અમદાવાદ-ગુજરાતમાં કાગળ ઉદ્યોગ એટલો ફૂલ્યો-ફાલ્યો હતો કે તે કામ સાથે સંકળાયેલા લોકો 'કાદગી' તરીકે ઓળખાયા
આમ જોવા જઇએ તો ગુજરાતમાં સોળમાં સૈકામાં કાગળનો ઉદ્યોગ અસ્તિત્વમાં હતો. જેમાં અમદાવાદ, પાટણ અને ખંભાતમાં કાગળના સૌથી વધુ કારખાના હતા. અમદાવાદમાં કાગળનો ઉદ્યોગ આજે પણ જીવંત છે અને આ કાગળના વેપારીઓને કાગઝી કહેવામાં આવે છે. આ નામની નિસ્બતે એટલી બધી ખ્યાતિ મેળવી હતી કે અસંખ્ય ખાનદાનોના નામ જ કાગદી પડી ગયા જેઓ આજે પણ 'કાગદી' તરીકે જ ઓળખાય છે.
અમદાવાદમાં મોટાપાયે કાગળનું ઉત્પાદન થતું હતું જે હિન્દુસ્તાન ઉપરાંત વિદેશમાં પણ અરબ, સીરીયા, રૂમ, તુર્કી સુધી જતું હતું. પાટણમાં જે કાગળ બનતો હતો તેનું નામ જ પટણી પડી ગયું હતું. ખંભાતમાં કાગળના સંખ્યાબંધ કારખાના હતા અને આજે પણ એ મહોલ્લો છે જ્યાં એ સમયે કાગળ બનતો અને વેચાતો હતો. અમદાવાદમાં જે કાગળ તૈયાર થતો હતો તે ચિકાશ અને સફેદીમાં એટલો બેમિસાલ હતો કે હિન્દુસ્તાનમાં બનતો કોઇપણ કાગળ તેની આગળ ટકી શકતો ન હતો. કાગળો પણ પાતળા, જાડા, નાના મોટા રંગીન એમ દરેક સાઇઝ અને કલરના તૈયાર થતા હતા. રંગીન કાગળ પણ વિવિધ પ્રકારના તૈયાર થતા હતા.જે ઘણું ચીકણું રહેતું હતું. તેમાંથી બદામી રંગનો કાગળ વેપારી રોજમેળ તથા આવક જાવકના રજીસ્ટરો માટે વધુ વાપરતા હતા. એ વખતે યુરોપના કાગળની કિંમત ઓછી હોવાથી તથા આ ઉદ્યોગમાં આવક નહિવત હોવાથી આ ઉદ્યોગ માંદો પડી ગયો હતો. છતાં ગુજરાતી શાહુકારો અને વેપારીઓની માગણીને કારણે બદામી રંગના કાગળનો ઉદ્યોગ જીવંત રહ્યો હતો.
ઝરઅફશાં કાગળ પણ અમદાવાદમાં બનતો હતો જેના નમુના આજે અમદાવાદની હઝરત પીર મુહમ્મદશાહ (ર.અ.)ની દરગાહના પુસ્તકાલયમાં જોવા મળે છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ નામના પુસ્તકમાં જણાવાયુ છે કે કાગળ અંગે ઇતિહાસમાં નોંધાયા મુજબ દૌલતાબાદી અને કાશ્મીરી કાગળ સારા ગણા હતા છતાં સફેદી અને ચમકમાં અમદાવાદના કાગળની તુલના થઇ શકતી ન હતી. અમદાવાદના કાગળની આ ખૂબીની સાથે એક ખોટ પણ હતી કે કાગળો તૈયાર થયા બાદ અમુક સમયમાં તેમાં કાણાં પડી જતા હતા. તેનુ કારણ અમદાવાદનું ભૌગોલિક સ્થાન હતું. આનું કારણ જણાવતા મિરાતે અહેમદીના લેખક મીર્ઝા અલી મુહમ્મદખાન લખે છે કે અમદાવાદ રણ પ્રદેશમાં આવેલું હોવાથી રેતીના રજકણો ઉડીને કાગળના ખમીરમાં ભરાઇ જતા હતા. જ્યારે આ ખમીરને પાથરવામાં આવતું ત્યારે તે સુકાઇને બહાર નીકળી જતા હતા. આ રીતે તેમાં કાણાં પડી જતા. આવી સ્પષ્ટ ખોટ હોવા છતાં તેની સફેદી, દેખાવ અને ચીકણાપણાને કારણે અમદાવદી કાગળની માગ ખૂબ હતી.
ગુજરાત શિલ્પકલામાં પણ કોઇનાથી પાછળ ન હતું. અમદાવાદ સહિત ગુજરાતમાં પથ્થરની ઇમારતોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, ફુલ, પત્તી, કમાનો, અને આકૃતિઓ ખૂબ જ બારીકાઇથી તૈયાર કરાતી હતી. આજે પણ વિવિધ મસ્જિદો, ખાનકાઓ કે મકબરાઓમાં આ કળાના નમુના જોઇ શકાય છે. એમાંય વિવિધ મસ્જિદો અને મકબરાઓમાં જે જાળીઓ તૈયાર કરવામાં આવી છે તે જોવા લાયક છે. અમદાવાદમાં લાલદરવાજા પાસે આવેલી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં લગાડેલી જાળી એવી બેનમુન અને ઇસ્લામિક રહસ્યોના તાણાવાણાથી ગુંથાયેલી છે કે જોનારાઓ અચંબામાં પડી જાય છે. ત્યારબાદ સરખેજ રોજા સંકુલમાં આવેલી શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શ(ર.અ.)નો મઝાર, સુલતાન મહેમુદ બેગડા અને સુલતાન મુઝફફર હલીમના રોજા અને તેમની કબર ઉપરનું આરસનું નકશીકામ, રાજા રાણીનો મહેલ ઉપરાંત જુમ્મા મસ્જિદ, સુલતાન અહમદશાહનો રોજો (બાદશાનો હજીરો), રાણીનો હજીરો, રાણી સીપ્રીની મસ્જિદ અને મકબરો, હઝરત શાહેઆલમ (ર.અ.)ની મસ્જિદ અને મકબરો, ઝુલતા મિનારા, દાદા હરીહરની વાવ અને મસ્જિદ સહિત તે સમયે તૈયાર થયેલી મોટાભાગની મસ્જિદો, મકબરાઓ, મદ્રસાઓ, સહિતની ઇમારતોમાં શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના જોવા મળે છે. અને આજે પણ વિદેશી પ્રવાસીઓ અને શિલ્પશાસ્ત્રીઓ આ ઇમારતોની અચૂક મુલાકાત લે છે.
No comments:
Post a Comment