Monday, December 7, 2009

અમદાવાદના 12,000થી વધુ હેરિટેજ મકાનો જોખમમાં

અમદાવાદના હેરિટેજ વિભાગ પાસે કોઈ માહિતી નથી

By ENN,
અમદાવાદ,
અમદાવાદની પોળમાં આવેલા હેરિટેજને સાચવવા માટે રાખવામાં આવેલા મ્યુનિ. ના હેરિટેજ ડિપાર્ટમેન્ટ પાસે હેરિટેજ મકાનો વિશે કોઈ વિગતો જ કે સત્તા ન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં અમદાવાદમાં કોઈપણ જુનું હેરિટેજ મકાન તૂટે કે વેચાય તેની કોઈ જાણ હેરિટેજ વિભાગને હોતી નથી. અમદાવાદના શોભાના ગાંઠિયા જેવા હેરિટેજ ડિપાર્ટમેન્ટનો આ બાબતે સંપર્ક કરાતાં તેમણે શહેરના 12,000થી વધુ હેરિટેજ મકાનોની વિગત હોવાનું જણાવ્યું હતું જોકે આજ વિભાગે આરટીઆઈ અરજીમાં આવી કોઈ માહિતી ન હોવાનો એકરાર કર્યો છે.

રાજ્યમાં આવેલા હેરિટેજને બચાવવા માટે ગુજરાત સરકારે બે વર્ષ પહેલા ગેઝેટમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત હેરિટેજ રેગ્યુલેશન્સને લિસ્ટ કરવામાં આવ્યા હતાં. આ રેગ્યુલેશન્સમાં હેરિટેજની અંદર આવતા કોઈપણ મકાન કે મિલકતના રીપેરિંગ કે રીડેવલપમેન્ટ માટે જે તે સત્તાની મંજૂરીની વાત કરવામાં આવી હતી. આ માટે જે તે સ્થાનિક સત્તાએ સરકાર દ્વારા નિયુક્તિ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનો અભિપ્રાય લઈને કાર્યવાહી કરવાની વાત હતી. હેરિટેજને કોમર્શિયલ કામની મંજૂરીથી લઈને તેની સાચવણી અંગે વિવિધ ઈન્સેન્ટીવની વાત પણ તેમાં કરવામાં આવી હતી. જોકે ગેઝેટમાં આ બાબત પ્રકાશિત થયાને બે વર્ષ બાદ આજે અગિયાર સભ્યોની હેરિટેજ કમિટીના કોઈ ઠેકાણા નથી, જેથી અમદાવાદની પોળ સંસ્કૃતિ સામે ભારે જોખમ ઊભું થયું છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિ. ના હેરિટેજ પ્રોગ્રામના એડવાઈઝર દેબાશિષ નાયકને પૂછાતાં તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતાં. તેમણે જ્ણાવ્યું હતું કે, અમે પોળના મકાનોની સાથે સાથે આખી સંસ્કૃતિ બચાવવા પ્રયત્નશીલ છીએ. પોળમાં આજે કોઈ છોકરી આપવા તૈયાર નથી તે વાતને અમે બદલવા માંગીએ છીએ. કેટલાંક કુટુંબો પોળ છોડીને જવાના હતાં. પણ અમારા પ્રયત્નોને કારણે તેમને હવે પોળમાં રહેવું ગમે છે. દેબાશિષ નાયકને હેરિટેજ વિભાગની સત્તાએ અંગે પૂછાતાં તેમણે જ્ણાવ્યું કે, અમારી પાસે કોટ વિસ્તારના 60,000 મકાનોમાંથી 12,000 મકાનોની વિગતો છે. મ્યુનિ. એ આ મકાનો હેરિટેજ મકાનો છે. આ મકાનોના રિપેરીંગની અરજી આવે ત્યારે અમે તેની સ્ક્રૂટીની કરીએ છીએ. પોળમાં તૂટતા જતાં મકાનો અંગે હેરિટેજ વિભાગ શું કરે છે તેવું પૂછાતાં તેમણે જ્ણાવ્યું હતું કે, લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છીએ. આ વિશે સરકારે હેરિટેજ નીતિ બનાવી છે તેનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે. આ નીતિ હેઠળની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જો સક્રીય બને તો જ હરિટેજ જાળવણી અંગે મજબૂત પગલાં લઈ શકાય તેમ છે.

મ્યુનિ. ના હેરિટેજ વિભાગની બે મોંઢાની વાત

અમદાવાદ,
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેરિટેજ વિભાગની સત્તાઓ અંગે થોડા સમય અગાઉ એક જાગૃત નાગરિકે રાઈટ ટુ ઈન્ફર્મેશન હેઠળ અરજી કરતાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. અરજીના જવાબમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં કેટલી હેરિટેજ બિલ્ડિંગો છે તેની માહિતી ન હોવાનો મ્યુનિ. એ સ્વીકાર કર્યો છે. હેરિટેજ મકાનો કેટલા વર્ષ જૂના છે, તેના માલિકો કોણ હતાં, છેલ્લા 3 વર્ષમાં થોડા સમય પહેલાં મ્યુનિ. ઝોનમાં કેટલા હેરિટેજ મકાનો ખરીદાયા, વેચાયા, ખરીદનારના નામ વગેરે કોઈ વિગતો હેરિટેજ વિભાગ પાસે નથી. હેરિટેજના મકાનોને તોડી પાડવાની જાણ પણ હેરિટેજ વિભાગને કરાતી ન હોવાનો વિભાગે સ્વીકાર કર્યો છે. આમ મ્યુનિ. ના એક જ વિભાગના બે અધિકારીઓ અલગ-અલગ વાત કરી રહ્યા છે.

No comments:

Post a Comment