Friday, October 2, 2009

અમદાવાદની એક ફાર્મા કંપની દ્વારા ઊલટી રોકવા માટે નેઝલ સ્પ્રે વિકસાવાયું

ByENN,
અમદાવાદ,
અમદાવાદ સ્થિત એક ફાર્મા કંપનીએ ઊલટી રોકવાના ઉપચાર માટે નેઝલ (નાક વડે આપી શકાય તેવો) સ્પ્રે વિકસાવ્યો છે. આ નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ (એનડીડીએસ) માટે કપનીએ તાજેતરમાં જ પેટન્ટ મેળવી છે. વારંવાર ઊલટી થવાના કારણે દવા ગળી શકતા ન હોય તેવા દર્દીઓ માટે આ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. નવા સ્પ્રે માટે ડીસીજીઆઈની મંજૂરી મેળવવાની બાકી છે. દર્દીઓને પરંપરાગત ઊલટી વિરોધી ઈન્જેકશન આપવાના બદલે આ દવા આપી શકાશે અને ઓટીસી પ્રોડક્ટ તરીકે તેનું વેચાણ થશે, કંપનીએ વધુ બે એનડીડીએસ પ્રોડક્ટ માટે પણ મંજૂરી મેળવી છે. તેમાં એક મોઢામાં ઓગળી જતી સ્ટ્રીપ છે અને બીજી દવા યોનિ મારફત આપી શકાય છે.

કંપનીના આર એન્ડ ડી ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ''ઊલટી અટકાવવા માટે સામાન્ય રીતે એન્ટિ-વોમિટિંગ દવા અપાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિ આ ટેબ્લેટ્સને પણ ઊલટીમાં કાઢી નાખે છે અથવા તે ગળી શકતી નથી. આવા દર્દીઓ માટે નેઝલ સ્પ્રે ઉપયોગી સાબિત થશે'' ''એન્ટિ-વોમિટિંગ સેગમેન્ટ માટે દેશમાં અમુક પરંપરાગત ગોળીઓ અને ઇન્જેક્શનને બાદ કરતાં અન્ય કોઈ પ્રોડક્ટ ઉપલબ્ધ નથી. ઊલટી બંધ ન થાય ત્યાં સુધી સારવાર થઈ શકે તેમ ન હોય ત્યારે ડોક્ટર સ્પ્રેની મદદથી સારવાર શરૂ કરી શકશે. કોલેરા તથા બેક્ટેરિયા અને પ્રોટોઝોન પેરાસાઈટ્સ સંબંધી ગેસ્ટ્રીક ઇન્ફેક્શન હોય ત્યારે દર્દી સતત ઊલટી કરે છે. અંદાજ પ્રમાણે દેશમાં વેચાતી કુલ દવાઓમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ દવાઓનો હિસ્સો 10 ટકા છે. ઇન્ટ્રવિનસ (આઈવી) પછી નેઝલ રૂટ મારફતે દવા ઝડપભેર પહોંચાડી શકાય છે. પરંપરાગત ઊલટી વિરોધી દવાઓએ પેટ અને શરીરની અન્ય સિસ્ટમમાંથી પસાર થવું પડે છે, પરંતુ નેઝલ સ્પ્રે સીધો શરીરમાં કામ શરૂ કરે છે. એનડીડીએસ સેગમેન્ટમાં અન્ય કેટલીક પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈપારી ધરાવતી કંપની આગામી બેથી ત્રણ મહિનામાં તેની પેટન્ટ હેઠળની ત્રણ દવા લોન્ચ કરશે.''

No comments:

Post a Comment