Friday, June 11, 2010

અંગ્રેજોના રાજમાં રથયાત્રા નીકળતી અને ત્રિરંગા લહેરાતા

'અમારા ગુરૂએ અમને શિખવાડ્યું છે સંતોની સેવા-પૂજા. તમારી પાસે બે મુઠ્ઠી અનાજ હોય તો ભૂખ્યા-દુખ્યાને ખવડાવી વધેલું ખાવાનું શિખવાડ્યું છે. અમે તો બે જ વાતો જાણીએઃ સાધુ, સંતો-ગરીબોની સેવા અને ગૌસેવા.'
1878માં અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કરનાર મહામંડળેશ્વર નૃસિંહદાસજીના આ વિચારો હતા અને તેઓ તેનો અમલ પણ કરતા. તેમના દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ જગન્નાથજીના મંદિરમાં જળવાયેલી જોવા મળે છે. આથી જગન્નાથજીનું મંદિર અને તેના મહંતો માત્ર અમદાવાદના જ નહીં પણ ચારે બાજુના સામાન્ય નર-નારીની શ્રદ્ધા અને ભક્તિના દ્યોતક રહ્યા છે અને રહેશે.
આજથી લગભગ બસો પંચોતેર વર્ષ પહેલાં રામાનંદી સંતશ્રી હનુમાનદાસજીના આ મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથપુરીથી ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી. ત્યારથી જ આ મંદિર 'જગન્નાથજીના મંદિર'ના નામે જગપ્રસિદ્ધ થયું. તે પછી મહંતપદે આવ્યા બાલમુકુંદદાસજી. તેમણે ગુરુએ સોંપેલું કાર્ય આગળ ધપાવવા માંડ્યું અને પોતાની સેવાની સુવાસ પ્રસરાવતા રહ્યા. તેમના બ્રભ્હલીન થયા પછી મંદિરની સર્વ જવાબદારીઓ મહંત નૃસિંહદાસજી પર આવી, પોતાના જગન્નાથપુરીના નિવાસ દરમ્યાન ગજન્નાથ મંદિરની તમામ પ્રવૃત્તિઓ જેવી કે પૂજા, આરતી ભોગ, શૃંગાર, જલયાત્રા અને રથયાત્રાનો તેમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો.
અમદાવાદના મંદિરમાં બધી પૂજાવિધિ થતી પણ રથયાત્રા નીકળતી નહીં. નૃસિંહદાસજીએ પોતાના મનની વાત ભક્તોને કહી અને સહુએ ગગનભેદી નારા સાથે સ્વીકારીને તડામાર તૈયારીઓ શરૂ કરી. ભરૂચના ખલાસ કોમના નૃસિંહદાસજીના ભક્તોએ નારિયેળના લાકડામાંથી ત્રણ રથો મોકલ્યા અને અંગ્રેજી રાજમાં અમદાવાદમાં અષાઠ સુદ બીજના રોજ ઇ.સ.1878ની સાલમાં પ્રથમ રથયાત્રા નીકળી.
133 વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રાનો ઇતિહાસ પણ રોચક છે. અંગ્રેજી રાજમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવતી અને તેના પ્રયોગો જુદા જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં કરતા. ઠેર ઠેર ત્રિરંગા લહેરાતા. આજે આપણે કોઇને કહીએ કે આઝાદી પહેલા રથયાત્રા રતનપોળમાંથી નીકળતી હતી, તો કોઇ માનશે જ નહી. વાત તદ્દન સાચી છે. પહેલાં રથયાત્રા જમાલપુર દરવાજા પાસે આવેલા મંદિરેથી નીકળી કેલિકો મીલ થઇ ગીતામંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાળુપુર પુલ થઇ સરસપુર પહોંચતી. થોડોક વિરામ પછી પ્રમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરલાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રતનપોળમાં દાખલ થતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલા પોળ, સાંકડી શેરી, રાયપુર દરવાજા, ગીતામંદિર થઇને મંદિરે પાછી ફરતી. અલબત્ત આજે આ માર્ગમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. મંદિરના સાધુ, સંતો, ભજન મંડળીઓ, ગજરોજો અને બેન્ડની સાથે પાછળથી ટ્રકો પણ રથયાત્રામાં જોડાઇ.
70 વર્ષ સુધી મંદિરના ગાદીપતિ તરીકે નૃસિંહદાસજી રહ્યા અને તા.25 નવેમ્બર 1959ના રોજ બ્રભ્હલીન થયા તે પછી મંદિરની ગાદી સેવાદાસજીએ સંભાળી હતી. 1 મે 1960ના રોજ મુંબઇ પ્રાંતમાંથી ગુજરાત રાજ્યનો જન્મ થયો. ગુજરાત રાજ્યના અસ્તિત્વ પછીની આ પ્રથમ રથયાત્રા હતી. આ રથયાત્રામાં વર્ષોથી પગપાળા સાથે રહેતા નૃસિંહદાસજી સ્થૂળ દેહે હાજર ન હતા. સતત સેવા પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેનાર સેવાદાસજી પછી મહંત પદે તા.2 એપ્રિલ 1971ના રોજ રામહર્ષદાસજી આવ્યા અને તેઓ તા. 6 જુલાઇ 1994ના રોજ બ્રભ્હલીન થયા. તા.2 ઑગસ્ટ 1994ના રોજ રામેશ્વદાસજીની મહંતપદે નિમણૂક થઇ. નૃસિંહદાસજીએ શરૂ કરેલી માનવસેવા અને ગૌસેવાની પરંપરાને વિસ્તૃત કરવામાં આવી. વર્ષો જૂના મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. ભલે સમયની અસર ચારે બાજુ વર્તાઇ રહી છે પણ દર વર્ષે ભગવાનનાં દર્શન કરવા આવતા લોકોની સંખ્યામાં વધારો થતો જ રહ્યો છે. ભૂતકાળના કેટલાક અનિચ્છનીય બનાવોને બાદ કરતાં વર્ષોથી એખલાસની ભાવનાથી તમામ ધર્મ-કોમના ભેદભાવો ભૂલીને લોકો મહંતશ્રીનું, રથયાત્રાનું અને રથયાત્રીઓનું જબરજસ્ત સ્વાગત કરે છે.
'મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે.
માખણનો ચાર છે. જય રણછોડ માખણ ચાર.'
'હાથી, ઘોડા, પાલખી જય કનૈયાલાલકી'
બુલંદ અવાજે લલકારતા શ્રદ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરી. ધન્યતા અનુભવશે અને આવતી રથયાત્રાની વાટ જોશે.

Thursday, June 10, 2010

રથયાત્રાના વિરામસ્થાનનું બહુમાન સરસપુરને જ કેવી રીતે મળ્યું?

133 વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રાનાં સંભારણા'જય જગન્નાથ', 'જય રણછોડ', 'જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી' જેવા નારાઓ સાથે લાખો શ્રદ્ધાળુઓ 133 વર્ષથી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળી રથયાત્રા પ્રસંગે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીનાં દર્શન કરી, પ્રસાદ આરોગી ધન્યતા અનુભવતા આવતા વર્ષની રથયાત્રાની વાટ જોતા હોય છે. આજે અમદાવાદ ઉપરાંત રાજ્યમાં 70 જેટલા સ્થળોએ રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો અને સમયની સાથે તેમાં શું પરિવર્તન આવ્યું તે આજના પવિત્ર પ્રસંગે સમજીશું.
આજથી લગભગ પોણા ત્રણસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર 'જગન્નાથજીની મંદિર' તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.
નરસિંહદાસજીએ પોતાના જગન્નાથપુરીના નિવાસ દરમિયાન ત્યાંના મંદિરમાં થતી તમામ પૂજા-અર્ચનાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને અનુભવ્યું કે અમદાવાદમાં પણ આ જ પ્રમાણે પૂજા-અર્ચના થાય છે. ફક્ત જો જગન્નાથજીપુરીની જેમ ન થતું હોય તો તે રથયાત્રા છે. આ વાતનો ડંખ નરસિંહદાસજીના મનમાં સતત રહેતો હતો અને તેમણે પોતાની વેદના એક દિવસ હાજર રહેલા ભક્તો સમક્ષ વ્યક્ત કરી. ઇ.સ.1898ના એક દિવસે જ લોકોએ જય જગદીશના ગગનને ભેદનારા પ્રચંડ નારા સાથે વાત સ્વીકારીને યુદ્ધના ધોરણે રથયાત્રાની તૈયારી શરૂ કરી.
ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નરિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા. આમ 1878થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે.
રથયાત્રા દર વર્ષે સરસપુર કેમ જાય છે. તેવો સવાલ ઘણાના મનમાં થતો હશે. નરસિંહદાસજી અને સરસપુરના રણછોડજી મંદિરના મહારાજ જમનાદાસજી ગુરુભાઇઓ હતા. નરસિંહદાસજીએ પોતાની વેદના જમનાદાસજી મહારાજને પણ કરી હતી અને તે પછી રથયાત્રા પ્રારંભ થયો ત્યારે શરૂઆતના વર્ષોમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, પરંતુ સમયની સાથે રથયાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઇ અને ભક્તજનો માટે સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરવામાં આવે છે.
જેઠ સુદી પૂનમે જલયાત્રાનો વરઘોડો નીકળે છે. અને ત્રણે ભગવાનને 121 ઘડાથી સ્નાન કરાવ્યા પછી આંખે પાટા બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ આ ત્રણેય ભગવાનને જગન્નાથજીના મંદિરમાં લાવી અર્દશ્ય બનાવી દેવામાં આવે છે. ત્યાર બાદ આ મંદિરમાં આરતી-પૂજન બંઘ થઇ જાય છે અને મંદિરની બહાર ભગવાન મામાના ઘરે ગયા છે તેવું બોર્ડ લટકાવી દેવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન ત્રણેય ભગવાનના દર્શન સરસપુર ખાતેના રણછોડજી મંદિરમાં થાય છે. આષાઢ સુદ એકમના ચોથા પહોરે આ ત્રણે ભગવાન અર્દશ્ય થઇને જગન્નાથજીના મંદિરે પહોંચી જાય છે. પુષ્પ નક્ષત્રના દિવસે આ ત્રણેય ભગવાનની આંખ પરથી પાટા ખોલી નાખવામાં આવે છે. સ્નાન કરાવ્યા બાદ ખીચડી, કોળા, દહીં તથા ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આરતી થયા પછી ત્રણેય ભગવાનને સીધા જ રથમાં પધરાવવામાં આવે છે અને પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે.
