Friday, May 28, 2010

અમદાવાદીઓ અડધી ચા માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ દાનશીલતા માટે પણ છે


ઇ.સ. 1411માં અમદાવાદ શહેરોનો પાયો નાખનાર અહેમદશાહને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે તેણે વસાવેલ નગર વિદેશી અંગ્રેજોના કબજામાં આવી જશે. 1618માં અમદાવાદ શહેરમાં મુઘલ બાદશાહ જહાંગીર અને બ્રિટિશ એલચી સર ટોમસ રૉ વચ્ચે વાટાઘાટો થઇ. જહાંગીરે 20 ફેબ્રુઆરી તથા 8 ઑગસ્ટ 1618ના પત્રો દ્વારા અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની પરવાનગી અમદાવાદમાં જ આપી હતી અને 200 વર્ષ પછી 1818માં વેપારીના રૂપમાં આવેલા સામ્રાજ્યવાદી અંગ્રેજોએ આ નગર જીતી લીધું હતું. તે સમયે અમદાવાદના નગરશેઠ અને જૈન શ્રેષ્ઠી શેઠ શાંતિદાસ ઝવેરીએ અંગ્રેજોની બેવડી નીતિ ઉઘાડી પાડી હતી અને ગુજરાતના મુઘલ વહીવટકર્તાને અંગ્રેજો સામે શિક્ષાત્મક પગલાં ભરવા મજબૂર કર્યા હતા. આજે શેઠ શાંતિદાસની જેમ નિજ સ્વાર્થનો ત્યાગ કરનારા માણસોની અછત જોવા મળે છે, છતાં અમદાવાદે પોતાની આગવી ઓળખ 593 વર્ષથી અકબંધ જાળવી રાખી છે. અમદાવાદીઓ અડધી ચા માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ દાનશીલતા માટે પણ છે. આજે અમદાવાદ શેઠ શાંતિદાસ ઝવેરી જેવા પોતાના વહાલસોયા સપૂતોને કારણેજ અનેક ચડતીપડતી અને કુદરતી આપત્તિઓનો મુકાબલો કરીને અડગ ઊભું છે.
અમદાવાદના મહાજનોના સમર્થ નેતા શેઠ શાંતિદાસ ઝવેરીનો મુઘલ દરબારમાં જબરદસ્ત દબદબો હતો. ખુદ બાદશાહ જહાંગીર તેમને "ઝવેરી મામુજાન" હતા. તેમનો દરિયાપાર વિદેશોમાં પણ ધીકતો વેપાર ચાલતો, હિંદ મહાસાગરમાં ચાલતી યુરોપિયન ચાંચીયાગીરીને કારણે વહાણો લૂંટાતાં, છતાં જોખમ લઇને પણ વેપાર ચાલતો. 1618ની સાલમાં યુરોપ માલ લઇ જતું શાંતિદાસનું વહાણ લૂંટાયાના સમાચાર મળતાં જ શેઠ શાંતિદાસના નેતૃત્વમાં મહાજનની સભા મળી. ગુજરાતમાં મુઘલ સુબા ઐતેમાદ્દદૌલાને ફરિયાદ કરવામાં આવી.યોગાનુયોગ એ સમયે સર ટોમસ રૉ અમદાવાદમાં હાજર હતો. તેને પણ અન્ય અંગ્રેજ વેપારીઓ સાથે કચેરીમાં હાજર કરવામાં આવ્યો. અમદાવાદના વેપારીઓ અને અંગ્રેજો વચ્ચે આ ઘટના અંગ ગરમાગરમ ચર્ચા થઇ. રૉએ કહ્યું, "શાંતિદાસ અને અન્ય વેપારીઓ અમારાં બ્રિટિશ વહાણોમાં તેમનો માલ મોકલે અથવા બ્રિટિશ પાસ મેળવે તો એમ તેમના માલની સલામતીની ચોક્કસ ખાત્રી આપી શકીશું."
આ સાંભળી ઐતેમાદ્દદૌલા અને તેનો પુત્ર આસફખાન ખુશ થઇ ગયા. પરંતુ શેઠ શાંતિદાસ અને અમદાવાદના અન્ય વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવતાં કહ્યું, અંગ્રેજોએ અમારા હિતની ક્યારે પણ દરકાર લીધી નથી. શાંતિદાસે રોકડું પરખાવતા કહ્યું, "અમે અમારાં વહાણોના માલિક છીએ. અમે અમારો માલ વિદેશી વહાણોમાં મોકલીને શું કરવા અમારા પગ ઉપર જાતે જ કૂહાડો મારીએ ? જો અમે વિદેશી વાહણોનો ઉપયોગ કરીશું તો અમારું સૈકાઓ જૂનું વહાણવટું નાશ પામશે. અમે અમારા વહાણવટાને જ ઉત્તેજન આપીશું."
સર ટોમસ રૉ તો આ સાંભળીને આભો જ બની ગયો. તેણે સુરતની અંગ્રેજ કોઠીના વડા થોમસ કેરીજને લખ્યું કે, શેઠ શાંતિદાસ અને અન્ય વેપારીઓ ટસના મસ થતા નથી. તેઓ મુઘલ હાકેમોને સમજાવી શક્યા છે કે સ્વદેશી વહાણવટુ એ ગૌરવનો વિષય છે. અંતે બ્રિટિશ પરવાનો તથા સ્વદેશી વહાણોનો ઉપયોગ ચાલું રાખવાનું નક્કી થયું પણ લૂંટની ફરિયાદો બંધ ન થઇ.
1635ના સપ્ટેમ્બરમાં શેઠ શાંતિદાસનો તેમજ અમદાવાદ અને સુરતના અન્ય વેપારીઓનો માલ ભરીને "તોફીકી" અને "મેહયુદી" નામનાં વહાણો રવાના થયાં જેને વિલિયમ આયર્સ નામના અંગ્રેજ ચાંચીયાએ લૂંટી લીધાં. એ સમયે સુરતના સૂબેદાર મોઇઝુલ મુલ્ક ઉપર મહાજણોએ પગલાં ભરવા માટે જબરજસ્ત દબાણ કરતાં સુરતની અંગ્રેજ કોઠીના વડા વિલિયમ તેમજ અન્ય અંગ્રેજોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા અને નુકશાની ભર્યા પછી જ આ ગોરાઓને મુક્ત કરવામાં આવ્યા હતાં.

અમદાવાદમાં માણેકચોકમાં બાબા માણેકનાથનું મંદિર ખોવાયું? જડે તો કહેજો!


