Friday, October 2, 2009

અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ થશે ગુજરાત પોલીસ
થ્રી નોટ થ્રીનું સ્થાન હવે ઈન્સાસ રાયફલો લેશે ઇન્સાસ કાર્બાઈન સ્ટેનગન, ઇન્સાસ એલએમજી, એમપી-5 મશીનગન તેમજ એફએસએલના સાધનો પણ તબક્કાવાર મળશે

By ENN,
ગાંધીનગર,
ગુજરાત પોલીસને અત્યાધુનિક શસ્ત્રો-સાધનોથી સુસજ્જ કરવાના ભાગરૂપે પુરાણી થ્રી નોટ થ્રી ના સ્થાને હવે 9,800 ઇન્સાસ રાયફલો ગુજરાત પોલીસને મળશે. જેનો પ્રથમ જથ્થો આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસને મળી જશે.

ગત વર્ષે અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસને આતંકવાદીઓનો સામનો કરી શકે તેવા અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના હથિયારધારી દળોને આતંકવાદીઓ સામે લડવાની ખાસ તાલીમ અપાઈ રહી છે. તે સાથે જ અત્યાધુનિક ઇન્સાસ રાયફલ ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્યમાં લગભગ 65,000 હથિયારધારી પોલીસ છે તેના 50ટકા પોલીસને ઇન્સાસ રાયફલ આપવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લા પોલીસ દળને તેમજ એટીએસ અને એસઆરપીને આ અાધુનિક શસ્ત્ર ઇન્સાસ રાયફલ આપવામાં આવશે.

રાજ્યના ગૃહ સચિવ શ્રી ટી.એસ.બિષ્ટે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આતંકવાદીઓના આધુનિક શસ્ત્રોનો સામનો પોલીસ પાસેની વર્ષો જુની થ્રી નોટ થ્રી રાયફલથી થઈ શકે તેમ ન હોવાથી પપર્મોડનાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ પપ(MPF) અંતર્ગત અત્યાધુનિક ઇન્સાસ રાયફલથી ગુજરાત પોલીસને સજ્જ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે એપ્રિલ, 2009માં કેન્દ્રસરકારને દરખાસ્ત મોકલવામાં આવતાં તે મંજુર થઈ ગઈ છે. ગૃહ વિભાગે પુણેની ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને 9800 જેટલી ઇન્સાસ માટે ઓર્ડર આપ્યો છે.તેનો 75 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 25 ટકા ખર્ચ રાજ્યસરકાર ભોગવશે. આગામી પંદર દિવસમાં ઇન્સાસ રાયફલનો પ્રથમ જથ્થો આવી જતા તે ગુજરાત પોલીસને અપાશે. છેલ્લા 60 વર્ષથી ગુજરાત પોલીસમાં સ્થાન પામેલી થ્રી નોટ થ્રી રાયફલોનું સ્થાન હવે નવા ઇન્સાસ રાયફલો લેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પોલીસને આધુનિક બનાવવાના ભાગરૂપે લગભગ 2000 જેટલી ઇન્સાસ રાયફલો ગુજરાતને આપી છે. કેન્દ્ર સરકારે આપેલી આ ઇન્સાસ રાયફલો હાલમાં ગુજરાત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાપરવામાં આવે છે. જે જવાનો પાસે હાલમાં ઇન્સાસ રાયફલો છે તેમને આ ઇન્સાસ રાયફલો વાપરવી ખુબ જ સહેલી છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. એસઓજીના કેટલાક જવાનોને આ રાયફલો ચલાવવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. જો કે તાલીમ સુધી તેનો કોઈ ઉપયોગ થયો નથી.

No comments:

Post a Comment