ગુજરાતની મુખ્ય આદિવાસી જાતિઓ
ગામ વસાવીને એક સ્થાને સ્થિર થયા એટલે તેઓને ગામીત વસાવા કહેવમાં આવે છે. તેઓને ગાવીત અથવા માવચી પણ કહેવામાં આવે છે. તેઓ સુરત જિલ્લામાં વસ્યા છે.
ઢોર કોળીને 'કોયલા' અથવા 'કોલછા' પણ કહે છે, વાંસના ટોપલા-ટોપલી બનાવવાનું કામ કરતા હોવાથી તેઓને 'ટાકરે કોળી' પણ કહે છે. તેઓની વસતી સુરજ જિલ્લામાં છે.
ગુજરાતમાં પશ્ચિમી વિસ્તારે ભરતીનાં મોજાથી ઉછળતો મહાસાગર છે. તો ઉંમરગામથી દાંતા પટ્ટા અંબાજી સુધીનો પૂર્વ વિસ્તાર ગરીબ આદિવાસીઓની સમસ્યાઓથી ભરપુર છે. ખેર, રાજ્યસરકારે પંદરોસ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરીને ત્રણ વર્ષ પછી પણ આદિવાસીઓની સમસ્યા ઠેરની ઠેર છે. આ દારૂણ જીવન ગુજારતાં આદિવાસીઓની પણ ગુજરાતમાં વિવિધ જાતિઓમાં સાંસ્કૃતિક વૈવિધ્ય તથા જીવન જોવા મળે છે. તો ચાલો આજે જાણીશું ગુજરાતનાં આદિવાસીઓની સાંસ્કૃતિ તથા જીવન રહેણીકરણી...
દુબળા આદિવાસીઓ મુખ્યત્વે સુરત જિલ્લામાં વસે છે. ઉજળિયાતોમાં ખેડૂ તરીકે કામ કરતા હોવાથી તેઓને 'હોલી' કે 'હળપતિ' પણ કહેવામાં આવે છે.દુબળા આદિવાસીઓની કુલ 20 ઉપજાતિઓ છે. તેમાંથી મુખ્ય ત્રણ ઉપજાતિઓ (1) તળાવિયા (2) બોહરિયા અને (3) ખારચા છે.
દુબળાઓનો પોશાક ઉજળિયાતો જેવો જ હોય છે. પુરૂષો ધોતી, ખમીસ અને ટોપી પહેરે છે. સ્ત્રીઓ ઘાઘરાનો કછોટો મારે છે અને સાડી તથા કાંચળી પહેરે છે. જગતની બીજી સ્ત્રીઓની માફક તેઓ આભૂષણ પ્રિય હોય છે. ગળામાં દરિયાની કોડીઓના હાર, કાનમાં ચોકડી આકારના એરીંગ અને પગમાં કડલાં પહેરે છે.
દુબળા પોતાની આગવી બોલી કે ભાષા બોલે છે, અને તેઓનું કંઠસ્થ સાહિત્ય તેઓની બોલતી બોલીમાં હોય છે.
તેઓ ગાયને પવિત્ર માને અને ગુજરાતના બીજા આદિવાસીઓની જેમ શરાબના શોખીન છે.
ધોડિયા ખાસ કરીને સુરતમાં વસે છે અને વસતીની રીતે તેઓનું ત્રીજું સ્થાન છે. ધોડિયા આદિવાસીઓ દુબળાની જેમ મેદાનમાં વસે છે. મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લામાંથી આવીને ગુજરાતમાં વસ્યા હોવાથી તેઓનું નામ ધોડિયા પડ્યું છે. તેઓ પોતાને મહારાષ્ટ્રથી આવેલા રાજપૂતોના વંશજ માને છે. આથી તે ગુજરાતના બીજા આદિવાસીઓથી પોતાને ઊંચા માને છે.
ધોડિયાનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને દરેક ધોડિયા કુટુંબો જમીન માલિક હોય છે. તેઓમાં શિક્ષિતોનું પ્રમાણ પણ વધારે છે.
