Friday, May 28, 2010

અમદાવાદમાં માણેકચોકમાં બાબા માણેકનાથનું મંદિર ખોવાયું? જડે તો કહેજો!


સાબરમતી નદી માણેકચોકમાં વહેતી હતી તે વાત આજે કોઇને કહીએ તો માનશે જ નહીં, પરંતુ જાણકાર વડીલોને પૂછો તો તે કહેશે કે વાત તદ્ન સાચી છે કે, એક જમાનામાં સાબરમતી નદી અહીંયા જ વહેતી હતી અને ઢાલગરવાડ થઇને રાયખડ દરવાજાની તરફ વળતી હતી અને વળી કેટલાક લોકો એવું કહેતા હતા કે, આજે જ્યાં કાગદી પોળ છે ત્યાં નદી વહેતી અને આજની માંડવીની પોળ છે ત્યાં અગ્નિસંસ્કાર પણ થતો. વળી એવું કહેવામાં આવે છે કે, અલૌકિક શક્તિઓ ધરાવતા બાબા માણેકનાથની ઝૂપડી સાબરમતીના કિનારે હતી અને એ ઝૂપડી કાગદી પોળ પાસે હોવાથી નદીનો પ્રવાહ ત્યાં હતો તેમ જણાય છે. શહેર વસતાં પછી નદીનો પ્રવાહ ફેરવવા માટે પાદશાહવાડી (શાહીબાગ) પાસે મજબૂત કોટ બાંધી નદીને શહેર બહાર વાળવામાં આવી. ઉપરોક્ત વિગતો ઉપરાંત કાગદી પોળ પાસે નદીમાં જવા માટેનો પથ્થરનો જે ઢાળ તેના પથ્થરો 1849ની આસપાસ અંગ્રેજ સરકારે કઢાવ્યાનું પોતાની નજરે જોયાનું મગનલાલ વખતચંદ શેઠે 1851માં પ્રસિદ્ધ થયેલા પોતાના પુસ્તક 'અમદાવાદનો ઇતિહાસ'માં જણાવ્યું છે. વળી રત્નમણિરાવે પણ સાબરમતી નદીના પ્રવાહ અંગે ચર્ચા કરી છે. સંવત 1868માં કિશોરીદાસે હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં રચેલ 'અમદાવાદ શહેરની લાવણી'માં બાબા માણેકનાથની ઝૂંપડી સાબરમતી કિનારે હોવાનું જણાવ્યું છે.
બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે 'ગોદડિયા બાવા' તરીકે પણ ઓળખાવા લાગ્યા. અહેમદશાહ બાદશાહની શાન ઠેકાણે લાવવા એક ગોદડી બનાવે અને તેમાં તેઓ દિવસભર દોરા ભરે. રાત પડે ને તેઓ જેવા દોરા કાઢી નાંખે એટલે તે દિવસનો ચણેલો કોટ પડી જાય. આવું ઘણા દિવસ ચાલતા કંટાળેલા બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને પૂછ્યું તમારે આવું કરવું પડે છે અને બીજી તમારામાં શી-શી કરામત છે? બાબા બોલ્યા કે, બદનાના મોંઢેથી દાખલ થઇને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા તેઓ બદનામાં જેવા દાખલ થયા કે બાદશાહે બદનાના મોંઢે તથા નાળચે હાથ દઇને બંધ કરી દીધો ત્યારે તેઓ બોલ્યા, આ વાત ઠીક છે? પછી તેઓ બોલ્યા, 'મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે.' એ પ્રમાણે કોલકરાર કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશબારી પાસેના બુરજનું નામ 'માણેક બુરજ' પાડ્યું. માણેકનાથ બાબાની ઝૂંપડી આગળ મોટું ચઉટું કરીને તેનું નામ 'માણેકચોક' પાડ્યું. આમ ત્યારથી તેમનું ઉપનામ 'ગોદડિયા' પડ્યું. આજ માણેકચોકમાં માણેકનાથ બાબા અને તેમના શિષ્ય ગુલાબનાથજીએ જે સ્થળે જીવતા સમાધિ લીધી હતી તે સ્થળે તેમનું મંદિર છે.
માણેકચોકમાંથી અનેક વખત પસાર થનાર ઘણા લોકોને બાબા માણેકનાથનું મંદિર ક્યાં આવ્યું? તેની ખબર નથી. સોના-ચાંદીની દુકાનો વચ્ચે લહેરાતી ધજાને કારણે આ મંદિરનો ખ્યાલ આવે છે. મંદિરના મહંત ઘનશ્યામનાથજી જણાવે છે કે, શહેરના કોટનો પ્રારંભ યોગ્ય સ્થળેથી, યોગ્ય સમયે થાય તે માટે બાદશાહનું ધ્યાન દોરવા બાબા માણેકનાથ ચમત્કારથી કોટ પાડી નાંખતા હતા. સુબોધનાથજીએ બાબા અને તેમની ઘોડીની દેત્રોજ ગામે પણ સમાધિ હોવાનું જણાવ્યું હતું.
બાબા માણેકનાથની યાદ અપાવતા એ માણેક બુરજને અમદાવાદના છ સદીના ઇતિહાસમાં કોઇ પણ શાસકે હાથ અડાડવાની હિંમત કરી નથી. સાબરમતીનાં ઘોડાપૂર, ધરતીકંપોના આંચકાઓ કે આક્રમણખોર સેનાની તોપોના ગોળાઓ પણ ખાસ નુક્શાન પહોંચાડી શક્યા ન હતા. આવા યાદગાર વારસારૂપી ઐતિહાસિક સ્મારકને સાંગોપાંગ જાળવી રાખવા માટે દૈનિકે અનેક વખત ધ્યાન દોર્યું, છતાં 21મી સદીના અમદાવાદની મ્યુનિસિપાલિટીએ ધ્વંસ્ત કરવાની અક્ષમ્ય ભૂલ કરી. બુરજના રહી ગયેલા ટુકડાના સંરક્ષણ માટે ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગે અમદાવાદ મ્યનિ.ને બે લાખ રૂપિયા બે વર્ષ પહેલાં આપ્યા અને તે વપરાયા નહીં. હેરીટેજની વાતો કાગળમાં રહી ગઇ અને બાબા માણેકનાથની યાદ અપાવતા માણેક બુરજનો મોટો ભાગ યાંત્રિક હથોડાઓનો માર ખાતા ખાતા ધ્વંસ્ત થઇ ગયો.

No comments:

Post a Comment