સાબરમતી નદી માણેકચોકમાં વહેતી હતી તે વાત આજે કોઇને કહીએ તો માનશે જ નહીં, પરંતુ જાણકાર વડીલોને પૂછો તો તે કહેશે કે વાત તદ્ન સાચી છે કે, એક જમાનામાં સાબરમતી નદી અહીંયા જ વહેતી હતી અને ઢાલગરવાડ થઇને રાયખડ દરવાજાની તરફ વળતી હતી અને વળી કેટલાક લોકો એવું કહેતા હતા કે, આજે જ્યાં કાગદી પોળ છે ત્યાં નદી વહેતી અને આજની માંડવીની પોળ છે ત્યાં અગ્નિસંસ્કાર પણ થતો. વળી એવું કહેવામાં આવે છે કે, અલૌકિક શક્તિઓ ધરાવતા બાબા માણેકનાથની ઝૂપડી સાબરમતીના કિનારે હતી અને એ ઝૂપડી કાગદી પોળ પાસે હોવાથી નદીનો પ્રવાહ ત્યાં હતો તેમ જણાય છે. શહેર વસતાં પછી નદીનો પ્રવાહ ફેરવવા માટે પાદશાહવાડી (શાહીબાગ) પાસે મજબૂત કોટ બાંધી નદીને શહેર બહાર વાળવામાં આવી. ઉપરોક્ત વિગતો ઉપરાંત કાગદી પોળ પાસે નદીમાં જવા માટેનો પથ્થરનો જે ઢાળ તેના પથ્થરો 1849ની આસપાસ અંગ્રેજ સરકારે કઢાવ્યાનું પોતાની નજરે જોયાનું મગનલાલ વખતચંદ શેઠે 1851માં પ્રસિદ્ધ થયેલા પોતાના પુસ્તક 'અમદાવાદનો ઇતિહાસ'માં જણાવ્યું છે. વળી રત્નમણિરાવે પણ સાબરમતી નદીના પ્રવાહ અંગે ચર્ચા કરી છે. સંવત 1868માં કિશોરીદાસે હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં રચેલ 'અમદાવાદ શહેરની લાવણી'માં બાબા માણેકનાથની ઝૂંપડી સાબરમતી કિનારે હોવાનું જણાવ્યું છે.
બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે 'ગોદડિયા બાવા' તરીકે પણ ઓળખાવા લાગ્યા. અહેમદશાહ બાદશાહની શાન ઠેકાણે લાવવા એક ગોદડી બનાવે અને તેમાં તેઓ દિવસભર દોરા ભરે. રાત પડે ને તેઓ જેવા દોરા કાઢી નાંખે એટલે તે દિવસનો ચણેલો કોટ પડી જાય. આવું ઘણા દિવસ ચાલતા કંટાળેલા બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને પૂછ્યું તમારે આવું કરવું પડે છે અને બીજી તમારામાં શી-શી કરામત છે? બાબા બોલ્યા કે, બદનાના મોંઢેથી દાખલ થઇને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા તેઓ બદનામાં જેવા દાખલ થયા કે બાદશાહે બદનાના મોંઢે તથા નાળચે હાથ દઇને બંધ કરી દીધો ત્યારે તેઓ બોલ્યા, આ વાત ઠીક છે? પછી તેઓ બોલ્યા, 'મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે.' એ પ્રમાણે કોલકરાર કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશબારી પાસેના બુરજનું નામ 'માણેક બુરજ' પાડ્યું. માણેકનાથ બાબાની ઝૂંપડી આગળ મોટું ચઉટું કરીને તેનું નામ 'માણેકચોક' પાડ્યું. આમ ત્યારથી તેમનું ઉપનામ 'ગોદડિયા' પડ્યું. આજ માણેકચોકમાં માણેકનાથ બાબા અને તેમના શિષ્ય ગુલાબનાથજીએ જે સ્થળે જીવતા સમાધિ લીધી હતી તે સ્થળે તેમનું મંદિર છે.
માણેકચોકમાંથી અનેક વખત પસાર થનાર ઘણા લોકોને બાબા માણેકનાથનું મંદિર ક્યાં આવ્યું? તેની ખબર નથી. સોના-ચાંદીની દુકાનો વચ્ચે લહેરાતી ધજાને કારણે આ મંદિરનો ખ્યાલ આવે છે. મંદિરના મહંત ઘનશ્યામનાથજી જણાવે છે કે, શહેરના કોટનો પ્રારંભ યોગ્ય સ્થળેથી, યોગ્ય સમયે થાય તે માટે બાદશાહનું ધ્યાન દોરવા બાબા માણેકનાથ ચમત્કારથી કોટ પાડી નાંખતા હતા. સુબોધનાથજીએ બાબા અને તેમની ઘોડીની દેત્રોજ ગામે પણ સમાધિ હોવાનું જણાવ્યું હતું.
બાબા માણેકનાથની યાદ અપાવતા એ માણેક બુરજને અમદાવાદના છ સદીના ઇતિહાસમાં કોઇ પણ શાસકે હાથ અડાડવાની હિંમત કરી નથી. સાબરમતીનાં ઘોડાપૂર, ધરતીકંપોના આંચકાઓ કે આક્રમણખોર સેનાની તોપોના ગોળાઓ પણ ખાસ નુક્શાન પહોંચાડી શક્યા ન હતા. આવા યાદગાર વારસારૂપી ઐતિહાસિક સ્મારકને સાંગોપાંગ જાળવી રાખવા માટે દૈનિકે અનેક વખત ધ્યાન દોર્યું, છતાં 21મી સદીના અમદાવાદની મ્યુનિસિપાલિટીએ ધ્વંસ્ત કરવાની અક્ષમ્ય ભૂલ કરી. બુરજના રહી ગયેલા ટુકડાના સંરક્ષણ માટે ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગે અમદાવાદ મ્યનિ.ને બે લાખ રૂપિયા બે વર્ષ પહેલાં આપ્યા અને તે વપરાયા નહીં. હેરીટેજની વાતો કાગળમાં રહી ગઇ અને બાબા માણેકનાથની યાદ અપાવતા માણેક બુરજનો મોટો ભાગ યાંત્રિક હથોડાઓનો માર ખાતા ખાતા ધ્વંસ્ત થઇ ગયો.

