Wednesday, October 14, 2009

દિવાળી અને વાસ્તુશાસ્ત્ર

By ENN,
ઘરની સફાઈ:
દિવાળી પર શ્રી ગણેશજી, લક્ષ્મીજી તેમજ ધન કુબેરને પૂજન દ્વારા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેથી બધા લોકો દિવાળી પહેલા જ ઘરમાં સાફ સફાઈ, ઘર ધોવું, રંગ રોગાણ વગેરેની શરૂઆત કરી દે છે જેના લીધે ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય અને ઘરમાં ખુશીઓની લહેર પ્રસરી જાય. તેથી મકાનમાં સીડીઓની ઉપર, માળિયાઓ પર અને ધાબા પર જે તુટેલો સામાન પડ્યો હોય તેને કાઢીને ફેંકવામાં આપણી ભલાઈ છે.

પૂજાનું સ્થળ:
ઘરના બધા જ સભ્યો સાથે બેસીને દિવાળીની પૂજા કરે છે. આવામાં આપણે પુર્વ નિર્ધારિત પૂજા સ્થળની સામે તેમજ આસપાસની જગ્યામાં બેસીને પૂજા કરીએ છીએ અને લોબીમાં ખુલ્લી જગ્યા હોય તો તેનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ પ્રયત્ન કરવો કે પૂજા વખતે ઘરના બધા જ સભ્યોનું મુખ પુર્વ તરફ હોય. બીજુ કે પૂજાના સ્થળની સાફ સફાઈ કરીને જ પૂજા કરવા માટે બેસવું. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતાં દિવાને ફટાકડા ફોડવા માટે ઉપયોગમાં ન લેવા. પૂજાના સ્થળની સામે અને તેની સાથે લાગતો કોઈ પણ ટોયલેટનો દરવાનો ન હોવો જોઈએ. સીડીની નીચે કે કોઈ સ્ટોર રૂમને દિવાળીની પૂજા કરવા માટે ઉપયોગમાં ન લેવી જોઈએ.

સજાવટ:
જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો પ્રયોગ ઉત્તર, પૂર્વ તેમજ પૂર્વોત્તરની બાલ્કનીમાં કરી શકાય. નેચરલ બલ્બનો પ્રકાશ દરેક દિશામાં ઉત્તમ છે.
ઉપહારનું મહત્વ:દિવાળી પર એકબીજાને ભેટ અને ઉપહાર અપવાનો રિવાજ પણ પોતાનું એક મહત્વ ધરાવે છે. જ્યારે વાત આવે છે ગીફ્ટ આપવાની તો વાસ્તુ અને ફેંગશુઈમાં ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે જેને તમે ઉપહાર સ્વરૂપ પ્રયોગમાં લાવી શકો છો. આમાંથી નીચે આપેલ વસ્તુઓ ખાસ છે જેવી કે, - ક્રિસ્ટલ, પિત્તળ, માટી, ટેરાકોટા વગેરેથી બનેલ શુભચિન્હો જેવા કે ઓમ, સ્વસ્તિક, શ્રી ગણેશ, મંગળ કલશ, લાફિંગ બુદ્ધા, હેપ્પી મેન, વિંડચાઈમ, લાલ દોરામાં બાંધેલ ત્રણ ચાઈનીઝ સિક્કાઓ, ક્રિસ્ટલ બોલ આ બધી જ વસ્તુઓ તે વાતની પણ સાબિતી રાખે છે કે ભેટ આપનાર વ્યક્તિ ખરેખર તમારૂ કલ્યાણ ઈચ્છે છે. તે તમારો શુભ ચિંતક છે અને સાથે સાથે આ ભેટનું સૌથી સારૂ પાસુ તે પણ છે કે આ લાંબા સમય સુધી પ્રયોગમાં લાવી શકાય છે.

મન મસ્તિષ્કમાં લાવો શુદ્ધતા:
જે રીતે દિવાળીમાં ઘરમાંથી ગંદકીને દૂર કરવામાં આવે છે તેવી જ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણા મનમાં ભરેલી અશુદ્ધિઓ અને ગંદકીને દૂર કરી દઈએ. જેવી રીતે કોઈ શત્રુતાની ભાવના, વેર, ગુસ્સો, ખોટા વિચારો, વ્યસન, જુની દુશ્મની વગેરે કેમ કે, વાસ્તુશાસ્ત્રની શબ્દાવલીમાં ઈશાન ખુણાને વાસ્તુ પુરૂષના માથાને સમાન માનવામાં આવે છે. વાસ્તુમાં સૌથી વધારે બળ પુર્વોત્તરના ઈશાન ખુણો એટલે કે માથામાં જ બુરાઈ ભરી હોય તો વાસ્તુનો લાભ કેવી રીતે થાય? તેથી બધી જ સામાજીક બુરાઈઓનો ત્યાગ કરીને એક સુંદર અને સાફ દિવાળીને ઉજવવી અને પરિવાર સહિત ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી.

નરેન્દ્ર મોદીએ ટિફિન બેઠક શરૂ કરી

By ENN,
ગાંધીનગર ,
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ માટે ટિફિન બેઠક શરૂ કરી છે. જેમાં પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં મોદીએ પોતાના મતવિસ્તાર મણિનગરના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. કાર્યક્રમમાં મોદી ખુદ ભાખરી-શાક લઇને આવ્યા હતા. મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસેથી પરત આવ્યા બાદ મોદીએ ગાંધીનગરમાં રવિવારે મોડી સાંજે રાત્રીભોજ રાખ્યું હતું જેમાં ૧૦૦ જેટલા કાર્યકર્તા ટિફિન લઇને આવ્યા હતા. તેઓએ સરકારની યોજનાઓ તેમજ વિકાસના મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને પ્રજાની વચ્ચે રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમના પડતર પ્રશ્નોમાં આપણે ભાગીદાર બનવું જોઇએ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ સુરેન્દ્ર પટેલ, પ્રવકતા આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા.

Monday, October 12, 2009

દિવાળીમાં લક્ષ્મી તેમજ સમૃદ્ધિ પ્રાપ્તિ માટે વિશેષ ઉપાય

By ENN,
દિવાળીના દિવસે લક્ષ્મી તેમજ સમૃદ્ધિ મેળવવા માટે નીચે લખેલ વિશેષ ઉપાય કરી શકાય છે.
પ્રચૂર માત્રામાં ધનાગમન હેતુઃ દિવાળીથી પહેલાં ધનતેરસના દિવસે લાલ વસ્ત્ર પર ધાતુથી બનેલ કુબેર તેમજ લક્ષ્મી યંત્રને પ્રતિષ્ઠિત કરીને તેની લાલ ફૂલ, અષ્ટગંધ, દાડમ, કમળગઠ્ઠા, કમળના ફૂલ, સિંદૂર, વગેરેથી પૂજા કરવી જોઈએ, પછી કમળગઠ્ઠાની માળા પર કુબેરના મંત્રનો જપ કરવો તથા માળાને ગળામાં ધારણ કરી લેવી.

મંત્રઃ દિવાળીના ક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતે, ધન-ધાન્ય સમૃદ્ધિમ્ મે દેહિ દાપય સ્વાહા.

