Friday, September 18, 2009

ગુજરાતી ફિલ્મોમાં ગીતા દત્ત, લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર સહિતનાએ યાદગાર ગરબા ગુંજાવ્યા છે
નીતિન મૂકેશ, સુરેશ વાડકર, સોનૂ નિગમ, રૂપકુમાર રાઠોડ, સાધના સરગમે પણ ઓડિયો આલ્બમોમાં ગરબાની રમઝટ બોલાવી છે 'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે... એની તાલી પડે છે ત્રિલોકમાં રે....'

By ENN,
હો રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જો.... આ ગરબો ગુજરાતીઓની જીભે ન હોય એવું ન બને. મીઠો મધુરો લાગતો આ ગરબો કોણે ગાયો હશે? ગૅસ કરો.... મેળ પડી ગયો ? ન પડ્યો હોય તો જાણી લ્યો કે 1976માં બનેલી ગુજરાતી ફિલ્મ 'ભાદર તારા વહેતા પાણી'માં મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે આ ગરબો ગાયો છે! ગુજરાતના ગરબા અત્યારે વિદેશોમાં ગૂંજે છે તેમાં આવા દિગ્ગજ ગાયકોના મોટો ફાળો છે અને આ ગાયકોને ગરબા ગાતા કરનાર સંગીતકાર અવિનાશ વ્યાસનો તો સિંહ, વાઘ, હાથી ફાળો છે!

જે સમયે ગુજરાતી ફિલ્મોના સિતારા ચમકવા શરૂ થયા હતા એ સમયે 1949માં ગુજરાતી ફિલ્મ આવેલી 'મંગળફેરા'. એમાં ગીતા દત્તે 'તાલીઓના તાલે' ગરબો ગાઈને ભારે લોકપ્રિય.તા મેળવી હતી. એ પછી પણ ગીતા દત્તે ઘણાં ગરબા ગાયા. 1948ની ફિલ્મ 'ગુણ સુંદરી'માં 'આજ મારી નણંદીએ...', 'જી રે ભવાની મા...' ગીતા દત્ત એ સમયે દત્ત નહોતા ત્યારે ગીતા રૉયના નામથી એ ગરબા ગાતા! વિશ્વંભરી સ્તુતિ, આરતી અને ગરબામાં અત્યારે જેનું મોટું નામ છે તેવા પ્રફુલ્લ દવેએ આશા ભોંસલે સાથે ગુજરાતી ફિલ્મ 'અમરસિંઘ' માં ગાયેલો ગરબો 'રંગ લાગ્યો ચૂનરીએ....' ઉપર શોખીનો આજેય ઝૂમી ઉઠે છે.

ગણપતિની સ્તુતિ અને હવે હનુમાન ચાલીસા ગાનાર ભારત રત્ન ગાયિકા લત્તા મંગેશકરે પણ ગુજરાતી ગરબા લહેકા સાથે ગાયા છે. લત્તાજીએ મહંમદ રફી સાથે 1960ની ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' માં ગરબા ઢાળનું ગીત ગાયેલું 'નયન ચકચૂર છે'.... આ ગીત પણ એટલું જ લોકજીભે ચડી ગયેલું. હિન્દી સીનેજગતમાં જેનો ડંકો વાગતો, વાગે છે તેવા ગાયિકા આશા ભોંસલેએ સૌથી વધારે ગુજરાતી ગરબા ગાયા છે. 'ગુલાલ વહુ ગરબે રમવા જાઈએ..', 'સોના વાટકડી રે...', 'હે રંગલો જામ્યો..', 'ઘોર અંધારી રે, રાતલડીમાં....' આશા ભોંસલેની જેમ ઉષા મંગેશકરે પણ ગુજરાતી ગરબા ઘણા ગાયા છે. પણ તેની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. એવું જ સુમન કલ્યાણપુરના કિસ્સામાં થયું છે. એમણે પણ ઘણાં ગુજરાતી ગરબા લલકાર્યા છે પણ ગરબો સાંભળીને કોઈ યાદ નથી કરતું કે, આ ગરબો સુમન કલ્યાણપુરે ગાયો છે!

'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે...' આ ગરબો 'મહેંદી રંગ લાગ્યો' માં ઉષા મંગેશકરે ગાયો છે. 'ખમ્મા મારા વીરા' ફિલ્મમાં 'પૂનમની પ્યારી રાત....' ગરબો પણ ઉષાએ જ ગાયો છે. જો કે તેમની સાથે કેશવ રાઠોડે પણ સ્વર આપ્યો છે. જ્યારે જ્યારે શરદ પૂનમના ગરબા ગવાય ત્યારે પહેલાં 'પૂનમની પ્યારી રાત....' પહેલાં ગવાય છે. સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરનો ગરબો 'ઝૂલણ મોરલી વાગી રે....' છેક 1975થી ગવાતો આવે છે. માંડલિક ફિલ્મમાં આ ગરબો ગવાયો હતો.

અત્યારની વાત કરીએ તો સુરેશ વાડકર, નિતીન મુકેશ, સોનૂનિગમ, રૂપકુમાર રાઠોડ, શાન, શંકર મહાદેવન જેવા ગાયકોના ઓડિયો આલ્બમ માર્કેટમાં ઘૂમ મચાવે છે. અલબત. પહેલાનાં જે પ્રાચીન ઢાળ અને સયના ગરબા હતા એવા હવેના આલ્બમમાં સાંભળવા મળતા નથી. ફિલ્મી ટ્યૂન પરના રિમીક્સ ગરબાનો ટ્રેન્ડ વધારે છે. પણ મૂળ ઢાળ જેવી મીઠાસ એમાં નથી. ગુજરાતી ગરબા મુળ ઢોળવાળા ગરબાને તાલી ગરબાને હાઈટ આપી સંગીતકાર અવિનાશ વ્યાસે. એમણે પાંચ દાયકા પહેલાં કંપોઝ કરેલા ગરબા આજે પણ ગવાય છે, સંભળાય છે.

No comments:

Post a Comment