ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.
સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ. શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નક્કી કર્યું કે લાઈબ્રેરીના સભ્ય બનવાને બદલે આપણી પોતાની જ લાઈબ્રેરી બનાવીએ.
ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઇ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે.
સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્તકો રાખવા માટે સારી જગ્યા પણ નથી પતરા વાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્તકો અને સમાયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એકવખત જમવાનું છોડી શકે પણ પુસ્તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે 'માણસ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.
2013માં જ્યારે સવજીભાઈના માતાનું અવસાન થયું ત્યારે ખેતીની મોસમ ચાલતી હતી એટલે કોઈ હેરાન ન થાય એવા ઈરાદાથી માતાના અંતિમ સંસ્કારમાં કોઈને બોલાવ્યા જ નહીં. ગામના નજીકના જે લોકો સ્મશાનમાં હાજર હતા એ બધાને હાથ જોડીને કહ્યું કે 'મારા બા જીવતા હતા ત્યારે દીકરા તરીકે મારાથી થાય એ બધી જ સેવા કરી છે એટલે એમની વિદાય પછી હવે બીજી કોઈ જ પ્રકારની વિધિઓ કરવી નથી અને કોઈનો સમય બગાડવો નથી.' મરણોત્તર વિધિઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બંધ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો. પોતાની અંગત લાઈબ્રેરીને માતા જીવિબેન અને પિતા નાથાભાઇના નામ પરથી 'જીવનાથ પુસ્તકાલય' નામ આપીને માતા-પિતાને જ્ઞાનાંજલિ આપી.
ધોરાજીમાં સાવ સામાન્ય મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા આ જ્ઞાનપીપાસુ માણસ 'પુસ્તક તમારે દ્વાર' પ્રવૃત્તિ દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમને ગમતાં પુસ્તક તમારી ઘરે આપી જાય અને પુસ્તક વાંચી લો એટલે ઘરે આવીને પરત લઇ જાય. બે દિકરામાંથી એક દીકરો મનોદિવ્યાંગ છે આમ છતાં સવજીભાઈ એમ કહે છે કે હું મારા નિજાનંદમાં રહુ છું અને દીકરો એના નિજાનંદમાં રહે છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આજીવન ભણતા રહેવાના સંકલ્પને વળગીને જ્ઞાનની પરબ ચલાવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.
સવજીભાઈનો સંપર્ક નંબર 9824003768. તેઓ સાદો ફોન વાપરે છે.
No comments:
Post a Comment