ધન સંગ્રહ હેતુઃ દિવસે સવારે સ્નાનાદિ કરીને મા ભગવતીના શ્રી સુક્તના પાઠ કરવા. લક્ષ્મીજીની મૂર્તિને લાલ દાડમના દાણાનો ભોગ ધરાવવો, અને આરતી કરવી. ઘરની ઉતર દિશાની તરફથી પ્રસ્થાન કરીને બિલીનો છોડ ઘરમાં લાવવો અને તેને લક્ષ્મી સુક્ત વાંચતા વાંચતા ઘરની ઉતર દિશામાં કોઈ જમીનમાં લગાવવો, પછી દરરોજ સાંજે ત્યાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો.

કર્જ મુક્તિ માટેઃ જમણી સૂંઢના ગણેશજીની ઉપાસના કરવી, તથા ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોતનો પાઠ કરવો. જમણી સૂંઢના ગણપતિની મૂર્તિની સાથે ગણપતિ યંત્રને પણ સ્થાપિત કરો. આ યંત્રને જમણી તરફ કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જપ પછી હવન, તર્પણ, માર્જન વગેરે કરવું જરૂરી છે.

વ્યાપારમાં ધનવૃદ્ધિ માટેઃ શાલિગ્રામને સફેદ કમળ તેમજ લક્ષ્મી યંત્રને લાલ કમળના ફૂલ પર સ્થાપિત કરીને પુરુષ સુક્ત તથા લક્ષ્મી સુક્તને સંપુષ્તિ કરીને પાઠ કરવો.

મંત્રઃ ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠા લક્ષ્મીં નાશયામ્યહમ્।
અભૂતિમ સમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ મે ગૃહાત્।।

નીચે લખેલા કોઈ એક મંત્રનો જપ કમળગઠ્ઠા, સ્ફટિક કે લાલ ચંદનની માળા પર કરવો શ્રેષ્ઠ છે. દરરોજ 1 માળા જપ ''લક્ષ્મી દોષ'' ને હંમેશાં માટે દૂર કરવા માટે સક્ષમ છે.

1. શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
2. શ્રી શ્રી લલિતા મહાત્રિપુરસુન્દર્યૈ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ
3. શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હીં શ્રીં H મહાલક્ષ્મ્યૈ નમઃ
4. મહાલક્ષ્મ્યૈ ચ વિધીહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ તન્તો લક્ષ્મી પ્રચોદયાત્
5. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ ।।

વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત બનાવાશે-જયનારાયણ વ્યાસ

By ENN,
અમદાવાદ,
આરોગ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસે અમદાવાદમાં દેશની અગ્રણી બેંકોના ગુજરાતના અગ્રણીઓ સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને પોતાના આત્મબળે વિવિધ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠા અને સમૃધ્ધિ પ્રાપ્ત કરી છે એટલું જ નહિ તેઓ ગુજરાત માટે યોગદાન આપવા હંમેશા તત્પર હોય છે આવા અનેક બિન નિવાસી ગુજરાતીઓ-ભારતીયોએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે પોતાની વિશિષ્ટ પ્રતિભાનો લાભ અને નાણાંકીય મદદ કરી છે. ત્યારે બિન નિવાસી ગુજરાતી-ભારતીય પ્રતિભાઓનું બહુમાન કરવા અને તેમની પ્રતિભાનો લાભ ગુજરાતને વધુમાં વધુ મળે તે માટે ગુજરાત સરકાર ખૂબ જ આતુર છે અને આ દિશામાં રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા દ્વારા ફળદાયી પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બિન નિવાસી ભારતીયો સાથેનો નાતો વધુ ગાઢ અને જીવંત રાખવા માંગે છે. તેમાં બેંકો મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે.

પ્રવાસન ક્ષેત્રે 14 ટ્રીલીયન યુ.એસ.ડોલરના ધંધાની સંભાવનાનો ઉલ્લેખ કરી આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્થકેર ટુરીઝમ ટુરીઝમ અને યાત્રાધામ પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ શક્યતા રહેલી છે અને આ ક્ષેત્રે ગુજરાત આવતા દિવસોમાં દેશના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રસ્થાપિત થશે. આરોગ્ય મંત્રી શ્રીએ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે સાધેલી અનેક વિધ સિધ્ધીઓની વિગતો પણ બેંક અગ્રણીઓ સમક્ષ રજૂ કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ બિન નિવાસી ગુજરાતી-ભારતીયોનો ગુજરાત સાથેનો નાતો વધુ ગાઢ જીવંત બનાવવા અને તેમની ક્ષમતાનો લાભ ગુજરાતને વધુને વધુ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે બેંકોનો મહત્તમ સહયોગ મેળવવા અંગે સૂચનો મેળવી સહભાગી બનાવ વિમંતી કરી હતી. દેશની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકોના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કોપોરેશન બેંક, એકસીઝ બેંક, આઈ.સી.આઈસી.આઈ. બેંક, એચ.ડી.એફ.સી. બેંક, કોટક મહેન્દ્રા, આઈ.ડી.બી.આઈ., ફેડરલ બેંક સહિતની તમામ અગ્રણી બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ અને કુટિર ઉદ્યોગ એટલે શિવકાશીના ફટાકડા

By ENN,
શિવકાશી તમિળનાડુના રામનાથપુર જિલ્લાનું એક નગર છે. આજ જિલ્લામાં યાત્રાધામનો ટાપુ રામેશ્વર આવેલો છે. એક કાળે બે નગરી ઉદ્યૌગીકરણને કારણે ''મિની જાપાન'' કહેવાતા. એક હતુ થાણા જિલ્લાનું કલ્યાણ અને બીજું શિવકાશી.

શિવકાશી હિન્દ કદાચ એકમાત્ર નગર છે ત્યાં ભિક્ષુકો નથી ત્યાં રહેનારા સૌ કોઈને કંઈક ઉપજાવ કામગીરી મળી જ રહે છે. અહીં હજારોના ગુણાંકમાં ગૃહ અને કુટીર ઉદ્યોગો ચાલે છે. ફટાકડા અને મુદ્રણ ઉપરાંત દીવાસળી, મીણબતી, અગરબતી,ક મુદ્રણમાં હજારોને રોજી તેમજ દારૂખાના અને દીવાસળીમાં લાખો લોકો રોજીમાં જોડાયેલા છે. નગરની વસતિ કરતા ત્રણથી ચારગણી રોજગારી ચાલે છે. શિવકાશીમાં લગભગ તમામ ઘરમાં કારખાનામાં એક ખાસ પધ્ધતિઓ કાપ ચાલે છે. મોટી ફેક્ટરીઓની ડિલીવરી વાન સવારમાં આવે છે. કાચો માલ આપી જાય છે. સાંજે ડિલીવરીવાન તૈયાર માલ લઈ જાય છે. માલ મુજબ મૂલ્ય તરત જ ચુકવી દેવાય છે. આટલો રોકડિયો વહેવાર અન્યત્ર કયાંય નથી ઘરોમાં વૃદ્ધજનો, ગૃહિણીઓ અને બાળકો સહિત અવકાશ મુજબ અને શક્તિ અનુસાર કામ કરી લે છે જેની કમાણી સાંજે દેખાઈ જાય છે.