દરેક ગામમાં એક મુખી અને એક મતાદાર હોય છે. મુખીને તેઓ નાયક અને મતાદારને કારભારી કહે છે. નાયક વારસાગત હોય છે. નાયક અને કારભારી ગામના સામાજિક અને ધાર્મિક પ્રસંગ-પર્વો સાથે મળીને ઊજવે છે, અને સમાજિક ટંટા દૂર કરવાનો અને ન્યાય કરવાનો હક પણ તેઓ ભોગવે છે.
લગ્નો માતા-પિતાની પસંદગી અને છોકરા-છોકરીની પસંદગીથી કરવામાં આવે છે. કન્યાના પિતાએ વરના પિતાને દહેજ આપવું પડે છે. લગ્ન નાયક જાતિનો ભગત કરાવે છે. ઘરજમાઇ, છૂટાછેડા અને પુનર્લગ્નનો રિવાજ પણ પ્રચલિત છે.
શબને ઢોલ-ત્રાંસના સન્માન સાથે સ્મશાને લાવવામાં આવે છે અને બાળવામાં આવે છે.
તેઓનાં મુખ્ય દેવી-દેવતા ગોહલીમાડી, લીમાડી, કાળો કાકર, દેવ શામળો, ભરમ દેવ, નારદેવ, ચોસઠ જોગણી, શીતળા અને અગાસી માતા છે. માણસ કે પાલતુ પશુની બીમારી સમયે આ દેવી-દેવતાઓની માન્યતા માનવામાં આવે છે.
ચૌધરી પાવાગઢથી આવીને સુરતમાં વસ્યા છે. તેઓ પોતાને રાજપૂત વંશના માને છે. તેઓની મુખ્ય ત્રણ ઉપજાતિઓ છેઃ (1) પાવાગઢિયા (2) ટાકરિયા (3) વલવાઇ.
ચૌધરી શરીરે ગોરા હોય છે. તેઓની સ્ત્રીઓ અન્ય આદિવાસી સ્ત્રીઓ કરતાં રૂપવતી હોય છે.
પુરૂષ સાફ બાંધે છે, ખમીસ અને ધોતિયું પહેરે છે. સ્રીઓ સાડલો, કાંચળી અને ચણિયો પહેરે છે.
સ્ત્રી-પુરૂષ બંને કાનમાં એરિંગ પહેરે છે. પુરૂષો હાથમાંકડું, આંગળીએ વીંટીઓ અને કાનમાં વાળી પહેરે છે. તેઓની બોલી-ભાષાને ચૌધરી બોલી કહે છે. ચૌધરી આદિવાસીઓમાં શિક્ષિતોનું પ્રમાણ વધારે છે.
ધાનકા આદિવાસીઓમાં પ્રચલિત દંતકથા પ્રમાણે તેઓ પાવાગઢના ચૌહાણ રાજપૂત હતા. પતઇ રાજાના પતન પછી તેઓએ જંગલો અને પહાડોમાં આશરો લીધો અને જંગલી ધાન્ય પર નિર્વાહ કરવા લાગ્યા એટલે તેઓનું નામ ધાનક પડ્યું. તેઓ ખાસ કરીને છોટા ઉદેપુરના વિભાગોમાં અને રાજપીપળાના વિભાગોમાં વસે છે. તેઓ ભીલોની જ ઉપજાતિઓ છેઃ (1) તડવી (2) વળગી (3) તેતરિયા.
લગ્ન માતા-પિતા નક્કી કરે છે. કન્યાના પિતાને દહેજ આપવાનો રિવાજ છે. લગ્ન એક જ ગોત્રમાં થતું નથી. શબને બાળવા કે દાટવામાં આવે છે.
ગણપતિ, હનુમાન, ઇદ, મેલડી, વાઘદેવ, ડુંગરદેવ વગેરે તેઓનાં મુખ્ય દેવ-દેવીઓ છે. હોળી, દિવાળી, દિવાસો જેવા પર્વો સમયે આ દેવી-દેવતાને ભોગ ચઢાવવામાં આવે, ગીતો ગાવામાં આવે છે અને નૃત્યો કરવામાં આવે છે.