અમદાવાદ-ગુજરાતમાં કાગળ ઉદ્યોગ એટલો ફૂલ્યો-ફાલ્યો હતો કે તે કામ સાથે સંકળાયેલા લોકો 'કાદગી' તરીકે ઓળખાયા

આમ જોવા જઇએ તો ગુજરાતમાં સોળમાં સૈકામાં કાગળનો ઉદ્યોગ અસ્તિત્વમાં હતો. જેમાં અમદાવાદ, પાટણ અને ખંભાતમાં કાગળના સૌથી વધુ કારખાના હતા. અમદાવાદમાં કાગળનો ઉદ્યોગ આજે પણ જીવંત છે અને આ કાગળના વેપારીઓને કાગઝી કહેવામાં આવે છે. આ નામની નિસ્બતે એટલી બધી ખ્યાતિ મેળવી હતી કે અસંખ્ય ખાનદાનોના નામ જ કાગદી પડી ગયા જેઓ આજે પણ 'કાગદી' તરીકે જ ઓળખાય છે.
અમદાવાદમાં મોટાપાયે કાગળનું ઉત્પાદન થતું હતું જે હિન્દુસ્તાન ઉપરાંત વિદેશમાં પણ અરબ, સીરીયા, રૂમ, તુર્કી સુધી જતું હતું. પાટણમાં જે કાગળ બનતો હતો તેનું નામ જ પટણી પડી ગયું હતું. ખંભાતમાં કાગળના સંખ્યાબંધ કારખાના હતા અને આજે પણ એ મહોલ્લો છે જ્યાં એ સમયે કાગળ બનતો અને વેચાતો હતો. અમદાવાદમાં જે કાગળ તૈયાર થતો હતો તે ચિકાશ અને સફેદીમાં એટલો બેમિસાલ હતો કે હિન્દુસ્તાનમાં બનતો કોઇપણ કાગળ તેની આગળ ટકી શકતો ન હતો. કાગળો પણ પાતળા, જાડા, નાના મોટા રંગીન એમ દરેક સાઇઝ અને કલરના તૈયાર થતા હતા. રંગીન કાગળ પણ વિવિધ પ્રકારના તૈયાર થતા હતા.જે ઘણું ચીકણું રહેતું હતું. તેમાંથી બદામી રંગનો કાગળ વેપારી રોજમેળ તથા આવક જાવકના રજીસ્ટરો માટે વધુ વાપરતા હતા. એ વખતે યુરોપના કાગળની કિંમત ઓછી હોવાથી તથા આ ઉદ્યોગમાં આવક નહિવત હોવાથી આ ઉદ્યોગ માંદો પડી ગયો હતો. છતાં ગુજરાતી શાહુકારો અને વેપારીઓની માગણીને કારણે બદામી રંગના કાગળનો ઉદ્યોગ જીવંત રહ્યો હતો.
ઝરઅફશાં કાગળ પણ અમદાવાદમાં બનતો હતો જેના નમુના આજે અમદાવાદની હઝરત પીર મુહમ્મદશાહ (ર.અ.)ની દરગાહના પુસ્તકાલયમાં જોવા મળે છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ નામના પુસ્તકમાં જણાવાયુ છે કે કાગળ અંગે ઇતિહાસમાં નોંધાયા મુજબ દૌલતાબાદી અને કાશ્મીરી કાગળ સારા ગણા હતા છતાં સફેદી અને ચમકમાં અમદાવાદના કાગળની તુલના થઇ શકતી ન હતી. અમદાવાદના કાગળની આ ખૂબીની સાથે એક ખોટ પણ હતી કે કાગળો તૈયાર થયા બાદ અમુક સમયમાં તેમાં કાણાં પડી જતા હતા. તેનુ કારણ અમદાવાદનું ભૌગોલિક સ્થાન હતું. આનું કારણ જણાવતા મિરાતે અહેમદીના લેખક મીર્ઝા અલી મુહમ્મદખાન લખે છે કે અમદાવાદ રણ પ્રદેશમાં આવેલું હોવાથી રેતીના રજકણો ઉડીને કાગળના ખમીરમાં ભરાઇ જતા હતા. જ્યારે આ ખમીરને પાથરવામાં આવતું ત્યારે તે સુકાઇને બહાર નીકળી જતા હતા. આ રીતે તેમાં કાણાં પડી જતા. આવી સ્પષ્ટ ખોટ હોવા છતાં તેની સફેદી, દેખાવ અને ચીકણાપણાને કારણે અમદાવદી કાગળની માગ ખૂબ હતી.
ગુજરાત શિલ્પકલામાં પણ કોઇનાથી પાછળ ન હતું. અમદાવાદ સહિત ગુજરાતમાં પથ્થરની ઇમારતોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, ફુલ, પત્તી, કમાનો, અને આકૃતિઓ ખૂબ જ બારીકાઇથી તૈયાર કરાતી હતી. આજે પણ વિવિધ મસ્જિદો, ખાનકાઓ કે મકબરાઓમાં આ કળાના નમુના જોઇ શકાય છે. એમાંય વિવિધ મસ્જિદો અને મકબરાઓમાં જે જાળીઓ તૈયાર કરવામાં આવી છે તે જોવા લાયક છે. અમદાવાદમાં લાલદરવાજા પાસે આવેલી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં લગાડેલી જાળી એવી બેનમુન અને ઇસ્લામિક રહસ્યોના તાણાવાણાથી ગુંથાયેલી છે કે જોનારાઓ અચંબામાં પડી જાય છે. ત્યારબાદ સરખેજ રોજા સંકુલમાં આવેલી શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શ(ર.અ.)નો મઝાર, સુલતાન મહેમુદ બેગડા અને સુલતાન મુઝફફર હલીમના રોજા અને તેમની કબર ઉપરનું આરસનું નકશીકામ, રાજા રાણીનો મહેલ ઉપરાંત જુમ્મા મસ્જિદ, સુલતાન અહમદશાહનો રોજો (બાદશાનો હજીરો), રાણીનો હજીરો, રાણી સીપ્રીની મસ્જિદ અને મકબરો, હઝરત શાહેઆલમ (ર.અ.)ની મસ્જિદ અને મકબરો, ઝુલતા મિનારા, દાદા હરીહરની વાવ અને મસ્જિદ સહિત તે સમયે તૈયાર થયેલી મોટાભાગની મસ્જિદો, મકબરાઓ, મદ્રસાઓ, સહિતની ઇમારતોમાં શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના જોવા મળે છે. અને આજે પણ વિદેશી પ્રવાસીઓ અને શિલ્પશાસ્ત્રીઓ આ ઇમારતોની અચૂક મુલાકાત લે છે.