દેશને 70 ટકા દીવાસળી શિવકાશી અને તેની પાડોશમાંથી મળે છે. દીવાસળી બનાવવામાં જવલનશીલ પદાર્થની જરૂર પડે એવી સામ્રગીની સુપ્રાપ્તિને કારણે શિવકાશીના સાહસવીરોએ દારૂખાનું બનાવવામાં ઝુકાવ્યું. બપોરિયા અને લવિંગિયાથી શરૂ થયેલી શિવકાશીની દારૂયાત્રા આજે એ તબક્કે પહોંચી છે કે દેશનું પરવાના યુક્ત દારૂખાનું લગભગ 90 ટકા શિવકાશી આપે છે. પરવાના વગર પેદા કરવામાં આવતાં ગેરકાયદે દારૂખાના પર છાપ શિવકાશીની લગાડાય છે. અગાઉ માત્ર હિન્દુઓ દિવાળી સમયમાં દારૂખાનું ફોડતા, પણ હવે તમામ કોમોના લોકો વાર તહેવારે દારૂખાનું ફોડતા થઈ ગયા છે. દિવાળી સિવાયના અન્ય ઉત્સવો ઉપરાંત લગ્ન, ચુંટણી વિજય, ક્રિકેટ વિજય, વગેરે પ્રસંગોએ લાખો કરોડોનું દારૂખાનું ફોડવાનાં બહાના પુરા પાડે છે.

અમદાવાદ રામોલ, વટવા, વસ્ત્રાલ અને પીરાણામાં કેટલાય લાયસન્સ વગરના ફટાકડા બનાવવાના કારખાના આવેલા છે. આ કારખાનામાં બાળમજુર કામ કરે છે. જેમાં 555 બોંબ, સુતળી, મીરચી બોંબ, અને વધુ પ્રમાણમાં કોઠી બનાવવામાં આવે છે. સ્થાનિક લોકો ફટાકડા વર્ષમાં બે વાર બનાવે છે. એક દિવાળી પહેલા એક માસથી ફટાકડા બનાવવાનું શરૂ થાય છે. અને બીજા વૈશાખ મહિનામાં એટલે કે લગ્નગાળામાં કોઠીનું ચલણ વધી જાય છે.

અવાજ વગરના ફટાકડા હોટ ફેવરીટ
પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં ફટાકડાનું અનોખું મહત્વ હોય છે. અમદાવાદીઓ લાખો રૂપિયાનું દારૂખાનું ફોડી નાખે છે. આજે ફિલ્મી નામના ફટાકડા ધૂમ મચાવે છે. સાબરમતીના સીઝનેબલ વેપારી રાજુ હરેશભાઈ ભાવસારે જણાવ્યું કે, અગાઉ જોરદાર અવાજવાળા ફટાકડા પસંદ કરતાં હતા. પણ હવે લોકો ફેન્સીયલ ફટાકડા વધુ પસંદ કરે છે. આ વર્ષે મર્ડર બોંબ, જસ્સી જૈસા કોઈ નહીં, લક્ષ્ય, મેં હુ ના, મીકીમેન કોઠી વધુ માંગ વધી છે. રાજુ ભાવસારે જણાવ્યું કે, આકાશમાં થતાં સાંઘાઈ વાઈન્ડર જેવા ફટાકડા વધુ પ્રિય છે. જે 24 થી 25 વખત આતીશબાજી 20 મિનિટ સુધી ચાલે છે. જેની અંદાજિત કિંમત 1100થી 1200 રૂપિયાની હોય છે.

બાળ મજૂરોના હાથે તૈયાર થતાં ફટાકડા
નવા વર્ષને વધાવવા માટે ફટાકડા ફોડવાનો રીવાજ આપણે ત્યાં છે. ફેન્સી ફટાકડા આખા દેશમાં શિવકાશી જ પૂરા પાડે છે. ત્યાં મજૂરી અને કાચો માલ ખૂબ જ સસ્તામાં મળી રહે છે. શિવકાશીમાં કેલેન્ડર, ડાયરી જેમ ફટાકડાનો પણ મોટો ઉદ્યોગ ચાલે છે. ગુજરાતમાં પણ ઠેરઠેર ખેતરોમાં દેશી ફટાકડા બનાવવામાં કારખાના છે. પણ આ વખતે ગોધરા કાંડ થયા કારખાના જાહેરમાં થયા નથી પણ ખાનગીમાં કયારનાય શરૂ થઈ ગયા છે. દેશી ફટાકડા બનાવવામાં અમદાવાદ મોખરે છે. આ ફટાકડા બનાવવામાં બાળ મજુરોનો ઉપયોગ સૌથી વધુ થાય છે. ફટાકડામાં વપરાંતા કાચા માલ સામાનનું ઉત્પાદન મદ્ધાસમાં થાય છે. આ ફટાકડાના કાચા સામાનમાં એલ્યુમિનિયમ પાવડર, બેરીયમ નાઈટ્રાઈડ, સલ્ફર અને સુતળી બોંબમાં સુતળી લપેટવામાં આવે છે. અગાઉના આ ફટાકડામાં પોટેશીયમ ફલોરાઈડ વપરાતું હતું પરંતુ આજે તેના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેના ઉપયોગથી ફટાકડામાં અવાજ તીવ્રતા વધે છે. અમદાવાદમાં માટીની કોઠી છેક વૈશાખ મહિનામાં લગ્નની સીઝનથી શરૂ થઈ જાય છે. જે વરસાદમાં નકામી બની જાય છે જ્યારે શીવકાશીથી આવતી કોઠી પુઠા કે કણવવાથી કાચો માલ નાખવામાં આવે છે. જેના લીધે ફુલના તણખા મોટા થાય છે. આ કાચોને કોઠીમાં પથ્થરથી દબાવીને ફીટ કરવામાં આવતી હોવાથી દબાણ થતાં ઉંચે સુધી આ કાચો ઉડે છે. આ કોઠિમાં વપરાતો સુરોખાર સોના-ચાદીના ઘરેણા ધોવામાં ઉપયોગમાં લેવાય છે અમદાવાદમાં દિવાળીમાં દોઢેક મહિનામાં પહેલાથી ફટાકડા બનાવવાનું કામ શરૂ થાય છે.

Friday, October 9, 2009

2010ની સાલમાં ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સામે ચીની ડ્રેગનનો ખતરો

By ENN,
અમદાવાદ,
ચીની જ્યોતિષ અનુસાર ચીનમાં દરેક વર્ષને પશુપક્ષીનાં નામ સાથે જોડવામાં આવે છે. ચાલુ વર્ષ 2009 ચીનમાં ઉંદરના વર્ષ તરીકે ઓળખાય છે. હવે આવનાર 2010ની સાલ વાઘના વર્ષ તરીકે ઓળખાશે. ચીનમાં એવી માન્યતા છે કે, જે તે વર્ષના પશુપક્ષીના અંગો રાખવાથી લાભ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ ભારતમાંથી શિકારીઓ દ્વારા વાઘનો શિકાર કરી તેને ચીનમાં મોકલવામાં આવે છે. આ માટે ચીન ભારતના શિકારીઓને મોં માગ્યા રૂપિયા ચુકવે છે. ચીનમાં એવી માન્યતા છે કે, વાઘનું માસ ખાવાથી માણસના શરીરમાં ગજબની તાકાત ચપળતા અને તેજી આવે છે. જ્યારે વાઘના હાડકામાંથી વાઈન બનાવવામાં આવે છે. જેના લોકો મોં માગ્યા રૂપિયા ચૂકવે છે. જ્યારે વાઘનું ચામડું ચીનમાં લોકો ડ્રોઈંગ રૂમમાં રાખે છે.

