Friday, October 2, 2009

કચ્છ હવે ''સિમેન્ટ-કોંક્રિટનાં રણ''થી ઓળખાશે

By ENN,
ભૂજ,
ગુજરાતનો સરહદી જિલ્લો હવે ઔધોગિક વિકાસની હોડમાં તેની અસલ પ્રાકૃતિક છાપ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. પશુપાલન અને ખેતીના પરંપરાગત વ્યવસાય પર નભતા કચ્છને ઔધોગિકરણનો નવો રંગ લાગતા પશુઓના ચરિયાણ અને ખેતી માટેની જમીન કોંક્રિટના મોટા જંગલો ઊભા થઈ રહ્યા છે. ભૂજ નજીકના ગામડાઓમાં આજથી એક દાયકા પહેલા 100 રૂપિયાના વારના ભાવની જમીન લેતા પણ લોકો ખચકાતા હતા જ્યારે આજે 3500થી 6000ના પ્રતિવારના ભાવની જમીન ખરીદવા પડાપડી થઈ રહી છે. ભૂજ નજીકનું હરિપર તથા માધાપરને પણ જાણે હવે મહાનગરોનો રંગ લાગ્યો હોય તેમ અહીંયા સિમેન્ટ-કોંક્રિટના જંગલોનો ખડકલો થઈ રહ્યો છે.

ભૂજ નજીક માથાપર, હરિપર, ભુજાડી, મિરજાપર, સુખપર, માનકૂવા જેવા ગામોમાં ખેતરો ઝડરભેર વેચાતા જાય છે અને આ ખેતરોમાં નવા નવા રેસિડેન્શીયલ કોમ્પ્લેક્સ અને ફાર્મના નિર્માણકામ ઝડપભેર થતા જાય છે. ભૂજથી થોડે દૂર આવેલા પર્યટનધામ ટપકેશ્વરીના ડુંગરોની ગોદમાં વસેલું હરિપર ગામ એક સમયે માત્ર પશુપાલકોનું ગામ ગણાતું. વર્ષમાં માત્ર એક વખત જ્યારે ટપકેશ્વરીનો મેળો ભરાય ત્યારે આ ગામ પાસેથી લોકો પસાર થતા અને હરિપરના માલધારીઓને શહેરી સંસ્કૃતિ સાથે માત્ર આટલો જ સંબંઘ હતો, આજે હરિપર ગામની સીમના મોટા ભાગના વિસ્તારો બિલ્ડરો અને લેન્ડ ડેવલોપર્સના હાથમાં આવી ગયા છે. અહીં મોટા મોટા રેસીડેન્શીયલ પ્રોજેક્ટ શરૂ થયા છે. જે વિસ્તારમાં ભૂજ સહિતના વિસ્તારોનું પશુધન ચરિયાણ માટે આવતું તે વિસ્તારો ધીમે ધીમે વેરાન બનતો જાય છે.

અહીં પશુધનના ચરિયાણની વાત તો બાજુએ રહી પણ હવે આગામી વર્ષોમાં ગાયો, ભેંસ કે ઘેટાં-બકરાંને ઘાસનું તણખલું પણ મળી શકે તેમ નથી. તેવી જ રીતે પટેલ-ચોવીસીનાં ગામો પણ ધીમે ધીમે કોંક્રિટના જંગલોંમાં ફેરવાતા જાય છે. મુંબઈમાં સ્થાયી થયેલા કેટલાક કચ્છીઓ પણ જીવનના અંતિમ દાયકામાં માદરે વતનમાં ઠરીઠામ થવાની મનેચ્છા રાખતા હોય છે. તેથી આવા પરિવારો પણ કચ્છમાં જમીનમાં રોકાણ કરી દે છે. કુદરતની સંતુલન કડીને ઝડરભેર ચાલી રહેલા બાંધકામો મુશ્કેલી પહોંચાડી કહ્યા છે. તેથી આમ પણ રેગિસ્તાન ગણાતો આમુલક હવે માત્ર સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ જશે. મોરના નૃત્યો કે કોયલના ટહુકાના સાંભળવા પશુધનને નિરાંતે ચરતા જોવા હવે મિશ્કેલ થઈ પડશે. એમ એક પર્યાવરણ વિદે જણાવ્યું હતું.

No comments:

Post a Comment