Monday, July 20, 2020

આ બનાવોને આકસ્‍મિક સંયોગો કહિશું કે વિધિના વિચિત્ર ખેલ ?

12:20 20/07/2020:
દુનિયા અવનવા અચરજોથી ભરેલી છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના પર આપણને વિશ્વાસ બેસવો મુશ્‍કેલ થઈ જાય. કેટલાક સંયોગો એવા ગોઠવાઈ જાય જેમને સંયોગો માનવા અઘરા બની જાય. કોઈ લેખકની કલ્‍પના વાસ્‍તવિક હકીકત બની જાય એવું બને ખરૂં ? ઘટના સાથે સંકળાયેલ વ્‍યક્‍તિઓના નામ, સ્‍થળ, ઘટનાનો પ્રકાર બઘું જ સરખું આવે એવું બને ત્‍યારે શું સમજવું ? 'બ્લેક એબ્ડક્‍ટર' નામની એક નવલકથા આવી અવિશ્વસનીય સાંયોગિક ઘટનાઓનો એક જોરદાર પુરાવો છે.

ચાલો, આ નવલકથા અને તેને મળતી આવતી સત્‍ય ઘટનાનું થોડું વિહંગાવલોકન કરીએ. ઈ.સ. 1972માં રિજેન્‍સી પ્રેસે એક નવલકથાનું પ્રકાશન કર્યું. નવલકથાનું નામ છે - બ્લેક એબ્ડક્‍ટર (Black Abductor). નવલકથાના લેખકનું નામ છે જેક્‍સ રસ્‍ક જૂનિયર. આમ તો લેખકનું અસલ નામ છે હેરિસન જેમ્‍સ. પણ તે હંમેશા પુસ્‍તક લેખન કરે છે ત્‍યારે ઉપર્યુક્‍ત નામ જેમ્‍સ રસ્‍ક જૂનિયર નામનો ઉપયોગ કરે છે. નવલકથામાં આતંકવાદીઓ દ્વારા એક સુવિખ્‍યાત શ્રીમંત વ્‍યક્‍તિની છોકરીના અપહરણની વાર્તાનું વર્ણન હતું. આતંકવાદી ગ્રુપ એક કાળા હબસી નેતા દ્વારા સંચાલિત થાય છે. આ નીગ્રો નેતા કૉલેજ કેમ્‍પસમાં પોતાના બૉયફ્રેન્‍ડ સાથે રમત રમી રહેલી પેટ્રીસિયા નામની છોકરીનું અપહરણ કરી લે છે અને તેનો બૉયફ્રેન્‍ડ તેનો વિરોધ કરે છે ત્‍યારે તેને સખત મારા મારી ગંભીર રીતે ઘાયલ કરી દે છે. આતંકવાદી નીગ્રો પેટ્રીસિયાનો તત્‍કાલીન પરાધીન દશાનો પોલેરોઈડ કેમેરાથી લીધેલો ફોટો તેના પિતાને મોકલાવે છે. તેના પિતા પાસેથી મોટી ધનરાશિ માંગે છે. તે અપહરણના પ્રસંગને 'પ્રથમ રાજનૈતિક અપહરણ' તરીકે ઓળખાવામાં આવે છે. ઘટનાનો અંત પોલિસ દ્વારા આતંકવાદીઓનો ઘેરાવ કરીને અશ્રુવાયુ છોડીને તેમને મારી નાંખે છે ત્‍યાં આવે છે.