કુંકણા અથવા કોંકણા મૂળ કોંકણથી આવીને સુરત જિલ્લામાં વસ્યા છે, આથી તેઓને કોંકણા કહેવામાં આવે છે. તેઓનાં ગીત, બોલી અને પહેરવેશમાં કોંકણની સંસ્કૃતિની અસર સ્પષ્ટ વરતાય છે. કેટલાક કોંકણા પોતાને કુનબી કહેવડાવેછે. તેઓ મહારાષ્ટ્રના થાણા અને નાસિક જિલ્લામાંથી આવીને અહીં વસેલા છે. કુનબી કે કણબીનો અર્થ ખેડૂત થાય છે.
રંગે તેઓ શામળાં હોય છે. પુરૂષો ઘરમાં લંગોળ પહેરે છે. સ્ત્રીઓ લાંબો સાડલો પહેરે છે. બહારગામ જતી સમયે સ્ત્રી-પુરૂષ બંને પૂરાં વસ્ત્રો પહેરે છે.
સ્ત્રીઓ કોડીઓ, શંખ અને છીપોની માળાઓ પહેરે છે. આ ઉપરાંત ચાંદીનાં ઘરેણાં પણ તેઓ પહેરે છે. સ્ત્રીઓ ફૂલોની શોખીન હોય છે. બહાર જતા સમયે તેઓ અંબોડામાં ફૂલ અવશ્ય ખોસે છે. બોલીમાં કોંકણીની સ્પષ્ટ અસર વરતાય છે. ઘર શંકુ આકારનાં હોય છે.
'વારલ'નો અર્થ થાય છે જમીનનો નાનો ટુકડો. આ જમીનને ખેડવાવાળા લોકોને 'વારલી' કહેવામાં આવે છે. દક્ષિણ વારાલાટ પ્રદેશમાંથી આવીને સુરત જિલ્લામાં વસ્યા હોવાથી પણ 'વારલી' તરીકે ઓળખવાની સંભાવના છે.
વારલી પુરૂષો માથા પર સોફો બાંધે છે અને કમરમાં લાલ-લીલા રંગનાં ફૂમતાંવાળી લંગોટી પહેરે છે. સ્ત્રીઓ લાલ અથવા કાળા રંગનો સાડલો પહેરી કછોટો મારે છે. સ્ત્રીઓ ચણિયો પહેરતી નથી. બહારગામ જતી વખતે કાંચળી પહેરે છે. સ્ત્રીઓ ઘરેણાંની શોખીન હોય છે. કોણીથી કાંડા સુધી સ્ત્રીઓ સીસા અને પિત્તળની વીસ ચૂડીઓ પહેરે છે. ગળામાં કાચના મણકાના હાર પહેરે છે. તેઓનો મુખ્ય આહાર નાગલી છે.
વારલીમાં બહુપત્ની પ્રથા છે. આ ઉપરાંત 'ખંધાડ'નો રિવાજ પણ પ્રચલિત છે. 'વારલી'માં વર-કન્યાની સગાઇ થવાની સાથે ગૃહસંસાર શરૂ થાય છે. લગ્ન આર્થિક અનુકૂળતાએ કરવામાં આવે છે.
શબને સ્નાન કરાવીને સિંદૂર લગાવવામાં આવે છે. મૃત્યુના ચોથા દિવસે પિંડ આપીને સબંધીઓને ભોજન આપવામાં આવે છે. હીરવાદેવ, નારણદેવ, ભરમદેવ અને ચૌડાંદેવ તેઓના મુખ્ય દેવો છે. તેઓના મુખ્ય પર્વો હોળી, દિવાળી અને દશેરો છે. તેઓ તહેવારો ગીતો ગાઇને અને નૃત્ય કરીને ઉજવે છે.
ગામ વસાવીને એક સ્થાને સ્થિર થયા એટલે તેઓને ગામીત વસાવા કહેવામાં આવે છે. તેઓ સુરત જિલ્લામાં વસ્યા છે.
