અંગ્રેજોના રાજમાં રથયાત્રા નીકળતી અને ત્રિરંગા લહેરાતા
'અમારા ગુરૂએ અમને શિખવાડ્યું છે સંતોની સેવા-પૂજા. તમારી પાસે બે મુઠ્ઠી અનાજ હોય તો ભૂખ્યા-દુખ્યાને ખવડાવી વધેલું ખાવાનું શિખવાડ્યું છે. અમે તો બે જ વાતો જાણીએઃ સાધુ, સંતો-ગરીબોની સેવા અને ગૌસેવા.'
1878માં અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કરનાર મહામંડળેશ્વર નૃસિંહદાસજીના આ વિચારો હતા અને તેઓ તેનો અમલ પણ કરતા. તેમના દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ જગન્નાથજીના મંદિરમાં જળવાયેલી જોવા મળે છે. આથી જગન્નાથજીનું મંદિર અને તેના મહંતો માત્ર અમદાવાદના જ નહીં પણ ચારે બાજુના સામાન્ય નર-નારીની શ્રદ્ધા અને ભક્તિના દ્યોતક રહ્યા છે અને રહેશે.
આજથી લગભગ બસો પંચોતેર વર્ષ પહેલાં રામાનંદી સંતશ્રી હનુમાનદાસજીના આ મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથપુરીથી ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી. ત્યારથી જ આ મંદિર 'જગન્નાથજીના મંદિર'ના નામે જગપ્રસિદ્ધ થયું. તે પછી મહંતપદે આવ્યા બાલમુકુંદદાસજી. તેમણે ગુરુએ સોંપેલું કાર્ય આગળ ધપાવવા માંડ્યું અને પોતાની સેવાની સુવાસ પ્રસરાવતા રહ્યા. તેમના બ્રભ્હલીન થયા પછી મંદિરની સર્વ જવાબદારીઓ મહંત નૃસિંહદાસજી પર આવી, પોતાના જગન્નાથપુરીના નિવાસ દરમ્યાન ગજન્નાથ મંદિરની તમામ પ્રવૃત્તિઓ જેવી કે પૂજા, આરતી ભોગ, શૃંગાર, જલયાત્રા અને રથયાત્રાનો તેમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો.
અમદાવાદના મંદિરમાં બધી પૂજાવિધિ થતી પણ રથયાત્રા નીકળતી નહીં. નૃસિંહદાસજીએ પોતાના મનની વાત ભક્તોને કહી અને સહુએ ગગનભેદી નારા સાથે સ્વીકારીને તડામાર તૈયારીઓ શરૂ કરી. ભરૂચના ખલાસ કોમના નૃસિંહદાસજીના ભક્તોએ નારિયેળના લાકડામાંથી ત્રણ રથો મોકલ્યા અને અંગ્રેજી રાજમાં અમદાવાદમાં અષાઠ સુદ બીજના રોજ ઇ.સ.1878ની સાલમાં પ્રથમ રથયાત્રા નીકળી.
133 વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રાનો ઇતિહાસ પણ રોચક છે. અંગ્રેજી રાજમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવતી અને તેના પ્રયોગો જુદા જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં કરતા. ઠેર ઠેર ત્રિરંગા લહેરાતા. આજે આપણે કોઇને કહીએ કે આઝાદી પહેલા રથયાત્રા રતનપોળમાંથી નીકળતી હતી, તો કોઇ માનશે જ નહી. વાત તદ્દન સાચી છે. પહેલાં રથયાત્રા જમાલપુર દરવાજા પાસે આવેલા મંદિરેથી નીકળી કેલિકો મીલ થઇ ગીતામંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાળુપુર પુલ થઇ સરસપુર પહોંચતી. થોડોક વિરામ પછી પ્રમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરલાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રતનપોળમાં દાખલ થતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલા પોળ, સાંકડી શેરી, રાયપુર દરવાજા, ગીતામંદિર થઇને મંદિરે પાછી ફરતી. અલબત્ત આજે આ માર્ગમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. મંદિરના સાધુ, સંતો, ભજન મંડળીઓ, ગજરોજો અને બેન્ડની સાથે પાછળથી ટ્રકો પણ રથયાત્રામાં જોડાઇ.
70 વર્ષ સુધી મંદિરના ગાદીપતિ તરીકે નૃસિંહદાસજી રહ્યા અને તા.25 નવેમ્બર 1959ના રોજ બ્રભ્હલીન થયા તે પછી મંદિરની ગાદી સેવાદાસજીએ સંભાળી હતી. 1 મે 1960ના રોજ મુંબઇ પ્રાંતમાંથી ગુજરાત રાજ્યનો જન્મ થયો. ગુજરાત રાજ્યના અસ્તિત્વ પછીની આ પ્રથમ રથયાત્રા હતી. આ રથયાત્રામાં વર્ષોથી પગપાળા સાથે રહેતા નૃસિંહદાસજી સ્થૂળ દેહે હાજર ન હતા. સતત સેવા પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેનાર સેવાદાસજી પછી મહંત પદે તા.2 એપ્રિલ 1971ના રોજ રામહર્ષદાસજી આવ્યા અને તેઓ તા. 6 જુલાઇ 1994ના રોજ બ્રભ્હલીન થયા. તા.2 ઑગસ્ટ 1994ના રોજ રામેશ્વદાસજીની મહંતપદે નિમણૂક થઇ. નૃસિંહદાસજીએ શરૂ કરેલી માનવસેવા અને ગૌસેવાની પરંપરાને વિસ્તૃત કરવામાં આવી. વર્ષો જૂના મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. ભલે સમયની અસર ચારે બાજુ વર્તાઇ રહી છે પણ દર વર્ષે ભગવાનનાં દર્શન કરવા આવતા લોકોની સંખ્યામાં વધારો થતો જ રહ્યો છે. ભૂતકાળના કેટલાક અનિચ્છનીય બનાવોને બાદ કરતાં વર્ષોથી એખલાસની ભાવનાથી તમામ ધર્મ-કોમના ભેદભાવો ભૂલીને લોકો મહંતશ્રીનું, રથયાત્રાનું અને રથયાત્રીઓનું જબરજસ્ત સ્વાગત કરે છે.
'મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે.
માખણનો ચાર છે. જય રણછોડ માખણ ચાર.'
'હાથી, ઘોડા, પાલખી જય કનૈયાલાલકી'
બુલંદ અવાજે લલકારતા શ્રદ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરી. ધન્યતા અનુભવશે અને આવતી રથયાત્રાની વાટ જોશે.