આપણે ત્યાં યોગ્યતાને પુરતું મહત્વ મળતું હતું પરંતુ ત્યાં સુધી કે જે કામ માટે અથવા જવાબદારી માટે તમે યોગ્યતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી. એક કામ પૂર્ણ સફળતા સુધી પહોંચી શકે, એટલું જ નહીં તમે યોગ્યતા ધરાવતા નથી તો પણ કોઈ હોદ્દા માટે પસંદ થયાં છો. તો તમે તે કામને પૂરતા પ્રમાણમાં ન્યાયોચિત રીતે કરી શકતાં નથી. સત્તા કે સેવાના ક્ષેત્રમાં ઘણીવાર તમને કોઈ હોદ્દો મળી જતાં ખુબ જ રાજીપાનો અનુભવ થાય છે પરંતુ તમે તે હોદ્દા માટે પૂરતાં પ્રમાણમાં સક્ષમ,લાયક નથી તો તમે તેનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે કરી શકતાં નથી. તેથી શ્રેષ્ઠતમ કહી શકાય તેવા પરિણામો હાસલ કરી શકાતા નથી.ગાડુ ગબડી શકે પરંતુ 'વાહ' એવા આશ્ચર્ય ઉદગારથી એ કામને નવાજી નહીં શકાય.
મને યાદ છે કેમ મારાં ગામમાં એક ખેડૂત હતાં અને તે ખેડૂતોને પોતાના જ્ઞાતિવર્તુળો મુજબ પોતાના કુળગોર હોય જે યજ્ઞ,યાજ્ઞાદિ અને ક્રિયા કર્મો કરે.તેની પાસે જ બધી વૈદિક વિધી કરાવવામા આવે.બનતુ એવું કે કે સત્યનારાયણની કથા હોય તો તેમના મૂળ પરિવારના ગોર કથાનું જે રીતે વાંચન કરે તે ખેડુ યજમાનને ગમે નહીં.બીજા એક ગોર કે જેની કથાશૈલીથી ખેડુદાદા ખૂબ પ્રભાવિત.તેથી તેની પાસે જ કથા કરાવે. વળી કહે પણ ખરાં " તમને કથાની બહુ ફાવટ કે આવડતું નથી. તમારી કથામાં મજા નથી પડતી."હવે અહીં તે પોતે ગોર છે તે કામ માટે અધિકૃત છે.અને તો પણ પાત્રતાનો અભાવ છે. પરંતુ તેમની યોગ્યતા નહોતી તેથી તે તેના કામને પૂરતો ન્યાય આપી શકતાં ન હતાં. તે સફળતા સુધી પહોંચતા ન હતાં.
આપણે ઘણી વખત કહેતાં હોઈએ છીએ કે પાત્રતા જ પટ્ટરાણી બનાવે.ઐતિહાસિક અભ્યાસથી આપણે અવગત છીએ કે વર્ષો પહેલા રાજા મહારાજાઓને એક કરતાં વધારે સંખ્યામાં રાણીઓ હતી પરંતુ તેમાંથી પટરાણીનું પદ બધાં જ પ્રકારના ગુણો,આવડત જેમ કે વિનય, વિવેક, શીલ,સૌંદર્ય આદર્શ અને પરિધાન બધું સુભગ સમન્વિત હોય તેમને જ પટરાણી પદ પ્રાપ્ત થાય. હા, તેમણે અન્ય વંચિતો કે જે તે પદ નથી મેળવી શક્યા તેની ઈર્ષાનો ભોગ બનવું પડતું હોય છે. પરંતુ ત્યાં તે સમજણની બાદબાકી છે કે જેની યોગ્યતા નથી તેના સ્વપ્ન જોવાં તે શેખચલ્લીના વિચાર કરવા બરાબર નહીં તેથી પણ ધારદાર કલ્પિત છે.
પાત્રતા મેળવવી તે સદભાગ્ય છે અને કેળવવી તે મહાપુરુષાર્થ છે.કેટલાકનો જન્મ પાત્રતા સાથે થાય તે તેનું નસીબ છે. તેથી તેમને તે જે મેળવવાં માંગે છે અથવા તે જે પદ ઉપર છે તે માટે યથાર્થતા કેળવવાની મશક્કત કરવી પડતી નથી. પાત્રતા મેળવવી એટલે કે તમારા ગુણ,પુરુષાર્થ અને પ્રારબ્ધ જોડાયેલાં છે.કહેવાય છે કે સિંહણનું દૂધ સાચવવા માટે સોનાનું પાત્ર આવશ્યક છે. એટલે કે આ દૂધ માટે સોનાની પાત્રતા હોવી જરૂરી છે. એ જ રીતે ઈતિહાસની એક ઘટનાથી સૌ અવગત છીએ કે ચાંપરાજ વાળાના પિતાજીની પાસે રાજસ્થાનના ચારણોએ ચાંપરાજ જેવો પુત્ર રત્ન મેળવવા તેની જાત એટલે શરીરની માંગણી કરી. ત્યારે તેમણે કહ્યું હતું કે ચાપરાજની માં જેવી પાત્રતા તેવું ક્ષાત્રત્વ ધરાવતી સન્નારી હોય તો આવું રત્ન અવતરે, પુત્ર રત્ન પ્રાપ્ત થાય. તેના માટે કદાચ મારો હિસ્સો એટલો બધો અગત્યનો નથી.તમે કોઈપણ ક્ષેત્રમાં જ્યાં છો ત્યાં ઘણીવાર પાત્રતા ન હોય તો તેને અંગીકાર કરવા માટે આથમણી અને ઉગમણી દિશાઓને એકત્રિત કરવી પડે અને તે પુરુષાર્થો તમને જરૂર લગભગ હીરો બનાવીને પાત્રતા સિદ્ધ કરે.પાત્રતા પરસેવા પાસે લાચાર હોય છે તેને આમંત્રણ સ્વીકારી હાજરી નોંધાવે જ છુટકો હોય.
સંજોગો બદલાયાં છે, ગાંગો તેલી પણ રાજાભોજ થઈને બેઠો છે. ઉકરડાઓ આબરૂદાર બન્યાં છે. જ્ઞાન ઢબુરાયું છે અને અધકચરું ઊડાઊડ કરે છે.તો પણ અનેક નિરાશામાં સત્યનો ઝબકારો દેખાય છે.સૂરજને ભલા કોણ ઢાંકી શક્યું છે..!?
- તખુભાઈ સાંડસુર
No comments:
Post a Comment