Friday, May 14, 2010

ફ્રૂટ બજારમાં રોજ 30 હજાર બોક્ષ
કેસર કેરીનાં આવી રહ્યા છે

અમદાવાદ, કેસર કેરીના સ્વાદના રસિયાઓ માટે મોઢામાં પાણી આવે તેવા સમાચાર છે. આ વખતે ગુજરાતમાં લોકપ્રય કેસર કેરીનું ઉત્પાદન 30 ટકા વધારે થતાં માર્કેટમાં અત્યારથી જ કેસર કેરીનાં બોક્સ આવી રહ્યાં છે. અમદાવાદમાં નરોડા ફ્રુટ માર્કેટમાં હાલમાં 10 કિગ્રાનું એક એવા 30 હજાર બોક્સ રોજેરોજ જૂનાગઢ-સૌરાષ્ટ્રથી આવી રહ્યાં છે. ગયા વર્ષે કેરીના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબર વનની સ્થિતિએ પહોંચી જાય તેમ છે. પાંચ વર્ષ પહેલાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત છઠ્ઠા ક્રમે હતું.

આ ઉનાળામાં અમદાવાદના કેસર કેરીના શોખીનોને સસ્તા ભાવે કેસર કેરીનો રસાસ્વાદ માણવા મળે તેમ છે. છેક જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી અમદાવાદીઓને કેસર કેરીનો સ્વાદ માણવા મળશે.ફ્રુટબજારમાં કેસર કેરીનું 10 કિગ્રાનું એક બોક્સ રૃ.250થી રૃ.300ની વચ્ચે વેચાઇ રહ્યું છે. આગામી દિવસોમાં રોજેરોજ એક લાખ બોક્સ અમદાવાદ આવશે અને તેના કારણે કેસર કેરીના ભાવમાં ઘટાડો થશે.

સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં સામાન્ય રીતે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કેસર કેરીનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ મીઠી-મધૂરી કેસર કેરી આવી ગઇ છે. સત્તાવાર આંકડા મુંજબ ભારતમાં પ્રતિહ્ક્ટર 17 ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે ગુજરાતમાં પ્રતિહ્ક્ટર 24 ટન ઉત્પાદન થયું અને આ વર્ષે 26 ટન પ્રતિહેક્ટર ઉત્પાદન થયું છે, જે સમગ્ર ભારતમાં સૌથી વધારે છે. જોકે આધ્રપ્રદેશમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સામાન્ય કરતાં ઓછું થયું છે.

સૂત્રોએ જણાવ્યું કે આ વખતે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે કેસર કેરીનાં વૃક્ષમાં ચાર વખત ફૂલો બેઠાં હતાં. સામાન્ય રીતે સિઝનમાં બે વાર ફૂલો બેસતાં હોય છે. પ્રથમ ફૂલો 15 દિવસ પહેલાં જ બેઠાં હતાં તેથી કેસર કેરીનું વહેલું આગમન થયું છે. પાંચ વર્ષ પહેલાં કેસર કેરી વૃક્ષ પરથી 45 દિલસ સુધી મળતી હતી. આ વખતે 90 દિવસ સુધી વૃક્ષ પરથી કેસર કેરી મળતી થશે. ચાર-ચાર વખત ફૂલો બેઠાં હોવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો છે. જૂનાગઢમાં 17,000 હેક્ટર જમીનમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. વાર્ષિક સરેરાશ ઉત્પાદન 90 હજાર ટનની સામે આ વખતે એક લાખ ટન વધારે ઉત્પાદન થશે.

No comments:

Post a Comment