મને કાનમાં કહયું પુરાણી છત્રીએ, ચાલો, ઉઘાડી જઇએ કંઇ વરસાદ જેવું લાગે છે
છત્રીની છેલછબીલી વોતો...
ચોમાસાની મોસમ એટલે ખીલી જવાની અને ખૂલી જવાની મોસમ... વરસાદના છાંટા પડે કે તરતજ ખૂલી જવાનું તો મોટે ભાગે છત્રીના કિસ્સામાં બને છે, એક કવિએ લખ્યું છે,
"મને કાનમાં કહયું પુરાણી છત્રીએ, ચાલો, ઉઘાડી જઇએ કંઇ વરસાદ જેવું લાગે છે."
ચોમાસું શરૂ થાય એટલે છત્રીનો મહિમા વધી જાય. જાતજાતની અને ભાત ભાતની રંગબેરંગી છત્રીઓ દેખાવા લાગે. છત્રીની શોધ કોણે કરી હશે એ બાબત તો વિવાદનો વિષય છે પણ, પ્રચીન કાળમાં રાજા-મહારાજાઓના સિંહાસનની સાથેજ છત્રી આકારના શિરછત્ર રહેતા એટલે કે ભારતમાં છત્રી એટલા જૂના સમયથી અસ્તિત્વમાં છે.
છત્રી માટે વિવિધ ભાષાઓમાં જુદા જુદા નામો પ્રયોજાય છે તેના પર એક નજર કરીએ તો, ગુજરાતીમાં છત્રી અને ઉર્દુ, પંજાબી, બંગાળી, હિન્દીમાં તેને છાતા કહે છે, સંસ્કૃતમાં છત્ર, કન્નડમાં કોડે અથવા છત્રિ, મલયાલમમાં કૂટ, તમિળમાં કુડૈ, તેલુગુમાં ગોડુગુ, ઓડિયામાં છતા, અસમિયામાં છાતિ, કશ્મીરમાં છર્તુર્ય, સિંધીમાં છટી અને અંગ્રેજીમાં અમ્બ્રેલાથી ઓળખાય છે.
અંગ્રેજી અમ્બ્રેલા શબ્દ ઇટાલીયન ભાષાના અમ્બ્રા, શબ્દ પરથી બન્યો છે. અમ્બ્રાનો અર્થ છાંયડો થાય છે.
પ્રચીન કાળમાં નેતર-વાંસની પટ્ટીથી બનાવાયેલ છત્રીથી માંડીને આજની અદ્યતન રંગબેરંગી સ્વરૂપ સુધીની મજલ કાપીને છત્રીએ ખાસ કરીને વરસાદ અને તડકાથી રક્ષણ માટેના સાધન તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
એક સમયે માત્ર રાજાના શીર પરજ ધરાતા છત્રથી આજે રસ્તા પર બેસતા શ્રમજીવી મોચી સુધીના સહુ માટે છત્રી સહજ પ્રાપ્ત સાધન બની ગઇ છે. દરિયા કિનારા પર છત્રી નીચે બેસીને કોલ્ડ્રીંક્સ પાવાથી માંડીને છંત્રીમાં ગોઠવીને હાથરૂમાલ કે મોજા વેચવા સુધી તેનો ઉપયોગ વિસ્તર્યો છે. ગુજરાતી વિશ્વકોષમાં જો કે છત્રી શબ્દનો જુદોજ અર્થ જોવા મળે છે, તેમા છત્રીનો વરસાદ કે તાપથી બચવા માટેના સાધન તરીકે ઉલ્લેખ નથી. પરંતુ સ્તંભના આધારે સ્થાપત્ય કલા સ્વરૂપે મહાભાવોની યાદગીરીમાં ઉભી કરાતી ઇમારત તરીકે છે એ અર્થમાં પણ કચ્છની છતરડી જગ વિખ્યાત છે.
ભારતમાં કાલીકટ, ચેન્નઇ, કોચીન, મુંબઇ, બેંગ્લોર અને અમદાવાદ છત્રીના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો છે. દિલ્હી, કલકત્તા, લખનૌ અને હૈદ્રાબાદના મ્યુઝીયમોમાં અને ઇરાન, ગ્રીસ તથા ચીનના સંગ્રહસ્થાનોમાં મૂલ્યવાન અને પુરાણી છત્રીઓનો કિંમતી સંગ્રહ છે.

0 comments:
Post a Comment