Wednesday, July 15, 2009

રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ !

By ENN,
ગાંધીનગર,
ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, સુરત, વલસાડ વગેરે વિસ્તારમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અમદાવાદમાં પણ સાંજે વરસાદના ઝાપટા પડ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીમાં બે ઈંચ, બગસરામાં ચાર ઈંચ, ધારીમાં સાડાત્રણ ઈંચ, જાફરાબાદમાં સાડાચાર ઈંચ, ખાંભામાં ત્રણ ઈંચ, લીલીયામાં બે ઈંચ, રાજુલામાં ચાર ઈંચ, વડીયામાં અને સાવરકુંડલામાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. હજું વરસાદના ઝાપટા પડી રહ્યા છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડ્યા હતા. ઉમરાળામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભસાણમાં ચાર ઈંચ અને કોડીનાર, મદરડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડ્યા હતા. જિલ્લાના ધોરાજીમાં બે ઈંચ, જેતપુરમાં સાડાત્રણ ઈંચ અને કોટડા સાંગાણીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ જામનગર અને પોરબંદરમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉંમરપાડા અને કપરાડામાં 6 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સુરતના કામરેજ, ચોર્યાસી અને ઓલપાડ વિસ્તારમાં પણ દોઢથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જોકે ઊત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.

No comments:

Post a Comment