Wednesday, July 22, 2009

વીજળીનો શ્રેષ્ઠ વિકલ્પઃ સૌરઊર્જા દાહોદ જિલ્લામાં સંશોધન

By ENN,
અમદાવાદ,
ગામેગામ વીજળી અને પાણી જેવી સુવિધા આપવાનું અનેક પક્ષો વચન આપે છે. હકીકતમાં ચૂંટણીમાં જીત્યા પુછી તેઓ એ ગામની મુલાકાત પણ લેતા નથી. હાલને તબક્કે અનેક ગામ વીજળી અને પાણી જેવી સુવિધાથી વંચિત છે. બીજે છેડે શહેરમાં પણ વીજકાપને પરિણામે લોકોએ પેટ્રોમેક્સ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. આ સંદર્ભમાં જણાવવાનું કે તાજેતરમાં ગુજરાતમાં તાઇવાનના પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધન પરથી એક વાત ફલિત થઇ હતી કે સૌરઊર્જા સંચાલિત ફાનસનો ઉપયોગ કરવાથી વાર્ષિક સ્તર પર આશરે બાર હજાર રૂપિયાની બચત થઇ શકે છે.

તાજેન યુનિવર્સિટીના પ્રોફેસર ગોવિંદસ્વામી તથા નેશનલ સન યેટ-સેન યુનિવર્સિટીના ડો. મીના હસુ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી ઉક્ત તારણ રજૂ કરવામાં આવ્યું હતું, એક બિનનિવાસી સંસ્થા દ્વારા દાહોદ જિલ્લાના આશરે 25 ગામમાં સો જેટલા સૌરઊર્જા સંચાલિત ફાનસ આપવામાં આવ્યા હતા. પ્રોફેસરે જાન્યુઆરી 2004થી ડિસેમ્બર 2007 સુધી તેમના પર સર્વેક્ષણ કર્યું હતું. જેમાં સૌરઊર્જાથી સંચાલિત ફાનસનો ઉપયોગ કરનારા ઘરમાં સરેરાશ રૂપિયા. 7,531થી રૂ. 12556 સુધીની બચત થઇ હતી. સૌરઊર્જા સંચાલિત ફાનસનો ઉપયોગ કરવાને લીધે એટલી માત્રામાં કેરોસીન અને વીજળીની બચત પરથી આંક નક્કી કરવામાં આવ્યો હતો.

સંશોધકોના મતાનુસાર સૌરઉર્જાથી સંચાલિત ફાનસ ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા ગૃહિણીઓને ખૂબ લાબદાયક પુરવાર થાય છે. સૌરઉર્જા સંચાલિત ફાનસ છ કલાક સુધી પ્રકાશ આપે છે. જેને પરિણામે વારંવાર વીજળી વેરણ થતી હોય તે વિસ્તારના લોકો સહિત વિદ્યાર્થીઓને અભ્યાસમાં અને ગૃહિણીઓને ઘરકામમાં સૌરઉર્જા સંચાલિત ફાનસ ખુબ લાભદાયક પુરવાર થાય છે.

No comments:

Post a Comment