રથયાત્રામાં મગ, જાંબુ અને દાડમનો પ્રસાદ કેમ આપવામાં આવે છે? ત્રણેય ભગવાને પંદર દિવસ ઉપવાસ રાખ્યા હતા. આથી ઉફવાસ છોડ્યા બાદ મગ આપવામાં આવે છે અને જાંબુ તથા દાડમ આંખે પાટા છોડ્યા બાદ આંખોને ઠંડક મળી રહે તે માટે આપવામાં આવે છે. આથી ભાવિકોને પણ આ સામગ્રી પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
શરૂઆતમાં મંદિરના સાધુ-સંતો, ભજન મંડળીઓ, નિશાન, ગજરાજો અને બેન્ડ રથયાત્રામાં જોડાતા, પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ આ રથયાત્રામાં સામેલ થયાં. સમયની સાથે-સાથે રથયાત્રાની પરિક્રમાના માર્ગ બદલાતા રહ્યા. આજે આપણે કહાએ કે એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તો કોઇ પણ વ્યકિત આ વાત માનશે જ નહી. પરંતુ તે હકીકત છે.
1947 પહેલાં રથયાત્રા જમાલપુર ખાતેના જગન્નાથજીના મંદિરથી નીકળી કેલિકો મિલ થઇ ગીતા મંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ થઇ સરસપુર ખાતે વિરામ સ્થળે પહોંચતી. ત્યાં થોડોક વખત વિરામ કર્યા બાદ રથયાત્રા ત્યાંથી પ્રમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રથયાત્રા રતનપોળમાં પ્રવેશતી, રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતામંદિર થઇ સાંજે મંદિરે પરત ફરતી.
આજે રથયાત્રાના માર્ગમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હાલ સવારના સાત વાગ્યે મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, ઓસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હૉલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડોક સમય વિરામ લીધા પછી તાજા થયેલા રથયાત્રીઓ 'જય જગન્નાથ'ના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ. આંબેડકર હૉલ, કાલુપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ઈર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઇને મંદિરે પરત ફરે છે. પશ્ચિમીકરણની અસર ભલે સમાજ પર થઇ હોય, પરંતુ નરસિંહદાસજીએ શરૂ કરેલી અમદાવાદની રથયાત્રાને તે સ્પર્શી શકી નથી. ભલે ટેલિવિઝન પર રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય છતાં દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહ્યો છે. અમદાવાદની આજુબાજુથી અને દૂર દૂરથી લોકો આવી ભગવાનના દર્શન કરશે અને ધન્યતા અનુભવતા 'જય રણછોડ', 'જય જગદીશ'ના નારા સાથે આવતી રથયાત્રાની વાટ જોશે.

Wednesday, June 9, 2010


રથયાત્રા શરૂ કરાવનાર સંત નૃસિંહદાસજીની પરબ ઉકરડામાં સડે છે!


જમાલપુર દરવાજાની અને જદન્નાથજીના મંદિરની બરાબર સામે ઉકરડામાં રહેલી એક પરબની તકતી પર લખ્યુ છે, 'મહામંડળેશ્વર મહંતશ્રી નૃસિંહદાસજી બાલમુકુંદદાસજીના પુણ્ય સ્મપણર્થે મ્યુનિસિપલ ઠંડા પાણીની પરબ, ઇ.સ. 1964'. આ વાચીને એવો સવાલ થાય કે મહામંડળેશ્વર નૃસિંહદાસજી કોણ હતા કે જેમની યાદમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશને 'ઠંડા પાણીની પરબ' કરી! એક વાક્યમાં એમની ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે નૃસિંહદાસજીએ અમદાવાદના મોટામાં મોટા ગણાતા ઉત્સવ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. નૃસિંહદાજીને તમામ સંપ્રદાયો અને ધર્મોના લોકો સન્માનતા, પ્રેમ આંપતા અને તેમનો પડ્યો બોલ ઝીલી લેતા. તેમની માનવસેવા અને ગૌસેવા જોઇને સંતોએ તેમને 'મહામેડળેશ્વર'ની ઉપાધિ આપી હતી.
અમદાવાદમાં આજથી લગભગ 286 વર્ષ પહેલાં રામાનંદી સંત હનુમાનદાસજીએ હનુમાનજીના નાના મંદિરની રચના કરી હતી અને જે આગળ જતાં આશ્રમના રૂપમાં વિકાસ પામી. ગૌશાળાના વિકાસની સાથે સાથે શિષ્યોની સંખ્યા પણ વધવા લાગી હતી. એક દિવસે સારંગદાસજી નામના શિષ્ય ગૌશાળાની ચકાસણી કરતા હતા ત્યારે તેમણે એક બાળકને ગાયોનું છાણ ઉપાડતા અને ચારો આપતા જોયું. તેમણે એ બાળકને પૂછ્યું કે તને આ કાર્ય કરવા કોણે કહ્યું છે અને તું ક્યાંથી આવ્યો છે. ત્યારે બાળકે જવાબ આપ્યો કે હું ક્યંથી આવ્યો છું તેની મને ખબર નથી, પરંતુ અહીંયાં હું ગૌસેવા કરવાના આશયથી ખેંચાતો આવ્યો છું. સારંગદાસજી તે બાળકને પોતાના ગુરુ પાસે લઇ ગયા અને સઘળી હકીકત કહી અને ગુરુએ તે બાળકને આશ્રમમાં રહેવાની પરવાનગી આપી. નાનકડું બાળક સંમગ્ર આશ્રમનું આકર્ષણ બન્યો અને તેની વૈરાગ્ય ભાવના જોઇ સારંગદાસજીના શિષ્ય બાલમુકુંદદાસજીએ તે બાળકને દીક્ષા આપી. દીક્ષા બાદ તે બાળક નૃસિંહદાસજીના નામે જાણીતો બન્યો.
