Friday, May 14, 2010

એર-ફેરમાં શિક્ષણ પ્રધાણ અને દૈનિક ભથ્થામાં આરોગ્ય પ્રધાન મોખરે

ગાંધીનગરઃ ગુજરાતના 19 પ્રધાનોને નિયત કરેલા પગાર ઉપરાંત તેમના પ્રવાસ માટે મળતા ટ્રાવેલિંગ એલાઉન્સ, ડેઇલી એલાઉન્સ અને હવાઇ મુસાફરી પેટે ગત 2009ના વર્ષ દરમિયાન રૃ.40.86 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ટીએ અને હવાઇ મુસાફરીનો ખર્ચ લીધો નહોતો પરંતુ ડી.એ પેટે આખા વર્ષમાં માત્ર રૃ.13799 લીધા હતાં. જોકે ડી.એ લેવામાં આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ, હવાઇ મુસાફરી ખર્ચ મેળવવામાં શિક્ષણપ્રધાન રમણલાલ વોરા અને ટી.એ વસુલવામાં ગ્રામ્ય વિકાસપ્રધાન નરોત્તમ પટેલ અવ્વલ નંબર રહ્યા હતા.

રાજ્યના તમામ પ્રધાનો દર અઠવાડિયે શુક્રવાર અને શનિવારના દિવસોએ જે-તે વિસ્તારના પ્રવાસે જતા હોય છે, પ્રવાસ દરમિયાન તેમને પગાર ઉપરાંત નિયત કરેલું ભથ્થું ચૂકવવામાં આવે છે. જેમાં ડેઇલી એલાઉન્સ માટે ચાર કેટેગરી નક્કી કરાયેલી છે તેમાં એ-વન સિટી, એ.સિટી, બી-વન સિટી અને અન્ય જે પેટે અનુક્રમે રૃ.260, રૃ.210, રૃ.170 અને રૃ.135 ચૂકવવામાં આવે છે. આ રકમ દર 24 કલાક પ્રમાણે ચૂકવાય છે. આ ઉપરાંત ટ્રાવેલિંગ એલાઉન્સ પણ ચૂકવાય છે જેની બે કેટેગરી છે, સરકારી વાહનમાં પ્રવાસ કરે તો ડિઝલના વાહન માટે પ્રતિ કિમી. રૃ.2.50 અને પેટ્રોલનું વાહન હોય તો રૃ.4 તેમજ ખાનગી કે પોતાનું વાહન વાપરે તો ડિઝલના પ્રતિકિમી પાંચના હિસાબે ટીએ ચૂકવાય છે.

સન 2009ના વર્ષમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત તમામ પ્રધાનોને ટીએ પેટે રૃ.28,39,543 અને ડી.એ પેટે રૃ.4,65,555 ચૂકવાયા હતા. એવી જ રીતે હવાઇ મુસાફરીમાં ટિકિટ પ્રમાણે રૃ.7,81,732 ચૂકવવામાં આવ્યા હતા.

તમામ પ્રધાનોમાં સૌથી વધુ ડેઇલી એલાઉન્સમાં રાજ્યના આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસને રૃ.44,939 ચૂકવાયું હતું જ્યારે હવાઇ મુસીફરીના ખર્ચ પેટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, પરબતભાઇ પટેલ, વાસણાભાઇ આહિર, કિરીટસિંહ રાણા અને જશવતંસિંહ ભાંભોરે કોઇ રકમ લીધી નહોતી. જ્યારે સૌથી વધું રકમ શિક્ષણપ્રધાન રમણલાલ વોરાએ રૃ.3,27,631 લીધા હતા. ટ્રાવેલિંગ એલાઉન્સમાં સૌથી વધુ ગ્રામ્ય વિકાસપ્રધાન નરોત્તમ પટેલ રૃ.2.40 લાખ લીધું હતું.

No comments:

Post a Comment