Thursday, May 20, 2010

હેન્ડમેડ કલમખુશ કાગળની
કંકોત્રીની માંગ વઘી


ગાંધીજી કાયમ હેન્ડમેડ કાગળપર લખવું ગમતું. કાગળપર ફરતી કલમની એટલી મજા આવતી કે હેન્ડમેડ કાગળનું નામ તેમણે કલમ ખુશ રાખી દીધું. આજે આઝીદીના 60 વર્ષ પછી અનદાવાદના યુવાનોમાં કલમખુશ કાગળનો ટ્રેન્ડ લગ્ન કંકોત્રી બનાવવામાં વધ્યો છે.
ગાંધી આશ્રમથી થોડા આગળ ચાલો ત્યાં સરદાર વલ્લભભાઇ પટેલ 1940માં સ્થાપેલી ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા આવેલી છે જ્યાં સાદા ચરખા, અંબર ચરખા ઉપરાંત કલમખુશ કાગળ બનાવવામાં આવે છે. જી હાઁ, કલમખુશ કાગળ. અખાત્રિજના રોજ લગ્નોની સિઝન ચાલુ થતાની સાથે કલમખુશમાં ખાસ ઇકોફ્રેન્ડ્લી કંકોત્રી બનાવવા માટે પ્રભુતામાં પગલા માંજવા જઇ રહેલા યુગલોની ભીડ જામી રહી છે.
ખાસ લગ્નની સિઝનમાં કમલખુશનો બિઝનેસ તેના સામાન્ય બિઝનેસ કરતા 40 ટકા વધી જાય છે. માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ આ પ્રકારના કાગળોની હવે વિદેશમાં પણ માગ વધી રહી છે ત્યારે ગાંધીબાપુના પાયાના વિચારો સાથે સ્થાપવામાં આવેલી આ સંસ્થા આજે પણ સ્વનિર્ભર બનીને અવનવા હાથ બનાવટમાં કાગળો બનાવી લોકોને આકર્ષી રહી છે.
આ કાગળ સંપૂર્ણ પણે પર્યાવરણ આધારીત છે જે સંપૂર્ણપણે હાથ વડે બનાવવામાં આવે છે તેથી તેને Hand Made Paper પણ કહે છે. મોહનભાઇ દેસાઇ વાતચીતમાં કહે છે. કે "આ કાગળ સંપુર્ણ ઇકોફેડિલી છે. જેમાં કોટન કાપડના કપડાનો ઉપયોગ થાય છે. આમ તો આ કાગળ વેસ્ટમાંથી બેસ્ટ જેવું. કારણ કે લોકો એ વેસ્ટ કોટનના કાપડનો આ કાગળમાં ઉપયોગ થાય છે. આ કાગળની મદદથી કંકોત્રી, વિઝીટીંગ કાર્ડ, કેરીબેગ, પર્સ, ડેકોરેસનની વસ્તુ વગેરે બનાવી શકાય છે.
આવનારા દિવસોમાં પરણી રહેલા રાહુલ અને નિશા ખાસ આ કાગળ ખરીદતા પોતાનો મત રજુ કરે છે કે, સાદા કાગળ કરતા આ કાગળ પર સુદર પ્રિન્ટીંગ થઇ શકે છે અને કંઇક જુદુ લાગે છે. તે માટે અમે ખાસ આ કાગળની કંકોત્રી પર આમંત્રણ પત્રિકા બનાવરાવીશું.
મધુભાઇ ત્રિવેદી જે રીટાયર્ડ બાદ પણ આ કામ સાથે સંકળાયેલા છે. તેમનું માનવું છે કે આ કાગળના ઉપયોગથી પર્યાવરણને નુકશાન થતું નથી, વૃક્ષોનો પણ નાશ થતો નથી, ને કાગળની ગુણવતા પણ સારી મળી રહે છે."
મોહનભાઇ દેસાઇએ કહે છે કે "કમલખુશ કાગળને લગભગ 50 વર્ષ સુધી કાંઇ થતું નથી. જ્યારે મીલમાં તૈયાર થયેલ કાગળ પાંચ વર્ષમાં ફાટી જાય અથવા ભાંગી જાય છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં તથા બારોટ સાહિત્યમાં પણ આ કાગળનો ઉપયોગ થાય છે. આ કાગળ બનાવવા સાથે સંકળાયેલા મધુભાઇ ત્રીવેદી કહે છે કે આ કાગળ અને મીલના કાગળની કિંમતમાં ઘણો ફેર છે. કારણ કે આ કાગળની મજુરી બહુ જ મોંઘી પડે છે. 6 કલાકમાં માત્ર 80 કિ.ગ્રા. માલ તૈયાર થાય છે. કિંમતમાં વધારો છતાં પણ તેની માંગમાં પણ વધારો થાય છે. ગુજરાતની આ એક માત્ર સંસ્થા છે જ્યાં કલકખુશ કાગળ બનાવવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા એક વર્ષની અંદર 35-40 લાખનું ઉત્પાદન કરવામાં આવે છે. મોહનભાઇ દેસાઇ આ કાગળને વિદેશમાં એક્સપોર્ટ અંગે માને છે કે આ એક સંસ્થા હોવાથી કાગળનો વિદેશમાં નિકાસ કરવી એ અઘરી બાબત છે છતાં ઘણી સંસ્થાઓ અમારી પાસેથી માલ ખરીદીને વિદેશોમાં વેચાણ કરે છે અને તેમાંથી તેઓ ઘણો નફો પણ મેળવે છે."
હાલ દુનિયા જે પ્રદૂષણ સામે લડી રહી છે ત્યાં કલમખુશ કાગળ દ્વારા થોડા અંશે તેની પર અંકુશ લાવી શકાય છે. આ કાગળ પણ અમદાવાદના આંગણે સરળતાથી ઉપલબ્ધ છે.

Friday, May 14, 2010


ગુજરાતમાં દર પાંચ વ્યક્તિએ એક વાહન

ગાંધીનગર, રાજ્યભરમાં મોટા શહેરોમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. સહજ રીતે સમજી શકાય કે રાજ્યભરમાં વાહનોની સંખ્યા વધી રહી છે. સત્તાવાર આંકડાઓ ઉપર નજર કરીએ તો રાજ્યભરમાં માર્ચ-2010ની સ્થિતિએ કુલ વાહનોની સંખ્યા વધીને એક કરોડ 18 લાખ 72 હજાર 573ના આંકને વટાવી ચૂકી છે.

