
ઇતિહાસ અને અતીતનો અદ્દભુત વારસો ધરાવતા રથ
સાગના લાકડામાંથી બનાવવામાં આવેલા રથ 55 વર્ષ પહેલાં પંચકુંડી હવન બાદ મંદિરને અર્પણ થયા હતા
લાટી બજાર એસોસિયેશને સાગનું લાકડું આપ્યું હતું જ્યારે ખલાસ કોમના ભરૂચના કારીગરોએ રથ તૈયાર કર્યા હતા
92ની સાલ પછી ક્યારેય રથનાં પૈડાં તૂટ્યાં નથી
અમદાવાદ, અમદાવાદની આગવી ઓળખ ગણાતી રથયાત્રાની પ્રતિવર્ષ નાગરિકો ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. 133 વર્ષ જૂની રથયાત્રાનો ખૂબ જ પ્રાચીન અને ભવ્ય અતીત છે. રથયાત્રામાં જોડાતા ત્રણ રથ અને તેનાં પૈડાંનો રસપ્રદ ઇતિહાસ છે.
રથયાત્રાના ત્રણે રથ 55 વર્ષ જૂના છે અને રથનાં પૈડાં 92ની સાલ સુધી રથયાત્રા દરમિયાન જ તૂટી જતાં હતાં, પરંતુ 92ની સાલ પછી ક્યારેય રથનાં પૈડાં અટક્યાં નથી. સાગના લાકડાથી બનેલા આ પૈડાં ખલાસ કોમના લોકોએ જગન્નાથ મંદિરને અર્પણ કર્યા હતા.
જગન્નાથ મંદિરના મહારાજ નરસિંહદાસજીએ રથયાત્રા દરમિયાન રથનું સમારકામ કરતા મંગળદાસ રણછોડભાઇ ખલાસને પંચાવન વર્ષ પહેલા કહેલું કે, હવે રથયાત્રામાં નવા રથની જરૂર છે. આથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા મંગળદાસ ચિંતામાં ડૂબી ગયા કે હું મંદિરને રથ કઇ રીતે આપી શકીશ. મંગળદાસ તે વખતે ગીતામંદિર ખાતે આવેલી લાટી બજારમાં ઇશ્વરલાલ હરિલાલ નાગોરીને ત્યાં નોકરી કરતા હતા અને નાગોરી શેઠ તે વખતે લાટી બજાર એસોસિયેશનના પ્રમુખ હતા. મંદિરને રથની જરૂર હોવાથી સાગનાં લાકડા માટે મંગળદાસ શેઠ પાસે મદદ માગી. આથી નાગોરી શેઠે એસોસિયેશનના સભ્યોને વિનંતી કરતાં તમામે પોતાની યથાશક્તિ મુજબ સાગનું લાકડું આપ્યું હતું. મંગળદાસ ખલાસે તેમની કોમના કારીગરોને ભરૂચથી બોલાવી બળદેવજી, રણછોડજી અને સુભદ્રાજીના રથ તૈયાર કર્યા હતાં. ત્યાર બાદ સોનબહેન ભાણાભાઇ ખલાસે પંચકુંડી હવન કરીને મંદિરને રથ અર્પણ કર્યો હતો. જોકે રથયાત્રા દરમિયાન રથનાં પૈડાં તૂટી જવાના બનાવો વારંવાર બનતા હતા. જે 1992ની સાલ સુધી આ રીતે પૈડાં તૂટતા રહ્યા. આથી મંગળદાસના પુત્ર મફતલાલ અને તેમના પુત્ર મહેન્દ્રભાઇ રથયાત્રાના પૂર્વે રથનું સમારકામ કરી રથનાં પૈડાં ના તૂટે તે માટે સલાહ લીધી હતી. ત્યાર બાદ પૈડાંની વચ્ચે સ્ટીલની બોડીનો સપોર્ટ આપવાનું નક્કી થયું. દરેક રથમાં છ પૈડાં લગાવવાનું નક્કી થયું હતું. જેમાં ચાર પૈડાંને સ્ટીલની બોડીનો સપોર્ટ તેમ જ બે પૈડાંમાં માત્ર લાકડું નહીં લગાવવાનું નક્કી થયું. આ રીતે દરેક પૈડાંમાં સપોર્ટ લગાવવામાં ક્યારેય રથ અટક્યો નથી.
0 comments:
Post a Comment