Monday, April 20, 2020

આકાશના તારાઓ સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે, કેટલીક ખગોળીય ઘટનાઓ વિષે વાત

     લોક ડાઉનને કારણે ઘરમાં રહીને લોકો પોતાની મનગમતી પ્રવૃતિઓ કરીને સમય પસાર કરી રહ્યા છે ત્યારે ખગોળ શોખીનો પણ પોતાના ઘરની અગાશી કે આંગણામાંથી આકાશની લટાર મારવા નીકળી પડતા હોય છે. લોક ડાઉનનો સીધો ફાયદો પ્રકૃતિને થયો છે. આકાશ સ્વછ થયું છે. શહેરોમાં પણ આકાશના તારાઓ સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે ત્યારે આજે આ અઠવાડિયામાં આકાશમાં બનનારી કેટલીક ખગોળીય ઘટનાઓ વિષે વાત કરીએ.

      સૌ પ્રથમ કેટલાક ગ્રહોની વાત કરીએ, વહેલી સવારે પૂર્વ દિશામાં ગુરુ, શનિ અને મંગળનો નઝારો જોવા જેવો છે. સૂર્યમાળામાં પૃથ્વી બાદના નરી આંખે દેખાતા ત્રણ ગ્રહો એક સાથે જોવા મળે છે. રાત્રે ત્રણ વાગે આ ત્રણેય ગ્રહો હાજરી પુરાવા આવી જાય છે. પરંતુ એટલું વહેલું ન ઉઠાવું હોય તો પાંચ વાગ્યાથી ઉષાની લાલીમાં ફેલાય નહિ ત્યાં સુધી આ ત્રણેય ગ્રહો જોવા મળશે. પ્રશ્ન છે તેમને ઓળખવાનો, તો પાંચ વાગ્યાની આસપાસ પૂર્વથી ખાસ્સે ઉંચે એક ચળકતો પદાર્થ દેખાશે તે ગુરુ છે. ગુરુ બ્રહસ્પતી કે જ્યુપિટરના નામથી પણ ઓળખાય છે. તેની થોડે નીચે શનિ દેખાશે, શનિ નરી આંખે દેખાતો સૌથી દુરનો ગ્રહ છે. તા. ૨૩ એપ્રિલના તે સૌથી વધારે પ્રકાશિત હશે. ગુરુ અને શનિની બરોબર નીચે રતાશ પડતો મંગળ પણ દેખાશે. પૃથ્વીના બે પાડોશી ગ્રહ મંગળ અને શુક્ર પૈકી વહેલી સવારે પૂર્વ દિશામાં મંગળ જોવા મળે છે જયારે શુક્ર સમી સાંજે સુર્યાસ્ત બાદ પશ્ચિમ આકાશમાં ખુબજ પ્રકાશિત સ્વરૂપે દેખાઈ રહ્યો છે. સુર્યાસ્ત બાદ પશ્ચિમ બાજુ સૌથી ચમકતો પદાર્થ શુક્ર તરત જ તમારી નજરે ચડશે.

    આ ઉપરાંત જેને ખરતા તારા જોવા હોય તેમણે ૨૨ અને ૨3 એપ્રિલના સવારે ૪ થી ૫-૩૦ દરમિયાન પ્રયત્ન કરવો જોઈએ. કલાકની દશ ઉલ્કાની અપેક્ષા છે પરંતુ આપણી આશાની પૂર્તિ માટે તો એક ઉલ્કા પણ પુરતી છે!! લૈરીડ તરીકે ઓળખાતી આ ઉલ્કા વર્ષા લગભગ ૨૫૦૦ વર્ષ જૂની છે. અભિજિત નક્ષત્ર જેમાં આવેલું છે તે વીણા તારા મંડળ આ ઉલ્કા વર્ષાનું કેન્દ્ર છે. ઉલ્કા વર્ષા જોવા માટે કોઈ ખાસ દિશા તરફ જોવું જરૂરી નથી પરંતુ આકાશના જે ભાગમાં વધારે અંધારું લાગતું હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

     જેમને ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશન જોવું છે તેમણે ૨૩ અને ૨૪ તારીખે વહેલી સવારે પ્રયત્ન કરવો જોઈએ. મહાકાય સ્પેસ સ્ટેશન ૨૩ તારીખે સવારે ૫-૩૮ થી ૫-૪૪ દરમિયાન નૈઋત્ય થી ઇશાન તરફ જતું દેખાશે. અને ૨૪ તારીખે વહેલી સવારે ૪-૫૩ થી ૪-૫૭ દરમિયાન અગ્નિ થી ઇશાન તરફ જતો દેખાશે. આ સમય કચ્છના છે પણ સમગ્ર ગુજરાતમાં થોડી સેકન્ડોને બાદ કરતાં વધારે તફાવત આવશે નહિ. આમ આ બે દિવસો દરમિયાન જેઓ ગુરુ, શની, મંગળ જોવા વહેલા ઉઠશે તેમને બોનસ સ્વરૂપે સ્પેસ સ્ટેશન પણ જોવા મળશે!!

    ૨૪ એપ્રિલથી વૈશાખ માસની શરૂઆત થશે. સાંજે બીજનો ચંદ્ર જોવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે આકાશ સ્વચ્છ હશે તો દેખાવાની પ્રબળ શક્યતા છે. જો ચન્દ્ર દર્શન થશે તો મુસ્લિમ મિત્રોનો પણ રમજાન માસનો પ્રારંભ થશે. ૨૫મી તારીખે સાંજે ચંદ્ર કૃતિકા યુતિ થશે, ૨૬મીની સાંજે ચંદ્ર રોહિણી અને શુક્રની વચ્ચે હશે જે દ્રશ્ય પણ જોવા જેવું હશે. તારીખ ૨૬ અને ૨૭ દરમિયાન ચંદ્ર શુક્રની પાસે દેખાવાનો હોઈ દિવસ દરમિયાન ચંદ્રની બાજુમાં શુક્રને પણ ધોળે દિવસે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ.

      આમ તો આકાશમાં રોજ કંઇક ને કંઇક નવું થતું જ હોય છે. પ્રકૃતિ દિને દિને નવમ્ નવમ્ હોય છે આપણી દ્રષ્ટિ એ નાવિન્યને પામવાની હોય તો ઘણું બધું જાણી શકાય. 

No comments:

Post a Comment