હનુમાનદાસજીના વિલય પછી સારંગદાસજી ગાદીએ આવ્યા અને તેઓ ભારત ભ્રમણ કરતાં વર્ષો સુધી જગન્નાથપુરી રહીને અમદાવાદ પરત ફર્યા. તેમણે આશ્રમમાં જગન્નાથપુરીથી ભગવાનશ્રી જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવી પુરીના વુદ્ધાનો-પૂજારીઓની હસ્તે અષાઢ સુદ-1ના દિવસે સ્થાપના કરાવી. આમ ત્યારથી જ આ આશ્રમ 'જગન્નથજીના મંદિરના નામે જગપ્રસિદ્ધ થયો. સારંગદાસજી બાદ તેમના શિષ્ય બાલમુકુંદદાસજી ગાદીએ બેઠા. તેમની આજ્ઞા લઇ નૃસિંહદાસજી દેશાટને નીકળ્યા અને જગન્નાથપુરીમાં જગન્નાથ મંદિરની તમામ પ્રવૃતિઓ જેવી કે પૂજા, આરતી, ભોગ, શૃંગાર, જલયાત્રા અને રથયાત્રાનો અભ્યાસ કરી ભાવનગરના શિહોરમાં નિવાસ કર્યો.
ગુરુના આદેશથી નૃસિંહદાસજી અમદાવાદ પરત ફર્યા અને આશ્રમની તમામ જવાબદારીઓ સ્વીકારી લીધી. તેઓ જાતે જ પ્રત્યેક કાર્ય કરતા અને આશ્રમમાં આવતા દરેકનો આદર સત્કાર કરતા. આ જ ગાળામાં એમના ગુરુ બ્રહ્લલીન થતાં તેમણે તમામ સંપ્રદાય અને ધર્મોના લોકો માન આપતા. પોતે સાદાઇમાં માનતા હોવાથી ખભા પર રૂમાલ, કેડમાં બે હાથની ધોતી અને ચાર આંગળાની લંગોટી સિવાય કશું કદી પહેરતા નહીં તેમજ પગમાં જોડા કે ચાખડી પણ ન પહેરતા.
તેમના સમયે મંદિરમાં બે હજાર ઉપરાંત ગાયો રહેતી અને તેઓ જાતે જ માવજત પણ કરતા તથા ઘાસચારાના બગીચાનું નિરીક્ષણ પણ કરતા. કોઇ પણ જાતના નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના તેઓ અન્નદાન, વસ્ત્રદાન,પવાલા, વાટકી કે ગરમ ધબળા વહેંચતા.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જગન્નાથપુરીના મંદિરની જેમ તમામ પૂજા તથા વિધિઓ થતી હતી. આ બાબતે નૃસિંહદાસજીના મનમાં એક ડંખ રહેતો અને આ વેદના તેમણે આશ્રમના સાધુ, સંતો તથા ભક્તો સમક્ષ ઇ.સ.1878માં વ્યક્ત કરી. સૌએ હર્ષ સાથે વાત સ્વીકારી લીધી અને ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઇઓ કે જે નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ કરી દીધો. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથો તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા. ઇ.સ..1878ના અષાઢ સુદ-2ના દિવસથી શરૂ થયેલી એ પરંપરા અત્યાર સુધી અતૂટ રહી છે. તેમાં રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ જ કરે છે.
નૃસિંહદાસજીની સેવાથી માત્ર અમદાવાદ, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારત વાકેફ હતું. તેઓ કુંભમેળામાં સેવા કાર્ય કરતા અને ત્યાંથી 1950માં પરત ફરતાં દિલ્હી ખાતે રોકાઇ સીધા જ મહાત્મા ગાંધીની સમાધિએ પહોંચ્યા. ગાંધીજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અને પ્રેમથી તેઓ પ્રવેશદ્વાપથી જ ગદ્ગદિત થઇ ગયા અને માંડ માંડ સમાધિ પાસે પહોંચી પોતાની પુષ્પાંજલિ આપતાં કહ્યુઃ "ઓ સંતોના સંત, તમને મળવું હતું, પણ મળ્યા નહીં, પોતાનું કામ કરી, ચાલ્યા ગયા." 70 વર્ષ સુધી જગન્નાથજીના મંદિરના ગાદીપતિ તરીકે સેવા કરી લગભગ 108 વર્ષની ઉંમરે સં.2016ના કારતક વદી-10ને બુધવારે તા.25 નવેમ્બર 1959ના રોજ નૃસિંહદાસજી બ્રહ્લલીન થયા.
આ મહાન વિભૂતિની યાદમાં અમદાવાદ મ્યુ. કોર્પો. "ઠંડા પાણીની" પરબ બનાવે તે સ્વાભાવિક જ છે. માત્ર પરબ બનાવીને ચાલુ કરી દીધી તે તેમના પ્રત્યેની અંજલિ નથી. આ પરબ હંમેશાં ચાલુ રહે અને તરસ્યાની તરસ છિપાય તો જ અંજલિ સાર્થક ગણાય. આ જવાબદારી મ્યુ. કોર્પો. ઉપરાંત નાગરિકોની પણ છે. આશા છે કે નૃસિંહદાસજીએ શરૂ કરેલ રથયાત્રા થોડાક જ દિવસોમાં એ માર્ગેથી પસાર થશે ત્યારે ફરીથી ચાલુ થયેલી એ જ પરબમાંથી પીને રથયાત્રા શરૂ કરાવનાર સંત નૃસિંહદાસજીને યાદ કરશે. એમને અંજલિ આપશે.
