Saturday, December 12, 2009

ગુજરાતી ભાષા આંતરીક રાજકારણના આટાપાટામાં અટવાઇ

હિન્દી, તમિળ, બંગાળી અને કન્નડ ઓનલાઇન શીખી શકાય, પણ ગુજરાતી નહીં

ByENN,
અમદાવાદ, આજે વિશ્વના ખૂણેખૂણે ગુજરાતીઓના સંતાનો ગુજરાતી નિઃશુલ્ક ધોરણે શીખી શકે એવો એક પણ ઓનલાઇ, ઓફલાઇન અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. પરિણામે વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓને પોતાના સંતાનોને ગુજરાતી શીખવું મુશ્કેલ છે.

ગુજરાતી યુનિવર્સિટીના ભાષા વિભાગે 2004માં ગુજરાતીના ઓનલાઇન અને ઓફલાઇન અભ્યાસક્રમ તૈયાર કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ આઘાતજનક વાત તો એ છે કે, 'ગુજરાતી હોવાનો અમને ગર્વ છે' એવું બોલવામાં સહેજપણ કંજુસાઇ ન કરતા શિક્ષણવિદ્દોએ ફક્ત આંતરિક રાજકારણને સાધવા માટે આ અભ્યાસક્રમની ફાઇલ બે વાર ખોઇ નાખી હતી. પરિણામે અત્યારે નિઃશુલ્ક ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે 2005થી ઓનલાઇન તમિળ, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષા શીખવાના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે પરંતુ ગુજરાતી ભાષા રાજકારણના આટાપાટામાં અટવાઇ છે.

ગુજરાતમાં આવેલા પરપ્રાંતીય ઉચ્ચ સરકારી અધિકારીઓ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ સહિત બહારના રાજ્યોના અનેક લોકો માટે જે તે રાજ્યની ભાષા શીખવી અનિવાર્ય હોય છે. આ માટે ઓનલાઇન, ઓફલાઇન અભ્યાસક્રમ આર્શીવાદરૂપ બને છે. આવી વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને યુનિવર્સિટીના ભાષા વિભાગે મૈસુરની ભારતીય ભાષા સંસ્થાનના સહયોગથી ઓનલાઇન, ઓફલાઇન ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની તત્કાલીન કુલપતિ એ.યુ.પટેલ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. જે અંતર્ગત પ્રાથમિક તબક્કે અંગ્રેજી પરથી ગુજરાતી શીખવાનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો હતો. આ માટેના રૂ. 16 લાખના ખર્ચમાંથી રૂ. 9 લાખ મૈસુરની સંસ્થા આપવાની હતી. જ્યારે બાકીની રકમ યુનિવર્સિટી અથવા અન્ય કોઇ સંસ્થા પાસેથી લઇ અભ્યાસક્રમ તૈયાર કરવાનું આયોજન હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, આ માટે કોઇ નાણાકીય તકલીફ તો હતી જ નહીં. પરંતુ આ અભ્યાસક્રમની આખી ફાઇલ જ બે બે વાર ખોવાઇ ગઇ. આ દરમિયાન અભ્યાસક્રમ તૈયાર કરવાના હતા તે નિષ્ણાતો જ્યારે આ અંગે પૂછપરછ કરતા, તો તેમને જવાબ મળતો કે, વિચારીએ છીએ. એક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે પણ રાજકારણ રમતા યુનિ. સત્તાધીશોની આડોડાઇના કારણે આ પ્રોજેક્ટ છેવટે પડતો મૂકી દેવાયો છે.

No comments:

Post a Comment