'બ્લેક એબ્ડક્‍ટર' નવલકથાના પ્રકાશનના એક મહિના પછી જ દક્ષિણપંથી રેન્‍ડોલ્‍ફ હર્સ્‍ટ નામના એક પ્રસિઘ્‍ધ ધનવાન વ્‍યક્‍તિની પેટ્રીસિયા હર્સ્‍ટ નામની છોકરીનું કૉલેજ કેમ્‍પસથી ઈ.સ. 1974માં સિમ્‍બિઓનીઝ લિબરેશન આર્મીના સભ્‍યોએ અપહરણ કર્યું. આ આર્મીનો નેતા એક કાળા રંગનો નીગ્રો જ હતો. પેટ્રીસિયાના બૉયફ્રેન્‍ડ સ્‍ટીવન વીડે એનો વિરોધ કર્યો તો તેણે એને સખત માર મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધો. એફ.બી.આઈ.એ. સ્‍ટીવન વીડ અને નવલકથાકાર જેમ્‍સ રસ્‍ક જૂનિયરને સાક્ષીરૂપે પોતાની સાથે રાખ્‍યા કેમ કે જેમ્‍સની નવલકથા બધાએ વાંચેલી હતી. જેમ્‍સની નવલકથા ભવિષ્‍યવાણી રૂપે બધાની આગળ પ્રગટ થઈ. તે હવે આગળ શું કરવું તેના માટે માર્ગદર્શિકા - નિદર્શિકા પણ બની. તેમાં ઘટનાઓ આકાર લે છે તે પ્રમાણે જ આગળ વધવાનું નક્કી કરવામાં આવ્‍યું. તે જ રીતે તે જ સ્‍થળે પોલિસે આતંકવાદીઓને ઘેરી લેવાની યોજના બનાવી. પહેલાં અશ્રુવાયુ છોડીને તેમને છૂટા પાડયા, નિષ્‍ક્રિય કર્યા. પછી પોલિસ સાથેની ઝપાઝપીમાં તે પોલિસના હાથે માર્યા ગયા.

ટાઈટેનિક જહાજની દુર્ઘટના વિશે આપણે સૌ જાણકાર છીએ જ. 14 એપ્રિલ 1912ના રોજ 'ધ આર.એમ.એસ. ટાઈટેનિક' નામનું આ ઉતારૂ જહાજ સાઉથેમ્‍પટનથી ન્‍યૂયોર્ક જઈ રહ્યું હતું ત્‍યારે ઉત્તર એટલાન્‍ટિક ન્‍યૂ ફાઉન્‍ડલેન્‍ડની અગ્‍નિ દિશામાં રાત્રે 11.40ની આસપાસના સમયે એક હિમશિલાને અથડાઈને તૂટી ગયું. જહાજમાં મુસાફરી કરી રહેલા 2207 લોકોમાંથી માત્ર 705 જ જીવતા રહ્યા. આ ઘટનાની જાણ તો મોટાભાગના લોકોને છે. પણ એક આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના લગભગ એ રીતે જ બની જે રીતે મોર્ગન રોબર્ટ્‍સન નામના લેખકે તેમની નવલકથા 'ધ ફ્‌યુટિલિટી'માં આલેખી હતી ! 'ધ ફ્‌યુટિલિટી' નવલકથા ઈ.સ. 1898માં લખાઈ હતી અને પ્રકાશિત થઈ હતી. તેમાં મોર્ગન રોબર્ટસને વર્ણન કર્યું હતું કે 'એસ.એસ. ટાઈટન' નામનું એક ઉતારૂં દરિયાઈ જહાજ સાઉથેમ્‍પટનથી નીકળી એટલાન્‍ટિક મહાસાગરને પાર કરી રહ્યું હતું ત્‍યારે એક હિમશિલાને અથડાઈ તૂટી જાય છે અને તેમાં મુસાફરી કરી રહેલા બાવીસસોથી પણ વઘુ મુસાફરોમાંથી બહુ થોડા બચી જાય છે ! મોર્ગન રોબર્ટસનની નવલકથામાં વર્ણન કરાઈ છે તેવી જ ઘટના 14 વર્ષ પછી બની. જહાજનું નામ, જહાજ નીકળ્‍યું તે સ્‍થળ, તે જ્‍યાં જવાનું હતું તે સ્‍થળ, તેને અકસ્‍માત થયો તે સ્‍થળ, અકસ્‍માતનો સમય, મુસાફરી કરી રહેલ મુસાફરોની સંખ્‍યા, ડૂબી જનારા મુસાફરો અને બચી જનારા મુસાફરોની સંખ્‍યા - આવી અનેક બાબતો વચ્‍ચે ગજબનાક સામ્‍ય હોય તેને શું ગણવું ? શું આને કેવળ આકસ્‍મિક સંયોગ જ કહેવાય ? સંયોગથી આટલું સામ્‍ય ગોઠવાઈ શકે ? લેખકના અચેતન મને ભાવિ દુર્ઘટનાનો સંકેત પકડી લીધો હશે અને એની પ્રેરણાથી પ્રભાવિત થઈ આ બઘું આલેખન કર્યું હોય એમ માનવા વિવશ થવું પડે તેમ છે.