સ્ત્રી માટે લાવેલા કપડાંનો એક છેડો ફાડીને પુરૂષ પોતાની લંગોટી બનાવી લે છે. સ્ત્રીઓ કમરની નીચે કછોટો મારીને સાડી પહેરે છે. લગ્ન થયા પછી સ્ત્રીઓ કાંચળી પહેરે છે. ગળામાં પથ્થરના મણકાની માળાઓ પહેરે છે. પગમાં કડલાં પહેરે છે.
તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત ખેતમજૂરી કરીને પણ પોતાનું જીવન યાપન કરે છે. તેઓ ગામીત બોલી બોલે છે. તેઓ શબને બાળે છે અને મરનારની સાથે તેની કામકાજની ચીજ-વસ્તુઓ પણ ચિતામાં બાળે છે. ગાવલી, વાઘદેવ અને આષ્ટંબા તેઓના દેવતા છે. જાતિ પંચ તેઓના સામાજિક અને ધાર્મિક રીત-રિવાજોનું નિયમન કરે છે.
નાયક અથવા નાયકડા ભીલની જ એક ઉપજાતિ છે. તેઓ સુરત, પંચમહાલ અને વડોદરામાં વસે છે. તેઓ ચાંપાનેરના હિન્દુ રાજાઓના લશ્કરમાં હોવાની માન્યતા છે. તેઓની મુખ્ય ત્રણ ઉપજાતિઓ છેઃ (1) ઊંચા (2) નીચા (3) ચોળીવાળા.
પુરૂષ કમરની નીચે લંગોટ પહેરે છે. સ્ત્રીઓ ચણિયો અને ચોળી પહેરે છે, કાનંમાં વાળી, ગળામાં મણકાના હાર અને હાથે ધાતુની ચૂડીઓ પહેરે છે. તેઓનો મુખ્ય ધંધો ખેતી અને ખેતમજૂરી છે.
લગ્ન માટે કન્યા વરના ઘેર જાય છે અને વરનો પિતા કન્યાના પિતાને દહેજ આપે છે. લગ્ન તેમની જાતિનો માણસ કરાવે છે. ઘરજમાઇ, પુનર્વિવાહ અને છૂટાછેડાના સામાજિક રિવાજો પ્રચલિત છે. શબને દાટવા અને બાળવાના બંને રિવાજો પ્રચલિત છે. તેઓમાં સામૂહિક શ્રાદ્ધ 'પરજણ'નો રિવાજ છે. મરનારની સ્મૃતિમાં 'ખતરાં' સ્થાપવાનો રિવાજ છે.
ઢોર કોળીને 'કોલચા' અથવા 'કોલછા' પણ કહે છે. વાંસના ટોપલા-ટોપલી બનાવવાનું કામ કરતા હોવાથી તેઓને 'ટાકરે કોળી' પણ કહે છે. તેઓની વસતી સુરત જિલ્લામાં છે. પુરૂષ માથે કપડાનો એક ટુકડો બાંધે છે અને કમરમાં લંગોટ પહેરે છે. સ્ત્રીઓ માથે ઓઢણી, કમરે ચણિયો અને છાતી પર ચોળી પહેરે છે. સ્ત્રીઓ કાનમાં વાળી, ગળામાં કાચના મણકાની માળાઓ અને હાથે ધાતુની ચૂડીઓ પહેરે છે. તેઓનો મુખ્ય વ્યવસાય ટોપલા બનાવવાનો તથા જંગલ અને ખેતમજૂરીનો છે. તેઓ કાચી ઝૂંપડીઓમાં વસે છે. તેઓની બોલી કોંકણીને મળતી આવે છે.
