Friday, September 18, 2009

''મફતમાં પણ ' નેનો' નથી જોઈતી''

By ENN,
અમદાવાદ,
ટાટા કંપનીની આમ આદમીની કાર'નેનો' ના બુકિંગ બાદ જે વ્યક્તિઓને લોટરીમાં ન લાગી તેઓ હતાશ અને નિરાશ થયા, પણ બોપલ વિસ્તારમાં રહેતા વેપારી 54 વર્ષીય રવીન્દ્ર ભગતને 'નેનો' લોટરીમાં લાગી, પણ તેઓ નિરાશ અને હતાશ થયા છે. ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ 'નેનો' વિશે રવીન્દ્ર ભગત કહે છે ''પાર્કિંગમાં પાર્ક કરેલી નેનો ભડભડ સળગી ઊઠી. કંપનીએ સસ્તી કાર બનાવવા માટે સિક્યોરિટી ફિચર સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે. ત્યારે હવે નેનો ન જોઈએ. કોઈ પણ કિંમતે નેનો જોઈતી નથી.'' પોતાના મકાન આગળ પાર્ક કરેલી નેનો કાર (જીજે-1-કેએ-4648) રવિવારે અચાનક સળગી ઉઠી હતી. રવીન્દ્ર ભગતે એસ.જી. હાઈવે પર આવેલા ટાટાના ડીલર 'કાર્ગો મોટર્સ' પાસે પોલીસ ફરિયાદ નોંધાવી પાંચ લાખ રૂપયાના વળતરની માગણી કરી છે.

રવીન્દ્ર ભગતને મે-2009ના રોજ નેનો લોટરીમાં લાગી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2009ના રોજ નેનોની ડિલિવરી લેનાર શહેરની થોડી વ્યક્તિઓમાંના એક હતા, પણ બે દિવસ પહેલાં રવિવારના રોજ રવીન્દ્રભાઈ ભગત પોતાની પત્ની સાથે ભાઈને ત્યાં શ્રાદ્ધનું જમવા ગયા હતા ત્યારે તેમના ઘર આગળ પાર્ક કરેલી નેનો અચાનક સળગી ઊઠવાના સમાચાર તેમના પાડોશીઓ દ્વારા મળ્યા . તેઓ સમાચાર મળતાની સાથે ચોંકી ઈઠ્યા હતા. પડોશીઓ દ્વારા નેનોના કાચ તોડી પાણી દ્વારા આગ કાબૂમાં કરી. છેલ્લા 25 વર્ષથી કાર ડ્રાઈવ કરતાં રવીનદ્રભાઈને પહેલી વાર ડ્રાઈવ કરવાથી ડર લાગ્યો. રવિવારે થયેલા 'નેનો અકસ્માત' ના કારણે તેમણે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થયા છે ત્યારે નેનોની સુરક્ષા નથી તેવું લાગે છે. રવીન્દ્ર ભગતે જણાવ્યું કે, ''કંપનીના લોકોને ફોન કર્યો પણ તેઓ ગાડી કંપનીમાં લઈ જઈ તેના બદલામાં નવી કાર આપવાનું કહે છે, પણ મેં ના કહેતાં તેઓ ગાડી જોવા પણ આવ્યા નથી ત્યારે મોટી હોનારત ટાળી, હવે નેનો જોઈતી નથી.''

રવીન્દ્રભાઈ ભગતે જણાવ્યું કે, ''નેનો કારની ડિલિવરી 1.25 લાખ રૂપિયા ભરી લીધી હતી, પણ નેનો કારના સળગવાની ઘટના બાદ હવે વળતર માટે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 25 વર્ષથી વિવિધ ગાડી ચલાવું છું પણ ગાડી પાર્કિંગમાં પડેલી સળગી ઊઠી તે પ્રથમ વાર જોયું. નેનોની સુરક્ષા પર વિશ્વાસ નથી. પાર્કિંગમાં પડેલી ગાડી સળગી ત્યારે નેનોમાં પેટ્રોલ ટેન્ક પણ આગળની સાઈડ છે ત્યારે મોટી હોનારત ટળી ગઈ. હવે નેનો માટે નો.....'' આ ઘટનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ જણાવ્યું કે, 'એફએસએલના અધિકારીઓ ગાડીમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ-સર્કિટની શક્યતા છે, પણ ચોક્કસ કારણ શોધવા નેનો કંપનીના એન્જિયરની મદદ લેવાશે.''