મવાલીઓ, પ્રેમી યુગલો, અને ચામાચીડિયાનો અડ્ડો બનેલી અમદાવાદની ઐતિહાસિક દાદા હરિની વાવ
અસારવા વિસ્તરમાં આવેલી દાદા પરિની વાવની ખ્યાતિ સાંભળીને દેશ-વિદેશથી અમદાવાદ જોવા આવનાર મુસાફર તેની અચૂક મુલાકાત લે છે. ટૂરિસ્ટ બસ દ્વારા, રિક્ષામાં બેસીને કે ટૂરિસ્ટ નકશાની સહાયથી માંડમાંડ વાવ સુધી પહોંચેલો મુસાફર પ્રવેશદ્વારા પર સૂતેલા મવાલીઓ જેવા લોકોને જોઇને કંપી ઊઠે. એની આશા ઉપર પાણી ફરી વળે. પ્રવેશદ્વારાની મધ્યમાં સૂતેલાઓને તે માંડ માંડ ડરતો ડરતો ઓળંગી વાવમાં પ્રવેશે, ત્યારે ચામાચીડિયાંની હગારની ગંધથી ત્રાસીને મોં પર રૂમાલ મૂકી દે. આવી દુર્ગંધ વચ્ચે પણ ખૂણેખાંચરે બેઠેલાં યુગલોનાં ર્દશ્યોને જોઇને તે ખચકાટ અનુભવતો પગથિયાં ઊતરે. ઊતરતાં ઊતરતાં તે ચારે બાજુ લોકોએ સુંદર વાવમાં કરેલી ચિત્રામણથી દુઃખી થઇને વાવના તળિયે પહોંચે.
અહીયાં પણ કચરાના ઢગલેઢગલા પડેલા હોય. આ બધું જોઇને તે મુસાફર હાંફતો હાંફતો ઉપર પહોંચે ત્યારે તેને માટે નથી સગવડ બેસવાના બાંકડાની કે નથી સગવળ પીવાના પાણીની. હા અહીયાં ભીખ માગતા ભિખારીઓના ત્રાસની જરૂર સગવડ છે. આ પરિસ્થિતિ છે આપણા વારસારૂપી ઐતિહાસિક દાદા હરિની વાવની.
આથી જ ભારત સરકારે આવા વારસારૂપી ઐતિહાસિક સ્મારકોને બચાવી લેવા માટે, તેના રક્ષણ માટે કડક કાયદો ઘડ્યો અને સજાની જોગવાઇ પણ કરી, તેમજ જે સ્મારકોને રક્ષિત સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે, તેની દેખરેખ માટે ચોકીદાર રાખવીની જોગવાઇ પણ પરંતુ આ દાદા હરિની વાવમાં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતા દ્વારા ચોવીસ કલાક સ્થાયી ચોકીદાર રાખવાને બદલે ઑફિસ ટાઇમે હાજર રહેતો એક ચોકીદાર રાખવાને કારણે આ વાવ કોણે અને ક્યારે બંધાવી તેનો ઇતિહાસ વાવમાં લાગેલી સંસ્કૃત તથા અરબી ભાષાની તકતીઓ પરથી મળે છે.
ગુજરાત તેની સ્થાપત્યકળા માટે ખૂબ જ જાણીતું અને તેમાંય વાવો માટે તો ખાસ. આ વાવોની રચના સૂર્યની પ્રચંડ ગરમીથી ઠંડક મેળવવા, પ્રવાસથી થાકેલો મુસાફર તેમાં આરામ કરી ભોજન લઇ શકે તે માટે તથા તકસ્યો માનવી આ વાવમાં આવી પોતાની તરસ છીપાવી શકે તેવા પરોપકારી આશયથી કરવામાં આવતી હતી. ગુજરાત જેવી અને જેટલી સુંદર વાવો ભારતના કોઇ જ પ્રદેશમાં નથી.
આ વાવ સુલતાન મહમુદ બેગડાના અંતઃપુરની કોઇક આગળ પડતી હરિર નામની સ્ત્રીએ બંધાવી હતી. આ બાઇ હરિરની સુલતાનના અંતઃપુરમાં ઘણી જ લાગવગ હશે તેમ આપણને સંસ્કૃત શિલાલેખમાંના "સર્વાધિકારિ" શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિર સુલતાન મહેમૂદ બેગડાની પોતાની અથવા એના કોઇ મોટા શાહજાદાની ધાવ માતા હશે એમ એની આગળના 'દાદા' શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખૂણામાં આવેલું હતું. આ જ હરિરપુરમાં તેણે સંવત 1556ના પોષ સુદ-13ને સોમવારે એટલે કે 15 ડિસેમ્બર 1499ના રોજ 84 લાખ મનુષ્ય, પશુ, પક્ષી આદિની તૃષાના નિવારણ અર્થે આ વાવ બંધાવ્યાનું શિલાલેખમાં લખ્યું છે. આ વાવ બાંધવા પાછળનો કુલ ખર્ચ 3,19,000 મહેમુદી થયો હોવાનું જણાવ્યું છે તથા આ વાવની જોડે એક સુંદર ફળનો બગીચો તથા મસ્જિદ બંધાવ્યાની વિગત પણ જોવા મળે છે. આ વાવ એક મુસલમાન કારભારી મલીક બીહામંદની દેખરેખ નીચે હિંદુ સ્થપતિ ગજ્જર વૈસ સુથાર વીરા તથા તેના સહાયક સુથાર દેવાએ બાંધી હોવાની વિગત પણ જોવા મળે છે.
