાયથી માંડમાંડ વાવ સુધી પહોંચેલો મુસાફર પ્રવેશદ્વારા પર સૂતેલા મવાલીઓ જેવા લોકોને જોઇને કંપી ઊઠે. એની આશા ઉપર પાણી ફરી વળે. પ્રવેશદ્વારાની મધ્યમાં સૂતેલાઓને તે માંડ માંડ ડરતો ડરતો ઓળંગી વાવમાં પ્રવેશે, ત્યારે ચામાચીડિયાંની હગારની ગંધથી ત્રાસીને મોં પર રૂમાલ મૂકી દે. આવી દુર્ગંધ વચ્ચે પણ ખૂણેખાંચરે બેઠેલાં યુગલોનાં ર્દશ્યોને જોઇને તે ખચકાટ અનુભવતો પગથિયાં ઊતરે. ઊતરતાં ઊતરતાં તે ચારે બાજુ લોકોએ સુંદર વાવમાં કરેલી ચિત્રામણથી દુઃખી થઇને વાવના તળિયે પહોંચે.
અહીયાં પણ કચરાના ઢગલેઢગલા પડેલા હોય. આ બધું જોઇને તે મુસાફર હાંફતો હાંફતો ઉપર પહોંચે ત્યારે તેને માટે નથી સગવડ બેસવાના બાંકડાની કે નથી સગવળ પીવાના પાણીની. હા અહીયાં ભીખ માગતા ભિખારીઓના ત્રાસની જરૂર સગવડ છે. આ પરિસ્થિતિ છે આપણા વારસારૂપી ઐતિહાસિક દાદા હરિની વાવની.
આથી જ ભારત સરકારે આવા વારસારૂપી ઐતિહાસિક સ્મારકોને બચાવી લેવા માટે, તેના રક્ષણ માટે કડક કાયદો ઘડ્યો અને સજાની જોગવાઇ પણ કરી, તેમજ જે સ્મારકોને રક્ષિત સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે, તેની દેખરેખ માટે ચોકીદાર રાખવીની જોગવાઇ પણ પરંતુ આ દાદા હરિની વાવમાં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતા દ્વારા ચોવીસ કલાક સ્થાયી ચોકીદાર રાખવાને બદલે ઑફિસ ટાઇમે હાજર રહેતો એક ચોકીદાર રાખવાને કારણે આ વાવ કોણે અને ક્યારે બંધાવી તેનો ઇતિહાસ વાવમાં લાગેલી સંસ્કૃત તથા અરબી ભાષાની તકતીઓ પરથી મળે છે.
ગુજરાત તેની સ્થાપત્યકળા માટે ખૂબ જ જાણીતું અને તેમાંય વાવો માટે તો ખાસ. આ વાવોની રચના સૂર્યની પ્રચંડ ગરમીથી ઠંડક મેળવવા, પ્રવાસથી થાકેલો મુસાફર તેમાં આરામ કરી ભોજન લઇ શકે તે માટે તથા તકસ્યો માનવી આ વાવમાં આવી પોતાની તરસ છીપાવી શકે તેવા પરોપકારી આશયથી કરવામાં આવતી હતી. ગુજરાત જેવી અને જેટલી સુંદર વાવો ભારતના કોઇ જ પ્રદેશમાં નથી.
આ વાવ સુલતાન મહમુદ બેગડાના અંતઃપુરની કોઇક આગળ પડતી હરિર નામની સ્ત્રીએ બંધાવી હતી. આ બાઇ હરિરની સુલતાનના અંતઃપુરમાં ઘણી જ લાગવગ હશે તેમ આપણને સંસ્કૃત શિલાલેખમાંના "સર્વાધિકારિ" શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિર સુલતાન મહેમૂદ બેગડાની પોતાની અથવા એના કોઇ મોટા શાહજાદાની ધાવ માતા હશે એમ એની આગળના 'દાદા' શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખૂણામાં આવેલું હતું. આ જ હરિરપુરમાં તેણે સંવત 1556ના પોષ સુદ-13ને સોમવારે એટલે કે 15 ડિસેમ્બર 1499ના રોજ 84 લાખ મનુષ્ય, પશુ, પક્ષી આદિની તૃષાના નિવારણ અર્થે આ વાવ બંધાવ્યાનું શિલાલેખમાં લખ્યું છે. આ વાવ બાંધવા પાછળનો કુલ ખર્ચ 3,19,000 મહેમુદી થયો હોવાનું જણાવ્યું છે તથા આ વાવની જોડે એક સુંદર ફળનો બગીચો તથા મસ્જિદ બંધાવ્યાની વિગત પણ જોવા મળે છે. આ વાવ એક મુસલમાન કારભારી મલીક બીહામંદની દેખરેખ નીચે હિંદુ સ્થપતિ ગજ્જર વૈસ સુથાર વીરા તથા તેના સહાયક સુથાર દેવાએ બાંધી હોવાની વિગત પણ જોવા મળે છે.
આ વાવની કુલ લંબાઇ 241 ફૂટ છે તથા 16 ફૂટના અંદર મંડપો છે. તેમાં આવેલા અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ 24 ફૂટનો છે. આ વાવના થાંભલાઓ સાદા છે અને તેમાં ગોખ છે. જેમાં મોર, પ્રાણીઓ અને હંસની આકૃતિઓ કોતરવામાં આવી છે.
આ વાવમાં મુખ્ય પ્રવેશદ્વારે પગથિયાંઓથી તથા છેડાના ભાગે છેક ઉપરથી અષ્ટકોણ કૂવા આગળ ગોળફરતી નાની સીડીઓ દ્વારા આવી શકાય છે. આ સીડીઓના કઠેરા પણ કોતરણીથી ભરપૂર છે. વળી આ વાવની બાજુ ધસી ન પડે તે માટે નીચેના ખંડોની બાંધણી ખૂબ જ મજબૂત કરવામાં આવી છે.

No comments:

Post a Comment