કોર્ગો મોટર્સના જનરલ મેનેજર ભાર્ગવ મહેતાએ જણાવ્યું કે,''ગાડી જ્યાં સુધી વર્કશોપમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કારણ વિશે કહી શકાય નહીં અને નેનોના માલિક દ્વારા વળતર માગવામાં આવ્યું તેની ખબર નથી. વર્કશોપમાં ગાડી આવ્યા બાદ ક્યાં કારણે આગ લાગી? તે જાણી શકાય.''

વાયબ્રન્ટ નવરાત્રિ 2009 એક અબજનો બિઝનેસ
અમદાવાદમાં ધમધોકાર તૈયારીઃ આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવાયાઃ ઢોલી તારો ઢોલ ગીતની રમઝટ જામશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાતને આતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન રાજય બનાવવા માટે સરકાર વાયબ્રન્ટ નવરાત્રિનો મહોત્સવ યોજે છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી નવરાત્રિને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે પ્રમોટ કરીને સરકાર પ્રવાસનને ઉતેજન આપી રહી છે. કૃષિ અને બાંધકામક્ષેત્ર જે રોજગારી આપે છે. તેનાથી અનેક ઘણી રોજગારી પ્રવાસનક્ષેત્ર આપે છે.

નવરાત્રિ જેવા આતિથ્ય ઉદ્યોગને ઔધોગિક એકમો સાથે સાંકળવાની તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આ મહોત્સવને અંકે કરી લેવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન નિગમે ભારે કવાયત હાથ ધરી છે.ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સેસાયટી (GINFS)નો સાથ સહયોગ લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2009ની તૈયારીઓ ધમધમાટ શરુ કરી દીધી છે. આ મહોત્સવ પાછળ રૂ.12 કરોડ઼નો ખર્ચ થશે જ્યારે વિવિધ સેક્ટરને રૂ.100 કરોડ઼નો બિઝનેસ થવાની ધારણા છે.

પ્રવાસન નિગમના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુ કે, આ મહોત્સવનું તમામ આયોજન રાજ્ય સરકાર હસ્તક છે. જો કે આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવામાં આવ્યાં છે. GINFSએ આ મહોત્સવ માટે નાણાકીય સહાય કરી છે. ગત વર્ષે નવરાત્રિ મહોત્સવ પાછળ રૂ.10 કરોડ઼નો ખર્ચ થયો હતો આ વર્ષે તેમાં વધારો થાય તેમ છે અને ખર્ચનો અંદાજ 12 કરોડ઼ મુકવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં કોઈ કચ્ચાસ બાકી રાખવામાં આવશે નહીં. આ વખતે નવી થીમ 'શક્તિની સપ્તધારા' ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જે અનુસાર અંબાજી, બહુચરાજી, ચોટીલા અને પાવાગઢ જેવી શક્તિપીઠની પ્રતિકૃતિ મુકવામાં આવશે. એટલું જ નહીં કૃષ્ણની દ્વારકા, રણછોડજીનું ડાકોર અને વિષ્ણુ અવતારનું શામળાજી તેમજ સોમનાથ અને નાગેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ પણ વિવિધ થીમ સ્વરૂપે મહોત્સવમાં રજૂ કરાશે. આ ઉપરાંત ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારાને પણ અંકે કરવાનું આયોજન છે. અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતાં આ રળિયામણા ગિરિમથકને કઈ રીતે વિકસાવવામાં આવશે તેનું મોડલ આ મહોત્સવમાં મુકવામાં આવશે. નવરાત્રિ મહોત્સવ-2009 ના ઉદ્-ઘાટન કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મણિપુર, મથુરા, ગોવા સહિતના વિવિધ રાજ્યોમાં 700થી વધુ કલાકારો ગરબા અને ઓડીસી, કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથકલી જેવા પરંપરાગત નૃત્ય દ્વારા શક્તિ આરાધના કરશે. આ ઉપરાંત ગોવાનું સમસી નૃત્ય પણ રજૂ થશે જાણીતી હિન્દી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' ના ખૂબ જાણીતા ગીત 'ઢોલી તારો ઢોલ વાગે' ના કોરિયોગ્રાફર સમીર તન્નાની કોરિયોગ્રાફી હેઠળ ગરબા અને દેશના પારંપરિક નૃત્યોને સાંકળી લેતો ફ્યુઝન કાર્યક્રમ યોજાશે.

