Monday, July 20, 2020

ડિગ્રી કરતા જિંદગી વધુ મૂલ્યવાન

15:11 20/07/2020:
કોરોના મહામારીના સમયમાં શાળા કોલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણના નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જોકે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે.
અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છેટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે.
અલબત્ત આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિવિકાસની વચ્ચે જીવી રહ્યા છે. તેમ છતાં અનેક વાર માનવ સભ્યતા સામે અનેક પડકારો આવતા રહે છે. હાલમાં જ્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ અગાઉ મહામારી અને અન્ય કટોકટીનો સામનો કેવી રીતે કર્યો હતો, તે પણ જાણવુ જોઇએ.
અગાઉની કટોકટી સમયે શાળા-કોલેજોની સ્થિતિ શું હતી, તે જાણવા માટે એક નજર આપણે ભૂતકાળ પર પણ નાખીએ. વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા આજે કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 2009માં જ્યારે A/h1n1નું સંક્રમણ અમેરિકામાં ફેલાયું હતું, ત્યારે એ સમયે પણ અમેરિકામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ વાઇરસની જ્યારે મહત્તમ અસર હતી, ત્યારે 5 મે, 2009 દરમિયાન અમેરિકાની 726 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી કે જેથી કરીને આ સંક્રમણ વધુ ફેલાય નહીં.
1918 અને 1919 દરમિયાન સમગ્ર વિશ્વ સ્પેનિશ ફ્લૂનું સાક્ષી બન્યું હતું. એ સમયે સમગ્ર વિશ્વમાં 50 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અમેરિકામાં પણ એ સમયે 6 લાખ, 75 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એક તરફ પ્રથમ વિશ્વયુદ્ધની તારાજી અને બીજી તરફ આ મહામારીનો ભરડો. એ સમયે પણ અમેરિકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરેરાશ લગભગ છ મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર 1918ના મધ્યમાં જ્યારે ઉતાવળે શાળાઓ ખોલવામા આવી અને વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા ત્યારે એ જ મહિનાના અંતમાં ફરીથી સ્પેનિશ ફ્લૂ (ઈંફ્લુએન્ઝા)નું સંક્રમણ વધી જતા ફરીથી શાળાઓ બંધ કરવી પડી હતી.
પ્રથમ વિશ્વ યુદ્ધમાં રોકાયેલા સૈનિકો થકી સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયું હતું. ભારતમાં પણ મે, 1918માં જ્યારે સૈનિકોને લઈને  ઇરાનથી એક જહાજ મુંબઈ આવ્યું, ત્યારે આપણા દેશમાં પણ ઇન્ફ્લુએન્ઝાનો ફેલાવો શરૂ થયો. જૂન મહિના સુધીમાં તો આ ઈંફ્લુએન્ઝા-સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ દિલ્હી, મેરઠ અને સિમલા સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ્યાં જ્યાં પણ સ્પેનિશ ફ્લૂના સંક્રમણના કેસો મળી આવ્યા ત્યાં ત્યાં અને તેમાંય ખાસ કરીને મુંબઈમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
1957માં પણ એશિયન ફ્લૂથી ઓળખાતા h2n2 વાયરસનું સંક્રમણ અને તેનાથી સર્જાયેલી તારાજી વિશ્વએ જોઈ હતી. સંક્રમણને અટકાવવા ત્યારે પણ આપણા દેશ સહિત અનેક દેશોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. સતત બૉમ્બમારાના કારણે આ યુદ્ધ દરમિયાન અનેક શાળાઓ કોલેજો પણ પડી ભાંગી હતી. સમગ્ર વિશ્વની મહત્તમ ભાષામાં જેનો અનુવાદ થયો છે તે 'તોત્તોચાન'માં આવતી જાપાનની શાળા પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન બોમ્બમારાથી નાશ પામી હતી.
માત્ર વિશ્વ યુદ્ધ નહીં, પરંતુ 1929ની મહામંદી દરમિયાન પણ શાળાઓ બંધ રહી હતી. અમેરિકામાં આ મહામંદી દરમિયાન લગભગ 10 મિલિયન બાળકોને ભણાવતી 20,000 જેટલી શાળાઓ એ સમયે બંધ રાખવામાં આવી હતી.