14 એપ્રિલ 1935ના રોજ રાત્રે લગભગ 11-40ના સમયે ટાઈનેસાઈડથી કેનેડા જતી 'ધ ટાઈટેનિયન' નામની એક ટ્રેમ્‍પ સ્‍ટીમર પર બેઠેલા વિલિયમ રીવ્‍સ નામના એક ખારવાને અંતઃ સ્‍ફૂરણા થઈ કે બધા સંજોગો પેલી ટાઈટેનિક 'જહાજની દુર્ઘટનાને મળતા આવે છે એટલે કદાચ તેના જહાજને પણ અકસ્‍માત થઈ શકે. તેણે તત્‍ક્ષણ જહાજ અટકાવી દીઘું તો જોવા મળ્‍યું કે ખરેખર તે એક તરતી હિમશિલાને અથડાવાની તૈયારીમાં જ હતું ! એક મિનિટ મોડું થયું હોત તો તે અથડાઈ જાત !!'

કેટલીકવાર સંયોગો સંયોગો નહિ પણ કોઈ અકળ વિધિનું નિર્માણ લાગે છે. આવી એક ઘટના ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બની હતી. ઈ.સ. 1870ની પાંચમી નવેમ્‍બરે ન્‍યૂઝિલેન્‍ડના ગ્રેમાઉથ બંદર પર 'વલ્‍લવી' નામનું દરિયાઈ જહાજ સમુદ્રના ભયંકર તોફાનમાં સપડાયું. બચાવની સઘન કામગીરી કરવા છતાં તેને બચાવી ન શકાયું. તેણે જળસમાધિ લઈ લીધી. એ વાતને વર્ષો વીત્‍યા. જહાજને બહાર કાઢવા માટેનું એક અભિયાન ચાલુ થયું. તેમાં સફળતા મળી. જ્‍હાજને બહાર કઢાયા બાદ તેના તૂટેલા અને બગડેલા ભાગોનું સમારકામ કરાયું. તે જહાજ બધી રીતે ઠીકઠાક થઈ ગયું એટલે એને ફરીથી ઉપયોગમાં લેવાનું ચાલુ કરાયું. ઘણા વર્ષો સુધી તે સરસ રીતે કામ આપતું રહ્યું. પણ પછી સોળ વર્ષો બાદ અચાનક એ જહાજ ન્‍યૂઝિલેન્‍ડના ગ્રેમાઉથ બંદર પર ત્‍યાં જ દરિયાઈ તોફાનમાં સપડાયું અને ફરીથી ત્‍યાં જ ડૂબી ગયું ! આને શું સમજવું ? અકલ્‍પ્‍ય સંજોગો કે વિધિની વક્રતા ?

ચાલો, હવે આપણે એક બીજા સંયોગોની વાત કરીએ. ઈ.સ. 1664ની પાંચમી ડિસેમ્‍બરના રોજ મિનાઈ જલડમરૂ વચ્‍ચે એક મુસાફર ઉતારૂ જ્‍હાજના ડૂબવાથી તેમાં મુસાફરી કરી રહેલા 81 મુસાફરોમાંથી 80 મુસાફરો ડૂબી ગયા. માત્ર એક જ મુસાફર બચ્‍યો. એ મુસાફરનું નામહતું હ્યુ વિલિયમ્‍સ. પાંચમી ડિસેમ્‍બર 1785ના રોજ એક મુસાફર ઉતારૂ જ્‍હાજ ડૂબી ગયું. એ જ્‍હાજમાં 60 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. તેમાંથી 59 મુસાફરો ડૂબી ગયા અને માત્ર એક જ મુસાફર બચ્‍યો. એનું નામ શું હતું એ જાણવું છે ? તો જાણી લો કે તેનું મામ હતું હ્યુ વિલિયમ્‍સ ! તે પછી પાંચમી ડિસેમ્‍બર 1860ના રોજ એક યાત્રીઓને લઈ જતું જ્‍હાજ ડૂબી ગયું. તેમાં 25 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. એ 25 માંથી 24 યાત્રીઓ ડૂબી ગયા. માત્ર એક જ યાત્રી જીવતો રહ્યો. એ યાત્રીનું નામ કહેવાની જરૂર ખરી ? આમ તો લાગતી નથી. છતાં કુદરતની કમાલ કે નામ - રાશિ - તિથિના કોઈ અકળ, અદ્‌ભુત સુમેળને લીધે બન્‍યું હોય તેમ તેનું નામ પણ હતું - હ્યુ વિલિયમ્‍સ.