ગુજરાતી ફિલ્મોમાં ગીતા દત્ત, લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર સહિતનાએ યાદગાર ગરબા ગુંજાવ્યા છે
નીતિન મૂકેશ, સુરેશ વાડકર, સોનૂ નિગમ, રૂપકુમાર રાઠોડ, સાધના સરગમે પણ ઓડિયો આલ્બમોમાં ગરબાની રમઝટ બોલાવી છે 'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે... એની તાલી પડે છે ત્રિલોકમાં રે....'

By ENN,
હો રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જો.... આ ગરબો ગુજરાતીઓની જીભે ન હોય એવું ન બને. મીઠો મધુરો લાગતો આ ગરબો કોણે ગાયો હશે? ગૅસ કરો.... મેળ પડી ગયો ? ન પડ્યો હોય તો જાણી લ્યો કે 1976માં બનેલી ગુજરાતી ફિલ્મ 'ભાદર તારા વહેતા પાણી'માં મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે આ ગરબો ગાયો છે! ગુજરાતના ગરબા અત્યારે વિદેશોમાં ગૂંજે છે તેમાં આવા દિગ્ગજ ગાયકોના મોટો ફાળો છે અને આ ગાયકોને ગરબા ગાતા કરનાર સંગીતકાર અવિનાશ વ્યાસનો તો સિંહ, વાઘ, હાથી ફાળો છે!

જે સમયે ગુજરાતી ફિલ્મોના સિતારા ચમકવા શરૂ થયા હતા એ સમયે 1949માં ગુજરાતી ફિલ્મ આવેલી 'મંગળફેરા'. એમાં ગીતા દત્તે 'તાલીઓના તાલે' ગરબો ગાઈને ભારે લોકપ્રિય.તા મેળવી હતી. એ પછી પણ ગીતા દત્તે ઘણાં ગરબા ગાયા. 1948ની ફિલ્મ 'ગુણ સુંદરી'માં 'આજ મારી નણંદીએ...', 'જી રે ભવાની મા...' ગીતા દત્ત એ સમયે દત્ત નહોતા ત્યારે ગીતા રૉયના નામથી એ ગરબા ગાતા! વિશ્વંભરી સ્તુતિ, આરતી અને ગરબામાં અત્યારે જેનું મોટું નામ છે તેવા પ્રફુલ્લ દવેએ આશા ભોંસલે સાથે ગુજરાતી ફિલ્મ 'અમરસિંઘ' માં ગાયેલો ગરબો 'રંગ લાગ્યો ચૂનરીએ....' ઉપર શોખીનો આજેય ઝૂમી ઉઠે છે.