રાજ્યભરમાં ખરીદાયેલા વાહનોની સંખ્યા જોતાં સ્પષ્ટ રીતે જણાય આવે છે કે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી બહાર આવી ગઇ છે અને ગુજરાતમાં મંદીનો અંતિમ દોર પણ પૂરો થઇ ગયો છે. વાહન વ્યવહાર તચેરીના આંકડાઓથી સાબિત થયું છે કે, વાહનોના વેચાણના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. ઉપરાંત હાલની વાહનોની સંખ્યા અને અંદાજ મુજબ ગુજરાતમાં દર પાંચ વ્યક્તિએ એક વાહન સરેરાશ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2008માં અમેરિકાની લેહમેન બ્રધર્સના અનેક કોર્પોરેટ હાઉસો મંદીના ચક્રવાતી વમળમાં ફસાઇ પડતા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને ઘણો મોટો આંચકો લાગ્યો હતો. મંદીના કારણે રાજ્યમાં પણ વાહનોની ખરીદી મંદ પડી ગઇ હતી, પરંતુ સપ્ટેમ્બર 2009 પછી ગુજરાતમાં તમામ પ્રકારના વાહનોના વેચાણમાં ધીમે ધીમે ખરીદીનું પ્રમાણ વધ્યું અને માર્ચ-2010માં વાહનોના વેચાણના નોંધાયેલા આંકડાઓએ નવો વિક્રમ સ્થાપ્યો છે.

ફ્રૂટ બજારમાં રોજ 30 હજાર બોક્ષ
કેસર કેરીનાં આવી રહ્યા છે

અમદાવાદ, કેસર કેરીના સ્વાદના રસિયાઓ માટે મોઢામાં પાણી આવે તેવા સમાચાર છે. આ વખતે ગુજરાતમાં લોકપ્રય કેસર કેરીનું ઉત્પાદન 30 ટકા વધારે થતાં માર્કેટમાં અત્યારથી જ કેસર કેરીનાં બોક્સ આવી રહ્યાં છે. અમદાવાદમાં નરોડા ફ્રુટ માર્કેટમાં હાલમાં 10 કિગ્રાનું એક એવા 30 હજાર બોક્સ રોજેરોજ જૂનાગઢ-સૌરાષ્ટ્રથી આવી રહ્યાં છે. ગયા વર્ષે કેરીના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબર વનની સ્થિતિએ પહોંચી જાય તેમ છે. પાંચ વર્ષ પહેલાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત છઠ્ઠા ક્રમે હતું.

આ ઉનાળામાં અમદાવાદના કેસર કેરીના શોખીનોને સસ્તા ભાવે કેસર કેરીનો રસાસ્વાદ માણવા મળે તેમ છે. છેક જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી અમદાવાદીઓને કેસર કેરીનો સ્વાદ માણવા મળશે.ફ્રુટબજારમાં કેસર કેરીનું 10 કિગ્રાનું એક બોક્સ રૃ.250થી રૃ.300ની વચ્ચે વેચાઇ રહ્યું છે. આગામી દિવસોમાં રોજેરોજ એક લાખ બોક્સ અમદાવાદ આવશે અને તેના કારણે કેસર કેરીના ભાવમાં ઘટાડો થશે.

સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં સામાન્ય રીતે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કેસર કેરીનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ મીઠી-મધૂરી કેસર કેરી આવી ગઇ છે. સત્તાવાર આંકડા મુંજબ ભારતમાં પ્રતિહ્ક્ટર 17 ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે ગુજરાતમાં પ્રતિહ્ક્ટર 24 ટન ઉત્પાદન થયું અને આ વર્ષે 26 ટન પ્રતિહેક્ટર ઉત્પાદન થયું છે, જે સમગ્ર ભારતમાં સૌથી વધારે છે. જોકે આધ્રપ્રદેશમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સામાન્ય કરતાં ઓછું થયું છે.

સૂત્રોએ જણાવ્યું કે આ વખતે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે કેસર કેરીનાં વૃક્ષમાં ચાર વખત ફૂલો બેઠાં હતાં. સામાન્ય રીતે સિઝનમાં બે વાર ફૂલો બેસતાં હોય છે. પ્રથમ ફૂલો 15 દિવસ પહેલાં જ બેઠાં હતાં તેથી કેસર કેરીનું વહેલું આગમન થયું છે. પાંચ વર્ષ પહેલાં કેસર કેરી વૃક્ષ પરથી 45 દિલસ સુધી મળતી હતી. આ વખતે 90 દિવસ સુધી વૃક્ષ પરથી કેસર કેરી મળતી થશે. ચાર-ચાર વખત ફૂલો બેઠાં હોવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો છે. જૂનાગઢમાં 17,000 હેક્ટર જમીનમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. વાર્ષિક સરેરાશ ઉત્પાદન 90 હજાર ટનની સામે આ વખતે એક લાખ ટન વધારે ઉત્પાદન થશે.

કોર્પોરેશન પાસે આગ બુઝાવવા
આધુનિક સાધનો જ નથી!

  • શહેરના તમામ જીઆઇડીસી વિસ્તાર હાઇરિસ્ક ઝોનમાં
  • જીઆઇડીસી વિસ્તારના એક પણ ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર પણ નથીઃ વટવા ફાયર સ્ટેશનમાં 30 ક્વાર્ટર્સના બદલે ફક્ત પાંચ ક્વાર્ટર્સ

અમદાવાદ, શહેરના વટવા, નરોડા, નારોલ-પીપલજ, ઓઢવ જેવા ઔદ્યોગિક વિસ્તારમાંથી ફાયર સેફટીને લગતી લેશમાત્ર સુવિધા ન હોવાથી આ વિસ્તારના હજારો કારીગરો અને આસપાસના રહેણાક વિસ્તારો સતત હાઇરિસ્ક ઝોનમાં આવે છે. વટવાની કેમિકલ ફેક્ટરીમાં પ્રેશર વ્હિકલ ફાટતાં થયેલા પ્રચંડ વિસ્ફોટ જેવા ધડાકા ગમે ત્યારે થઇ શકે છે.

વટવાની આર કે ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં રવિવારની બપોરે એક કર્મચારીનું મોત થયું અને 13 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા સમગ્ર વિસ્તામાં દહેશત ફેલાઇ હતી. પ્રેશર વ્હિસલનો કાટમાળ 400 મીટર દૂર ફંગોળાતા આસપાસની ફેક્ટરીઓ અને ઘરોની છતને નુકસાન થયું હતું. અલબત્ત, જીઆઇડીસી વિસ્તારમાં આ પ્રકારની વિનાશક ઘટનાઓ વારંવાર સર્જાઇ શકે છે.

મ્યુનિ. સૂત્રો કહે છે, શહેરના એક પણ જીઆઇડીસી વિસ્તારમાં આકસ્મિક દુઘર્ટનાઓનો સુનિયોજિત ઢંગથી સામનો કરી શકાય તેવાં ફાયરના સાધનો જ નથી. વટવાની જીઆઇડીસી માટે જશોદાનગર ચોકડી પાસે બનાવાયેલું ફાયર સ્ટશનમાં આ જીઆઇડીસીના સેંકડો ઉદ્યોગોની સુરક્ષા સલામતી સારી રીતે નિભાવી શકે તેવી વ્યવસ્થા જ નથી. જેને કારણે ગરમીના માહોલમાં ફરીથી આવા વિસ્ફોટ વખતે મોટા પ્રમાણમાં જાનમાલની ખુવારી થવાની પૂરેપૂરી શક્યતા છે.

