જૂનાગઢના ભૂગર્ભ ટાંકા પાણીની સમસ્યા હલ કરી શકે તેમ છે
૧૦૦ ટકા શુદ્ધ બેકટેરીયા રહીત પીવાનું પાણી આખું વર્ષ મળે છે
૫૦૦ વર્ષ પહેલાં વરસાદી ભૂગર્ભ ટાંકાઓનો ખ્યાલ ગ્રીક લોકો પાસેથી મળ્યો
જૂનાગઢમાં ૬૦૦ નાગર પરિવારોમાંથી ૪૫૦ને ત્યાં આવા ટાંકાઓ છે
જૂનાગઢ,
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની ભૂસ્તરીય રચના બે પ્રકારની છે કે વરસાદનું પાણી વહી જાય છે અને ઓછા પ્રમાણમાં તેનો સંચય થઈ શકે છે. આ સંજોગોમાં જૂનાગઢમાં નાગર જ્ઞાતીના પરિવારોનાં ઘરોમાં સદીઓ પહેલા પૂર્વજોએ બનાવેલા. વરસાદી ભૂગર્ભ ટાંકાઓનો કીમીયો સમગ્ર ગુજરાતના પીવાના પાણીની સમસ્યા હલ કરી શકે તેમ છે.
આ તબક્કે સમગ્ર રાજ્યમાં ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ કરતાં તેના સ્તર નીચે જઈ રહ્યાં છે અને આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો આવતા દસ વર્ષમાં પીવાના પાણીની ભયંકર પરિસ્થિતિ ઉભી થશે. તેમાં કોઈ શંકા નથી.
જૂનાગઢમાં લગભગ ૬૦૦ પરિવારો નાગર જ્ઞાતિના છે. તેમાંથી ૪૫૦ના ઘરના પૂર્વજોએ બનાવેલા ભૂગર્ભ જળસંગ્રહના ટાંકાઓ છે. જેમાં મકાનોની અગાશી કે છતમાંથી પડતા વરસાદના પાણી અને પાઈપ દ્વારા આ ટાંકામાં ઉતારવામાં આવે છે અને એ જ પાણી પીવા માટે અને રસોઈ માટે આખા વર્ષ દરમ્યાન વાપરવામાં આવે છે. કેટલાક ભૂગર્ભ ટાંકાઓ તો ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂાના છે અને આ નાગર પરિવારોના વરસાદી ટાંકાઓનો અનુભવ જોઈને બીજા લોકો પણ હવે વરસાદના ભૂગર્ભ ટાંકા બનાવવા માંડયા છે.
એક સમય એવો હતો કે આખા જૂનાગઢમાં આવા સાર્વજનિક ભૂગર્ભ ટાંકાઓ હતાં પરંતુ કાળક્રમે તે પૂરાઈ જવા પામ્યા છે. પરંતુ આજે જ્યારે પીવાના પાણી અંગે ભયંકર અછત ઉભી થઈ છે ત્યારે સૌને ભૂગર્ભ વરસાદી ટાંકા બનાવવાની પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિને સલામ મારવાનું મન થાય છે.
આ ટાંકાઓની ખાસીયત એ છે કે તે જમીનમાં બનાવવામાં આવતા હોઈ તેના ઉપર ચાર ફૂટ માટીનો થર કરી દેવામાં આવે છે. જેથી તેને બહારના હવામાનને અસર થતી નથી અને બારે માસ શુઘ્ધ પીવાનું પાણી મળે છે. કેટલાક પરિવારો તો આ ટાંકામાં શુઘ્ધતા માટે ચોમાસાની શરૂઆતમાં કળી ચૂનો નાખી દે છે. નાગરો પાસે આ વરસાદી ટાંકા બાંધવાની પઘ્ધતિ મૂળ ગ્રીક દેશમાંથી આવી હતી. કહેવાય છે કે ૫૦૦ વર્ષ પહેલા નાગર વડવાઓ ગ્રીક લોકોના સંપર્કમાં આવ્યાં હતાં અને ગ્રીકમાં ઘેર ઘેર વરસાદી ટાંકા દ્વારા વરસાદી પાણી સંગ્રહવાની પઘ્ધતિ ચાલતી હતી. આ રીતે જૂનાગઢમાં ભૂગર્ભ ટાંકા બનાવવાની શરૂઆત થયેલી. કેટલાક લોકો આ ટાંકાને ‘‘દૂષ્કાળની બાજરી’’ કહે છે. જ્યારે ચારેબાજુ અપૂરતા વરસાદને લીધે પીવાના પાણીની બૂમાબૂમ થતી હોય ત્યારે જૂનાગઢના ભૂગર્ભ ટાંકા ધરાવતા નાગર પરિવારો નિશ્ચિંત હોય છે. તેમને આ ટાંકામાંથી શુઘ્ધ પાણી મળી રહે છે. નાગર પરિવારો ઉપરાંત શહેરના જવાહરચોકમાં આવેલી સ્વામીનારાયણ સંકુલમાં આવા બે ટાંકાઓ છે. માંગરોળ અને દ્વારકા ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં પણ આ પ્રકારના ટાંકાઓ બનાવાયાં છે. જે આખું વર્ષ તેમની વરસાદની જરૂરિયાત સંતોષે છે.
સરેરાશ ૬ વ્યકિતના કુટુંબ માટે પીવા અને રસોઈ માટેના પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૫૦૦૦ લીટર રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા ૧૮ ઘનમીટરનો ભૂગર્ભ ટાંકો જોઈએ વરસાદી પાણી ઝીલતો અગાશી-છતનો કેચમેન્ટ વિસ્તાર ૩૦ થી ૪૦ ચોરસ ફૂટનો હોય તો પણ ચોમાસાના વરસાદમાં આ ટાંકો ભરાઈ જાય છે.
રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મઘ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં દર વર્ષે પીવાનું પાણી મેળવવા સરકાર કરોડો રૂ.નું આંધણ કરે છે. તેની સામે આ વિસ્તારોમાં દરેક ઘર અથવા સોસાયટીઓ માટે આવા ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીનો અમલ ફરજીયાત બનાવે અન જે ૨૫ ટકા લોકો પણ પોતાની જરૂરિયાત આ ટાંકાઓ દ્વારા પૂરી કરે તો પાણીની બાબતમાં પરિસ્થિતિમાં ધરમૂળમાંથી ફેરફાર આવી શકે તેમ છે. ઉપરાંત કરોડો રૂપિયા બચાવી શકાય તેમ છે. સવાલ માત્ર આપણા જ પૂર્વજો દ્વાર બતાવાયેલા ઉપાયોને અનુસરવાનો છે.
0 comments:
Post a Comment