ગણપતિની સ્તુતિ અને હવે હનુમાન ચાલીસા ગાનાર ભારત રત્ન ગાયિકા લત્તા મંગેશકરે પણ ગુજરાતી ગરબા લહેકા સાથે ગાયા છે. લત્તાજીએ મહંમદ રફી સાથે 1960ની ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' માં ગરબા ઢાળનું ગીત ગાયેલું 'નયન ચકચૂર છે'.... આ ગીત પણ એટલું જ લોકજીભે ચડી ગયેલું. હિન્દી સીનેજગતમાં જેનો ડંકો વાગતો, વાગે છે તેવા ગાયિકા આશા ભોંસલેએ સૌથી વધારે ગુજરાતી ગરબા ગાયા છે. 'ગુલાલ વહુ ગરબે રમવા જાઈએ..', 'સોના વાટકડી રે...', 'હે રંગલો જામ્યો..', 'ઘોર અંધારી રે, રાતલડીમાં....' આશા ભોંસલેની જેમ ઉષા મંગેશકરે પણ ગુજરાતી ગરબા ઘણા ગાયા છે. પણ તેની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. એવું જ સુમન કલ્યાણપુરના કિસ્સામાં થયું છે. એમણે પણ ઘણાં ગુજરાતી ગરબા લલકાર્યા છે પણ ગરબો સાંભળીને કોઈ યાદ નથી કરતું કે, આ ગરબો સુમન કલ્યાણપુરે ગાયો છે!

'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે...' આ ગરબો 'મહેંદી રંગ લાગ્યો' માં ઉષા મંગેશકરે ગાયો છે. 'ખમ્મા મારા વીરા' ફિલ્મમાં 'પૂનમની પ્યારી રાત....' ગરબો પણ ઉષાએ જ ગાયો છે. જો કે તેમની સાથે કેશવ રાઠોડે પણ સ્વર આપ્યો છે. જ્યારે જ્યારે શરદ પૂનમના ગરબા ગવાય ત્યારે પહેલાં 'પૂનમની પ્યારી રાત....' પહેલાં ગવાય છે. સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરનો ગરબો 'ઝૂલણ મોરલી વાગી રે....' છેક 1975થી ગવાતો આવે છે. માંડલિક ફિલ્મમાં આ ગરબો ગવાયો હતો.

અત્યારની વાત કરીએ તો સુરેશ વાડકર, નિતીન મુકેશ, સોનૂનિગમ, રૂપકુમાર રાઠોડ, શાન, શંકર મહાદેવન જેવા ગાયકોના ઓડિયો આલ્બમ માર્કેટમાં ઘૂમ મચાવે છે. અલબત. પહેલાનાં જે પ્રાચીન ઢાળ અને સયના ગરબા હતા એવા હવેના આલ્બમમાં સાંભળવા મળતા નથી. ફિલ્મી ટ્યૂન પરના રિમીક્સ ગરબાનો ટ્રેન્ડ વધારે છે. પણ મૂળ ઢાળ જેવી મીઠાસ એમાં નથી. ગુજરાતી ગરબા મુળ ઢોળવાળા ગરબાને તાલી ગરબાને હાઈટ આપી સંગીતકાર અવિનાશ વ્યાસે. એમણે પાંચ દાયકા પહેલાં કંપોઝ કરેલા ગરબા આજે પણ ગવાય છે, સંભળાય છે.

ગુજરાતના ગાંધીધામ શહેરમાં કોઈની પણ પાસે પોતાનું મકાન કે જમીન નથી

By ENN,
ગાંધીધામ,
1947માં દેશને આઝાદી મળ્યા બાદ દેશના વિકાસ અર્થે કચ્છમાં આવેલા કંડલા બંદરને વિશેષ દરજ્જો આપી કંડલાપોર્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના 62 વર્ષ પછી પણ કંડલા ગાંધીધામ જેવા ચાર લાખની વસ્તી ધરાવતા શહેરના નાગરિકો પાસે પોતાની જમીન કે મકાન પોતાના નામ ઉપર નથી ગાંધીધામ જ એવું એક માત્ર શહેર છે કે જ્યાં જમીન કે મકાન લેવા માટે લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવે છે.