કોટવાળિયાને વીટોળિયા, બરાડિયા અથવા વાંસ ફોડા પણ કહે છે. તેઓની વસતી સુરત જિલ્લામાં છે. તેઓનો પરંપરિત વ્યવસાય ટોપલા બનાવવાનો હોવાથી તેઓ વાંસ ફોડા કહેવામાં આવે છે. કોટવાળિયા ખાસ કરીને જે સ્થાનેથી વાંસ મળે ત્યાં વસે છે. બીજા આદિવાસીઓ તેઓને નીચે ગણે છે અને તેમની સાથે સામાજિક વ્યવહાર રાખતા નથી. લગ્ન સાદગીથી કરે છે. લગ્ન માટે કન્યા વર ઘરે જાય છે. ઘરજમાઇ, પુનર્વિવાહ, છૂટાછેડા જેવા સામાજિક રિવાજો પ્રચલિત છે. શબને દાટે છે.
ગોવાળદેવ, હિમારિયો દેવ, આહિરદેવ, કાકાબળિયા અને દેવળી તેમનાં દેવ-દેવી છે. તેઓ મંત્ર-તંત્રમાં પણ માને છે. હોળી, દિવાળી, નરક ચતુર્દશી તેઓના મુખ્ય તહેવારો છે. દોહેડિયા, બાવડિયા, પારણિયા તેઓના નૃત્યના મહત્ત્વના પ્રકાર છે.
કાથોડીને કાતકરી પણ કહેવામાં આવે છે. આ બંને નામ તેઓના કાથો પાડવાના વ્યવસાયમાંથી આવ્યાં છે. તેઓની બે ઉપજાતિઓ છે, ઢોર કાથોડી અને સોન કાથોડી. તેઓની વસતી ખાસ કરીને સુરત જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાં છે. કાથોડી ગામથી દૂર જંગલમાં વસે છે અને ભટકતું જીવન જીવે છે. તેઓ મુખીને નાયક કહે છે અને મતાદારને કારભરી કહે છે. આ બંને તેઓની જાતિપંચના આગેવાન છે, અને તેઓના સામાજિક અને ધાર્મિક વ્યવહારોનું નિયમન કરે છે.
બામચા શહેરમાં મજૂરી અને સફાઇ કામદારનું કામ કરે છે. તેઓમાં બહુપત્નીત્વનો રિવાજ પ્રચલિત છે. તેઓમાં ઘરજમાઇ, પુનર્લગ્ન અને છુટાછેડાના સામાજિક રિવાજ પ્રચલિત છે. લગ્નની વિધિ કરાવનારને 'કોટવાળ' કહેવામાં આવે છે. બામચા રામ-કૃષ્ણ ઉપરાંત વાઘદેવ, કાકાબળિયા, કાલિકા, ચામુંડા વગેરે દેવ-દેવીતઓને પૂજે છે. તેઓ નૃત્યના શોખીન છે.
પોમલા ખાસ કરીને શહેરોમાં વસે છે. તેઓની બોલી 'તેલુગૂ'ને મળતી આવે છે. તેઓનું મૂળ સ્થાન દક્ષિણ ભારત છે. તેઓનો મુખ્ય વ્યવસાય ટોપલા બનાવવાનો છે. બામચા લક્ષ્મીદેવીને પૂજે છે. બાકીના સામાજિક રિવાજ અન્ય આદિવાસી જાતિઓ જેવા છે. પારધીઓની વસ્તી કચ્છ જિલ્લામાં છે. 'પારધ'નો અર્થ 'શિકાર કરવો' થાય છે. આના આધારે તેઓને 'પારધી' કહેવામાં આવે છે. પારધીની કુલ છ ઉપજાતિઓ છેઃ (1) પારધી (2) ફાંસી પારધી (3) હરણ પારધી (4) મીર (5) કોરચાર (6) વાઘરી.
તેઓ બોર, શમી, આંબો વગેરે વૃક્ષોને પોતાના ગોત્રદેવ માને છે અને એક જ ગોત્રના પારધી એક બીજા સાથે લગ્ન સંબંધ બાંધતા નથી. પક્ષી પકડવાં, ગામનું રખવાળું કરવું, ચોરી કરવી વગેરે તેઓના વ્યવસાય છે. તેઓનાં મુખ્ય દેવી પાવાગઢની કાલિકા છે. મુખ્ય તહેવારો હોળી અને દશેરા છે. તેઓના જાતિ આગેવાનને 'નાયક' કહેવામાં આવે છે.