હોઠને રસીલા બનાવતી લિપસ્ટિક
ઝેરી પુરવાર થઇ શકે

અમદાવાદ, લિપસ્ટિકનો બહોળો ઉપયોગ કરીનારી મહિલાઓ સાવધાન. આ લિપસ્ટિક તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે એટલું જ નહીં પ્રસૂતા મહિલાઓ લિપસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કરે તો તેમાં રહેલા સીસા (લીડ)ને કારણે તેને કસૂવાવડ થઇ શકે છે. મહેલાઓની ફળદ્રુપતાને પણ અસર પહોંચી શકે છે. અમદાવાદ સ્થિત ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી (સીઇઆરસી) દ્વારા કરાયેલ ચકાસણીમાં પુરવાર થયું છે કે બજારમાં ઉપલબ્ધ લિપસ્ટિકમાં લીડનું પ્રમાણ નિયત કરતાં વધુ છે. જે હાનિકારક સાબિત થઇ શકે છે.

સીઇઆરએસ દ્વારા વિવિધ બ્રાન્ડના દાવાને ચકાસવા તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તાજેતરમાં આ સંસ્થાએ વિવિધ બ્રાન્ડની લિપસ્ટિંકનું ટેસ્ટિંગ હાથ ધર્યું ત્યારે ચોંકાવનારા તારણો બહાર આવ્યાં છે. સંસ્થાએ 46 અલગ પ્રકારની લિપસ્ટિકની ચકાસણી કરી જેમાં 43 અલગ અલગ શેડ હતા અને 19 લિપસ્ટિક બહોળું વેચાણ ધરાવતી બ્રાન્ડની લિપસ્ટિક હતી. ચકાસણીમાં માલુમ પડયું કે જાણીતી લિપસ્ટિક બ્રાન્ડમાં લીડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

બજારમાં રૃ.10માં મળતી લિપસ્ટિકમાં લીડનું પ્રમાણ બે પાર્ટીકલ્સ પર મિલિયન (પીપીએમ)થી 17 પીપીએમ હતું. જ્યીરે રૃ.100 કરતાં વધુ કિંમતની મોંઘી લિપસ્ટિકમાં લીડનું પ્રમાણ 11 પીપીએમથી 23 પીપીએમની વચ્ચે હતું.

લીડ એટલે કે સીસુ માનવ આરોગ્ય માટે સલામતી નથી. લીડ નેરો ટોકસીન ઝેરી તત્ત્વ છે. જે માનવીના શરીરમાં શીખવાની ભાષા અને વર્તણૂક પર અસર કરીને લીડ શરીરમાં જાય તો શરીરની ફળદ્રુપતાને અસર કરે છે અને કસૂવાવડ સુધી દોરી જાય છે. પ્રસૂતા મહિલા અને બાળકો માટે આ પ્રકારની લિપસ્ટિક અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે.

એર-ફેરમાં શિક્ષણ પ્રધાણ અને દૈનિક ભથ્થામાં આરોગ્ય પ્રધાન મોખરે

ગાંધીનગરઃ ગુજરાતના 19 પ્રધાનોને નિયત કરેલા પગાર ઉપરાંત તેમના પ્રવાસ માટે મળતા ટ્રાવેલિંગ એલાઉન્સ, ડેઇલી એલાઉન્સ અને હવાઇ મુસાફરી પેટે ગત 2009ના વર્ષ દરમિયાન રૃ.40.86 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ટીએ અને હવાઇ મુસાફરીનો ખર્ચ લીધો નહોતો પરંતુ ડી.એ પેટે આખા વર્ષમાં માત્ર રૃ.13799 લીધા હતાં. જોકે ડી.એ લેવામાં આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ, હવાઇ મુસાફરી ખર્ચ મેળવવામાં શિક્ષણપ્રધાન રમણલાલ વોરા અને ટી.એ વસુલવામાં ગ્રામ્ય વિકાસપ્રધાન નરોત્તમ પટેલ અવ્વલ નંબર રહ્યા હતા.

રાજ્યના તમામ પ્રધાનો દર અઠવાડિયે શુક્રવાર અને શનિવારના દિવસોએ જે-તે વિસ્તારના પ્રવાસે જતા હોય છે, પ્રવાસ દરમિયાન તેમને પગાર ઉપરાંત નિયત કરેલું ભથ્થું ચૂકવવામાં આવે છે. જેમાં ડેઇલી એલાઉન્સ માટે ચાર કેટેગરી નક્કી કરાયેલી છે તેમાં એ-વન સિટી, એ.સિટી, બી-વન સિટી અને અન્ય જે પેટે અનુક્રમે રૃ.260, રૃ.210, રૃ.170 અને રૃ.135 ચૂકવવામાં આવે છે. આ રકમ દર 24 કલાક પ્રમાણે ચૂકવાય છે. આ ઉપરાંત ટ્રાવેલિંગ એલાઉન્સ પણ ચૂકવાય છે જેની બે કેટેગરી છે, સરકારી વાહનમાં પ્રવાસ કરે તો ડિઝલના વાહન માટે પ્રતિ કિમી. રૃ.2.50 અને પેટ્રોલનું વાહન હોય તો રૃ.4 તેમજ ખાનગી કે પોતાનું વાહન વાપરે તો ડિઝલના પ્રતિકિમી પાંચના હિસાબે ટીએ ચૂકવાય છે.

સન 2009ના વર્ષમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત તમામ પ્રધાનોને ટીએ પેટે રૃ.28,39,543 અને ડી.એ પેટે રૃ.4,65,555 ચૂકવાયા હતા. એવી જ રીતે હવાઇ મુસાફરીમાં ટિકિટ પ્રમાણે રૃ.7,81,732 ચૂકવવામાં આવ્યા હતા.

તમામ પ્રધાનોમાં સૌથી વધુ ડેઇલી એલાઉન્સમાં રાજ્યના આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસને રૃ.44,939 ચૂકવાયું હતું જ્યારે હવાઇ મુસીફરીના ખર્ચ પેટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, પરબતભાઇ પટેલ, વાસણાભાઇ આહિર, કિરીટસિંહ રાણા અને જશવતંસિંહ ભાંભોરે કોઇ રકમ લીધી નહોતી. જ્યારે સૌથી વધું રકમ શિક્ષણપ્રધાન રમણલાલ વોરાએ રૃ.3,27,631 લીધા હતા. ટ્રાવેલિંગ એલાઉન્સમાં સૌથી વધુ ગ્રામ્ય વિકાસપ્રધાન નરોત્તમ પટેલ રૃ.2.40 લાખ લીધું હતું.

