ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતાઓમાં પોતાનું મહત્વ સાબિત કરવા જોરદાર હરિફાઈ જામી છે
By ENN,
અમદાવાદ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવક્તાઓ વચ્ચે હાલ પોતાનું મહત્વ સાબિત કરવાની છૂપી હોડ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસી પ્રવક્તાઓ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ કોંગ્રેસમાં કુલ છ પ્રવક્તા છે. ચાર નિયમિત કાર્યાલય પર આવે છે. જ્યારે બાકીના બે પ્રવક્તા પ્રસંગોપાત કાર્યાલયની મુલાકાતે આવતાં હોવાનું જાણવા મળ્યું છે. કાર્યાલયનાં સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો હોય કે નહીં, નેતાઓ હોય કે નહીં પરંતુ પ્રવક્તાઓની ભીડ દરરોજ જામેલી જ રહે છે. કોંગ્રેસના પ્રવક્તાઓમાં આ લડાઈ નવા પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની હાલમાં થયેલી નિમણુક બાદ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ કોંગ્રેસી કાર્યકર નથી તેવા આ મીડિયા કો-ઓર્ડિનેટર પ્રવક્તાની પણ કામગીરી કરતાં હોઈ અન્ય પ્રવક્તાઓમાં નારાજગી હોવાનું જણાઈ રહ્યું છે.
હાલમાં જ પ્રવક્તા બનેલા એક અગ્રણી જોકે બધો તાલ શાંતિથી જોઈ રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે, તેઓ હજી આ બાબતો સમજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકારણમાં જેમ વર્ષોથી ખુરશીની લડાઈ ચાલી આવી છે તેમ કોંગ્રેસના પ્રવક્તાઓની ખેંચતાણ પણ દરરોજ ખુરશીથી શરૂ થાય છે. કાર્યાલયમાં પ્રવકતાને અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બે ખુરશી છે જે પહેલા આવે તે ખુરશી પર બેસી જાય અને બાદમાં આવેલા પ્રવક્તાઓએ અનેય સામાન્ય ખુરશીમાં બેસવું પડે છે તેમી નજર તો પેલી બેમાંથી એક ખુરશી ખાલી ક્યારે થાય તેના પર રહે છે. જ્વી ખુરશી ખાલી પડે કે બીજા પ્રવક્તા તેમાં બેસી જાય છે. ઉપરાંત જો બીજાનું ધ્યાન ન હોય તો અન્ય ખુરશી બેઠેલા પ્રવક્તા ધીમેથી સાથી પ્રવક્તાનું ધ્યાન ખેંચતા કહેતા હોય છે કે જલદી બેસી જાય નહીં તો પ્રવક્તાસાહેબ પાછા જમાવી દેશે.
સૂત્રોના કહેવા પ્રમાણે હમણાં થોડા દિવસ પહેલા ચાર પ્રવક્તા એકઠા થઈ જતાં તેઓમાં એવી ચર્ચા થઈ હતી કે હવે ખુરશી નહીં પરંતુ કોમન સોફો મુકવાની જરૂર છે. અખબારોમાં મોકલવામાં આવતી પ્રેસનોટમાં નામ લખવાની બાબતે પણ આ પ્રવક્તાઓમાં હુંસાતુંસી ચાલતી હોવાનું ચર્ચાય છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘણીવાર પ્રેસનોટમાં નામ લખવાની લડાઈ એટલી હદે વ્યાપી જાય છે કે દરેક પ્રવક્તા અલગ-અલગ પ્રેસનોટ બનાવી પોતાનું નામ લખાવે છે. આમ ઘણી વખત અખબારોને એક જ બાબત પર એકથી વધુ પ્રેસનોટ કોંગ્રેસ કાર્યાલય પરથી મોકલવામાં આવે છે. ઘણી વખત મીડિયામાંથી પ્રેસેનોટમાં લખાયેલી વિગત વિશે વધારે પૂછવામાં આવે તો હાજર પ્રવક્તા એવો જવાબ આપે છે કે, ''પ્રેસનોટની નાચે જુઓ કોનું નામ છે? તેને જ ખબર હોય અમને તે બાબતની જાણ નથી.'' ઉપરાંત એવો જવાબ પણ આપે છે કે, ''મને તો હજુ તે પ્રેસનોટ પણ મળી નથી.''
પ્રવક્તાઓ કાર્યાલયમાં નવરાશની પળોમાં એકબીજાને અજ્ઞાન કે બિનઅનુભવી દર્શાવવાની તક પણ ચુકતા નથી. સીધી કે આડકતરી રીતે તેઓ એકબીજા પર વ્યંગ કરતા હોય છે. આ બાબતે કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે, ''નવરાશની પળોમાં ભૂતકાળને વાગોળી કોની સાથે હતા? પોતે કોને કોને મળેલા છે? વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે.'' સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ ભૂતકાળની ઘટના વિશે પૂછે તો હાજર રહેલા પ્રવક્તા તે ઘટનાની માહિતી આપ્યા બાદ અન્ય પ્રવક્તાનું નામ આપીને તેને પુછવાનું પણ કહે છે. '' તમે એમને પણ પૂછો તો ખરા તે કેટલું જાણે છે? તેની તમનેય ખબર પડે.''
નિમણૂક પામેલા પ્રવક્તા ઓછા પડતા હોય તેમ એક મહામંત્રી કક્ષાના કાર્યકર પણ પોતાની જાતને અવારનવાર પ્રવક્તા તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે. મળતી માહિતી પ્રમાણે તેઓ હંમેશાં ટીવીમાં દેખાતા આતુર હોય છે. પરિણામે ઘણા લોકોને તે પ્રવક્તા સુધી પહોંચવા પણ દેતા નથી. તેમના વિશે એક પ્રવક્તાએ કહ્યું કે, ''આ ભાઈને હવે કદાચ ઈલેક્શન લડવા નહીં મળે એટલે પ્રવક્તા બનવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.''
કોંગ્રેસના પ્રવક્તાઓ
1. જયંતીલાલ પરમાર
2. હિમાશું વ્યાસ
3. મનીશ દોશી
4. આશિફા ખાન
5. જયરાજસિંહ પરમાર
6. જયસુખભાઈ શાહ (મીડિયા કો.ઓડિનેટર)
Friday, September 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment