Thursday, June 10, 2010

રથયાત્રાના વિરામસ્થાનનું બહુમાન સરસપુરને જ કેવી રીતે મળ્યું?

133 વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રાનાં સંભારણા



'જય જગન્નાથ', 'જય રણછોડ', 'જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી' જેવા નારાઓ સાથે લાખો શ્રદ્ધાળુઓ 133 વર્ષથી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળી રથયાત્રા પ્રસંગે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીનાં દર્શન કરી, પ્રસાદ આરોગી ધન્યતા અનુભવતા આવતા વર્ષની રથયાત્રાની વાટ જોતા હોય છે. આજે અમદાવાદ ઉપરાંત રાજ્યમાં 70 જેટલા સ્થળોએ રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો અને સમયની સાથે તેમાં શું પરિવર્તન આવ્યું તે આજના પવિત્ર પ્રસંગે સમજીશું.
આજથી લગભગ પોણા ત્રણસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર 'જગન્નાથજીની મંદિર' તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.
નરસિંહદાસજીએ પોતાના જગન્નાથપુરીના નિવાસ દરમિયાન ત્યાંના મંદિરમાં થતી તમામ પૂજા-અર્ચનાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને અનુભવ્યું કે અમદાવાદમાં પણ આ જ પ્રમાણે પૂજા-અર્ચના થાય છે. ફક્ત જો જગન્નાથજીપુરીની જેમ ન થતું હોય તો તે રથયાત્રા છે. આ વાતનો ડંખ નરસિંહદાસજીના મનમાં સતત રહેતો હતો અને તેમણે પોતાની વેદના એક દિવસ હાજર રહેલા ભક્તો સમક્ષ વ્યક્ત કરી. ઇ.સ.1898ના એક દિવસે જ લોકોએ જય જગદીશના ગગનને ભેદનારા પ્રચંડ નારા સાથે વાત સ્વીકારીને યુદ્ધના ધોરણે રથયાત્રાની તૈયારી શરૂ કરી.
ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નરિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા. આમ 1878થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે.
રથયાત્રા દર વર્ષે સરસપુર કેમ જાય છે. તેવો સવાલ ઘણાના મનમાં થતો હશે. નરસિંહદાસજી અને સરસપુરના રણછોડજી મંદિરના મહારાજ જમનાદાસજી ગુરુભાઇઓ હતા. નરસિંહદાસજીએ પોતાની વેદના જમનાદાસજી મહારાજને પણ કરી હતી અને તે પછી રથયાત્રા પ્રારંભ થયો ત્યારે શરૂઆતના વર્ષોમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, પરંતુ સમયની સાથે રથયાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઇ અને ભક્તજનો માટે સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરવામાં આવે છે.
જેઠ સુદી પૂનમે જલયાત્રાનો વરઘોડો નીકળે છે. અને ત્રણે ભગવાનને 121 ઘડાથી સ્નાન કરાવ્યા પછી આંખે પાટા બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ આ ત્રણેય ભગવાનને જગન્નાથજીના મંદિરમાં લાવી અર્દશ્ય બનાવી દેવામાં આવે છે. ત્યાર બાદ આ મંદિરમાં આરતી-પૂજન બંઘ થઇ જાય છે અને મંદિરની બહાર ભગવાન મામાના ઘરે ગયા છે તેવું બોર્ડ લટકાવી દેવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન ત્રણેય ભગવાનના દર્શન સરસપુર ખાતેના રણછોડજી મંદિરમાં થાય છે. આષાઢ સુદ એકમના ચોથા પહોરે આ ત્રણે ભગવાન અર્દશ્ય થઇને જગન્નાથજીના મંદિરે પહોંચી જાય છે. પુષ્પ નક્ષત્રના દિવસે આ ત્રણેય ભગવાનની આંખ પરથી પાટા ખોલી નાખવામાં આવે છે. સ્નાન કરાવ્યા બાદ ખીચડી, કોળા, દહીં તથા ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવે છે. આરતી થયા પછી ત્રણેય ભગવાનને સીધા જ રથમાં પધરાવવામાં આવે છે અને પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે.
રથયાત્રામાં મગ, જાંબુ અને દાડમનો પ્રસાદ કેમ આપવામાં આવે છે? ત્રણેય ભગવાને પંદર દિવસ ઉપવાસ રાખ્યા હતા. આથી ઉફવાસ છોડ્યા બાદ મગ આપવામાં આવે છે અને જાંબુ તથા દાડમ આંખે પાટા છોડ્યા બાદ આંખોને ઠંડક મળી રહે તે માટે આપવામાં આવે છે. આથી ભાવિકોને પણ આ સામગ્રી પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
શરૂઆતમાં મંદિરના સાધુ-સંતો, ભજન મંડળીઓ, નિશાન, ગજરાજો અને બેન્ડ રથયાત્રામાં જોડાતા, પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ આ રથયાત્રામાં સામેલ થયાં. સમયની સાથે-સાથે રથયાત્રાની પરિક્રમાના માર્ગ બદલાતા રહ્યા. આજે આપણે કહાએ કે એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તો કોઇ પણ વ્યકિત આ વાત માનશે જ નહી. પરંતુ તે હકીકત છે.
1947 પહેલાં રથયાત્રા જમાલપુર ખાતેના જગન્નાથજીના મંદિરથી નીકળી કેલિકો મિલ થઇ ગીતા મંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ થઇ સરસપુર ખાતે વિરામ સ્થળે પહોંચતી. ત્યાં થોડોક વખત વિરામ કર્યા બાદ રથયાત્રા ત્યાંથી પ્રમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રથયાત્રા રતનપોળમાં પ્રવેશતી, રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતામંદિર થઇ સાંજે મંદિરે પરત ફરતી.
આજે રથયાત્રાના માર્ગમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હાલ સવારના સાત વાગ્યે મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, ઓસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હૉલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડોક સમય વિરામ લીધા પછી તાજા થયેલા રથયાત્રીઓ 'જય જગન્નાથ'ના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ. આંબેડકર હૉલ, કાલુપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ઈર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઇને મંદિરે પરત ફરે છે. પશ્ચિમીકરણની અસર ભલે સમાજ પર થઇ હોય, પરંતુ નરસિંહદાસજીએ શરૂ કરેલી અમદાવાદની રથયાત્રાને તે સ્પર્શી શકી નથી. ભલે ટેલિવિઝન પર રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય છતાં દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહ્યો છે. અમદાવાદની આજુબાજુથી અને દૂર દૂરથી લોકો આવી ભગવાનના દર્શન કરશે અને ધન્યતા અનુભવતા 'જય રણછોડ', 'જય જગદીશ'ના નારા સાથે આવતી રથયાત્રાની વાટ જોશે.

No comments:

Post a Comment