આ શહેરની નજીકમાં આવેલાં કંડલાપોર્ટ સાથે સેકળાયેલા અને આઝાદી બાદ પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી લાખોની સંખ્યામાં વસે છે. આ લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, જમીન કે મકાન લેવા માટે લોન મળી શકતી નથી. અને જો લોન લેવી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટનું નોન ઓબ્જેકશન સર્ટીફીકેટ (એનઓસી) લેવુ પડે છે. અને એનઓસીના બદલામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક ટકા લેખે કમીશન ફી વસુલવામાં આવે છે. ઉપરાંત લીઝ એગ્રીમેન્ટનો સમય પુરો થતો ફરીથી રીન્યુ કરાવવા માટે પણ મોટી પ્રોસીજર કરવી પડતી હોય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતાઓમાં પોતાનું મહત્વ સાબિત કરવા જોરદાર હરિફાઈ જામી છે

By ENN,
અમદાવાદ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવક્તાઓ વચ્ચે હાલ પોતાનું મહત્વ સાબિત કરવાની છૂપી હોડ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસી પ્રવક્તાઓ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ કોંગ્રેસમાં કુલ છ પ્રવક્તા છે. ચાર નિયમિત કાર્યાલય પર આવે છે. જ્યારે બાકીના બે પ્રવક્તા પ્રસંગોપાત કાર્યાલયની મુલાકાતે આવતાં હોવાનું જાણવા મળ્યું છે. કાર્યાલયનાં સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો હોય કે નહીં, નેતાઓ હોય કે નહીં પરંતુ પ્રવક્તાઓની ભીડ દરરોજ જામેલી જ રહે છે. કોંગ્રેસના પ્રવક્તાઓમાં આ લડાઈ નવા પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની હાલમાં થયેલી નિમણુક બાદ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ કોંગ્રેસી કાર્યકર નથી તેવા આ મીડિયા કો-ઓર્ડિનેટર પ્રવક્તાની પણ કામગીરી કરતાં હોઈ અન્ય પ્રવક્તાઓમાં નારાજગી હોવાનું જણાઈ રહ્યું છે.

હાલમાં જ પ્રવક્તા બનેલા એક અગ્રણી જોકે બધો તાલ શાંતિથી જોઈ રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે, તેઓ હજી આ બાબતો સમજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકારણમાં જેમ વર્ષોથી ખુરશીની લડાઈ ચાલી આવી છે તેમ કોંગ્રેસના પ્રવક્તાઓની ખેંચતાણ પણ દરરોજ ખુરશીથી શરૂ થાય છે. કાર્યાલયમાં પ્રવકતાને અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બે ખુરશી છે જે પહેલા આવે તે ખુરશી પર બેસી જાય અને બાદમાં આવેલા પ્રવક્તાઓએ અનેય સામાન્ય ખુરશીમાં બેસવું પડે છે તેમી નજર તો પેલી બેમાંથી એક ખુરશી ખાલી ક્યારે થાય તેના પર રહે છે. જ્વી ખુરશી ખાલી પડે કે બીજા પ્રવક્તા તેમાં બેસી જાય છે. ઉપરાંત જો બીજાનું ધ્યાન ન હોય તો અન્ય ખુરશી બેઠેલા પ્રવક્તા ધીમેથી સાથી પ્રવક્તાનું ધ્યાન ખેંચતા કહેતા હોય છે કે જલદી બેસી જાય નહીં તો પ્રવક્તાસાહેબ પાછા જમાવી દેશે.

