Saturday, March 5, 2011
Sunday, July 4, 2010
ગુજરાતની મુખ્ય આદિવાસી જાતિઓ
ગામ વસાવીને એક સ્થાને સ્થિર થયા એટલે તેઓને ગામીત વસાવા કહેવમાં આવે છે. તેઓને ગાવીત અથવા માવચી પણ કહેવામાં આવે છે. તેઓ સુરત જિલ્લામાં વસ્યા છે.
ઢોર કોળીને 'કોયલા' અથવા 'કોલછા' પણ કહે છે, વાંસના ટોપલા-ટોપલી બનાવવાનું કામ કરતા હોવાથી તેઓને 'ટાકરે કોળી' પણ કહે છે. તેઓની વસતી સુરજ જિલ્લામાં છે.
ગુજરાતમાં પશ્ચિમી વિસ્તારે ભરતીનાં મોજાથી ઉછળતો મહાસાગર છે. તો ઉંમરગામથી દાંતા પટ્ટા અંબાજી સુધીનો પૂર્વ વિસ્તાર ગરીબ આદિવાસીઓની સમસ્યાઓથી ભરપુર છે. ખેર, રાજ્યસરકારે પંદરોસ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરીને ત્રણ વર્ષ પછી પણ આદિવાસીઓની સમસ્યા ઠેરની ઠેર છે. આ દારૂણ જીવન ગુજારતાં આદિવાસીઓની પણ ગુજરાતમાં વિવિધ જાતિઓમાં સાંસ્કૃતિક વૈવિધ્ય તથા જીવન જોવા મળે છે. તો ચાલો આજે જાણીશું ગુજરાતનાં આદિવાસીઓની સાંસ્કૃતિ તથા જીવન રહેણીકરણી...
દુબળા આદિવાસીઓ મુખ્યત્વે સુરત જિલ્લામાં વસે છે. ઉજળિયાતોમાં ખેડૂ તરીકે કામ કરતા હોવાથી તેઓને 'હોલી' કે 'હળપતિ' પણ કહેવામાં આવે છે.દુબળા આદિવાસીઓની કુલ 20 ઉપજાતિઓ છે. તેમાંથી મુખ્ય ત્રણ ઉપજાતિઓ (1) તળાવિયા (2) બોહરિયા અને (3) ખારચા છે.
દુબળાઓનો પોશાક ઉજળિયાતો જેવો જ હોય છે. પુરૂષો ધોતી, ખમીસ અને ટોપી પહેરે છે. સ્ત્રીઓ ઘાઘરાનો કછોટો મારે છે અને સાડી તથા કાંચળી પહેરે છે. જગતની બીજી સ્ત્રીઓની માફક તેઓ આભૂષણ પ્રિય હોય છે. ગળામાં દરિયાની કોડીઓના હાર, કાનમાં ચોકડી આકારના એરીંગ અને પગમાં કડલાં પહેરે છે.
દુબળા પોતાની આગવી બોલી કે ભાષા બોલે છે, અને તેઓનું કંઠસ્થ સાહિત્ય તેઓની બોલતી બોલીમાં હોય છે.
તેઓ ગાયને પવિત્ર માને અને ગુજરાતના બીજા આદિવાસીઓની જેમ શરાબના શોખીન છે.
ધોડિયા ખાસ કરીને સુરતમાં વસે છે અને વસતીની રીતે તેઓનું ત્રીજું સ્થાન છે. ધોડિયા આદિવાસીઓ દુબળાની જેમ મેદાનમાં વસે છે. મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લામાંથી આવીને ગુજરાતમાં વસ્યા હોવાથી તેઓનું નામ ધોડિયા પડ્યું છે. તેઓ પોતાને મહારાષ્ટ્રથી આવેલા રાજપૂતોના વંશજ માને છે. આથી તે ગુજરાતના બીજા આદિવાસીઓથી પોતાને ઊંચા માને છે.
ધોડિયાનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને દરેક ધોડિયા કુટુંબો જમીન માલિક હોય છે. તેઓમાં શિક્ષિતોનું પ્રમાણ પણ વધારે છે.
દરેક ગામમાં એક મુખી અને એક મતાદાર હોય છે. મુખીને તેઓ નાયક અને મતાદારને કારભારી કહે છે. નાયક વારસાગત હોય છે. નાયક અને કારભારી ગામના સામાજિક અને ધાર્મિક પ્રસંગ-પર્વો સાથે મળીને ઊજવે છે, અને સમાજિક ટંટા દૂર કરવાનો અને ન્યાય કરવાનો હક પણ તેઓ ભોગવે છે.
