Friday, May 28, 2010

અમદાવાદીઓ અડધી ચા માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ દાનશીલતા માટે પણ છે


ઇ.સ. 1411માં અમદાવાદ શહેરોનો પાયો નાખનાર અહેમદશાહને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે તેણે વસાવેલ નગર વિદેશી અંગ્રેજોના કબજામાં આવી જશે. 1618માં અમદાવાદ શહેરમાં મુઘલ બાદશાહ જહાંગીર અને બ્રિટિશ એલચી સર ટોમસ રૉ વચ્ચે વાટાઘાટો થઇ. જહાંગીરે 20 ફેબ્રુઆરી તથા 8 ઑગસ્ટ 1618ના પત્રો દ્વારા અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની પરવાનગી અમદાવાદમાં જ આપી હતી અને 200 વર્ષ પછી 1818માં વેપારીના રૂપમાં આવેલા સામ્રાજ્યવાદી અંગ્રેજોએ આ નગર જીતી લીધું હતું. તે સમયે અમદાવાદના નગરશેઠ અને જૈન શ્રેષ્ઠી શેઠ શાંતિદાસ ઝવેરીએ અંગ્રેજોની બેવડી નીતિ ઉઘાડી પાડી હતી અને ગુજરાતના મુઘલ વહીવટકર્તાને અંગ્રેજો સામે શિક્ષાત્મક પગલાં ભરવા મજબૂર કર્યા હતા. આજે શેઠ શાંતિદાસની જેમ નિજ સ્વાર્થનો ત્યાગ કરનારા માણસોની અછત જોવા મળે છે, છતાં અમદાવાદે પોતાની આગવી ઓળખ 593 વર્ષથી અકબંધ જાળવી રાખી છે. અમદાવાદીઓ અડધી ચા માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ દાનશીલતા માટે પણ છે. આજે અમદાવાદ શેઠ શાંતિદાસ ઝવેરી જેવા પોતાના વહાલસોયા સપૂતોને કારણેજ અનેક ચડતીપડતી અને કુદરતી આપત્તિઓનો મુકાબલો કરીને અડગ ઊભું છે.
અમદાવાદના મહાજનોના સમર્થ નેતા શેઠ શાંતિદાસ ઝવેરીનો મુઘલ દરબારમાં જબરદસ્ત દબદબો હતો. ખુદ બાદશાહ જહાંગીર તેમને "ઝવેરી મામુજાન" હતા. તેમનો દરિયાપાર વિદેશોમાં પણ ધીકતો વેપાર ચાલતો, હિંદ મહાસાગરમાં ચાલતી યુરોપિયન ચાંચીયાગીરીને કારણે વહાણો લૂંટાતાં, છતાં જોખમ લઇને પણ વેપાર ચાલતો. 1618ની સાલમાં યુરોપ માલ લઇ જતું શાંતિદાસનું વહાણ લૂંટાયાના સમાચાર મળતાં જ શેઠ શાંતિદાસના નેતૃત્વમાં મહાજનની સભા મળી. ગુજરાતમાં મુઘલ સુબા ઐતેમાદ્દદૌલાને ફરિયાદ કરવામાં આવી.યોગાનુયોગ એ સમયે સર ટોમસ રૉ અમદાવાદમાં હાજર હતો. તેને પણ અન્ય અંગ્રેજ વેપારીઓ સાથે કચેરીમાં હાજર કરવામાં આવ્યો. અમદાવાદના વેપારીઓ અને અંગ્રેજો વચ્ચે આ ઘટના અંગ ગરમાગરમ ચર્ચા થઇ. રૉએ કહ્યું, "શાંતિદાસ અને અન્ય વેપારીઓ અમારાં બ્રિટિશ વહાણોમાં તેમનો માલ મોકલે અથવા બ્રિટિશ પાસ મેળવે તો એમ તેમના માલની સલામતીની ચોક્કસ ખાત્રી આપી શકીશું."
આ સાંભળી ઐતેમાદ્દદૌલા અને તેનો પુત્ર આસફખાન ખુશ થઇ ગયા. પરંતુ શેઠ શાંતિદાસ અને અમદાવાદના અન્ય વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવતાં કહ્યું, અંગ્રેજોએ અમારા હિતની ક્યારે પણ દરકાર લીધી નથી. શાંતિદાસે રોકડું પરખાવતા કહ્યું, "અમે અમારાં વહાણોના માલિક છીએ. અમે અમારો માલ વિદેશી વહાણોમાં મોકલીને શું કરવા અમારા પગ ઉપર જાતે જ કૂહાડો મારીએ ? જો અમે વિદેશી વાહણોનો ઉપયોગ કરીશું તો અમારું સૈકાઓ જૂનું વહાણવટું નાશ પામશે. અમે અમારા વહાણવટાને જ ઉત્તેજન આપીશું."
સર ટોમસ રૉ તો આ સાંભળીને આભો જ બની ગયો. તેણે સુરતની અંગ્રેજ કોઠીના વડા થોમસ કેરીજને લખ્યું કે, શેઠ શાંતિદાસ અને અન્ય વેપારીઓ ટસના મસ થતા નથી. તેઓ મુઘલ હાકેમોને સમજાવી શક્યા છે કે સ્વદેશી વહાણવટુ એ ગૌરવનો વિષય છે. અંતે બ્રિટિશ પરવાનો તથા સ્વદેશી વહાણોનો ઉપયોગ ચાલું રાખવાનું નક્કી થયું પણ લૂંટની ફરિયાદો બંધ ન થઇ.
1635ના સપ્ટેમ્બરમાં શેઠ શાંતિદાસનો તેમજ અમદાવાદ અને સુરતના અન્ય વેપારીઓનો માલ ભરીને "તોફીકી" અને "મેહયુદી" નામનાં વહાણો રવાના થયાં જેને વિલિયમ આયર્સ નામના અંગ્રેજ ચાંચીયાએ લૂંટી લીધાં. એ સમયે સુરતના સૂબેદાર મોઇઝુલ મુલ્ક ઉપર મહાજણોએ પગલાં ભરવા માટે જબરજસ્ત દબાણ કરતાં સુરતની અંગ્રેજ કોઠીના વડા વિલિયમ તેમજ અન્ય અંગ્રેજોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા અને નુકશાની ભર્યા પછી જ આ ગોરાઓને મુક્ત કરવામાં આવ્યા હતાં.

No comments:

Post a Comment