આવનાર 2010ની સાલ ચીની જ્યોતિષ પ્રમાણે વાઘનું વર્ષ હોવાથી અને વાઘનાં અંગો સાથે અથવા ઘરમાં રાખવાથી ફાયદો તથા લાભ થતો હોવાથી માન્યતાથી ભારતમાંથી વાઘના અસંખ્ય શિકાર શિકારીઓ દ્વારા થવાની સંભાવના છે. તે આ અંગે કેન્દ્ર સરકાર તથા જે તે રાજ્ય સરકારે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. અને ભારતમાં ખાસ આન્ધ્રપ્રદેશ, બિહાર જેવા નકસલી રાજ્યો છે ત્યાં વાઘના શિકાર રોકવાની ખાસ જરૂર છે. આના માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ જંગલના સુરક્ષાગાર્ડને વાઘની સુરક્ષા માટે આધુનિક હથિયારથી સજ્જ રહેવાની જરૂર છે.

ચાલુ વર્ષે ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘના મૃત્યુ થયા છે. જેમાં 23 વાઘ શિકારીઓના શિકારનો ભોગ બન્યા છે. જ્યારે 43 વાઘ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. અને હાલમાં કુલ 1300 વાઘ જ ભારતના 37 વાઘ રિર્ઝવમાં બચ્યા છે. હવે જાગીશું નહીં તો આવનાર વર્ષમાં આ આકડામાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. અને આ શાનદાર પ્રાણી પુસ્તકમાં જ જોવા મળશે. (તુષાર. ડી. શાહ)

Friday, October 2, 2009

અમદાવાદનું સૌથી જૂનું ધના સુથારની પોળનું અંબાજીનું મંદિર
ધના સુથારની પોળમાં આવેલ આદ્યશક્તિ મા અંબાજીનું આ મંદિર આખા શહેરમાં એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે ચૈત્રી તથા શારદીય નવરાત્રિમાં આ મંદિરમાં માનવમહેરાણ ઊમટે છે

By ENN,
અમદાવાદ,
જૂના અમદાવાદ રેલવે સ્ટેશન પાસેથી લાલ દરવાજા જવાના બે રસ્તા પડે છે. એક રસ્તો ગાંધી રોડ છે તો બીજો રસ્તો રિલીફ રોડ છે. આ રિલીફ રોડ ઉપર લાલ દરવાજા જતાં કાલુપુર પોલીસ સ્ટેશન પાસે પ્રખ્યાત ધના સુથારની પોળ આવેલી છે. પોળમાં ચોકઠા પાસે, ડાબા હાથે હવેલી જેવું મકાન છે. જેમાં આદ્ય અંબાજી માતાનું મંદિર આવેલું છે.

આ મંદિરનું જમણે હાથે પ્રવેશદ્વાર છે જેમાં પ્રવેશતા પ્રથમ લંબચોરસ મોટો દર્શકખંડ છે. અહીંના ઉતર દ્વાર સામે નાના અંબાજીનું સ્થાન છે. અહીં લાકડા ઉપર ચાંદી મઢેલ સુંદર કલાકારીગીરીવાળું મા ભગવતી અંબાજીનું સિંહાસન છે. માતાજીની લગભગ 4 ફુટ ઊંચી સરસ મજાની આરસપહાણની મૂર્તિ છે. માનું સ્વરૂપ ચતુર્ભુજ છે. તેમના હાથમાં ત્રિશુળ, તલવાર, ઘંટ અને અસુરનું માથુ ધારણ કરેલ માતાજીની મૂર્તિ અત્રે ઘણા સમયથી અહીં છે. લગભગ આખા અમદાવાદમાં આ મંદિર બહુ ખ્યાતિ પામ્યું છે.

આ મંદિર જૂના અમદાવાદનું સૌથી જુનું મંદિર છે. અહીં ચૈત્રી અને આસો ેમ બંને નવરાત્રિ તથા પોષ સુદ પુનમ કે જે મા ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિન છે તે ભારે ધુમધામથી ઉજવાય છે. આ ઉપરાંત માતાજીના અન્ય તહેવારો પણ ઉજવાય છે. કહેવાય છે કે, એક સમય આજની સાબરમતી નદી ગાંદી રોડ ઉપરના ફર્નાન્ડિઝ પુલ નીચેથી વહેતી હતી તે સમયે નદીકાંઠે એક ખેડૂતને નદીમાંથી મા અંબાજીની પાષણની મૂર્તિ મળી. તેના ઘરમાં તેણે પૂજા શરૂ કરી. એકવાર માતાજી તેના સ્વપ્નમાં આવ્યા અને આજ્ઞા કરી કે, ''તારાથી મારી મૂર્તિની યોગ્ય સેવા-પૂજા કરી શકાતી નથી કાલે વહેલી સવારે એક તપોધન બ્રાહ્મણ તારે ત્યાં આવશે તેને તું મારી મૂર્તિ આપી દેજે. તે બરાબર સેવા-પૂજા કરી મારું મંદિર બનાવશે.'' આ તરફ ધના સુથારની પોળમાં રહેતા એક તપોધન બ્રાહ્મણને માતાજીએ સ્વપ્નમાં સંકેત આપી કહ્યું કે, ''હે વિપ્ર સાબરમતીના કાંઠે (ટંકશાળની પોળ પાસે) એક ખેડૂત પાસે મારી આરસપહાણની સુંદર મૂર્તિ છે તે તું તેની પાસેથી લાવ. મારું મંદિર બનાવી તેમાં તે મૂર્તિ પધરાવ. તેથી તારું શુભ મંગળ તથા તારા વંશજોનો ભાગ્યોદય થશે.'' સ્વપ્ન પ્રમાણે તે બ્રાહ્મણે ખેડૂતને શોધી માની મૂર્તિ લાવી પોતાના ઘર મંદિરમાં સ્થાપના કરી નિત્ય-નિયમથી સેવાપૂજા શરૂ કરી.

સાડી પહેરતા નથી આવડતી ?, ચિંતા નહીં, રેડી-ટુ-વેર સાડી આવી રહી છે !

By ENN,
સાડી પહેરતાં આવડતી ન હોય તેવી યુવતીઓ માટે અમે રેડી-ટુ-વેર સાડી બનાવી છે. માર્કેટને વૃદ્ધિ તરફ લઈ જવા માટે અમારે નવી પ્રોડક્ટ્સ રજૂ કરવી પડશે. અમે રેડી-ટુ-વેર પ્લેટેડ ટ્રાઉજર રજૂ પણ કર્યા છે. જેઓ જીન્સ પહેરવામાં ખચકાઈ રહ્યા છે પરંતુ ટ્રાઉજર સ્વરૂપમાં ડેનિમ પહેરવામાં વાંધો નથી તેમના માટે આ પ્રોડક્ટ્સ છેઃ સંજય શ્રેણિક લાલભાઈ

અરવિંદ મિલના 55 વર્ષીય ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય શ્રેણિક લાલભાઈએ કંપનીની 79મી એજીએમમાં ડેનિમ ટ્રાઉજર પહેર્યું હતું. આ ગણતરીપૂર્વકનો નિર્ણય હતો. જે એવો સંદેશો આપી રહ્યો હતો કે, ''ડેનિમ માત્ર જીન્સ નથી કાપડને તમે કોઈ સ્વરૂપ સાથે જોડી શકો નહીં.'' એમ 1985માં કુંટુબના ફેમિલી ટેક્સટાઈલ બિઝનેસમાં જોડાયેલા અને મિલને વિશ્વમાં પાંચમા ક્રમની ડેનિમ ઉત્પાદક કંપની બનાવનાર સંજય લાલભાઈ જણાવે છે. વાતચીતમાં તેઓ જણાવે છે કે રૂ.700 કરોડની કંપની ટૂંક સમયમાં જ ડેનિમના સલવાર કમીઝ અને કદાચ સાડી પણ રજૂ કરશે. આ મુલાકાતના સંકલિત અંશ અહીં પ્રસ્તુત છેઃ

