Wednesday, July 22, 2009

"ગાંધર્વ યોનિમાં ભ્રષ્ટ કલાકાર છું": ઉપેન્દ્ર ત્રિવેદી

By ENN,અમદાવાદ,સાહિત્યકળાનો સમન્વય, ને રસિકતાનો પુંજ છે,
મદમસ્ત ચાલે મલપતો, માલવપતિ એ મુંજ છે!
રંગભૂમિ હૃદયતખ્તે, અભિનય સમ્રાટ છે,
અણમોલ રત્ન ઉપેન્દ્રની ગૌરવભીની ગુજરાત છે!

કવિ દાદે આ શેર તેમના માટે જ લખ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીને પોતાની ફિલ્મોથી ભવ્ય અને ગૌરવવંતી બનાવનાર અભિનેતા, નિર્માતા અને રાજકીય ક્ષેત્રે અવિરત પ્રવૃતિ કરતા રહેતા ઉપેન્દ્ર ત્રિવેદી ખરેખર જ્ઞાનનો ભંડાર અને અભિનયના શહેનશાહ છે. સાહિત્ય હોય કે પત્રકારત્વ, ગુજરાતી ફિલ્મો હોય કે રાજકારણ, ભવની ભવાઇનું ગાંધી જીવન હોય કે પૃથ્વીવલ્લભના મહારાજા માલવપતિ મુંજ, દરેક ક્ષેત્રની ચર્ચા ઉપેન્દ્રભાઇ બહુ સહજતાથી કરી શખે. આ અભિનય શહેનશાહની મદમસ્ત કલમે આલેખાયેલી આત્માકથા ટૂંક સમયમાં જ પ્રગટ થવાની છે. પરંતુ, આજે તો એમની સાથે કરીએ અંતરંગ મજેદાર વાતો.

મુખ્ય શોખ :- અભિનય અને સાહિત્ય વાચન
પ્રિય સાહિત્યક કૃતિઓ :- પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઇ', દર્શકની 'ઝેર તો પીધા છે જાણી જાણી', ઝવેરચંદ મેઘાણીની 'વેવિશાળ', કનૈયાલાલ મુનશીની 'પૃથ્થીવલ્લભ', ચંદ્રકાંત બક્ષીની 'પેરેલિસિસ'. આ બધી જ નવલકથાઓ મને એટલી ગમે છે કે તેને તખ્તા અને પરદા પર ઉતારવા માટે મારી સર્વસ્ત શક્તિ ખર્ચી નાંખી હતી. આ બધી જ કૃતિઓ મને ખાસ કરીને ઐતિહાસિક, ગ્રામ્ય સંસ્કૃતિની અને મૂલ્યાનિષ્ઠ જીવનના પાઠ ભણાવતી હોવાથી ગમે છે. મુનશીની ઓજસ્વી ભાષા ધરાવતી કથા પૃથ્વી વલ્લભમાં હું બહુ તર્યો છું અને ડૂબ્યો છું. ગુજરાતી ફિલ્મોના મુગટમણિસમાં આ ચિત્રપટને મારી કારકિર્દીની હું શ્રેષ્ઠ ફિલ્મ ગણું છું.

ફેવરિટ સંગીત અને સંગીતકાર :- સંગીતની બાબતમાં ઘણો કાચો છું. એટલે કે હું ગાંધર્વ યોનિમાં એક ભ્રષ્ટ કલાકાર તરીકે મારી જાતને સમજું છું. છતાં પણ લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેના આહૃલાદને માણી શકું છું અને સમજ વધારવા સંગીતના જાણકારોને સાથે રાખું છું. મારો પુત્ર હેમંત ઉત્કૃષ્ટ સંગીતકાર છે તેનો મને ગર્વ છે. પં. ઓમકારનાથ ઠાકુર અને અવિનાશ વ્યાસ મારા પ્રિય સંગીતકારો.

મનગમતી ફિલ્મો :- મધર ઇન્ડિયા, દિલીપકુમારની દેવદાસ, કોશિશ, ટાઇટેનિક, માલવપતિ મુંજ.
પ્રિય લેખકો :- પન્નાલાલ પટેલ, દર્શક, મેઘાણી, મુનશી અને ચંદ્રકાન્ત બક્ષી મારા પ્રિય લેખકો.
પ્રિય કવિઓ :- ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ, અમૃત ઘાયલ. મેઘાણીની 'લાગ્યો કસુંબીનો રંગ' મને બહુ પ્રિય.