લગ્નો માતા-પિતાની પસંદગી અને છોકરા-છોકરીની પસંદગીથી કરવામાં આવે છે. કન્યાના પિતાએ વરના પિતાને દહેજ આપવું પડે છે. લગ્ન નાયક જાતિનો ભગત કરાવે છે. ઘરજમાઇ, છૂટાછેડા અને પુનર્લગ્નનો રિવાજ પણ પ્રચલિત છે.
શબને ઢોલ-ત્રાંસના સન્માન સાથે સ્મશાને લાવવામાં આવે છે અને બાળવામાં આવે છે.
તેઓનાં મુખ્ય દેવી-દેવતા ગોહલીમાડી, લીમાડી, કાળો કાકર, દેવ શામળો, ભરમ દેવ, નારદેવ, ચોસઠ જોગણી, શીતળા અને અગાસી માતા છે. માણસ કે પાલતુ પશુની બીમારી સમયે આ દેવી-દેવતાઓની માન્યતા માનવામાં આવે છે.
ચૌધરી પાવાગઢથી આવીને સુરતમાં વસ્યા છે. તેઓ પોતાને રાજપૂત વંશના માને છે. તેઓની મુખ્ય ત્રણ ઉપજાતિઓ છેઃ (1) પાવાગઢિયા (2) ટાકરિયા (3) વલવાઇ.
ચૌધરી શરીરે ગોરા હોય છે. તેઓની સ્ત્રીઓ અન્ય આદિવાસી સ્ત્રીઓ કરતાં રૂપવતી હોય છે.
પુરૂષ સાફ બાંધે છે, ખમીસ અને ધોતિયું પહેરે છે. સ્રીઓ સાડલો, કાંચળી અને ચણિયો પહેરે છે.
સ્ત્રી-પુરૂષ બંને કાનમાં એરિંગ પહેરે છે. પુરૂષો હાથમાંકડું, આંગળીએ વીંટીઓ અને કાનમાં વાળી પહેરે છે. તેઓની બોલી-ભાષાને ચૌધરી બોલી કહે છે. ચૌધરી આદિવાસીઓમાં શિક્ષિતોનું પ્રમાણ વધારે છે.
ધાનકા આદિવાસીઓમાં પ્રચલિત દંતકથા પ્રમાણે તેઓ પાવાગઢના ચૌહાણ રાજપૂત હતા. પતઇ રાજાના પતન પછી તેઓએ જંગલો અને પહાડોમાં આશરો લીધો અને જંગલી ધાન્ય પર નિર્વાહ કરવા લાગ્યા એટલે તેઓનું નામ ધાનક પડ્યું. તેઓ ખાસ કરીને છોટા ઉદેપુરના વિભાગોમાં અને રાજપીપળાના વિભાગોમાં વસે છે. તેઓ ભીલોની જ ઉપજાતિઓ છેઃ (1) તડવી (2) વળગી (3) તેતરિયા.
લગ્ન માતા-પિતા નક્કી કરે છે. કન્યાના પિતાને દહેજ આપવાનો રિવાજ છે. લગ્ન એક જ ગોત્રમાં થતું નથી. શબને બાળવા કે દાટવામાં આવે છે.
ગણપતિ, હનુમાન, ઇદ, મેલડી, વાઘદેવ, ડુંગરદેવ વગેરે તેઓનાં મુખ્ય દેવ-દેવીઓ છે. હોળી, દિવાળી, દિવાસો જેવા પર્વો સમયે આ દેવી-દેવતાને ભોગ ચઢાવવામાં આવે, ગીતો ગાવામાં આવે છે અને નૃત્યો કરવામાં આવે છે.
કુંકણા અથવા કોંકણા મૂળ કોંકણથી આવીને સુરત જિલ્લામાં વસ્યા છે, આથી તેઓને કોંકણા કહેવામાં આવે છે. તેઓનાં ગીત, બોલી અને પહેરવેશમાં કોંકણની સંસ્કૃતિની અસર સ્પષ્ટ વરતાય છે. કેટલાક કોંકણા પોતાને કુનબી કહેવડાવેછે. તેઓ મહારાષ્ટ્રના થાણા અને નાસિક જિલ્લામાંથી આવીને અહીં વસેલા છે. કુનબી કે કણબીનો અર્થ ખેડૂત થાય છે.
રંગે તેઓ શામળાં હોય છે. પુરૂષો ઘરમાં લંગોળ પહેરે છે. સ્ત્રીઓ લાંબો સાડલો પહેરે છે. બહારગામ જતી સમયે સ્ત્રી-પુરૂષ બંને પૂરાં વસ્ત્રો પહેરે છે.
