Friday, September 18, 2009

વાયબ્રન્ટ નવરાત્રિ 2009 એક અબજનો બિઝનેસ
અમદાવાદમાં ધમધોકાર તૈયારીઃ આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવાયાઃ ઢોલી તારો ઢોલ ગીતની રમઝટ જામશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાતને આતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન રાજય બનાવવા માટે સરકાર વાયબ્રન્ટ નવરાત્રિનો મહોત્સવ યોજે છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી નવરાત્રિને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે પ્રમોટ કરીને સરકાર પ્રવાસનને ઉતેજન આપી રહી છે. કૃષિ અને બાંધકામક્ષેત્ર જે રોજગારી આપે છે. તેનાથી અનેક ઘણી રોજગારી પ્રવાસનક્ષેત્ર આપે છે.

નવરાત્રિ જેવા આતિથ્ય ઉદ્યોગને ઔધોગિક એકમો સાથે સાંકળવાની તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આ મહોત્સવને અંકે કરી લેવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન નિગમે ભારે કવાયત હાથ ધરી છે.ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સેસાયટી (GINFS)નો સાથ સહયોગ લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2009ની તૈયારીઓ ધમધમાટ શરુ કરી દીધી છે. આ મહોત્સવ પાછળ રૂ.12 કરોડ઼નો ખર્ચ થશે જ્યારે વિવિધ સેક્ટરને રૂ.100 કરોડ઼નો બિઝનેસ થવાની ધારણા છે.

પ્રવાસન નિગમના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુ કે, આ મહોત્સવનું તમામ આયોજન રાજ્ય સરકાર હસ્તક છે. જો કે આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવામાં આવ્યાં છે. GINFSએ આ મહોત્સવ માટે નાણાકીય સહાય કરી છે. ગત વર્ષે નવરાત્રિ મહોત્સવ પાછળ રૂ.10 કરોડ઼નો ખર્ચ થયો હતો આ વર્ષે તેમાં વધારો થાય તેમ છે અને ખર્ચનો અંદાજ 12 કરોડ઼ મુકવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં કોઈ કચ્ચાસ બાકી રાખવામાં આવશે નહીં. આ વખતે નવી થીમ 'શક્તિની સપ્તધારા' ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જે અનુસાર અંબાજી, બહુચરાજી, ચોટીલા અને પાવાગઢ જેવી શક્તિપીઠની પ્રતિકૃતિ મુકવામાં આવશે. એટલું જ નહીં કૃષ્ણની દ્વારકા, રણછોડજીનું ડાકોર અને વિષ્ણુ અવતારનું શામળાજી તેમજ સોમનાથ અને નાગેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ પણ વિવિધ થીમ સ્વરૂપે મહોત્સવમાં રજૂ કરાશે. આ ઉપરાંત ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારાને પણ અંકે કરવાનું આયોજન છે. અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતાં આ રળિયામણા ગિરિમથકને કઈ રીતે વિકસાવવામાં આવશે તેનું મોડલ આ મહોત્સવમાં મુકવામાં આવશે. નવરાત્રિ મહોત્સવ-2009 ના ઉદ્-ઘાટન કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મણિપુર, મથુરા, ગોવા સહિતના વિવિધ રાજ્યોમાં 700થી વધુ કલાકારો ગરબા અને ઓડીસી, કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથકલી જેવા પરંપરાગત નૃત્ય દ્વારા શક્તિ આરાધના કરશે. આ ઉપરાંત ગોવાનું સમસી નૃત્ય પણ રજૂ થશે જાણીતી હિન્દી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' ના ખૂબ જાણીતા ગીત 'ઢોલી તારો ઢોલ વાગે' ના કોરિયોગ્રાફર સમીર તન્નાની કોરિયોગ્રાફી હેઠળ ગરબા અને દેશના પારંપરિક નૃત્યોને સાંકળી લેતો ફ્યુઝન કાર્યક્રમ યોજાશે.

No comments:

Post a Comment