મનપસંદ વાનગી :- દાળઢોકળી.
મનગમતું પરફ્યુમ :- સુખડનું અત્તર.
તમારે માટે સ્ટ્રેસ બસ્ટર શું છે? :- ઊંઘ ખેંચી કાઢવી.
પ્રિય પ્રવાસસ્થળ :- હિમાલય બે વખત ત્યાં જઇ આવ્યો છું. હું માનું છું કે એ રસ્તેથી આપણે આર્યો આવ્યા એટલે તેની વિરાટતા, સૌદંર્યની અનુભૂતિ અને ભવ્યતા આપણી અલ્પતા અને પામરતાનું ભાન કરાવે છે. વીકએન્ડ કઇ રીતે વિતાવવો ગમે? મારા માટે વીકએન્ડનું નહીં પણ ઋતુઓનું મહત્વ છે. ઋતુઓમાં આશ્ચર્। અને વિસ્મય પ્રગટ કરવા માટે આપણા પૂર્વજોએ ઉત્સવો રચી આપ્યા છે. એ ઉજવવા બહુ ગમે.
તમારે માટે મનગમતી સાંજ એટલે? :- મંદિરમાં વાગતી ઝાલર, પાછાં વળતાં ગોધણની ખરીઓથી ઊડતી ધૂળ અને પ્રકાશ ને અંધકારની મારામારી.

પ્રેમ એટલે શું? :- ઐક્યસ! જોકે, તેના માટે મને પ્રસિદ્ધ શેર યાદ આવે છે, "યે ઇશ્ક નહીં આસાન, હો ગયા વહી જાને! હૈ આગ કા દરિયા ઔર ડૂબ કે જાના હૈ!!" તમને કેવી જીવનસાથી ગમે? :- જેવી છે તેવી જ મારી પત્ની શારદા. જે હંમેશાં મને અનુકૂળ થઇને જીવે છે અને મારી ચિંતાઓ દૂર કરે છે.
તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે? :- જીવન જ સૌથી મૂલ્યવાન છે. તેની સામે કશાનું મૂલ્ય નથી.
લોકો તમને કઇ રીતે યાદ રાખે તે ગમે? :- આપ મૂઆ ફિર ડૂબ ગઇ દુનિયા... મૃત્યુ પછી જીવન હોય તો આ દુનિયાને ગુમાવ્યાનું દુઃખ જરૂર અનુભવીશ. અહીંના સમુદ્ર, ચારેબાજુ ફરફરતી હવા, નદીઓ અને સંગીતનું ગૂંજન કરતા પક્ષીઓની હારમાળા, દૂરસુદૂર દેખાતાં સુંદર એકલા અટૂલા પર્વતોની હારમાળા.. આ બધું સૌદંર્ય મને મૃત્યુ પછી ક્યાં જોવા મળશે?

કોઇ વ્યસન? :- સત્સંગનું. દરરોજ હું મારી શુભ લાગણીઓને સત્સંગ દ્વારા એક્સચેંજ કરું છું. લોકોની કઇ બાબત તમને નથી ગમતી? :- નાસ્તિકતા. તમારો કોઇ આદર્શ અને આદર્શ વ્યક્તિ? :- ભગવાન શ્રીકૃષ્ણ. માનવમાંથી ભગવાન થવાની પ્રક્રિયા એટલે કૃષ્ણચરિત્ર.

જિંદગીમાં કોઇ ખેદ? :- અત્યારે તો જીવું છું ત્યાં સુધી કોઇ ખેદ નથી. જોકે, હજુ આશાઓ ઘણી છે. "હજારોં ખ્વાહિશેં હૈ ઐસી કે હર ખ્વાહિશ પે દમ નીકલે! બહોત નીકલે મેરે અરમાં, લેકિન ફિર ભી કમ નિકલે!!" એક ખ્વાહિશ એક આયુષ્ય જેટલી છે, તે ક્યારેય પૂરી થતી નથી.
પુનર્જન્મ જેવું કંઇક હોય તો શું બનવાનું પસંદ કરો? :- વિજ્ઞાની. ભ્રમણના સત્યો તારવીને મનુષ્ય જીવનને વધુ સહ્ય બનાવવા માટે મારે વૈજ્ઞાનિક બનવું છે.

No comments:

Post a Comment