સ્ત્રીઓ કોડીઓ, શંખ અને છીપોની માળાઓ પહેરે છે. આ ઉપરાંત ચાંદીનાં ઘરેણાં પણ તેઓ પહેરે છે. સ્ત્રીઓ ફૂલોની શોખીન હોય છે. બહાર જતા સમયે તેઓ અંબોડામાં ફૂલ અવશ્ય ખોસે છે. બોલીમાં કોંકણીની સ્પષ્ટ અસર વરતાય છે. ઘર શંકુ આકારનાં હોય છે.
'વારલ'નો અર્થ થાય છે જમીનનો નાનો ટુકડો. આ જમીનને ખેડવાવાળા લોકોને 'વારલી' કહેવામાં આવે છે. દક્ષિણ વારાલાટ પ્રદેશમાંથી આવીને સુરત જિલ્લામાં વસ્યા હોવાથી પણ 'વારલી' તરીકે ઓળખવાની સંભાવના છે.
વારલી પુરૂષો માથા પર સોફો બાંધે છે અને કમરમાં લાલ-લીલા રંગનાં ફૂમતાંવાળી લંગોટી પહેરે છે. સ્ત્રીઓ લાલ અથવા કાળા રંગનો સાડલો પહેરી કછોટો મારે છે. સ્ત્રીઓ ચણિયો પહેરતી નથી. બહારગામ જતી વખતે કાંચળી પહેરે છે. સ્ત્રીઓ ઘરેણાંની શોખીન હોય છે. કોણીથી કાંડા સુધી સ્ત્રીઓ સીસા અને પિત્તળની વીસ ચૂડીઓ પહેરે છે. ગળામાં કાચના મણકાના હાર પહેરે છે. તેઓનો મુખ્ય આહાર નાગલી છે.
વારલીમાં બહુપત્ની પ્રથા છે. આ ઉપરાંત 'ખંધાડ'નો રિવાજ પણ પ્રચલિત છે. 'વારલી'માં વર-કન્યાની સગાઇ થવાની સાથે ગૃહસંસાર શરૂ થાય છે. લગ્ન આર્થિક અનુકૂળતાએ કરવામાં આવે છે.
શબને સ્નાન કરાવીને સિંદૂર લગાવવામાં આવે છે. મૃત્યુના ચોથા દિવસે પિંડ આપીને સબંધીઓને ભોજન આપવામાં આવે છે. હીરવાદેવ, નારણદેવ, ભરમદેવ અને ચૌડાંદેવ તેઓના મુખ્ય દેવો છે. તેઓના મુખ્ય પર્વો હોળી, દિવાળી અને દશેરો છે. તેઓ તહેવારો ગીતો ગાઇને અને નૃત્ય કરીને ઉજવે છે.
ગામ વસાવીને એક સ્થાને સ્થિર થયા એટલે તેઓને ગામીત વસાવા કહેવામાં આવે છે. તેઓ સુરત જિલ્લામાં વસ્યા છે.
સ્ત્રી માટે લાવેલા કપડાંનો એક છેડો ફાડીને પુરૂષ પોતાની લંગોટી બનાવી લે છે. સ્ત્રીઓ કમરની નીચે કછોટો મારીને સાડી પહેરે છે. લગ્ન થયા પછી સ્ત્રીઓ કાંચળી પહેરે છે. ગળામાં પથ્થરના મણકાની માળાઓ પહેરે છે. પગમાં કડલાં પહેરે છે.
તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત ખેતમજૂરી કરીને પણ પોતાનું જીવન યાપન કરે છે. તેઓ ગામીત બોલી બોલે છે. તેઓ શબને બાળે છે અને મરનારની સાથે તેની કામકાજની ચીજ-વસ્તુઓ પણ ચિતામાં બાળે છે. ગાવલી, વાઘદેવ અને આષ્ટંબા તેઓના દેવતા છે. જાતિ પંચ તેઓના સામાજિક અને ધાર્મિક રીત-રિવાજોનું નિયમન કરે છે.
નાયક અથવા નાયકડા ભીલની જ એક ઉપજાતિ છે. તેઓ સુરત, પંચમહાલ અને વડોદરામાં વસે છે. તેઓ ચાંપાનેરના હિન્દુ રાજાઓના લશ્કરમાં હોવાની માન્યતા છે. તેઓની મુખ્ય ત્રણ ઉપજાતિઓ છેઃ (1) ઊંચા (2) નીચા (3) ચોળીવાળા.
પુરૂષ કમરની નીચે લંગોટ પહેરે છે. સ્ત્રીઓ ચણિયો અને ચોળી પહેરે છે, કાનંમાં વાળી, ગળામાં મણકાના હાર અને હાથે ધાતુની ચૂડીઓ પહેરે છે. તેઓનો મુખ્ય ધંધો ખેતી અને ખેતમજૂરી છે.
લગ્ન માટે કન્યા વરના ઘેર જાય છે અને વરનો પિતા કન્યાના પિતાને દહેજ આપે છે. લગ્ન તેમની જાતિનો માણસ કરાવે છે. ઘરજમાઇ, પુનર્વિવાહ અને છૂટાછેડાના સામાજિક રિવાજો પ્રચલિત છે. શબને દાટવા અને બાળવાના બંને રિવાજો પ્રચલિત છે. તેઓમાં સામૂહિક શ્રાદ્ધ 'પરજણ'નો રિવાજ છે. મરનારની સ્મૃતિમાં 'ખતરાં' સ્થાપવાનો રિવાજ છે.
ઢોર કોળીને 'કોલચા' અથવા 'કોલછા' પણ કહે છે. વાંસના ટોપલા-ટોપલી બનાવવાનું કામ કરતા હોવાથી તેઓને 'ટાકરે કોળી' પણ કહે છે. તેઓની વસતી સુરત જિલ્લામાં છે. પુરૂષ માથે કપડાનો એક ટુકડો બાંધે છે અને કમરમાં લંગોટ પહેરે છે. સ્ત્રીઓ માથે ઓઢણી, કમરે ચણિયો અને છાતી પર ચોળી પહેરે છે. સ્ત્રીઓ કાનમાં વાળી, ગળામાં કાચના મણકાની માળાઓ અને હાથે ધાતુની ચૂડીઓ પહેરે છે. તેઓનો મુખ્ય વ્યવસાય ટોપલા બનાવવાનો તથા જંગલ અને ખેતમજૂરીનો છે. તેઓ કાચી ઝૂંપડીઓમાં વસે છે. તેઓની બોલી કોંકણીને મળતી આવે છે.
કોટવાળિયાને વીટોળિયા, બરાડિયા અથવા વાંસ ફોડા પણ કહે છે. તેઓની વસતી સુરત જિલ્લામાં છે. તેઓનો પરંપરિત વ્યવસાય ટોપલા બનાવવાનો હોવાથી તેઓ વાંસ ફોડા કહેવામાં આવે છે. કોટવાળિયા ખાસ કરીને જે સ્થાનેથી વાંસ મળે ત્યાં વસે છે. બીજા આદિવાસીઓ તેઓને નીચે ગણે છે અને તેમની સાથે સામાજિક વ્યવહાર રાખતા નથી. લગ્ન સાદગીથી કરે છે. લગ્ન માટે કન્યા વર ઘરે જાય છે. ઘરજમાઇ, પુનર્વિવાહ, છૂટાછેડા જેવા સામાજિક રિવાજો પ્રચલિત છે. શબને દાટે છે.
ગોવાળદેવ, હિમારિયો દેવ, આહિરદેવ, કાકાબળિયા અને દેવળી તેમનાં દેવ-દેવી છે. તેઓ મંત્ર-તંત્રમાં પણ માને છે. હોળી, દિવાળી, નરક ચતુર્દશી તેઓના મુખ્ય તહેવારો છે. દોહેડિયા, બાવડિયા, પારણિયા તેઓના નૃત્યના મહત્ત્વના પ્રકાર છે.
કાથોડીને કાતકરી પણ કહેવામાં આવે છે. આ બંને નામ તેઓના કાથો પાડવાના વ્યવસાયમાંથી આવ્યાં છે. તેઓની બે ઉપજાતિઓ છે, ઢોર કાથોડી અને સોન કાથોડી. તેઓની વસતી ખાસ કરીને સુરત જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાં છે. કાથોડી ગામથી દૂર જંગલમાં વસે છે અને ભટકતું જીવન જીવે છે. તેઓ મુખીને નાયક કહે છે અને મતાદારને કારભરી કહે છે. આ બંને તેઓની જાતિપંચના આગેવાન છે, અને તેઓના સામાજિક અને ધાર્મિક વ્યવહારોનું નિયમન કરે છે.