ચાલો, સંયોગની એક બીજી દાસ્‍તાનની વાત કરીએ. કેપ્‍ટન બ્રિસ્‍કો તેના જહાજ 'ગ્રેસ હાર્વર' દ્વારા પૂર્વ આફ્રિકાની ડિલાગીઆ ખાડીમાંથી ગિસબોર્ન, ન્‍યૂઝિલેન્‍ડ જઈ રહ્યા હતા. રસ્‍તામાં તેમને કોઈ તકલીફ તો ન પડી પણ 25 ડિસેમ્‍બર 1900ના રોજ તકલીફ આવી. કેપ્‍ટન જહાજ પર બેઠેલા હતા ત્‍યાં જ એક જોરદાર દરિયાઈ મોજું આવ્‍યું અને કેપ્‍ટનને ઉઠાવી જહાજથી માઈલો દૂર ખેંચી ગયું. કેપ્‍ટનના પ્રાણસંકટમાં મૂકાઈ ગયા. તેમણે જોયું કે આસપાસમાં કોઈ જ્‍હાજ નથી જે એમનેબચાવી શકે. એમના બચવાનો કોઈ આરો કે ઓવારો દેખાતો નથી.

તેમણે ઈશ્વરનું સ્‍મરણ કરવા માંડયું. જો કે હવે બચાવી શકે તેમ હોય તો તે ઈશ્વર જ છે. આ સંજોગોમાં ઈશ્વર કેવી રીતે બચાવશે તેવો અવિશ્વાસ મનમાં ન રાખ્‍યો. બીજી જ પળે એક આશ્ચર્ય સર્જાયું. એક જબરદસ્‍ત જોરદાર મોજું વિરૂદ્ધ દિશામાંથી આવ્‍યું. તેણે કેપ્‍ટનને ઉઠાવ્‍યા અને થોડી મિનિટમાં જ તેમને તેમના જ્‍હાજના ડેક પર પાછા મૂકીને ચાલ્‍યું ગયું ! આને ઈશ્વરની કૃપા ન કહેવાય તો બીજું શું કહેવાય ? જહાજનું નામ પણ હતું - ગ્રેસ હાર્વર. ગ્રેસ એટલે કૃપા. કેપ્‍ટનને લાગ્‍યું તેમની પ્રભુ પ્રાર્થના ફળીભૂત થઈ. ભલે બહારથી દરિયાઈ મોજું હતું પણ તેમને લાગ્‍યું કે એ ભગવાનનો હાથ હતો જેણે તેમને ઉઠાવીને જહાજ પર પાછા મૂકી દીધા. એક લહેરે તેમને મૃત્‍યુના મુખમાં ધકેલી દીધા તો બીજી લહેરે તેમને મૃત્‍યુના મુખમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્‍થાને પાછા હતા ત્‍યાં મૂકી દીધા ! સમુદ્રી તોફાનને કારણે જ્‍હાજને થોડું નુકસાન તો થયું હતું પણ બીજો કોઈ વાંધો ન આવ્‍યો. થોડા સમય બાદ તેમને અને જ્‍હાજને મદદ મળતાં બચાવી લેવામાં આવ્‍યા. આ સત્‍ય ઘટનાનો વિચાર કરીએ ત્‍યારે આપણને આપણી ગુજરાતી કહેવત યાદ આવી જાય - 'રામ રાખે તેને કોણ ચાખે ?'

No comments:

Post a Comment