Wednesday, July 22, 2009

ભાવનગરના રાજવીને વરસાદના આંકડા પોસ્ટકાર્ડથી અપાતા!

By ENN,
ભાવનગર,
આજે ઇન્ટરનેટ અને સેલફોનના જમાનામાં દુનિયાભરના સમાચારો એ જ ક્ષણે દુનિયાના કોઇપણ ખૂણે બેઠા જાણી શકાય છે, પરંતુ સંદેશા વ્યવહારના આટલા આધુનિક સાધનોનો જન્મ પણ નહોતો થયો ત્યારે ભાવનગર સ્ટેટમાં વરસાદના વાવડ પોસ્ટકાર્ડથી આપવાનો કાયદો હતો.

તા.1 જુલાઇ 1921ના રોજ ઘડાયેલ કાઉન્સીલ ઠરાવ રજી.નં. 289નો ઠરાવ તા. 8 જુલાઇ 1921ના રોજ, ભાવનગર સંસ્થાનના જાવક નંબર 1333થી રાજ્યના તમામ મહાલોમાં અમલ થવા માટે મોકલવામાં આવેલો.

ભાવનગરના દરબારી કોઠાર ખાતે કાર્યરત જિલ્લા દફતર ભંડારમાં સચવાયેલા આ ઠરાવનો અભ્યાસ કરતાં રાજવીને વરસાદના વાવડ જાણવાની કેટલી ઉત્કંઠના હતી અને તે માટે નિયમ ઘડીને કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કુલ છ સૂચનાઓ ધરાવતા ઠરાવમાં મહાલના કસ્બામાં જ્યાં જ્યાં રેનગેજ (વરસાદ માપવાનું સાધન) મૂકેલા છે ત્યાંના ખબર રોજે રોજ પોસ્ટકાર્ડથી નેક નામદાર દરબારશ્રીની હાજરમાં, આજમ વસુલાત અધિકારીને, આજમ મુખ્ય વકીલ (રાજકોટ)ને તથા આજમ પ્રાંત વકીલ (સોનાગઢ)ને મોકલવા મહાલના આજમ વહીવટદારને જણાવાયું છે. પોસ્ટકાર્ડમાં લખી મોકલવાની વિગતોનો પમ નિયત નમૂનો તેઓને આપવામાં આવ્યો હતો.

વરસાદનું માપ સવારે 8 વાગ્યાથી બીજા દિવસ સવારે 8 વાગ્યાથી બીજા દિવસ સવારે 8 વાગ્યા સુધીના ચોવીસ કલાકનું લેવું, તેવું પમ સ્પષ્ટ માર્ગદર્શન આ ઠરાવમાં છે.

જે દિવસે વરસાદ હોય તે જ દિવસના સમાચાર આ રીતે પોસ્ટકાર્ડથી આપવા, વરસાદ ન હોય તો સમાચાર આપવાની જરૂર નથી એવી સૂચના પણ આ ઠરાવમાં અપાઇ છે. પોસ્ટકાર્ડમાં રીમાર્કમાં વરસાદથી જમીનમાં તરે કેટલો બેઠો? તથા તેની મોલાત પર કેવી અસર થઇ છે તે જણાવવા પણ સૂચવાયું છે.

સૌથી વધુ રસપ્રધ બાબત એ છે કે, કલમ-6માં સૂચવાયું છે કે વરસાદની શરૂ મોસમમાં વાવણી લાયક વરસાદ થતા સુધી અથવા વરસાદ પડી ગયા પછી તણાવ્યું હોય કે જેથી વરસાદની ખબર જણવા ઇન્તેજારી રહે, એવે વખતે એક ઇંચ કે થી વધુ વરસાદ મહાલના કસ્બામાં થાય તો તેના ખબર આગળ દર્શાવેલ ચારે સ્થળે આજમ વહીવટદારે પોસ્ટકાર્ડને બદલે તારથી આપવા.

વરસાદ સંબંધેના ખબર કોણે-કોને-ક્યારે આપવા? એ શિર્ષક તળે થયેલો ઠરાવ મહારાજાની આંતરસૂઝ અને રાજ્યની તમામ ગતિવિધીથી પરિચિત રહેવા માટેની ઉત્સુકતાનું દર્શન કરાવે છે. ભાવનગરના દરબારી કોઠારમાં સચવાઇ રહેલાં સંખ્યાબંધ ગેઝેટસ રાજવીઓની આવી તો કંઇ કેટલાય ક્ષેત્રની દૂરદેશીના જીવંત પ્રમાણ છે.

No comments:

Post a Comment