Thursday, December 3, 2009

મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે
By ENN,
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ અને ધારણા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકાર રચાઈ ત્યારે સ્વાભાવિક રીતે આપણા મગજમાં પ્રશ્ન ઊઠે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગુજરાતીઓનું સ્થાન શું છે? મુંબઈ અને મહારાષ્ટ્રના ગુજરાતીઓએ રાજકારણમાંથી પોતાનું વર્ચસ્વ સંપૂર્ણપણે ગુમાવી દીધું છે એ તબૂલ કરવું રહ્યું.

1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો છૂટા પડ્યા ત્યારે તે વખતે સ્વ શ્રી. યશવંતરાવ ચૌહાણે મહારાષ્ટ્રના ગુજરાતીઓને હૈયાધારણ આપી હતી કે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં કમ સે કમ એક ગુજરાતી કેબિનેટ પ્રધાન તો રહેશે જ! એ સમયે મુંબઈ કોંગ્રેસમાં ગુજરાતીઓનું વર્ચસ્વ હતું અને મુંબઈ-મહારાષ્ટ્રના ગુજરાતીઓ રાજકારણમાં આગળ પડતું સ્થાન ધરાવતા હતા. મહારાષ્ટ્રની સ્થાપના થયા બાદ મહારાષ્ટ્ર વિધાન સભાની પ્રથમ ચૂંટણી 1962માં થઈ ત્યારે અનેક ગુજરાતીઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા એ સમયે મુંબઈ મહાનગર પાલિકામાં ગુજરાતીઓનો ડંકો વાગતો હતો અને મુંબઈના મેયરપદે ગુજરાતીઓની વરણી સામાન્ય બાબત હતી.

1967ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈની 24 સીટો હતી તેમાંથી 13 સીટો પર ગુજરાતીભાષી ઉમેદવારો જીત્યા હતા. એ એક નોંધપાત્ર બાબત હતી. પણ પછી 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી ધીમે ધીમે દૂર થવા લાગ્યા. 1972ની વિધાનસભામાં મુંબઈની સીટો વધીને 28 થઈ પણ મુંબઈમાંથી માત્ર ત્રણ જ ગુજરાતીઓ જીત્યા! ગુજરાતી પ્રતિનિધિત્વમાં આવેલી આ ઓટ ખરેખર આંખે વળગે એવી હતી. શ્રી યશવંતરાવ ચવ્હાણે આપેલી એક કેબિનેટ ગુજરાતી પ્રધાનની હૈયાધારણ 1975માં મુખ્ય મંત્રી બન્યા બાદ એક ગુજરાતીને કબિનેટ મંત્રી નો દરજ્જો ન આપતા રાજ્યમંત્રીપદનો ઓફર કરી અને એ ગુજરાતી ધારાસભ્યે સહર્ષ એનો સ્વીકાર કર્યો, ત્યારથી તે છેક આજ સુધી (માત્ર 1978થી 1982નો સમય બાદ કરતા) કોઈ મુંબઈના ગુજરાતીને કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો નથી.

હવે આ સમયની ચૂંટણીનાં પરિણામો જૂઓ! ગુજરાતીઓનું સ્થાન ક્યાં છે? કોણ ગુજરાતી મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શકે અમે છે! કોઈ ગુજરાતીને ડેપ્યુટી મિનિસ્ટર બનાવવો હોય તો પણ કોની પસંદગી કરવી એ માથાનો દુખાવો બની શકે એમ છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની આ કંગાળ રાજકીય પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? આપણે માત્ર એટલું જ કહી શકીએ કે મુંબઈના ગુજરાતીઓ મહારાષ્ટ્રના રાજકારણથી તદ્દન વિમુખ થઈ ગયા છે અને મુંબઈમાં ગુજરાતીઓનો કોઈ આગેવાન સમ ખાવા પૂરતો પણ રહ્યો નથી!

ગુજરાતી સમાજો રચવાથી કંઈ ગુજરાતીઓના આગેવાન નથી થઈ જવાતું. થોડા સમય પહેલા હું એક ગુજરાતી સમાજના કાર્યક્રમમાં ગયો હતો. મનોરંજન કાર્યક્રમ કે ભોજન સમારંભ વગર ગુજરાતીઓ એકત્ર થતા નથી એ એક હકીકત છે. આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજના 'બિઝનેસમેન' પ્રમુખે, કારણ વગર કહ્યું કે જો ગુજરાતીઓ એકત્ર નહીં થાય તો રાજ ઠાકરે ગુજરાતીઓને પણ મુંબઈમાંથી બહાર હાંકી કાઢશે? આવા હાસ્યાસ્પદ વિધાનો કરી એ પ્રમુખશ્રી જો એમ ધારતા હોય કે આવો ડર બતાવી તે ગુજરાતીઓના નેતા બની શકશે તો તેમના પર દયા આવે છે! આવું કદી શક્ય જ નથી કારણ કે વાસ્તવમાં ગુજરાતીઓ મુંબઈનું અભિન્ન અંગ છે. રાજકારણક્ષેત્રે ભલે ગુજરાતીઓ પાછળ પડી ગયા હોય પણ આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં ગુજરાતીઓ આગળ પડતું સ્થાન ભોગવી રહ્યા છે. મુંબઈના ગુજરાતીઓને અત્યારે જરૂર છે એક સમજદાર લીડરશીપની જે ગુજરાતીઓને મુંબઈના, મહારાષ્ટ્રના અને સમગ્ર દેશના રાજકીય વાતાવરણથી વિમુખ થતાં જતાં બચાવે. મુંબઈના ગુજરાતીઓએ વર્તમાન રાજકીય પ્રવાહમાં ભળીને રાજકારણક્ષેત્રે પોતાનું ગુમાવેલું સ્થાન ફરી પ્રાપ્ત કરવું જ રહ્યું.

No comments:

Post a Comment