ટેલીફોન ઉપર મંત્રો બોલીને
દર્દ મટાડતા વસંત શાહ

આંખ, નાક, કાન, ગળુ, માંથુ, કમર, પેટ તથા સાંધાના દર્દીઓને ચમત્કારીક રાહતો થઇ હોવાનો દાવો

આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં માનવીનું જીવન અનેક સુવિધાઓથી સંપન્ન થયું છે. ટેક્નોલોજીની મદદથી તબીબી જગતમાં પણ મોટી ક્રાંતિ આવી છે. ટેક્નોલોજીના સહારે તબીબોએ મૃત્યુના મુખ સુધી પહોંચી ગયેલા વ્યક્તિનો બચાવી લીધા હોવાના ઘણા કિસ્સા છે. આટલી બધી પ્રગતિ થઇ હોવા છતાં માંદગીના સમયમાં દેવી-દેવતાઓમાં શ્રદ્ધા મુકી બાધા રાખનારો પણ મોટો વર્ગ છે. વાત માનવામાં નહીં આવે, પણ વરાછા વિસ્તારના વસંત કાંતિલાલ શાહ ફોન પર મંત્ર બોલી આંખ, નાક, કાન, ગળુ, માંથુ, હાથ-પગ, પેટ, કમર અને શરીરના જુદા જુદા અવયવમાં દુઃખાવો મટાડી દેતા હોવાનો દાવો કરે છે. તેમની સાથે વાત થયા બાદ 70 થી 80 ટકા રાહત અનુભવતા હોવાનું તેમનું કહેવું છે. જેના બદલામાં તેઓ કોઇ દામ-દક્ષિણા નથી. ફક્ત ગાયને ઘાસચારો ખવડાવી દેવાનું કહે છે. ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા વટાદરા ગામના વતની અને હાલમાં સુરતના વરાછા, લંબેહનુમાન રોડ પર આવેલી સૈફી સોસાયટીમાં રહેતા વસંત શાહે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસ-બાર વર્ષથી આ સેવા કરી રહ્યા છે. તેમણે નવ-નવ સંતાનોને ગૂમાવ્યા છે. પત્ની દક્ષાબેનને અધૂરા માસે પ્રસૂતિ થઇ જતા સંતાન સુખ મળ્યું નથી. દક્ષાબેનને નિયમિત પેટના દુઃખાવાની, અંબોઇ ખસી જવા સહિતની તકલીફ રહેતી હતી. જેથી તેમણે શારીરિક પીડા દૂર કરવા માટે નિર્ણય કર્યો હતો અને બાર વર્ષ પહેલા મંત્ર સિદ્ધ કર્યા હતા. જે મંત્રોનો પ્રથમ ઘરમાં અને પછી મિત્ર વર્તુળમાં પ્રયોગ કરી સફળતા મેળવી હતી.

આજે તેમના મંત્રોની એટલી અસર થવા માંડી કે ફકેત ફોન પર લોકોના શારીરિક દુઃખાવાની તકલીફો સાંભળી મંત્ર દ્વારા તે દૂર કરી શકે છે. દરરોજ તેમને 70 થી 80 ફોન આવે છે. જેમાં સૌથી વધુ ફોન કાઠીયાવાડના હોય છે.ત્યાર બાદ અમદાવાદ, મહેસાણા, ઇડર, જામનગર, સુરત, વાપી, વલસાડ તથા પૂના, મુંબઇ, નંદૂરબાર, રાજસ્થાન અને ક્યારેક વિદેશમાંથી પણ ફોન આવે છે.

કોઇ વ્યક્તિને તેમના સંપર્કમાં આવ્યા બાદ દુઃખાવાથી છૂટકારો મળે તો તે વ્યક્તિ તેમો ફોન નંબર બીજાને આપી દે છે. આમ દૂર દૂર થી લોકો તેમને ફોન કરે છે. એમ કહેતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાનની ઇચ્છા છે ત્યાં લોકોની સેવા કરતો રહીશ. જો કોઇની ફોન પર તકલીફ દૂર ન થાય તો રૃબરૃ મુલાકાત માટે બોલાવી એક્યુપેસર થેરાપી અને ચાર આર્ક (સફેદ રાય, લવિંગ, શિમલા મરચી મિશ્રીત)નું તેલ માલીસ કરવા આપે છે. જેથી ગણતરીના દિવસોમાં દુઃખાવો ગાયબ થઇ જાય છે. રૃબરૃ મુલાકાતની તેઓ માત્ર રૃ.20 ફી લે છે એમ વધુમાં કહ્યું હતું.

વસંત શાહના સંપર્કમાં આવ્યા બાદ હાથ-પગમાં નિયમિત થતા દુઃખાવાથી રાહત મેળવનારા ચંદુભાઇ વોંદીયાએ જણાવ્યું હતું કે તેઓ ભજીયાની દુકાન ચલાવે છે. આ ધંધામાં તેમને રાત-દિવસ ઊભા રહેવું પડે છે. જેથી હાથ-પગના દુઃખાવાથી છૂટકારો મેળવવા ઘણી દવા કરાવી હતી. તેમ છતાં કોઇ ફેર પડ્યો નહોતો ત્યારે દોઢ-બે વર્ષ અગાઉ એક મિત્રએ વસંત શાહનો નંબર આપ્યો હતો.

તેમની જોડે વાત થયા બાદ દુઃખાવાથી રાહત મળી હતી. વસંત શાહે આપેલા તેલથી માલીશ કર્યા બાદ તેમને ફરીવાર દુઃખાવો થયો નથી.

એકાઉન્ટન્ટ પુષ્પેન્દ્ર બીસવાસએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમને કમરના દુઃખાવાની તકલીફ હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા બાદ પણ તકલીફમાંથી છૂટકારો મળતો નહોતો. ત્યારે વસંત શાહે ફોનથી તેમના પર કરેલો પ્રયોગ સફળ રહ્યો હતો. પહેલા તેઓ દુઃખાવાને લીધે બહાર જતા અગાઉ વિચારતા હતા. જો કે હાલ તેઓ ઘણી રાહત અનુભવી રહ્યા છે.