કોરોના વાઈરસના ઉદ્ભવ સ્થાન તરીકે આપણે ચીનના વુહાન શહેરને ગણી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સંક્રમણના કેસો રોજે રોજ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે ચીન કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. કોરોના વાયરસ સામેની લડાઈના અગત્યના પગલારૂપે ચીને પણ વુહાનમાં સૌથી પહેલાં શાળાઓ બંધ કરી હતી.
સમગ્ર વિશ્વના ભૂતકાળના અનુભવો અને વર્તમાનમાં પણ થઈ રહેલા અનુભવોથી વિપરીત આપણે શા માટે પરીક્ષા લેવા માટે ઉતાવળા છીએ? ફ્રાંસ, ચીન, ઈટલી, યુ. કે., સહિત અનેક દેશોએ કોરોના સંક્રમણની વચ્ચે જ શાળાઓ ખોલવાની ઉતાવળ કરી. પરંતુ સંક્રમણ વધતા ફરીથી શાળાઓ બંધ કરી દેવી પડી હતી. પરંતુ આપણા દેશમાં આ અનુભવોમાંથી શીખ લેવાના બદલે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.
પરીક્ષા લેવાની તો કોઈ જ સ્થિતિ જ નથી. અને પરીક્ષા લીધા બાદ પણ આગળના અભ્યાસ નિયમિત શરૂ થવાના હોય તેવી કોઈ સંભાવના પણ નજીકના ભવિષ્યમાં દેખાઈ નથી રહી. ના તો આ મહામારીના સમયમાં ડિગ્રી મેળવ્યા બાદ તરત કોઈ રોજગારીની તકો ઉભી થવાની છે, નાતો ઉચ્ચ અભ્યાસ માટે વિશ્વની જાણીતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના દરવાજા ખુલવાના છેઆ સ્થિતિમાં પરીક્ષા લેવા પાછળ શું હેતુ હોઈ શકે?
અલબત્ત યુજીસીએ કહ્યું છે કે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કે આપણી પાસે એ પ્રમાણેની માળખાકીય સુવિધાઓ જ નથી કે શારીરિક અંતરનું વર્ગખંડમાં પાલન થઈ શકે. ઉપરાંત અનેક હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યા છેઅનેક હોસ્ટેલ બંધ છે. એવા સમયમાં અન્ય વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે? એટલું જ નહીં જે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ કોરોનાથી સંક્રમિત થયું છે અથવા તો કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલ છે, તે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું પરીક્ષા આપવા માટે સ્વસ્થ હોઈ શકે ખરી? આ એક પણ પ્રશ્નનો જવાબ પરીક્ષા લેવા માટે ઉતાવળા તંત્ર પાસે નથી. એક તરફ ઓનલાઇન શિક્ષણના નામે પૈસા ઉઘરાવવાનો જાણે કે ધંધો ચાલી રહ્યો છે, તો એ જ સમયેગૂગલ, રિલાયન્સ જીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને 5G ટેકનોલોજી ભારતમાં લાવી રહ્યું છે. ફરજીયાત ઓનલાઇન શિક્ષણની પાછળ શું રિલાયન્સ જીઓને આ મહામારીના સમયમાં કરોડોની આવક કરી આપવાનો હેતુ તો નથી ને?
શિક્ષણનો હેતુ માત્ર કાગળ પર છપાતી એક ડિગ્રી તો નથી જ. વિશ્વભરના નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો, WHO, સહિત તમામ ચેતવણી આપી રહ્યા છે કે કોરોનાનું સંક્રમણ હજુ ભયાનક સ્વરૂપ લેશે. એવા સમયમાં નિષ્ણાતો સાથે તેમજ શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓ સાથે ચર્ચા કર્યા વગર જ પરીક્ષા લેવાની ઉતાવળ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકશે. કોરોના મહામારીને અવસરમાં બદલીને અનેક લોકવિરોધી નીતિઓ અમલમાં મુકાઈ ચૂકી છે. ઓનલાઇન શિક્ષણ પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019ની એક અગત્યની ભલામણ છે. ઓનલાઇન શિક્ષણથી વંચિતતા અનુભવતા અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. એવા સમયમાં પરીક્ષા બીજા કેટલાય વિદ્યાર્થીઓના જીવનનો ભોગ લઈ શકે છે. MCQ ના નામે લેવાનારી ઓનલાઇન પરીક્ષાથી મૂળભૂત વિજ્ઞાન અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન પણ થઈ શકે નહીં. એટલે જ તો આ ઉતાવળ અતાર્કિક અને વાસ્તવિક પરિસ્થિતિથી વિપરીત છે. 'કોરોનાની મહામારી વચ્ચે પણ સ્થિતિ સહજ અને સાધારણ છે', એવું દર્શાવવા માંગતી તમામ સરકારોને એ કહેવાની જરૂર છે કે વિદ્યાર્થીઓની ડિગ્રી કરતા જિંદગી વધુ મૂલ્યવાન છે.
રિમ્મી વાઘેલા

No comments:

Post a Comment