આ વાવની કુલ લંબાઇ 241 ફૂટ છે તથા 16 ફૂટના અંદર મંડપો છે. તેમાં આવેલા અષ્ટકોણ કૂવાનો અંદરનો ચોરસ ભાગ 24 ફૂટનો છે. આ વાવના થાંભલાઓ સાદા છે અને તેમાં ગોખ છે. જેમાં મોર, પ્રાણીઓ અને હંસની આકૃતિઓ કોતરવામાં આવી છે.
આ વાવમાં મુખ્ય પ્રવેશદ્વારે પગથિયાંઓથી તથા છેડાના ભાગે છેક ઉપરથી અષ્ટકોણ કૂવા આગળ ગોળફરતી નાની સીડીઓ દ્વારા આવી શકાય છે. આ સીડીઓના કઠેરા પણ કોતરણીથી ભરપૂર છે. વળી આ વાવની બાજુ ધસી ન પડે તે માટે નીચેના ખંડોની બાંધણી ખૂબ જ મજબૂત કરવામાં આવી છે.

કાચ-લોખંડ અને કોંક્રિટનાં જંગલોમાં ફેરવાઇ રહેલા અમદાવાદનું તાપમાન હજુ લોકોને દઝાડશે

અમદાવાદ, 21મી સદીની સૌથી વિકરાળ જો કોઇ સમસ્યા હોય તો તે ગ્લોબલ વોર્મિંગ કે શીતયુગનાં એંધાણ ગણી શકીએ. છેલ્લા 10 વર્ષનાં વૈશ્વિક વાતાવરણનો અભ્યાસ કરીએ, તો સ્પષ્ટ થાય છે કે, જ્યાં અગાઉ કદી વરસાદ પડતો નથી થઇ, ત્યાં બરફવર્ષા થઇ રહી છે. જ્યાં તાપમાન સમશિતોષ્ણ રહેતુ હતું. ત્યાં ઉષ્ણ તાપમાન નોંધાયું છે. જ્યાં મહત્તમ વરસાદ થયો હતો. ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, અને જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત હતું, ત્યાં ઢગલો વરસાદ પડી રહ્યો છે.
આ તમામ ભૌગોલિક વાતાવરણમાં ફેરફારો અંગે ચર્ચા માટે કોપનહેગનમાં મળેલી વિશ્વનાં દેશોની બેઠક આમ તો કોઇ ખાસ નિર્ણય વિના સમાપ્ત થઇ ગઇ હતી. તેનાં કારણો ઘણાં છે. પણ એક વાતની નોંધ લેવાઇ કે વિકશીત અર્થતંત્ર ધરાવતા દેશો દ્વારા હવા-પાણીના અઢળક પ્રદુષણને કારણે 'ગ્લોબર એટમોસફિયર'માં અભૂતપૂર્વ ફેરફારો નોંધાય છે. તેને વૈજ્ઞાનિકો 'બ્લેક હોલ' તરીકે ઓળખે છે અને આ તમામ પરિબળોને કારણે ભારત સહિત વિશ્વનાં દેશોનાં હવામાનમાં અભૂતપૂર્વ પરિવર્તનો જેટલા છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે, તેટલા વિતેલા 50 વર્ષમાં પણ નોંધાયા નથી. બીજી બાજુ એન્ટાર્ટિકાની હિમશીલાઓ અભૂતપૂર્વ રીતે ઓગળી રહી છે. જેને કારણે સમુદ્રની સપાટી ઉપર આવી રહી છે. અલબત્ત અત્યારે જો હાલ આપણે અમદાવાદનાં વાતાવરણમાં પ્રદુષણની માત્રાનો વિચાર કરીએ તો વિતેલા દાયકાઓની તુલનામાં છેલ્લા 10 વર્ષમાં શહેરનાં વાતાવરણમાં બિન આરોગ્યપ્રદ કાર્સિનોજીક (કેન્સર જન્ય) તત્ત્વોનું પ્રમાણ પ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા પંદર દિવસથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ અતિશય ગરમી અને ઉંચા તાપમાનવાળા વાતાવરણથી આજે પણ અમદાવાદીઓ પરેસેવે રેબઝેબ થાય છે. ઉનાળાના પ્રારંભે શહેરનું તાપમાન વધીને 47 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. ત્યારે બાદ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં હવામાં ગરમીનું પ્રમાણ દઝાડતુ રહ્યું છે. શહેરના આ મુજબના તાપમાન માટે પર્યાવરણવાદીઓ અનેક પરિબળો જવાબદાર હોવાનું બતાવે છે. જેમાં સૌથી મહત્વનું શહેરમાં ફેલાતું પ્રદુષણ છે.
જો આ પ્રદુષણ પર બ્રેક નહીં લાગે તો એક દિવસ શહેરનું તાપમાન 50 ડીગ્રીએ પહોંચી જશે. પંદર દિવસ દરમ્યાન શહેરમાં તાપમાનમાં વધારો ઘટાડો ચાલુ રહ્યો હતો. જેમાં તાપમાનમાં એકાએક વધોરો થઇને 47 ડિગ્રી તાપમાન થઇ જતા પર્યાવરણના જાણકારો ચોકી ઉઠ્યા હતા. આ માટે પર્યાવરણશાસ્ત્રીઓ કોંક્રિટના જંગલો વાહનોની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે. ડાઇંગ હાઉસો, ફેકટરીઓની સંખ્યામાં પણ થઇ રહેલા વધારાને જવાબદાર ગણે છે.
