Friday, May 14, 2010


મહારાષ્ટ્રની મોસંબી દક્ષિણ ગુજરાતમાં

સ્ટોરી- ઉમેશ બાવીસા

નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું સુરખાઇ ગામ આજે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે. જેનાથી ધણા લોકો અજાણ છે. ચીખલી-વાંસદા રોડ પર આવેલું સુરખાઇ ગામ આશરે ૨૮૦૦ ની વસતિ ધરાવે છે. સિંચાઇ, પાણીની સુવિધા અને માળખાકીય સવલતો ધરાવતા ગામમાં કણબી પટેલ, ઢોડિયા અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. સરપંચ શ્રી ધીરૂભાઇ પટેલ ઉત્સાહી છે. ડેપ્યુટી સરપંચ અબુભાઇ મુસ્લિમ ટ્રસ્ટ ચલાવે છે. તેઓ પણ ગામના વિકાસમાં ખુબ સક્રિય છે. શિક્ષણ પણ ખુબ સારૂ છે. શિક્ષણના પ્રતાપે ગામના એન.આર.આઇ. દુલર્ભભાઇ મકનજીભાઇ પટેલને મોસંબી/સંતરાની ખેતીની ઉત્કંઠા જાગી. મકકમ ઘ્યેય નકકી કરી લીધું કે મોસંબીની ખેતી કરવી છે. અને તેઓ સફળ થયા. આજે તેમના ૧૮ વીધાના ખેતરમાં મોસંબી/સંતરાના પાકોથી ખેતરો લહેરાઇ રહયા છે. શ્રી દુલર્ભભાઇના મનમાં ચોકકસ આનંદ છે, ગર્વ છે ગુજરાતી હોવાનો, અને તે પણ વિદેશમાં રહીને ગુજરાતનું નામ ખેતીક્ષેત્રે વિદેશ અને દેશભરમાં ખ્યાતનામ થયા છે. ગામમાં કોઇ આંગુતક આવીને પુછે કે, દુલર્ભભાઇનું ધર કયાં આવ્યું તો અચુક સાભળવા મળે મોસંબીવાળા !

ગરીબ પરિવારોને સરકારની સહાય વડે સરદાર, ઇન્દિરા આવાસો પણ મળ્યા છે. તાજેતરના ગરીબ કલ્યાણ મેળામાં ૬૩ જેટલા લાભાર્થીઓને યોજનાકીય લાભો મળ્યા છે.

નાનુ કુટુંબ સુખી કુટુંબની ભાવના ધરાવતા દુલર્ભભાઇના કિરણ અને કમલ બે પુત્રો છે. કમલભાઇ એર વર્જીનમાં ચાર્ટર એકાઉન્ટન્ટ છે. જયારે કિરણભાઇ ઇલેકટ્રીક એન્જિનિયર તરીકે કંપનીમાં ફરજ બજાવે છે. દુલર્ભભાઇનો પરિવાર લંડનમાં રહે છે. દુલર્ભભાઇ પટેલ લંડન રહે છે. પરંતુ માતૃભુમિની યાદોને જીવંત રાખવા તેઓ દર બે મહિને વતન આવે છે. આર્થિક રીતે સધ્ધર પણ ખેવના ખેતીની. દુલર્ભભાઇ ઇગ્લીંશ ગોઅર્સના બિઝનેશ સાથે પણ સંકળાયેલા છે.

દુલર્ભભાઇ કહે છે કે, મોસંબીની ખેતી માટે નાગપુરની મુલાકાત લીધી, જયાં મોસંબીની ખેતી નિહાળી, જમીનનો અભ્યાસ કર્યો, ત્યાંના ખેડૂતને માદરે વતન સુરખાઇ ગામે લાવી મોસંબીની ખેતીની શકયતાઓ તપાસી. ખાસ કરીને મોસંબીની ખેતીને તાપમાન ખુબ અસર કરે છે. મારા ધર્મપત્નિ લક્ષ્મી પણ જોડાયા. અંતે આશાનું કિરણ જાગ્યું. તેઓ ૧૭૦૦ જેટલા નાગપુરી સંતરાના રોપાઓ લાવી, ૧૮ વીધામાં મોસંબીની ખેતીના બીજ રોપ્યા. નાગપુરના ખેડુતના માર્ગદર્શન અનુસાર માવજત શરૂ કરી. બકરીની લીંડી અને છાણીયું ખાતર મોસંબી/સંતરાની ખેતી માટે ફળદાયી બન્યું. પરિશ્રમ, ખંત અને ધ્યેયનું પરિણામ મળ્યું. ૧૮ વીંધાનું ખેતર હરિયાળુ બન્યું. આજે એક મોસંબી/સતરાની ઝાડ પર ૭૦૦ થી ૮૦૦ ફળોના ઝુમખાઓ લહેરાયા છે.

દુલર્ભભાઇ અંત્યત ખુશ છે. કહે છે કે, વતનની માટીની માવજત મને મીઠાં ફળો આપ્યા છે. મોસંબીનો પાક છોડ રોપ્યા બાદ નાગપુરમાં વર્ષે મળતો હતો તે બે વર્ષમાં મળતા લાગતા આશ્વર્ય થયું પણ મહેનત-માવજત રંગ લાવી. માદરે વતનની માટીએ મને ખુશ્બુ અને ચાહના આપી છે. વતન પ્રત્યે અનહદ લગાવ છે. સાથે ગુજરાતી હોવાનું પણ ગર્વ છે. ખેતી સાથે મે પુરક પાક માટે આંબાના ઝાડ પણ વાવ્યા છે.

સામાજિક ક્ષેત્ર પણ સુરખાઇ ગામના વિકાસમાં યોગદાન રહયું છે. કોઇકના ધરે સ્વજન બિમાર હોય તો દુલર્ભભાઇ નિસ્વાર્થભાવે મોસંબીને ઠેલો ભરી આપે, સમાજ પ્રત્યેની ઉદારતાને દાદ દેવી ધટે. રસ્તો બનાવવા માટે પણ તેમણે રૂા.૧.૫૦ લાખનું યોગદાન આપ્યું છે. ભલો, દશરથ તેમના મજુરો છે પણ કયારેય તેમને મજુર તરીકે અહેસાસ થવા દીધો નથી. કુટુંબના સભ્યો તરીકે રાખે છે. સમગ્ર જવાબદારી મજુરો અદા કરે છે. તેમને મોંસબી/સતરાના વેચાણ માટે બજારમાં જવુ પડતું નથી. સીધા વેપારીઓ આવીને લઇ જાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો.નરસિંહભાઇ પટેલ કહે છે કે, મોસંબીની ખેતી માટે દક્ષિણ ગુજરાતમાં શકયતાઓ ખરી પણ સુકુ હવામાન ખુબ અનુકુળ આવે છે. સાથે હાર્વેસ્ટીંગ, માર્કેટીંગ પણ એટલું મહત્વનું છે. દુલર્ભભાઇનો પ્રયોગ ખુબ સફળ નીવડયો છે.

No comments:

Post a Comment