બામચા શહેરમાં મજૂરી અને સફાઇ કામદારનું કામ કરે છે. તેઓમાં બહુપત્નીત્વનો રિવાજ પ્રચલિત છે. તેઓમાં ઘરજમાઇ, પુનર્લગ્ન અને છુટાછેડાના સામાજિક રિવાજ પ્રચલિત છે. લગ્નની વિધિ કરાવનારને 'કોટવાળ' કહેવામાં આવે છે. બામચા રામ-કૃષ્ણ ઉપરાંત વાઘદેવ, કાકાબળિયા, કાલિકા, ચામુંડા વગેરે દેવ-દેવીતઓને પૂજે છે. તેઓ નૃત્યના શોખીન છે.
પોમલા ખાસ કરીને શહેરોમાં વસે છે. તેઓની બોલી 'તેલુગૂ'ને મળતી આવે છે. તેઓનું મૂળ સ્થાન દક્ષિણ ભારત છે. તેઓનો મુખ્ય વ્યવસાય ટોપલા બનાવવાનો છે. બામચા લક્ષ્મીદેવીને પૂજે છે. બાકીના સામાજિક રિવાજ અન્ય આદિવાસી જાતિઓ જેવા છે. પારધીઓની વસ્તી કચ્છ જિલ્લામાં છે. 'પારધ'નો અર્થ 'શિકાર કરવો' થાય છે. આના આધારે તેઓને 'પારધી' કહેવામાં આવે છે. પારધીની કુલ છ ઉપજાતિઓ છેઃ (1) પારધી (2) ફાંસી પારધી (3) હરણ પારધી (4) મીર (5) કોરચાર (6) વાઘરી.
તેઓ બોર, શમી, આંબો વગેરે વૃક્ષોને પોતાના ગોત્રદેવ માને છે અને એક જ ગોત્રના પારધી એક બીજા સાથે લગ્ન સંબંધ બાંધતા નથી. પક્ષી પકડવાં, ગામનું રખવાળું કરવું, ચોરી કરવી વગેરે તેઓના વ્યવસાય છે. તેઓનાં મુખ્ય દેવી પાવાગઢની કાલિકા છે. મુખ્ય તહેવારો હોળી અને દશેરા છે. તેઓના જાતિ આગેવાનને 'નાયક' કહેવામાં આવે છે.
રાજકોટની રાજુ એન્જિનિયર્સે પ્લાસ્ટિક કંટેઇનર માટેનાં આધુનિક મશીનની સ્પેન ખાતે નિકાસ કરી
સમગ્ર વિશ્વમાં આ પ્રકારની મશીનરી ફક્ત પાંચ જ કંપનીઓ બનાવે છે જેમાંની એક રાજકોટ, ગુજરતની છે
રાજકોટ, પ્લાસ્ટિક કંટેઇનર માટેના આધુનિક આરપીએસ(રીસાયકર્લડ પેટશીટ) મશીનની રોજકોટ નજીક આવેલી શાપર ઔદ્યોગિક વસાહતમાંથી સ્પેન ખાતે નિકાસ કરવામાં આવી છે. રાજુ એન્જિનિયર્સ દ્વારા નિર્મિત આ પ્રકારના મશીનનું સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ જ કંપનીઓ ઉત્પાદન કરે છે. આ પૈકી બે અમેરિકા, બે તાઇવાન અને એક ભારતની રાજુ એન્જિનિયર્સ છે.
રાજુ એન્જિયર્સના એમ.ડી. રાજુભાઇ દોશીએ આપેલી માહિતી અનુસાર, પ્લાસ્ટિક ઉદ્યોગને કદી મંદીનો સામનો કરવો પડ્યો નથી. વૈશ્વિક મંદીના સમયમાં પણ પ્લાસ્ટિક ઉદ્યોગે વિકાસદર જાળવી રાખ્યો હતો. રાજુ એન્જિનિયર્સે પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં 40 ટકાનો વિકાસદર હાંસલ કરી, રૂ. 130 કરોડનું ટર્નઓવર કર્યું હતું. શીટલાઇન મશીને માટે કંપનીએ અમેરિકાની કોમોડોર કંપની સાથે ટેકનિકલ જોડાણ કર્યું છે. રાજુ એન્જિનિયર્સે ગત જાન્યુઆરીમાં 3 આરપીએસ મશીન મેક્સિકો ખાતે નિકાસ કર્યા હતા. હવે સ્પેન ખાતે તેની નિકાસ થઇ છે. પ્લાસ્ટિકના ડીસ્પોઝેબલ કંટેઇનરોની માગમાં વધારો થતો હોવાથી આ મશીનોની ઉત્પાદનક્ષમતામાં પણ વધારો કરાયો છે. જે મશીનની સ્પેનમાં નિકાસ થઇ તેની ઉત્પાદનક્ષમતા પ્રતિ કલાક 800 કિલો માલ પ્રોસેસ કરવાની છે.