આપણે વિશાળ સ્થાનિક બજાર ધરાવીએ છીએ છતાં છેલ્લા દોઢ વર્ષમાં એક લાખ એકમ બંધ થયા અને દસ લાખ નોકરી ગુમાવી. શા માટે?
ભારતની ટેક્સટાઈલ નિકાસ 24 અબજ ડોલર જેટલી છે. નિકાસ 20 ટકાના દરે ઘટી રહી હતી ત્યારે 35 અબજ ડોલરનું સ્થાનિક બજાર વર્ષે 4-5 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું. જે નિકાસમાં ઘટાડાની અસરને ખાળવા માટે પૂરતું સક્ષમ નહોતું. પરિણામે તિરુપુર જેવા ક્લસ્ટરમાં ટેક્સટાઈલ એકમોએ 40-50 ટકાની ક્ષમતાએ કામ કરવું પડતું હતું અને આખરે તેમણે કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી.

ક્રિસમસ અગાઉ અમેરિકા અને યરોપની માંગંમાં સુધારાને પગલે તમે ભારતમાં રિક્વરી જણાય છો?
અમેરિકા ખાતે બેરોજગારીમાં 10 ટકાની વૃદ્ધિને કારણે ત્યાંની ખરીદી પર રોક લાગી હતી. તમામ મોટી બ્રાન્ડ્સનું વેચાણ ઘટી રહ્યું હતું કેમ કે ખરીદીના લિસ્ટમાંથી સૌથી પહેલા એપેરલ્સના બાદબાકી થઈ રહી હતી. પરંતુ હવે સ્ટિમ્યુલસ પેકેજિસની અસર જોવા મળી રહી છે અને અર્થતંત્રમાં વિશ્વાસ પાછો ફરી રહ્યો છે. એપેરલનું વેચાણ ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ અગાઉની સ્થિતિ પાછી જોવી હોય તો અમેરિકાના ગ્રાહક માટે ખરેખર ફિલ-ગૂડ ફેક્ટર ઊભું થવું જરૂરી છે. જે આગામી વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન જોવા મળે તેવું અમે માનીએ છીએ.

ભારત માટે વૈકલ્પિક નિકાસ બજાર કયું હોઈ શકે?
જાપાન તે મોટું બજાર છે. લગભગ તમામ જાપાની કંપનીઓએ સંયુક્ત સાહસમાં ચીનમાં એકમ સ્થાપ્યા છે. તેઓ 80 ટકા જેટલી તેમની માંગ ચીનમાંથી સંતોષે છે. પરંતુ તેઓ હવે ખર્ચ વૃદ્ધિનો ભોગ બન્યા છે. તેથી તેમણે ભારતમાં આવવાનું શરૂ કર્યું છે.

કેન્દ્રિય કાપડ પ્રધાન દયાનિધિ મારને તાજેતરમાં જણાવ્યું હતું કે, ''મેન્યુફેક્ચર એન્ડ મેક મની ઇન ઇન્ડિયા'' તમે માનો છો કે આવું થઈ રહ્યું છે?
ચોક્કસ આપણે ચીન બાદ વસતિમાં બીજા ક્રમે છીએ. ચીનમાં અર્થતંત્ર સ્થાનિક માંગ પાછળ વૃદ્ધિ કરી રહ્યું છે. જોકે તેમનો નિકાસ હિસ્સો 220 અબજ ડોલર જેટલો મોટો છે. તેઓ હવે સ્થાનિક વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ભારતમાં આપણે સરકાર સાથે બેસીને સ્થાનિક વપરાશને કેવી રીતે વેગ આપવો તે નક્કી કરવાની જરૂર છે. કેવી રીતે ઓર્ગેનાઈઝ્ડ માર્કેટને વધારવું તે મહત્વનું છે. હાલમાં સ્થાનિક બજારમાં ઓર્ગેનાઈઝ્ડ ક્ષેત્રનો હિસ્સો માત્ર 7 ટકા જેટલો છે. જેનું કારણ મજબુત ડિસ્ટ્રિબ્યુશન મિકેનિઝમનો અભાવ છે.

આમ કરવામાં શું નડી રહ્યું છે?
ભારતમાં કેટલાક કારણો છે. આપણી પાસે પુરતી માલખાકીય સુવિધા નથી. જો તમે ડિસ્ટ્રિબ્યુશન ખર્ચમાં ઘટાડો લાવવા ઇચ્છતા હોવ તો તમારે શહેરની વચ્ચે નહીં પરંતુ બહારના વિસ્તારોમાં મોલ સ્થાપવા જોઈએ. આમ કરવાથી તમારી ભાડાની કિંમતમાં ઘટાડો થશે. હાલમાં દેશમાં રિયલ એસ્ટેટના ભાડા વિશ્વમાં સૌથી ઊંચા ભાડામાં સમાવેશ પામે છે. રિયલ એસ્ટેટના ભાવ પણ વાજબી થાય તે જરૂરી છે.

તમે તમારા બજારનું વિસ્તરણ અંગે શું યોજના ધરાવો છો?
ફાઇવ પોકેટ જીન્સ ગામડાનાં ગ્રાહકના કામમાં નથી આવવાનું. કંપનીઓએ પ્રોડક્ટ સુધારવાની જરૂર છે. સલવાર સુટ અને સાડી ડેનિમના કેમ ના હોઈ શકે? આપણો ગ્રાહક સાથે સંબંધ હોવો જોઈએ. તમે માત્ર ટ્રાઉઝર પહેરતી મહિલાની માંગ સંતોષીને બેસી ના શકો. ભારતીય કંપનીઓએ કાપડને એક રૂપ સાથે સાંકળ્યું છે. ડેનિમ એટલે માત્ર જીન્સ, એવું નથી. તે પશ્ચિમની ઘટના છે. પરંતુ આપણે ભારતમાં છીએ. આપણે બાંધણી સાડી અને પાટણના પટોડા ડેનિમમાં બનાવી શકીએ છીએ.

અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ થશે ગુજરાત પોલીસ
થ્રી નોટ થ્રીનું સ્થાન હવે ઈન્સાસ રાયફલો લેશે ઇન્સાસ કાર્બાઈન સ્ટેનગન, ઇન્સાસ એલએમજી, એમપી-5 મશીનગન તેમજ એફએસએલના સાધનો પણ તબક્કાવાર મળશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાત પોલીસને અત્યાધુનિક શસ્ત્રો-સાધનોથી સુસજ્જ કરવાના ભાગરૂપે પુરાણી થ્રી નોટ થ્રી ના સ્થાને હવે 9,800 ઇન્સાસ રાયફલો ગુજરાત પોલીસને મળશે. જેનો પ્રથમ જથ્થો આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસને મળી જશે.

ગત વર્ષે અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસને આતંકવાદીઓનો સામનો કરી શકે તેવા અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના હથિયારધારી દળોને આતંકવાદીઓ સામે લડવાની ખાસ તાલીમ અપાઈ રહી છે. તે સાથે જ અત્યાધુનિક ઇન્સાસ રાયફલ ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્યમાં લગભગ 65,000 હથિયારધારી પોલીસ છે તેના 50ટકા પોલીસને ઇન્સાસ રાયફલ આપવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લા પોલીસ દળને તેમજ એટીએસ અને એસઆરપીને આ અાધુનિક શસ્ત્ર ઇન્સાસ રાયફલ આપવામાં આવશે.