વધતા જતા તાપમાન માટે પર્યાવરણ શાસ્ત્રીઓ મહત્વના પરિબળ અંગે જણાવે છે કે, નોંધાયેલા આંકડા મુજબ હાલ શહેરમાં નાના-મોટા મળી 4-5000 બિલ્ડીંગો છે.
જેમાં દસ માળથી કે વધુ માળવાળા બિલ્ડીંગોનો આંકડો 2000 જેટલો છે. તો લોરાઇઝ બિલ્ડીંગોની સંખ્યા 3000 છે. પર્યાવરણવાદીઓ આ બિલ્ડીગોને તાપમાન પર થતી અસરો માટે જવાબદાર ગણી જણાવે છે કે આવા બિલ્ડીંગોનું સ્ટ્રકચરનું એવું હોય છે કે તાપ પડે એટલે બિલ્ડીંગો ગરમી શોષી લે. જ્યારે ગરમી ઉંચા દબાણવાળા વાતાવરણમાં પહોંચે છે ત્યારે ઉપર કાર્બેન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બંધ હોય છે કે ગરમી ભેજવાળા પ્રવાહમાં જઇ શકતી નથી. શહેરમાં વધતા જતા તાપમાન માટે પર્યાવરણ શાસ્ત્રીઓ બીજા એક મહત્વના પાસાને જવાબદાર માને છે તે શહેરમાં કુદકે ને ભૂસકે વધી રહેલી વાહનોની સંખ્યા હાલ શહેરના રસ્તાઓ પર 35 લાખથી વધુ વાહનો દોડી રહ્યા છે. જેમાં 25 લાખ મોટર સાયકલ, 5 લાખ મોટરકારો તથા 1,25,000 રીક્ષાઓ માર્ગો ઉપર દોડે છે.

જેનો એલોપથીમાં કોઇ જ ઉપાય નથી, એ બિમારી આયુર્વેદ મટાડી શકે છે

By ENN, સુરત, યુનિ.માં બાપાલાલ વૈદ્ય બોટનીકલ રીસર્ચ સેન્ટર'માં રોગ આધારિત વનૌષધિ ઉપર કેવા સંશોધનો થયા છે. એ પણ જાણવા જેવું છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સના ડીન ડૉ. મીનુ પરબીયાએ જણાવ્યું હતું કે ઔષધીય વનસ્પતિ હેઠળ આજપર્યંત યુનિવર્સિટીમાં 31 શોધનિબંધો (પીએચ.ડી.) થયા છે. જેમાં હાઇપર ટેન્શન (બ્લડ પ્રેશર) પર ડૉ. હીના ઠાકાર, દાંત મ્હોંના રોગો પર ડૉ. સ્મિતા પાઠક, સોરાયસીસ-ચામડીના રોગો પર ડૉ. ફાલ્ગુની શેઠ સ્પોન્ડીલાઇટીસ ઉપર ડૉ. હિરલ ઉપુર (સ્પોન્ડીગો નામક અકસીર દવા બનાવી છે), મેલેરીયા માટે ડૉ. ફરઝીન પરબીયા (જેમણે આંકડામાંથી મેલેરીયાની દવા બનાવી છે) તદ્ઉપરાંત સાઇનોસાઇટીસ (નાકનો રોગ, સસણી, સાયનસ) ઉપર ડૉ. હેમાંગીની શુકલએ પણ અદભૂત સંશોધન કર્યું છે. એમણે એક સળી વિકસાવી છે. ઋષિ ચરકના સમયની બે પદ્ધતિ નવાન નસ્ય તથા ધુમ્રનસ્યનો ઉપયોગ કરીને બનાવેલ આ સળી સળગાવીને એનો ધુમાડો ચોક્કસ સમયગાળા સુધી લેવાથી સાયનસ મટી શકે છે.
ડૉ. પરબીયાએ જણાવ્યું હતું કે રોજીંદા જીવનમાં નુશ્ખા રૂપે વાપરી શકાય એવું આયુર્વેદમાં અઢળક છે. દા.ત. હાડસાંકળનો રસ કાઢીને ભજીયા બનાવીને ખાવામાં આવે તો ગરદન પીઠ જકડાઇ જવાનો રોગ (સ્પોન્ડોલાઇટીસ) તરત મટી શકે. એલોપથીમાં આ રોગ માટે માત્ર પેઇનકીલર ઉપરાંત ગળામાં પહેરવાનો પટ્ટો અપાય છે. લેખકો, પત્રકારો, કોમ્પ્યુટર ઓપરેટરો, બેંક કર્મચારીઓને આ રોગની ફરિયાદ રહે છે. જોકે હાડ સાંકળનાં ભજીયા બનાવતી વખતે હાથમાં એચલી બળતરા થાય કે આ ભજીયા ખાવીથી પેટમાં કેટલા બળતરા થશે એવા વિચારે લોકો ખાતા ખચકાય પણ ખરા. પરંતુ હકીકત એ છે કે હાડસાંકળને રાંધી નંખાયા પછી કોઇ બળતરા થતી નથી, એ નિર્દોષ થઇ જાય છે.