કંપનીના એમ.ડી. ખુશ્બુ દોશીના જણાવ્યા પ્રમાણે, રાજુ એન્જિનિયર્સે તાજેતરમાં નાસિકની વંડરપેક ઇન્ડસ્ટ્રી સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. તેનાથી મશીનરીની વિવિધ રેન્જ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. ડીસ્પોઝેબલ કંટેઇનરના સેગમેન્ટમાં આ ભાગીદારી થકી કંપનીનો બજારહિસ્સો 90 ટકા થયો છે. પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં કંપનીએ રૂ. 10 કરોડનું નવું મુડીરોકાણ કર્યું હતું. તેમાં 8000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલા ટુલરૂમનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં આ ટુલરૂમ સૌથી આધુનિક છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કંપનીએ 150 મશીનોનું ઉત્પાદન કરીને રૂ. 160 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. 2013માં ટર્નઓવર રૂ. 300 કરોડથી વધશે, તેમ ખુશ્બુ દોશીએ ઉમેર્યું હતું.

ઇતિહાસ અને અતીતનો અદ્દભુત વારસો ધરાવતા રથ
સાગના લાકડામાંથી બનાવવામાં આવેલા રથ 55 વર્ષ પહેલાં પંચકુંડી હવન બાદ મંદિરને અર્પણ થયા હતા
લાટી બજાર એસોસિયેશને સાગનું લાકડું આપ્યું હતું જ્યારે ખલાસ કોમના ભરૂચના કારીગરોએ રથ તૈયાર કર્યા હતા
92ની સાલ પછી ક્યારેય રથનાં પૈડાં તૂટ્યાં નથી
અમદાવાદ, અમદાવાદની આગવી ઓળખ ગણાતી રથયાત્રાની પ્રતિવર્ષ નાગરિકો ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. 133 વર્ષ જૂની રથયાત્રાનો ખૂબ જ પ્રાચીન અને ભવ્ય અતીત છે. રથયાત્રામાં જોડાતા ત્રણ રથ અને તેનાં પૈડાંનો રસપ્રદ ઇતિહાસ છે.
રથયાત્રાના ત્રણે રથ 55 વર્ષ જૂના છે અને રથનાં પૈડાં 92ની સાલ સુધી રથયાત્રા દરમિયાન જ તૂટી જતાં હતાં, પરંતુ 92ની સાલ પછી ક્યારેય રથનાં પૈડાં અટક્યાં નથી. સાગના લાકડાથી બનેલા આ પૈડાં ખલાસ કોમના લોકોએ જગન્નાથ મંદિરને અર્પણ કર્યા હતા.
જગન્નાથ મંદિરના મહારાજ નરસિંહદાસજીએ રથયાત્રા દરમિયાન રથનું સમારકામ કરતા મંગળદાસ રણછોડભાઇ ખલાસને પંચાવન વર્ષ પહેલા કહેલું કે, હવે રથયાત્રામાં નવા રથની જરૂર છે. આથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા મંગળદાસ ચિંતામાં ડૂબી ગયા કે હું મંદિરને રથ કઇ રીતે આપી શકીશ. મંગળદાસ તે વખતે ગીતામંદિર ખાતે આવેલી લાટી બજારમાં ઇશ્વરલાલ હરિલાલ નાગોરીને ત્યાં નોકરી કરતા હતા અને નાગોરી શેઠ તે વખતે લાટી બજાર એસોસિયેશનના પ્રમુખ હતા. મંદિરને રથની જરૂર હોવાથી સાગનાં લાકડા માટે મંગળદાસ શેઠ પાસે મદદ માગી. આથી નાગોરી શેઠે એસોસિયેશનના સભ્યોને વિનંતી કરતાં તમામે પોતાની યથાશક્તિ મુજબ સાગનું લાકડું આપ્યું હતું. મંગળદાસ ખલાસે તેમની કોમના કારીગરોને ભરૂચથી બોલાવી બળદેવજી, રણછોડજી અને સુભદ્રાજીના રથ તૈયાર કર્યા હતાં. ત્યાર બાદ સોનબહેન ભાણાભાઇ ખલાસે પંચકુંડી હવન કરીને મંદિરને રથ અર્પણ કર્યો હતો. જોકે રથયાત્રા દરમિયાન રથનાં પૈડાં તૂટી જવાના બનાવો વારંવાર બનતા હતા. જે 1992ની સાલ સુધી આ રીતે પૈડાં તૂટતા રહ્યા. આથી મંગળદાસના પુત્ર મફતલાલ અને તેમના પુત્ર મહેન્દ્રભાઇ રથયાત્રાના પૂર્વે રથનું સમારકામ કરી રથનાં પૈડાં ના તૂટે તે માટે સલાહ લીધી હતી. ત્યાર બાદ પૈડાંની વચ્ચે સ્ટીલની બોડીનો સપોર્ટ આપવાનું નક્કી થયું. દરેક રથમાં છ પૈડાં લગાવવાનું નક્કી થયું હતું. જેમાં ચાર પૈડાંને સ્ટીલની બોડીનો સપોર્ટ તેમ જ બે પૈડાંમાં માત્ર લાકડું નહીં લગાવવાનું નક્કી થયું. આ રીતે દરેક પૈડાંમાં સપોર્ટ લગાવવામાં ક્યારેય રથ અટક્યો નથી.
અંતરાયો ને પ્રતિકૂળતાની વચ્ચે રથયાત્રામાં
ત્રણ દાયકાથી અતૂટ શ્રદ્ધા
અમદાવાદ, એકવીસમી સદીના હાઇટેક યુગમાં પણ માનવીની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા જળવાઇ રહી છે. આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં પણ દરેક વ્યક્તિમાં ભક્તિભાવ જોવા મળે છે. જોકે પ્રતિકૂળતા અને અંતરાયોની વચ્ચે અવિરતપણે ભક્તિ સાધના કરતાં લોકોની સંખ્યા ઓછી છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવા જ પ્રકારના વૃદ્ધ ભક્તો છેલ્લા દાયકાથી ઉલ્લાસભેર ભાગ લઇ રહ્યાં છે. આવા વૃદ્ધ ભક્તો તેમની વધતી વય અને પ્રતિકૂળતાની પરવા કર્યા વિના વર્ષોથી રથયાત્રામાં સવારથી સાંજ સુધી જોડાયેલા રહી ઉત્સવનો આનંદ માણે છે.
સાબરમતીમાં રહેતાં સુશીલાબહેન મકવાણા કૃષ્ણની ભક્તિમાં નાનપણથી જ ગળાડૂબ છે. અપરિણીત સુશીલાબહેન ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ એક પણ વાર રથયાત્રામાં જવાનું ચૂક્યાં નથી. તે કહે છે કે, "હું છેલ્લાં ત્રીસેક વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું. જોકે પહેલાં જેવો લોકોનો હર્ષોલ્લાસ હવે આ ઉત્સવમાં દેખાતો નથી."
બીજી તરફ, પ્રકાશભાઇ દવે આ સર્વાજનિક ધાર્મિક ઉત્સવ વિશે કહે છે કે, "વરસાદમાં ભીડની વચ્ચેથી ધૂન કરતાં કરતાં જગન્નાથજીની યાત્રાના દર્શન કરવાની મજા કંઇક ઓર છે. આજે પણ હું આ ઉત્સવની મજા જ માણું છું. મને રથયાત્રામાં અતૂટ શ્રદ્ધા છે અને જે હંમેશાં અકબંધ રહેશે. આ દિવસે શરીર સહિત પૂરો આત્મા આધ્યાત્મિક બની જાય છે."
પાંસઠ વર્ષના વયોવૃદ્ધ મણિબહેન શ્રીમાળી તો રથયાત્રાને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ રથયાત્રાના અઠવાડિયા પહેલાં તેમનું ગ્રૂપ તૈયાર કરે છે. આ ગ્રૂપ છેલ્લાં પચ્ચીસ વર્ષથી રથયાત્રામાં જોડાઇને આ તહેવારનો આનંદ માણે છે. મણિબહેન કહે છે, "સરસપુર જઇને બધા ભક્તો સાથે જમણવાર કરું છું. આ પ્રસાદ લેવાનો આનંદ અવર્ણનીય છે."