રાજ્યના ગૃહ સચિવ શ્રી ટી.એસ.બિષ્ટે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આતંકવાદીઓના આધુનિક શસ્ત્રોનો સામનો પોલીસ પાસેની વર્ષો જુની થ્રી નોટ થ્રી રાયફલથી થઈ શકે તેમ ન હોવાથી પપર્મોડનાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ પપ(MPF) અંતર્ગત અત્યાધુનિક ઇન્સાસ રાયફલથી ગુજરાત પોલીસને સજ્જ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે એપ્રિલ, 2009માં કેન્દ્રસરકારને દરખાસ્ત મોકલવામાં આવતાં તે મંજુર થઈ ગઈ છે. ગૃહ વિભાગે પુણેની ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને 9800 જેટલી ઇન્સાસ માટે ઓર્ડર આપ્યો છે.તેનો 75 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 25 ટકા ખર્ચ રાજ્યસરકાર ભોગવશે. આગામી પંદર દિવસમાં ઇન્સાસ રાયફલનો પ્રથમ જથ્થો આવી જતા તે ગુજરાત પોલીસને અપાશે. છેલ્લા 60 વર્ષથી ગુજરાત પોલીસમાં સ્થાન પામેલી થ્રી નોટ થ્રી રાયફલોનું સ્થાન હવે નવા ઇન્સાસ રાયફલો લેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પોલીસને આધુનિક બનાવવાના ભાગરૂપે લગભગ 2000 જેટલી ઇન્સાસ રાયફલો ગુજરાતને આપી છે. કેન્દ્ર સરકારે આપેલી આ ઇન્સાસ રાયફલો હાલમાં ગુજરાત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાપરવામાં આવે છે. જે જવાનો પાસે હાલમાં ઇન્સાસ રાયફલો છે તેમને આ ઇન્સાસ રાયફલો વાપરવી ખુબ જ સહેલી છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. એસઓજીના કેટલાક જવાનોને આ રાયફલો ચલાવવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. જો કે તાલીમ સુધી તેનો કોઈ ઉપયોગ થયો નથી.

નૈતિક મુલ્યોનાં હ્રાસ કરતી શિક્ષણની હાટડીઓ

By ENN,
આજે ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર છે કે જ્યાં ગેરરીતિ, અપ્રમાણિક્તા થતી ન હોય ? એમાં શિક્ષણક્ષેત્ર થોડું બાકાત રહી શકે ? પરીક્ષાના પેપર ફૂટવા એ તો સામાન્ય વાત છે. તાજેતરમાં જ સર્વોત્તમ મેનેજમેન્ટ પ્રવેશ પરીક્ષાનાં બધાં જ પેપરો ફુટી ગયા ત્યારે તો સખત આંચકો લાગ્યો હતો.

એમાં પણ ટ્યૂશન કલાસોએ તો દાટ વાળી દીધો છે. 5મી કક્ષાના નાના બાળકો પણ ટ્યૂશન ક્લાસનાં પગથિયા ચઢતા થઈ ગયા છે. મારાં મિત્રના પૌત્ર 9મી કક્ષામાં છે. ઘણો હોંશિયાર છે. બહુ જ સારી શાળામાં અભ્યાસ કરે છે. પણ સાયન્સ, મૈથ્સ અને ઈંગ્લિશના ટ્યૂશન ક્લાસ ભરે છે. હું પુછું કે શું શાળામાં શિક્ષણ અપાતું નથી કે એટલું અઘરું હોય છે. કે ટ્યૂશન ક્લાસની જરૂર પડે છે ! વાજબી ફી લઈને ટ્યૂશન આપતાં હોય તો જાણે ઓ. કે., પણ 9મી કક્ષામાં હોયતો એડવાન્સમાં 9મી અને 10મી કક્ષાના કે પછી 11મી કક્ષાના હોય તો 11 અને 12મી કક્ષાના એડવાન્સમાં ફીના પૈસા લે છે શા માટે ? કારણ કે સારા ટ્યૂશન ક્લાસ કે શિખ માટે એવો ઘસારો હોય છે કે 10મી કક્ષા કે 12મી કક્ષા એડવાન્સમાં નહીં મળે. એટલે એડવાન્સ બુકિંગ ! વાહ ભય વાહ આવો વાલીઓને ભય હોય છે. આ વાત પણ એવા જ વિદ્યાર્થીની છે કે રાજનના પુત્ર શીનેરાજને નિયમિત રીતે ટ્યૂશન વર્ગોમાં હાજરી આપી હતી. અભ્યાસ પણ કર્યો હતો. એ છતાં એ ત્રણે વિષયોમાં નાપાસ થયો, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે એની સપ્ટેમ્બરમાં શાળાના ફર્સ્ટ ટર્મ પરીક્ષાનો પરિણામ પરથી જાણવા મળ્યું. રાજનના પિતાએ ટ્યૂશન વર્ગના શિક્ષકને ખાસ વિંનતી કરી હતી કે તેઓ પોતાના પુત્ર પર વિશેષ ધ્યાન આપે જેથી બહેત્તર પરિણામ આવે પણ એ ત્રણ વિષયમાં આવશ્યક કુશળતા પ્રાપ્ત કરી શક્યો નહીં. પરિણામ નિરાશાજનક હતું એટલે એમણે પોતાના પુત્રને આ ટ્યૂશન વર્ગ છોડવાની સલાહ આપી.

શીનેરાજન આ એકેડમીમાં 12મી કક્ષા માટે પણ રજિસ્ટર હતો એટલે એના પિતા રાજને આ સંસ્થાની મુલાકાત લીધી અને 12મી કક્ષા માટે રૂ.5000/ એડવાન્સ ફીના આપ્યા હતા, રિફંડની માગણી કરી. ચાર-પાંચ વખત વ્યક્તિગત વિનંતીઓ, ટેલિફોન અને લેખિતપત્ર છતાં એકેડમીએ આ રકમ રિફન્ડ આપ્યા નહીં. એટલે એમણે વકીલની કાયદેસર નોટિસ મોકલી. એકેડમીએ એનો સુદ્ધાં જવાબ પણ આપ્યો નહીં. ત્યારે રાજને એક ગ્રાહક સંસ્થાની મુલાકાત લીધી. આ સંસ્થા દ્વારા પત્રવ્યવહાર અને વાટાઘાટ ચલાવી. આ ખરેખર એક દુઃખજનક હકીકત છે કે, એક શિક્ષણ સંસ્થાનું આવું નૈતિક પતન !

આ ગ્રાહક સંસ્થાએ વિગતવાર પત્ર એકેડેમીને લખ્યો. એકેડેમીનું કહેવું હતું કે રાજને 11મી કક્ષાની પૂરી ફી આપી નથી એટલે 12 કક્ષાની એડવાન્સ ટ્યૂશન ફી એમાં એડજસ્ટ કરી છે. રાજને આ પ્રમાણે સુચન કર્યું હતું. જેનો અમલ કર્યો છે. અલબત્ત રાજને જણાવ્યું કે, એમના પુત્રે ઓક્ટોબર માસ પછી ટ્યૂશન વર્ગો ભર્યા નથી તો શા માટે એ સત્રની ફી ભરવામાં આવે ? તદુપરાંત તેમણે 11મી કક્ષાના રૂ.7500 તો એકેડેમીને આપી દીધા છે. આ કેસનો સારો એવો પીછો કરવામાં આવ્યો અને આખરે એકેડમીએ રૂ.5000નું રિફંડ આપ્યું. વાસ્તવમાં આવા ટ્યૂશન વર્ગો ગેરનેટેડ પાસ કરાવી દઈશું જોબ અપાવી દઈશું. આવા પ્રલોભનો આપી ગરજાઉ વિદ્યાર્થીઓની ફી હડપ કરી જાય છે. એવાં કેટલાય વાલીઓ છે જેમને આવાં કડવા અનુભવો થયા છે.

