Monday, December 7, 2009

દેશના 300 ભયજનક શહેરોમાં ગુજરાતનાં સુરત અને જામનગરનો સમાવેશ
By ENN,
અમદાવાદ,
ભારતના 300 જયજનક શહેરોની યાદીમાં રાજ્યના સુરત અને જામનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી આઈ.એ.એસ. અધિકારીની બેઠકમાં ગુજરાતના બે શહેરોની પસંદગી કરવામાં આવ્યાની માહિતી જિલ્લા કલેકટરાલયમાંથી પ્રાપ્ત થઈ છે.

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકમાં સુરતના કલેકટર દિલીપ રાવલ અને જામનગરના કલેકટર હાજર રહ્યા હતા. પહોંચી વળવા એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો.

કુદરતી, કૃત્રિમ કે અકસ્માતના કારણે આવનારી આફતો ધરાવતા દેશના 300 શહેરોમાં સુરતની પણ ગણતરી કરવામાં આવી છે. સુરત શહેરના નજીક આવેલા હજીરા ઔધોગિક એકમોમાં ગેસ સહિતના જવલનશીલ ઉત્પાદનો ઉપરાંત જિલ્લાના અણુમાલા ખાતે કાર્યરત અણુ ઉર્જા મથક, નેશનલ હાઈવે નંબર-8 ઉપર અમદાવાદ- મુંબઈ- દિલ્હી વચ્ચે ચાલતા ટ્રાન્સ-ર્પોટેશનમાં વહન થતા ઉત્પાદનો તાપીમાં દર ચાર વર્ષે આવતું પુર, દરિયા કાંઠાની સહિતની સમસ્યાઓને સાંકળીને સુરતનો ભયજનક શહેર તરીકે સમાવેશ કરાયો છે. સુરતનો ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી છે. સુરતના હજીરાપટ્ટામાં આવેલા મહાકાય ઓ.એન.જી.સી., ગેઈલ, સેલ, રીલાયન્સ સહિતના એકમોને કારણે ગમે ત્યારે કુદરતી કે કૃત્રિમ હોનારત સર્જાઈ શકે હજીરાના દરિયા કાંઠાને કારણે ગમે ત્યારે તોફાનો આવી શકે તથા દરિયાઈ સવારી વધવાના કારણે કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

નેશનલ હાઈવે આંઠ પર મુંબઈ-અમદાવાદ વચ્ચેના વાહન વ્યવહારમાં ગેસ, પેટ્રોલ, કેમીકલ સહિતનું ટ્રાન્સર્પોટેશન પણ હોનારતનું કારણ બની શકે તેમ છે. જ્યારે જિલ્લાના કાકરાપાર ખાતે અણુ ઉર્જા એકમમાં કુદરતી કે માનવ સર્જીત પ્રકોપની શક્યતાઓ બેઠકમાં દર્શાવાઈ હતી. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જામનગર પણ સામ્યતા ધરા છે. જામનગરનો દરિયા કાંઠો, રીલાયન્સનું પેટ્રો કેમીકલ એકમ સહિતના મુદ્દાઓને જોતા જામનગરને પણ ભયજનક શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સુરત અને જામનગરમાં કુદરતી કે કૃત્રિમ આપત્તિ સમયે જિલ્લા વહીવટી તંત્ર આપતકા0લિન સમસ્યાને પહોંચી વળે તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિને પહોંચી વળવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં પર્યાવરણના તજજ્ઞો, ડીઝાસ્ટર મેનેજમેન્ટના જાણકારો, પ્રોફેસરો, એન.જી.ઓ., મહાપાલિકા અને અણુ ઉર્જાના નિષ્ણાંતો જાનહાનિ અને મિલકતના નુકસાનને તત્કાલીન અટકાવવાની કામગીરી કરવા સાથે તેના અભ્યાસો કરાવવાની કામગીરી કરશે. પૂર, આગ, ભૂકંપ કે ઉદ્યોગોમાં આકસ્મિક ઘટના સંદર્ભે કોઈપણ પ્રકારની કામગીરીને પહોંચી વળવા તૈયાર રહે એ માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ઇગ્નો (ઈન્દિરા ગાંધી આપતકાલીન તાલીમ સંસ્થા) દ્વારા તાલીમ સાથે તેના ઉપાયો આપશે. તત્કાલીન કામગીરી માટેની જરૂરિયાત અને આધુનિક ઉપકરણો ચલાવવાનું પણ ઈગ્નો દ્વારા કામ કરવામાં આવનાર હોવાથી સુરતીઓએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

No comments:

Post a Comment