Thursday, May 5, 2022

ફ્રી કારકિર્દી માર્ગદર્શનનું આયોજન

આગામી રવિવારે ફ્રી કારકિર્દી માર્ગદર્શનનું આયોજન

ધોરણ 10 અને 12 પછી શું કરવું ?

ફ્રી "ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ" આપવાનો મોકો મળશે

રાજકોટ, 17:27 05/05/2022 https://www.egujaratitimes.com/ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે પરિણામ બાદ હવે આગળ શું અભ્યાસ કરવો તે અંગે પણ ચિંતિત છે. ધોરણ 10 અને 12 પછી આગળ કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું તે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સતત મુંઝવણ જોવા મળતી હોય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂરતું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આગામી રવિવારે તારીખ 8 મેના રોજ રાજકોટમાં ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે તારીખ 8 મે ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 3 કલાક ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું તે અંગે સતત મુંઝવતા પ્રશ્નોનું સચોટ સમાધાન આપવામાં આવશે. વર્ષોના અનુભવી કેરિયર એક્સપર્ટ એવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડો. તેજ બાણુગરિયા અને કેરિયર એક્સપર્ટ તરીકે 25 વર્ષનો અનુભવ ધરાવતા ડો. સી.ડી. સંખાવરા વાલીઓ અને વિદ્યાર્થીઓને કેરિયરને લગતાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આપશે. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો એક્સપર્ટને પુછવાનો મોકો મળશે. એટલું જ નહીં પ્રોગ્રામમાં આવનાર વિદ્યાર્થીઓને ફ્રી "ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ" આપવાનો મોકો મળશે જેના થકી આપને આપના કેરિયરની પસંદગી કરવામાં મદદ મળશે તેમજ ફ્રી "કારકિર્દિ માર્ગદર્શન બુકલેટ" આપવામાં આવશે.
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ આયોજિત ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે (Registration No. 7069929295/6) પર સંપર્ક કરવા જણાવાયું છે. 

Tuesday, May 3, 2022

બેંક ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થશે તો બેંકે રુપિયા ચુકવવા પડશે

14:24 03/05/2022 https://www.egujaratitimes.com/ દિલ્હીની રોહિણી કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે, જે મુજબ જો કોઈ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી  છેતરપિંડી કરે છે, તો તેની જવાબદારી બેંકની રહેશે.

એક વૃદ્ધ વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી. બનાવટી ચેક દ્વારા ૭૭ વર્ષીય વ્યક્તિના ખાતામાંથી સાત લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

તેના પર વૃદ્ધ છેલ્લા ૧૫ વર્ષથી બેંક સામે કેસ લડી રહ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે વૃદ્ધોની નિવૃત્તિ અને પેન્શનના પૈસા બેંકમાં જમા છે.

આવી સ્થિતિમાં, જો કોઈ નકલી ચેક દ્વારા તેમના પૈસા ઉપાડે છે, તો તેનો અર્થ એ છે કે બેંક સ્તરે ખામીઓ છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની રકમ ચૂકવવાની જવાબદારી બેંકની છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધોની અરજી દાખલ કરવાથી લઈને રકમની ચુકવણી સુધી બેંક નવ ટકા વ્યાજ પણ ચૂકવશે.