કેટલીક સુપ્રસિદ્ધ કોમ્પ્યુટર શિક્ષણ આપતી સંસ્થાઓ આવા બેબુનિયાદ દાવાઓ કરે છે કે સરકારમાન્ય. ડીગ્રી અને ડિપ્લોમા એમના તરફથી મળશે. આ એક નરાતાર જૂઠાણું છે. એક જાણીતી કોમ્પ્યુટર સંસ્થા વિદ્યાર્થીને દર માસે રૂ.15000 ની ગેરેન્ટેડ જોબ આપે છે. એની કાર્યશૈલી જોવા મળે છે. એ વિદ્યાર્થી પાસે 3/4 હપ્તાઓમાં રૂ.1,50,000/ ફી વસુલ કરે છે. જેમાં રૂ.50,000 હજાર ટ્યૂશન ફીનાં છે એમ ગણાવે છે. છ માસ ટ્રેનિંગ પૂરી થાય એટલે ઇન્સ્ટટ્યૂટ વિદ્યાર્થાને ડિપ્લોમા આપે છે. ડિપ્લોમામાં આપવાનો ભવ્ય કાર્યક્રમ થાય છે. વિદ્યાર્થી અને તેના વાલી હરકાય છે કે કોમ્પ્યૂટરમાં ઉચ્ચ શિક્ષણનો ડિપ્લોમા મળ્યો અને રૂ.1500/ ની દર માસે નોકરી પણ મળી ગઈ. મોટે ભાગે આ શૈક્ષણિક સંસ્થામાં આ વિદ્યાર્થીને નોકરી કર્યા બાદ મેનેજમેન્ટ એને રૂખસદ આપી દે છે. આતો એવો ઘાટ થયો કે ઇન્સ્ટટ્યૂટે રૂ. એક લાખ ટ્યૂશન ફીના વધારે પડાવી લીધા. તમારે જ પૈસે ઇન્સ્ટટ્યૂટમાં રૂ. 15000/ એક માસના લેખે આપી એમણે કામ કરાવ્યું એ રૂપિયા એક લાખ પાછા આપી દીધા. કેવી અદ્ભૂત છે કાર્યશૈલી ? આના નૈતિક મૂલ્યોનાં હ્રાસ કરતી શિક્ષણ સંસ્થાઓ પાસે કઈ અપેક્ષા રાખી શકાય?

કચ્છ હવે ''સિમેન્ટ-કોંક્રિટનાં રણ''થી ઓળખાશે

By ENN,
ભૂજ,
ગુજરાતનો સરહદી જિલ્લો હવે ઔધોગિક વિકાસની હોડમાં તેની અસલ પ્રાકૃતિક છાપ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. પશુપાલન અને ખેતીના પરંપરાગત વ્યવસાય પર નભતા કચ્છને ઔધોગિકરણનો નવો રંગ લાગતા પશુઓના ચરિયાણ અને ખેતી માટેની જમીન કોંક્રિટના મોટા જંગલો ઊભા થઈ રહ્યા છે. ભૂજ નજીકના ગામડાઓમાં આજથી એક દાયકા પહેલા 100 રૂપિયાના વારના ભાવની જમીન લેતા પણ લોકો ખચકાતા હતા જ્યારે આજે 3500થી 6000ના પ્રતિવારના ભાવની જમીન ખરીદવા પડાપડી થઈ રહી છે. ભૂજ નજીકનું હરિપર તથા માધાપરને પણ જાણે હવે મહાનગરોનો રંગ લાગ્યો હોય તેમ અહીંયા સિમેન્ટ-કોંક્રિટના જંગલોનો ખડકલો થઈ રહ્યો છે.

ભૂજ નજીક માથાપર, હરિપર, ભુજાડી, મિરજાપર, સુખપર, માનકૂવા જેવા ગામોમાં ખેતરો ઝડરભેર વેચાતા જાય છે અને આ ખેતરોમાં નવા નવા રેસિડેન્શીયલ કોમ્પ્લેક્સ અને ફાર્મના નિર્માણકામ ઝડપભેર થતા જાય છે. ભૂજથી થોડે દૂર આવેલા પર્યટનધામ ટપકેશ્વરીના ડુંગરોની ગોદમાં વસેલું હરિપર ગામ એક સમયે માત્ર પશુપાલકોનું ગામ ગણાતું. વર્ષમાં માત્ર એક વખત જ્યારે ટપકેશ્વરીનો મેળો ભરાય ત્યારે આ ગામ પાસેથી લોકો પસાર થતા અને હરિપરના માલધારીઓને શહેરી સંસ્કૃતિ સાથે માત્ર આટલો જ સંબંઘ હતો, આજે હરિપર ગામની સીમના મોટા ભાગના વિસ્તારો બિલ્ડરો અને લેન્ડ ડેવલોપર્સના હાથમાં આવી ગયા છે. અહીં મોટા મોટા રેસીડેન્શીયલ પ્રોજેક્ટ શરૂ થયા છે. જે વિસ્તારમાં ભૂજ સહિતના વિસ્તારોનું પશુધન ચરિયાણ માટે આવતું તે વિસ્તારો ધીમે ધીમે વેરાન બનતો જાય છે.

અહીં પશુધનના ચરિયાણની વાત તો બાજુએ રહી પણ હવે આગામી વર્ષોમાં ગાયો, ભેંસ કે ઘેટાં-બકરાંને ઘાસનું તણખલું પણ મળી શકે તેમ નથી. તેવી જ રીતે પટેલ-ચોવીસીનાં ગામો પણ ધીમે ધીમે કોંક્રિટના જંગલોંમાં ફેરવાતા જાય છે. મુંબઈમાં સ્થાયી થયેલા કેટલાક કચ્છીઓ પણ જીવનના અંતિમ દાયકામાં માદરે વતનમાં ઠરીઠામ થવાની મનેચ્છા રાખતા હોય છે. તેથી આવા પરિવારો પણ કચ્છમાં જમીનમાં રોકાણ કરી દે છે. કુદરતની સંતુલન કડીને ઝડરભેર ચાલી રહેલા બાંધકામો મુશ્કેલી પહોંચાડી કહ્યા છે. તેથી આમ પણ રેગિસ્તાન ગણાતો આમુલક હવે માત્ર સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ જશે. મોરના નૃત્યો કે કોયલના ટહુકાના સાંભળવા પશુધનને નિરાંતે ચરતા જોવા હવે મિશ્કેલ થઈ પડશે. એમ એક પર્યાવરણ વિદે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રનાં પાંચ વિખ્યાત રત્નો પૈકીનું એક ''કાઠિયાવાડી અશ્વ''

By ENN,
સૌરાષ્ટ્ર,
સૌરાષ્ટ્રનાં પાંચ વિખ્યાત રત્નો પૈકીનું એક એટલે કાઠિયાવાડી અશ્વ આજે નેનોના જમાનામાં કદાચ અશ્વનું કે મિસાઈલના જમાનામાં અશ્વદળનું મહત્વ ન સમજી શકાય, પરંતું એક સમયે અશ્વ પરિવહન યુદ્ધ અને પ્રતિષ્ઠાનું સૌથી અગત્યમનું માધ્યમ હતું. પોતાના માનીતા અશ્વ માટે રાજપાટ અને જીવનને દાવ પર મુકાયાનાં ઉદાહરણોનો પણ ઈતિહાસ સાક્ષી છે.

કહેવાય છે કે, બધા જ પ્રાણીઓમાં માત્ર ઘોડો જ પૂર્ણ નર છે. કારણ કે, માત્ર તેને જ સ્ત્રીચિહન એટલે કે સ્તન હોતાં નથી. સામાન્ય રીતે ઘોડી ગર્ભાધાનથી 11 મહિને અથવા તો 345 દિવસે એક બચ્ચાને જન્મ આપે છે. ઘોડાની આયુમર્યાદા સામાન્યતઃ 27થી 30 વર્ષની ગણાય છે. ઘોડાના અનેક પ્રકારો છે. જેમાં જે તે દેશ પ્રદેશમાં ઉત્પતિ મુજબ ઓળખાય છે. જેમ કે સિંધી, કાઠિયાવાડી, અરબી, કાબુલી, દક્ષિણી, પહાડી, પેટુ, મારવાડી, કચ્છી, માળવી, ઓસ્ટ્રેલિયન વગેરે આ ઉપરાંત ઘોડાની સંખ્યાબંધ જાત છે. ફૂલ માળિયો, માણેક, ઓરિયો, તાજણિયો, કેસરી, રેડિયો, માલિયો, બાદલિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગળિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, મોરધજ, પારખમણિ, પરૈયો, પોપટ, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, કાગડિયો, ઘૂમડી, કાલડી, પંખાળિયો, હસળિયો, મણિયો, આખડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિયો વગેરે....

Equas caballus જેવું વૈજ્ઞાનિક નામ ધરાવતા ઘોડાની ઊંચાઈ પ્રમાણે સાત પ્રકારમાં વહેંચણી થાય છે. સાઠ આંગળ ઊંચો, સાધુ, ચોરઠ આંગળ, શ્રીવત્સ, અડછઠ આંગળ અહિલાદ, બોતેર આંગળ મનોહારી, છોતર આંગળ વિજય, એંશી આંગળ વૈભવ અને ચૌરાસી આંગળ ઊંચો ઘોડો શાંત કહેવાય છે.
ભૂતકાળમાં યુદ્ધભૂમિ પર અશ્વદળોએ ઉચ્ચ કાર્યક્ષમતા અને યુદ્ધ કુશળતાનો પરિચય આપ્યો છે. અનેક યુદ્ધોની જીત તેના અશ્વદળોને આભારી રહી છે. જ્યારે સંગઠિત યુદ્ધ કળાનો વિકાસ થયો ત્યારથી જ અશ્વદળની શરૂાત થયા ના પુરાવા મળ્યા છે.

સૌરાષ્ટ્રમાં જાતવાન ઘોડીની 36 જાતો ગણાય છે જે નીચે મુજબ છે
1. પીરાણી 2. તાજણી 3. ઢેલ 4. હેમણ 5. માણકી 6. પટી 7. નોરાણી 8. હીરાળી 9. મૂંગી 10. ફૂલમાળ 11. બોદલી 12. માછલી 13. રેડી 14. શિંગાળી 15. છોગારી 16. બેરી 17. છપર 18. બાંગળી 19. શૈલ્ય 20. આંગી 21. ચમરઢાળ 22. ભૂતડી 23. દાવલી 24. રેશમ 25. કેસર 26. મુગટ 27. લખી 28. વાંદરી 29. લાલ 30. અટારી 31. લાશ 32. મૂલ્ય 33. જબાદ 34. મની 35. રીમી 36. હરણી

અમદાવાદની એક ફાર્મા કંપની દ્વારા ઊલટી રોકવા માટે નેઝલ સ્પ્રે વિકસાવાયું

ByENN,
અમદાવાદ,
અમદાવાદ સ્થિત એક ફાર્મા કંપનીએ ઊલટી રોકવાના ઉપચાર માટે નેઝલ (નાક વડે આપી શકાય તેવો) સ્પ્રે વિકસાવ્યો છે. આ નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ (એનડીડીએસ) માટે કપનીએ તાજેતરમાં જ પેટન્ટ મેળવી છે. વારંવાર ઊલટી થવાના કારણે દવા ગળી શકતા ન હોય તેવા દર્દીઓ માટે આ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. નવા સ્પ્રે માટે ડીસીજીઆઈની મંજૂરી મેળવવાની બાકી છે. દર્દીઓને પરંપરાગત ઊલટી વિરોધી ઈન્જેકશન આપવાના બદલે આ દવા આપી શકાશે અને ઓટીસી પ્રોડક્ટ તરીકે તેનું વેચાણ થશે, કંપનીએ વધુ બે એનડીડીએસ પ્રોડક્ટ માટે પણ મંજૂરી મેળવી છે. તેમાં એક મોઢામાં ઓગળી જતી સ્ટ્રીપ છે અને બીજી દવા યોનિ મારફત આપી શકાય છે.

કંપનીના આર એન્ડ ડી ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ''ઊલટી અટકાવવા માટે સામાન્ય રીતે એન્ટિ-વોમિટિંગ દવા અપાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિ આ ટેબ્લેટ્સને પણ ઊલટીમાં કાઢી નાખે છે અથવા તે ગળી શકતી નથી. આવા દર્દીઓ માટે નેઝલ સ્પ્રે ઉપયોગી સાબિત થશે'' ''એન્ટિ-વોમિટિંગ સેગમેન્ટ માટે દેશમાં અમુક પરંપરાગત ગોળીઓ અને ઇન્જેક્શનને બાદ કરતાં અન્ય કોઈ પ્રોડક્ટ ઉપલબ્ધ નથી. ઊલટી બંધ ન થાય ત્યાં સુધી સારવાર થઈ શકે તેમ ન હોય ત્યારે ડોક્ટર સ્પ્રેની મદદથી સારવાર શરૂ કરી શકશે. કોલેરા તથા બેક્ટેરિયા અને પ્રોટોઝોન પેરાસાઈટ્સ સંબંધી ગેસ્ટ્રીક ઇન્ફેક્શન હોય ત્યારે દર્દી સતત ઊલટી કરે છે. અંદાજ પ્રમાણે દેશમાં વેચાતી કુલ દવાઓમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ દવાઓનો હિસ્સો 10 ટકા છે. ઇન્ટ્રવિનસ (આઈવી) પછી નેઝલ રૂટ મારફતે દવા ઝડપભેર પહોંચાડી શકાય છે. પરંપરાગત ઊલટી વિરોધી દવાઓએ પેટ અને શરીરની અન્ય સિસ્ટમમાંથી પસાર થવું પડે છે, પરંતુ નેઝલ સ્પ્રે સીધો શરીરમાં કામ શરૂ કરે છે. એનડીડીએસ સેગમેન્ટમાં અન્ય કેટલીક પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈપારી ધરાવતી કંપની આગામી બેથી ત્રણ મહિનામાં તેની પેટન્ટ હેઠળની ત્રણ દવા લોન્ચ કરશે.''