Thursday, December 3, 2009

ફરવાના શોખિન ગુજરાતી!
ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ક્યારે વાઈબ્રન્ટ થશે ?

By ENN,
'આઈયે સા'બ, હમારા હોટેલ બઢિયા લોકેશન પર હૈ, ગુજરાતી થાલી ભી મીલેગી... આઈયે, હમારે હોટેલ મેં ઠહરિયે.....'

સિમલા, કુલુ, કેરાલા, જલપાઈગુડી, જમ્મુ જ્યાં પણ જાવ ત્યાં ગુજરાતીને જોઈએ ત્યાંના હોટેલ એજન્ટો ઘેરીવળે. ભારતનું ટુરીઝમ વાઈબ્રન્ટ છે. વખાણાય છે. ફરવાના સ્થળો ઢગલાબંધ છે. આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની 62 ટકા જેટલી કમાણી માત્ર ગુજરાતીઓ થકી છે. આખા ભારતમાં ગુજરાતીઓ જેટલા રૂપિયા ખર્ચે છે. તેટલા રૂપિયા એક રાજ્યના લોકો ફરવા પાછળ ખર્ચતા નથી. હા બીજા નંબરે આંધ્રપ્રદેશના લોકો આવે.

ગુજરાતીઓ ફરવાની શોખિન કેમ? આનો જવાબ નથી. બસ, વર્ષમાં એકાદ વખત ફરવા જવાનું એટલે પાછા શોખિન પણ કેવા કે, જ્યારે સિમલા ફરવા જવા માટે પેકીંગ ચાલતું હોય ત્યારે આવતા વર્ષનું આયોજન કરતા જાય.... આવતા વખતે તો કેરાલા જ જવું છે, એ જોયું નથી. ભઈ, આ વખતનું કરો ને!! હિમાચલમાં સિમલા, કુલુ, મનાલી, ડેલહાઉસી, નૈનિતાલ, રોહતાંગ, ઉતર ભારતમાં કાશ્મીર, જમ્મુ, કટરા, વૈષ્ણોદેવી, પહેલગાંવ, પંજાબમાં અમૃતસર, વાઘા બોર્ડર, સિટીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, મૈસુર અને બેંગ્લોર દક્ષિણમાં કેરાલામાં મુનાર, ઠેકડ્ડી, કોચી, ઉટી, ઉતરાખંડમાં ગંગોત્રી, હરિદ્વાર, ઋષિકેશ, ગઢવાલ, આસામમાં જલપાઈગુડી, ગંગટોક, સીલીગુડી, મધ્યપ્રદેશમાં પંચમઢી, ગ્વાલીયર, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, બિકાનેર, જોધપુર, પેલેસ ઓન વ્હીકલ, મહારાષ્ટ્રમાં મુંબઈ સીવાય મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિરડી, નાસિક, ગોવા સહિતના સ્થળોએ ગુજરાતીઓ છવાયેલા છે, અહીં જે સ્થળના નામો છે, તે પૂરા પચાસ ટકા પણ નથી! એટલે ગુજરાતીઓનો વ્યાપ માપી લેજો. મે મહિનો અને દિવાળીના લોકેશનમાં ગુજરાતમાં ટકે એ ગુજરાતી શેના? હા, ઘણા શોખિનો મોડો પ્લાન કરે ત્યાં ટ્રેન, એર બુકિંગ પેક થઈ ગયું હોય જે પેક થયું હોય, એમાં પણ મોટાભાગના ગુજરાતીઓ જ !!

ગુજરાતીઓ વધારે બહાર ફરવા શા માટે જાય છે ? તેના લોજિકલી બે કારણો છે. એક તો ફરવાનો શોખ પણ બીજું મહત્વનું કારણ છે. ગુજરાત સરકારની ગુજરાત ટુરિઝમ પ્રત્યેની ઉદાસીનતા. જો ગુજરાતમાં જ સારી રીતે ટુરિઝમ ડેવલપ થયું હોત તો ગુજરાતીઓએ બહાર જવાની જરૂર ન પડત. બીજા રાજ્યોની જેમ ગુજરાત ટુરિઝમ ફરવાના સ્થળોનું લાંબુ લચક લિસ્ટ બનાવી શકે તેની વિશેષતા બતાવી શકે તેવી કેપેસિટી (અથવા દાનત) ગુજરાત ટુરિઝમ વિભાગની નથી. આ બધામાં એક સવાલ ધારદાર તીર જેવો છે કે, ગુજરાતીઓ જેમ બીજા રાજ્યોમાં દર વર્ષે ફરવા જાય છે, તેમ બીજા રાજ્યોના લોકો ગુજરાતમાં કેમ ફરવા આવતા નથી. હા, આવતા હશે, પણ વર્ષે કેટલીકવાર ? કેટલી સંખ્યામાં ?

હિમાચલ હોય કે તમિલનાડુ, મહારાષ્ટ્ર હોય કે આસામ ફરવાના સ્થળોએ ગુજરાતી થાળી નહીં મળતી હોય, એવું નહીં ગુજરાતીઓને આર્કષવાના જ આ પેંતરા છે, બાકી એ હોટલમાં જમો તો દાળ-ભાત ત્યાંની સ્ટાઈલમાં જ બન્યા હોય ! પણ એક વાત ખરી કે, ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોઈ જાતની માથાકૂટ નથી કરતા. એના કારણે ભારતમાં પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓને માનથી જોવાય છે. એ લોકોને એટલો વિશ્વાસ ચોક્કસ છે કે, ગુજરાતીઓ છેતરાશે પણ છેતરાશે નહીં !!

ભારતના પ્રવાસન સ્થળોએ ગુજરાતીઓનું એટલું વર્ચસ્વ છે કે, ત્યાંના લોકો પણ ત્રૂટક ત્રૂટક ગુજરાતી શિખી ગયા છે. ગુજરાતીઓને જે રીતનું અંગ્રેજી આવડે, એ રીતનું એ લોકોને ગુજરાતી આવડે ! સમજી શકે, બોલી શકે નહીં. ગુજરાતીઓ આકર્ષાય એવું નામ રાખે છે. એના કરતાં પણ મોટી વાત એ છે કે, ગાંધીના ગુજરાતના ગુજરાતીઓ હંમેશા નોનવેજથી દૂર રહ્યા છે. ગોવા, આંધ્રપ્રદેશ, એમપી કે બીજા સ્થળોએ જ્યાં પણ ગુજરાતીઓ જાય આઈટમ મળે છે.... શુધ્ધ શાકાહારી ભોજન... ગુજરાતીઓના વિશ્વાસની વાત નીકળી છે તો નાનામાં નાનો માણસ ગુજરાતીમાં એવો વિશ્વાસ રાખે છે, કે ફરતાના સ્થળ ઉપર કેમેરા ટીંગાડીને ફરતા ફોટો ગ્રાફરો ફોટો પાડે પછી ગુજરાતીઓને કહે, સા'બ પૈસે કા જલદી નહીં હૈ, ફોટો મીલે તબ ભેજ દેના.....

ગુજરાતીઓ થકી ભારતનું ટુરિઝમ ઉજળું છે, પણ ગુજરાતનું ટુરિઝમ ઉજળું ક્યારે બનશે ?

No comments:

Post a Comment