Saturday, June 26, 2010
રથયાત્રાઃ હવે માત્ર એક યાદગાર સંભારણું
અમદાવાદ, છેલ્લાં 133 વર્ષથી ઐતિહાસિક માર્ગ પરથી નીકળતી રથયાત્રામાં દર વર્ષે ભાગ લેતા કોટ વિસ્તારના રહેવાસીઓ ભલે હવે પૂર્વમાંથી પશ્ચિમ વિસ્તારમાં સ્થાયી થયા, પરંતુ ભગવાન જગન્નાથની રથયાત્રા તેમના માટે એક યાદગાર સંભાપણું છે. રથયાત્રા સાથેની ભૂતકાળની યાદોને ફરી તાજી કરવા પશ્ચિમ વિસ્તારમાં વસેલા મોટા ભાગના પરિવારો આજે પણ જગન્નાથની રથયાત્રામાં જોડાવવા તત્પર છે. બીજી તરફ અહીં એવા પણ ઘણા પરિવારો છે કે જેઓ શહેરના કોટ વિસ્તારમાં સગાસંબંધી ન હોવાને કારણે રથયાત્રામાં ભગવાનનાં દર્શન કરવાનો લાભ ઉઠાવી શકતા નથી. કોટ વિસ્તારમાં કોમી હુલ્લડથી મોટા ભાગના લોકોએ પોતાનાં ઘર વેચીને પરિવાર સાથે પશ્ચિમ વિસ્તારોમાં સ્થળાંતર કરી લીધું છે. પશ્ચિમ વિસ્તારમાં સ્થળાંતર કરી ચૂકેલા લોકો અનેક વર્ષોની રથયાત્રા સાથેની યાદોને વીસરી શક્તા નથી. આવા પશ્ચિમમાં સ્થાયી થયેલા લોકોને મળીને મેટ્રોએ રથયાત્રા અંગેના તેમના અભિપ્રાય મેળવ્યા.
બાળપણથી રથયાત્રા જોતા આવેલા દક્ષાબહેન જોષીનાં લગ્ન મુંબઇ થઇ જતાં તેમણે જમાલપુર પગથિયા પાસે આવેલી ખાંડની શેરીના નિવાસને અલવિદા કરી દેવી પડી હતી. બાળપણના રથયાત્રા સાથેના તેમનાં સ્મરણોને તાજાં કરતાં તેઓ જણાવે છે કે, "તે દિવસોમાં રથયાત્રાના પંદર દિવસો પહેલાંથી જાણે મોટો તહેવાર ન આવવાનો હોય તેવી રોનક અમારી શેરીમાં દેખાતી. અમે નાનાં બાળકો તો રથયાત્રા જ્યારથી શરૂ થાય ત્યારથી છેક અંત સુધી રથની સાથે ફરતાં. આજે તો આ વિસ્તારોમાં રથયાત્રા જોવા જવાય તેવી પરિસ્થિતિ જ નથી. તેથી હું મારા પરિવાર સાથે રથયાત્રા જોવા જતી નથી. ટી.વી. પર ભગવાનનાં દર્શન કરી છું. "
આવો જ અભિપ્રાય છે, હાલમાં નારણપુરા વિસ્તારમાં રહેતાં મંજુબહેનનો, તેમના લગ્ન આજથી 25 વર્ષ પહેલાં શાહપુર થયાં હતાં. મંજુબહેન કહે છે કે, "છલ્લા 20 વર્ષથી રથયાત્રા જોતી આવી છું. પહેલાના વખતની રથયાત્રાની વાત જ કાંઇ ઓર હતી. રથયાત્રા એટલે શાંતિનો પર્વ, પરંતુ રથયાત્રાના તહેવારોમાં અવારનવાર છવાતી તંગદિલી અને તોફાનોથી કંટાળીને અમે શાહપુર વિસ્તાર જ છોડી દીધો. આમ છતાં પણ વર્ષમાં એક વખત નીકળતી રથયાત્રાનાં દર્શન કર્યા વગર મને ચાલતું નથી, જો શ્ક્ય હશે તો ચોક્કસ આ વર્ષે અમે રથયાત્રા જોવા જઇશું."
દરિયાપુરમાં બાળપણ વિતાવનાર અને હાલમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં હસુમતી કાપડિયાને પોતાનો વિસ્તાર છોડવાનું દુઃખ હાલમાં પણ છે. ગોધરા કાંડ પછીનાં તોફાનોને કારણે તેમણે છોડવા પડેલા ઘરને તેઓ આજે પણ ભૂલી શક્યાં નથી. તેઓ કહે છે કે, "અમે રથયાત્રા માટે નવાં કપડાં સિવડાવતા હતા. તેમ જ રથયાત્રા સાથે જોડાયેલી એક પણ વસ્તુ જોવાની ન ચુકાય તે માટે રથયાત્રા પૂરી થયા પછી જ અમે જમતા હતા. મારો પરિવાર રથયાત્રા જોવા આવે કે ન આવે હું તો તે જોવા જવાની જ છું."