સૂત્રોના કહેવા પ્રમાણે હમણાં થોડા દિવસ પહેલા ચાર પ્રવક્તા એકઠા થઈ જતાં તેઓમાં એવી ચર્ચા થઈ હતી કે હવે ખુરશી નહીં પરંતુ કોમન સોફો મુકવાની જરૂર છે. અખબારોમાં મોકલવામાં આવતી પ્રેસનોટમાં નામ લખવાની બાબતે પણ આ પ્રવક્તાઓમાં હુંસાતુંસી ચાલતી હોવાનું ચર્ચાય છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘણીવાર પ્રેસનોટમાં નામ લખવાની લડાઈ એટલી હદે વ્યાપી જાય છે કે દરેક પ્રવક્તા અલગ-અલગ પ્રેસનોટ બનાવી પોતાનું નામ લખાવે છે. આમ ઘણી વખત અખબારોને એક જ બાબત પર એકથી વધુ પ્રેસનોટ કોંગ્રેસ કાર્યાલય પરથી મોકલવામાં આવે છે. ઘણી વખત મીડિયામાંથી પ્રેસેનોટમાં લખાયેલી વિગત વિશે વધારે પૂછવામાં આવે તો હાજર પ્રવક્તા એવો જવાબ આપે છે કે, ''પ્રેસનોટની નાચે જુઓ કોનું નામ છે? તેને જ ખબર હોય અમને તે બાબતની જાણ નથી.'' ઉપરાંત એવો જવાબ પણ આપે છે કે, ''મને તો હજુ તે પ્રેસનોટ પણ મળી નથી.''

પ્રવક્તાઓ કાર્યાલયમાં નવરાશની પળોમાં એકબીજાને અજ્ઞાન કે બિનઅનુભવી દર્શાવવાની તક પણ ચુકતા નથી. સીધી કે આડકતરી રીતે તેઓ એકબીજા પર વ્યંગ કરતા હોય છે. આ બાબતે કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે, ''નવરાશની પળોમાં ભૂતકાળને વાગોળી કોની સાથે હતા? પોતે કોને કોને મળેલા છે? વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે.'' સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ ભૂતકાળની ઘટના વિશે પૂછે તો હાજર રહેલા પ્રવક્તા તે ઘટનાની માહિતી આપ્યા બાદ અન્ય પ્રવક્તાનું નામ આપીને તેને પુછવાનું પણ કહે છે. '' તમે એમને પણ પૂછો તો ખરા તે કેટલું જાણે છે? તેની તમનેય ખબર પડે.''

નિમણૂક પામેલા પ્રવક્તા ઓછા પડતા હોય તેમ એક મહામંત્રી કક્ષાના કાર્યકર પણ પોતાની જાતને અવારનવાર પ્રવક્તા તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે. મળતી માહિતી પ્રમાણે તેઓ હંમેશાં ટીવીમાં દેખાતા આતુર હોય છે. પરિણામે ઘણા લોકોને તે પ્રવક્તા સુધી પહોંચવા પણ દેતા નથી. તેમના વિશે એક પ્રવક્તાએ કહ્યું કે, ''આ ભાઈને હવે કદાચ ઈલેક્શન લડવા નહીં મળે એટલે પ્રવક્તા બનવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.''

કોંગ્રેસના પ્રવક્તાઓ
1. જયંતીલાલ પરમાર
2. હિમાશું વ્યાસ
3. મનીશ દોશી
4. આશિફા ખાન
5. જયરાજસિંહ પરમાર
6. જયસુખભાઈ શાહ (મીડિયા કો.ઓડિનેટર)

ગાંધીનગરના ખેલૈયાએ નવરાત્રિ માટે બનાવડાવ્યો છે 28 હજારનો ડ્રેસ!