જો કે આવી બદી માથાકુટમાં પડવાને બદલે લોકો દવા પસંદ કરે છે એમ ઉમેરતા ડૉ. પરબીયાએ કહ્યું હતું કે હવે આ દિશામાં સંશોધનો થઇ રહ્યા છે. મૂળ વનસ્પતિના સીધા ઉપયોગથી જે અસર રોગ પર થાય છે. એટલી જ અસર જો વનસ્પતિમાંથી પ્રોસેસ કરીને દવા, બનાવ્યા બાદ થઇ શકતી હોય તો સંશોધન બાદ, દવાની ઝડપી પ્રક્રિયા કરીને ઔષધીય વનસ્પતિને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનો મુખ્ય હેતુ આ કોન્ફરન્સનો છે.

આપણે આયુર્વેદની તાકાતને અવગણીએ છીએ અને વિદેશીઓ તેની ધડાધડ પેટન્ટ કરાવી રહયા છે


By ENN, ઘર ઓફિસમાં વ્હેંચાઇને જીવતા આજના માણસને છીંક પણ આવે તો ડૉકટર સુધી દોડી જવું પડે છે. આપણે એલોપથી દવાઓ ઉપર નિર્ભર થઇને બે ટીકડી ગળા નીચે ઉતારી ફરી કામે વળગવાની કોશીશ કરીએ છીએ. તાકીદે રાહત કરી આપતી એલોપથી દવાઓની આડઅસર ઉપરાંત રોગને મૂળમાંથી કાયમી રીતે કાઢી શકવાની નહીંવત શકયતાઓ વચ્ચે, આપણું પૌરાણીક આયુષ્ય વિજ્ઞાન (તબીબી શાસ્ત્ર), આયુવિજ્ઞાન એટલે કે આયુર્વેદ... આજે પણ અડીખમ છે.
આયુર્વેદની ધીમી અસર એટલી તો મજબૂત છે કે વિદેશીઓ યોગ અને આયુર્વેદ (યોગા એન્ડ આયુર્વેદા) તરફ વળી રહ્યા છે. લીમડો, હળદર સહિતની ઔષધીય વનસ્પતિઓના પેટન્ટ કરાવી લેવાનું અમેરીકા તથા યુરોપીયન દેશોનું સુવ્યવસ્થિત કૌભાંડ આગળ ન વધે એ માટે દેશના જ એક વિજ્ઞાની ડૉ. મશેલરની કામગીરી નોંધપાત્ર રહી. અમેરિકામાં એક પંજાબી એનઆરઆઇએ હળદરની 4 વિવિધ પેટન્ટ કરવવાની કોશીશને પણ ડો. મશેલસરએ નાકામ બનાવી દીધી હતી. નહીંતર આજે આપણા હળદર જેવી કુદરતી સંપત્તિ સ્ત્રોતો પર અમેરિકાનો માલિકી હક લાગી ચુક્યો હોત. જાણીને નવાઇ લાગશે પણ શ્રી મશેલરના પ્રયત્નોથી લીમડા સહિતની વનસ્પતિઓની સીધી પેટન્ટ કરવવામાં નિષ્ફળ ગયા બાદ, લીમડામાંથી શુ શુ બની શકે? એના ઉપયોગો જાણીને અમેરિકાએ 66 જેટલી દવાઓ બનાવી તેની પેટન્ટ કરાવી લીધી છે.
ભારતમાં ડોશીમાંનું વૈદુ, તરીકે જાણીતા છોડ, વનસ્પતિ, ફળ, ફુલ, વિગેરેથી થતા રોગોના ઘરગથ્થુ ઉપચારો (જાહેર જ્ઞાન) હેઠળ આવરી લઇ ડો.મશેલરે આ લડત ચલાવી હતી. પેટન્ટના કાયદા મુજબ વૈજ્ઞાનિક સંશોધન ભલે ન થયું હોય પણ લોકો પરંપરાગત રીતે વર્ષોથી જાણકારી કરતા આવ્યા હોય એવી 'જાહેર જ્ઞાન'ની વસ્તુને સંશોધનમાં ખપાવી પેટન્ટ ન થઇ શકે. બસ, આ કાયદો બતાવી કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રીસર્ચના ડિરેક્ટર જનરલ ડો.મશેલરે ભારતીય વનૌષધિઓ ઉપર અમેરિકા યુરોપની પેટન્ટના થતી માલિકી અટકાવવામાં સફળતા મેળવી હતી.
દરેક ભારતીયે એમના ઋણી બનવું પડે, એવી એમની મહેનત હતી, અન્યથા આજે આપણે લીમડો, હળદર જેવી વનસ્પતિનો ઉપયોગ વિદેશીઓ કહે એમ કરવો પડત.
આગામી જુન માસમાં તા.9 તથા 10 દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ)ના યજમાનપદે શહેરમાં બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સવારે 9-30 થી સાંજે 7 સુધી ચાલનાર આ કોન્ફરન્સમાં મદ્રાસ, કેરળ, શિલોંગ, બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી 300 જેટલા વનસ્પતિ પ્રેમીઓ, સંશોધન, તજળો, વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ માટે સીટીલાઇટ રોડ સ્થિત તેરાપથ ભવન નિશુલ્ક ધોરણે યુનિવર્સિટીને ફાળવાયું છે. જેમાં યુજીસી દ્વારા 1 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
ઔષધીય વનસ્પતિ દેશનો સંપત્તિ સ્ત્રોત વિષય સંલગ્ન મુદ્દાઓ ઉપર ચર્ચાઓ, ઉદ્બોધનો સહિત પ્રેઝન્ટેશન, સંશોધનો રજૂ થશે. મેડીસીનલ પ્લાન્ટસ ક્ષેત્રે દેશના 7 થી વધુ ટોચના તજજ્ઞો આ નેશનલ સીમ્પોઝીયમના વકતા રહેશે.