મહારાષ્ટ્રની મોસંબી દક્ષિણ ગુજરાતમાં

સ્ટોરી- ઉમેશ બાવીસા

નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું સુરખાઇ ગામ આજે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે. જેનાથી ધણા લોકો અજાણ છે. ચીખલી-વાંસદા રોડ પર આવેલું સુરખાઇ ગામ આશરે ૨૮૦૦ ની વસતિ ધરાવે છે. સિંચાઇ, પાણીની સુવિધા અને માળખાકીય સવલતો ધરાવતા ગામમાં કણબી પટેલ, ઢોડિયા અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. સરપંચ શ્રી ધીરૂભાઇ પટેલ ઉત્સાહી છે. ડેપ્યુટી સરપંચ અબુભાઇ મુસ્લિમ ટ્રસ્ટ ચલાવે છે. તેઓ પણ ગામના વિકાસમાં ખુબ સક્રિય છે. શિક્ષણ પણ ખુબ સારૂ છે. શિક્ષણના પ્રતાપે ગામના એન.આર.આઇ. દુલર્ભભાઇ મકનજીભાઇ પટેલને મોસંબી/સંતરાની ખેતીની ઉત્કંઠા જાગી. મકકમ ઘ્યેય નકકી કરી લીધું કે મોસંબીની ખેતી કરવી છે. અને તેઓ સફળ થયા. આજે તેમના ૧૮ વીધાના ખેતરમાં મોસંબી/સંતરાના પાકોથી ખેતરો લહેરાઇ રહયા છે. શ્રી દુલર્ભભાઇના મનમાં ચોકકસ આનંદ છે, ગર્વ છે ગુજરાતી હોવાનો, અને તે પણ વિદેશમાં રહીને ગુજરાતનું નામ ખેતીક્ષેત્રે વિદેશ અને દેશભરમાં ખ્યાતનામ થયા છે. ગામમાં કોઇ આંગુતક આવીને પુછે કે, દુલર્ભભાઇનું ધર કયાં આવ્યું તો અચુક સાભળવા મળે મોસંબીવાળા !

ગરીબ પરિવારોને સરકારની સહાય વડે સરદાર, ઇન્દિરા આવાસો પણ મળ્યા છે. તાજેતરના ગરીબ કલ્યાણ મેળામાં ૬૩ જેટલા લાભાર્થીઓને યોજનાકીય લાભો મળ્યા છે.

નાનુ કુટુંબ સુખી કુટુંબની ભાવના ધરાવતા દુલર્ભભાઇના કિરણ અને કમલ બે પુત્રો છે. કમલભાઇ એર વર્જીનમાં ચાર્ટર એકાઉન્ટન્ટ છે. જયારે કિરણભાઇ ઇલેકટ્રીક એન્જિનિયર તરીકે કંપનીમાં ફરજ બજાવે છે. દુલર્ભભાઇનો પરિવાર લંડનમાં રહે છે. દુલર્ભભાઇ પટેલ લંડન રહે છે. પરંતુ માતૃભુમિની યાદોને જીવંત રાખવા તેઓ દર બે મહિને વતન આવે છે. આર્થિક રીતે સધ્ધર પણ ખેવના ખેતીની. દુલર્ભભાઇ ઇગ્લીંશ ગોઅર્સના બિઝનેશ સાથે પણ સંકળાયેલા છે.

દુલર્ભભાઇ કહે છે કે, મોસંબીની ખેતી માટે નાગપુરની મુલાકાત લીધી, જયાં મોસંબીની ખેતી નિહાળી, જમીનનો અભ્યાસ કર્યો, ત્યાંના ખેડૂતને માદરે વતન સુરખાઇ ગામે લાવી મોસંબીની ખેતીની શકયતાઓ તપાસી. ખાસ કરીને મોસંબીની ખેતીને તાપમાન ખુબ અસર કરે છે. મારા ધર્મપત્નિ લક્ષ્મી પણ જોડાયા. અંતે આશાનું કિરણ જાગ્યું. તેઓ ૧૭૦૦ જેટલા નાગપુરી સંતરાના રોપાઓ લાવી, ૧૮ વીધામાં મોસંબીની ખેતીના બીજ રોપ્યા. નાગપુરના ખેડુતના માર્ગદર્શન અનુસાર માવજત શરૂ કરી. બકરીની લીંડી અને છાણીયું ખાતર મોસંબી/સંતરાની ખેતી માટે ફળદાયી બન્યું. પરિશ્રમ, ખંત અને ધ્યેયનું પરિણામ મળ્યું. ૧૮ વીંધાનું ખેતર હરિયાળુ બન્યું. આજે એક મોસંબી/સતરાની ઝાડ પર ૭૦૦ થી ૮૦૦ ફળોના ઝુમખાઓ લહેરાયા છે.

દુલર્ભભાઇ અંત્યત ખુશ છે. કહે છે કે, વતનની માટીની માવજત મને મીઠાં ફળો આપ્યા છે. મોસંબીનો પાક છોડ રોપ્યા બાદ નાગપુરમાં વર્ષે મળતો હતો તે બે વર્ષમાં મળતા લાગતા આશ્વર્ય થયું પણ મહેનત-માવજત રંગ લાવી. માદરે વતનની માટીએ મને ખુશ્બુ અને ચાહના આપી છે. વતન પ્રત્યે અનહદ લગાવ છે. સાથે ગુજરાતી હોવાનું પણ ગર્વ છે. ખેતી સાથે મે પુરક પાક માટે આંબાના ઝાડ પણ વાવ્યા છે.

સામાજિક ક્ષેત્ર પણ સુરખાઇ ગામના વિકાસમાં યોગદાન રહયું છે. કોઇકના ધરે સ્વજન બિમાર હોય તો દુલર્ભભાઇ નિસ્વાર્થભાવે મોસંબીને ઠેલો ભરી આપે, સમાજ પ્રત્યેની ઉદારતાને દાદ દેવી ધટે. રસ્તો બનાવવા માટે પણ તેમણે રૂા.૧.૫૦ લાખનું યોગદાન આપ્યું છે. ભલો, દશરથ તેમના મજુરો છે પણ કયારેય તેમને મજુર તરીકે અહેસાસ થવા દીધો નથી. કુટુંબના સભ્યો તરીકે રાખે છે. સમગ્ર જવાબદારી મજુરો અદા કરે છે. તેમને મોંસબી/સતરાના વેચાણ માટે બજારમાં જવુ પડતું નથી. સીધા વેપારીઓ આવીને લઇ જાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો.નરસિંહભાઇ પટેલ કહે છે કે, મોસંબીની ખેતી માટે દક્ષિણ ગુજરાતમાં શકયતાઓ ખરી પણ સુકુ હવામાન ખુબ અનુકુળ આવે છે. સાથે હાર્વેસ્ટીંગ, માર્કેટીંગ પણ એટલું મહત્વનું છે. દુલર્ભભાઇનો પ્રયોગ ખુબ સફળ નીવડયો છે.