By ENN,
ગાંધીનગર,
નવરાત્રિમાં બે-ઘડી જોતાં જ રહીએ, આંખને ખેંચતા આકર્ષક વસ્ત્રોનું પણ સૌંદર્ય હોય છે. આવા વસ્ત્રો તૈયાર કરવા પાછળ ખૂબ જહેમત લેવાય છે, તે ખર્ચાળ હોય છે. ગાંધીનગરના જાણીતા ખેલૈયા ભાવિન પટેલે, આ વર્ષે નવરાત્રિ માટે 28 હજાર કિંમતનો ખાસ પ્રકારનો ડ્રેસ તૈયાર કર્યો છે. ગયા વર્ષે ભાવિને 12 હજારનો ડ્રેસ પહેર્યો હતો. ગાંધીનગરમાં નવરાત્રિમાં ચાર-પાંચ હજારનો ડ્રેસ પહેરીને ગરબે ઘુમતા સેંકડો ખેલૈયાઓ મળી આવે પણ આટલો મોંઘો ડ્રેસ પહેલીવાર ભાવિન પટેલે તૈયાર કરાવ્યો છે. હવે કેટલાક ખૂબ જ સારા ખેલૈયાઓ દસ-બાર હજારના ડ્રેસ પહેરે છે. સામાન્ય રીતે આવા મોંઘા ડ્રેસીસ છેલ્લા દિવસે મેગાફાઈનલ સ્પર્ધામાં જોવા મળતા હોય છે. પણ નવેદિવસ બે થી પાંચ હજારના ડ્રેસીસ પહેરીને ખેલૈયાઓ ઘમતા હોય છે. પનઘટ સંસ્થાના સંચાલક અને જાણીતા ખેલૈયા ભાવિન પટેલ આટલો મોંઘો ડ્રેસ બનાવનાર ગાંધીનગરના પહેલા ખેલૈયા હશે. તેઓ કહે છે કે, ગયા વર્ષે 12 હજારનો ડ્રેસ હતો આ વર્ષે ઓરીજનલ કચ્છી મટીરીયલથી નવો ડ્રેસ બનાવડાવ્યો છે. મૂળ કન્સેપ્ટ મારો છે. તેની ડીઝાઈનમાં અમદાવાદના ડીઝાઈનરની મદદ લીધી છે. કચ્છનું ભરત છે. કચ્છના પેચીસ છે. કચ્છી ભરત મોંઘુ હોય છે. કુલ પાંચ વસ્ત્રો હોય છે. પગે પહેરવાનો ચોઈણો, તેના ઉપર પહેરવાનું અંગરખું, ઉપરના ભાગે પહેરવાનું કેડીયું અને માથાના ભાગે પાઘડી. આખા ડ્રેસનું વજન છે 15 કિલો. આમ તો આટલા વજનદાર ડ્રેસ પહેરીને ઘુમવામાં પણ થોડી મુશ્કેલી પડે છે. કારણ કે, આ વજનદાર ડ્રેસ ઉપર વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ આવે છે. ડાર્ક બ્લુ કેડીયું છે. અને લાલ અંગરખું છે. એકદમ ઘેરી પીળા રંગનું ભરત છે. આ ડ્રેસમાં યાગ્ય પ્રકારના પેચીસ ગોઠવવા અઘરુ કામ છે. તેમાં ખાસ્સો સમય લાગે છે. ઓરીજનલ કચ્છી ભરતના પેચીસ મોઘા પડે છે. આખા વસ્ત્રમાં પેચીસની કિંમત વધુ છે તે એક સરખા રંગના મળવા મુશ્કેલ છે. સાદા ભરતના ડ્રેસીઝની કિંમત ખૂબ નથી હોતી. પણ ખાસ પ્રકારે કરાવાતા કચ્છી ભરતની કિંમત ઉંચી જાય છે.
ભાવિન કહે છે કે, યુવતીઓ માટેના વણકેટલાક ભારે ડ્રેસીઝ તેની કિંમત ચાર-પાંચ હજાર થવા જોઈએ . ગયા વર્ષે કલ્ચરલ ફોરમની ફાઈનલમાં 25 ખેલૈયાઓ એવા હતા, જેમણે મોઘા ડ્રેસ પહેર્યા હતા. તેમાંથી 15 ખેલૈયા તો ગાંધીનગરના હતા. ભાવિન પટેલ છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તેમનો શોખ પણ છે. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારથી ગરબે ઘુમે છે. આ શોખ પિતા પાસેથી વારસામાં મળ્યો છે.