ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે
સુભદ્રાના રક્ષણ માટે દ્વારાકાથી
રથયાત્રા કાઢી હતી
રથયાત્રાનો રસપ્રદ ઇતિહાસ
એ જમાનામાં પણ સ્ત્રીઓના અપહરણનો ભય સતત રહેતો હતો પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓની ઓછી સંખ્યા હતી
અમદાવાદ, અમદાવાદમાં 'જય રણછોડ, માખણ ચોર'ના ગગનભેદી નારાઓ વચ્ચે સુપ્રસિધ્ધ જગન્નાથ ભગવાનના મંદિરેથી ભવ્ય ઐતિહાસિક રથયાત્રા નીકળનારી છે ત્યારે આ રથયાત્રાનો પૌરાણિક ઇતિહાસ શું હતો તેની રસપ્રદ વિગતો એક સંશોધનમાં બહાર આવી છે.
વાસ્તવમાં અસલ રથયાત્રા હજારો વર્ષ પહેલાં ગુજરાતના પ્રસિધ્ધ તીર્થધામ દ્વારકાથી બે કિ.મી. દૂર આવેલા ઐતિહાસિક રૈવતક પર્વત સુધી નીકળી હતી અને વિશેષ કરીને તો ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના માટાભાઇ શ્રી બલરામે તેની બહેન સુભદ્રા માટે સુયોગ્ય પતિની શોધના હેતુ માટે આ રથયાત્રા કાઢી હતી એવો પુરાવગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. આ પ્રસંગથી ભારતમાં રથયાત્રાનો તહેવાર દર વર્ષે ઉજવાય છે.
ગુજરાતના ઇતિહાસવિદ ડૉ. કે.સી. સગર જ્યારે જામનગરમાં કલેક્ટર હતા ત્યારે તેમણે આ દિશામાં મહત્વનું સંશોધન કરેલું છે. તેમણે આ પુરાણી અસલ રથયાત્રા જે દ્વારકાથી રૈવતક પર્વત સુધી નીકળી હતી તે રૂટ પર રથના પૈડાંના નિશાન પણ શોધી કાઢયાનો દાવો કર્યો છે.
રથયાત્રાનું મહત્વ ભારતમાં જગન્નાથપુરી અને ગુજરાતમાં વિશેષ છે. જગન્નાથપુરીમાં તો શ્રધ્ધાળુ ભક્તો રથના પૈડાં નીચે પડતું મૂકી પોતાને મોક્ષ મેળવવાની પણ આકાંક્ષા રાખે છે!
દ્વારકા ખાતે જ્યારે ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રા યુવાન થઇ ત્યારે રીત-રિવાજ મુજબ તેના માટે યોગ્ય પતિ મેળવવા રૈવતક પર્વત પાસે આવેલા વિશાળ વટવૃક્ષની પુજા કરવાની ઇચ્છા તેને થઇ અને ત્યારે મોટાભાઇ બલરામ અને શ્રીકૃષ્ણએ સુભદ્રાના રક્ષણ માટે રથયાત્રાનું આયોજન કર્યું હતું! રાજા ઉગ્રસેનના જણાવ્યા મુજબ આ અસલ રથયાત્રા વખતે બલરામના રથને સૌથી આગળ, બહેન સુભદ્રાનો રથ વચ્ચે અને શ્રીકૃષ્ણના રથને સૌથી પાછળ રાખવામાં આવ્યો હતો. આ મુજબ રથો રાખવા પાછળનો આશય સુભદ્રાનું રક્ષણ કરવાનો હતો. મહાભારત અને અન્ય પુરાગ્રંથોમાં આ બાબતનો ઉલ્લેખ પણ છે.
રથયાત્રા વિષે જે પૌરાણિક ધર્મકથા પ્રચલિત છે તે વિષે હરિવંશ પુરાણ તથા ભાગવત પુરાણમાં પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જે મુજબ રથયાત્રાનો સાચો ઉદ્દેશ વિવાહ યોગ્ય કુમારિકાઓ કે જે બહેન અથવા પુત્રી હોય તેનું કોઇ અયોગ્ય વ્યક્તિ અપહરણ કરીને ઉઠાવી લઇ જઇ ન શકે, તેથી તેને આ રીતે રક્ષણ પૂરૂં પાડવાનો હતો!... આજે પણ ભારતમાં જ્યારે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથોની ગોઠવણી પુરાણીકાળ જેવી જ કરવામાં આવે છે અને સુભદ્રાનો રથ વચ્ચે જ રાખવામાં આવે છે તે આના પરથી ફલિત થાય છે.
આ પાર્શ્ચભુમિકાને આજના યુગ સાથે સરખાવીએ તો ઘણી અબળાઓ કે જે બહેન કે પુત્રી સ્વરૂપમાં હોય છે તેનું અપહરણ થઇ જાય છે ત્યારે તેમને રક્ષણ અપાતું નથી એ એક ભારે કમનસીબી છે.
આ પુરાણી રથયાત્રા ભારતમાં હજારો વર્ષ પહેલાં પ્રવર્તી રહેલી સામાજીક, રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. પ્રાચીન કાળમાં જ્યારે સમગ્ર દેશ જંગલો તથા રણપ્રદેશમાં છવાયેલો હતો ત્યારે માનવ વસ્તી ઓછી હતી અને જંગલી હિંસક પ્રાણીઓ ઠેર-ઠેર ભટકતા હતા. એટલું જ નહિ અસામાજીક તત્વોનું જોર પણ ઘણું હતું. તે વખતે કન્યાઓના અપહરણના કિસ્સા વધુ બનતા હતા. આશ્ચર્યની બાબત તો એવી હતી કે એ વખતે કન્યાનું બળજબરીપૂર્વક અપહરણ કરનારને આવી કન્યા સાથેએના વિવાહ (લગ્ન)ને ધાર્મિક માન્યતા પણ મળી જતી હતી!!....
મહાભરતના દ્વાપરકાળમાં પુરૂષ અને મહિલાઓ વચ્ચેના પ્રમાણમાં ભારે તફાવત હતો. એટલે કે દર હજાર પુરૂષે સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું હતું. તેથી સ્ત્રીઓ અસુરક્ષિત રહેતી હતી એમ મનાતું હતું. સ્ત્રીઓની ઓછી સંખ્યા માટેનું એક કારણે એ પણ હતું કે એ જમાનામાં ખાસ કરીને રાજા-મહારાજાઓ એક કરતા વધુ સ્ત્રીઓને પોતાની રાણી બનાવતા હતા. ઉદાહરણરૂપે ખુદ શ્રીકૃષ્ણને આઠ પત્નીઓ હતી તો નરકાસુર નામના આદિવાસી રાજાએ 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા!!
એ જમાનામાં પણ કન્યાઓને "દૂધ પીતી" કરવાનો રિવાજ હતો! એટલે નવી જન્મેલી બાળકીઓને મારી નંખાતી હતી. આ સિવાય પુખ્ત ઉમરની કન્યાઓને અપહરણ થવા ઉપરાંત જંગલી જાનવરોનો પણ ભય રહેતો હતો, અને તેનો ભોગ બનેતી હતી. જ્યારે ભારત પર આક્રમણ કરનારા ઘણા ક્રૂર વિદેશી આક્રમકો કે રાજાઓ સ્ત્રીઓની પણ હત્યા કરતા હતા.... આમ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે સ્ત્રી જાતિના રક્ષણ માટે રથયાત્રા કાઢી હતી તે બાબત આજે પણ એટલી જ પ્રસ્તુત બની રહે છે.
0 comments:
Post a Comment