Thursday, December 3, 2009

સુરતમાં ગુજરાતની સૌથી ઉંચી ઈમારત બનશે
500 કરોડની યોજનાઃ 21000 ચો.મી. જગ્યામાં 30 માળ બંધાશે
30 મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનાવવાનું આયોજન


By ENN,
સુરત,
વિકાસને નવી દિશા અત્યારે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ ઉધના ખરવરનગર જંકશન પર ગુજરાતની સૌથી ઉંચી ઇમારત બનાવવાની રૂ. 500 કરોડની મહાત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. બીઆરટીએસ કોરીડોરના બે મુખ્ય રૂટ જ્યાં ભેગા થાય છે એ ખરવરનગર જંકશન પર 21 હજાર ચોરસમીટર જગ્યામાં સુરતના આઈકોન તરીકે ઉપસી આવે એવી 30 માળની ઇમારત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે આ પ્રોજેક્ટમાં આગળ વધવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે સરથામણી ડુમસ રીસોર્ટ અને ઉધના દરવાજાથી સચીન સુધી બીઆરટીએસ કોરોડોર પર કામ ચાલી રહ્યું છે. ખરવરનગર જંક્શન શહેરના ઔધોગિક અને કોર્મીશિયલ સેન્ટરની બરોબર મધ્યમાં આવેલું છે. શહેરની કાપડ માર્કેટ અહીંથી ખૂબ નજીક છે. યુનિવર્સિટી તથા સચીન અને પાંડેસરના ઔદ્યોગિક કેન્દ્રો પણ નજીક છે. ખરવરનગર જંક્શન પર બીઆરટીએસ કોરીડોરના બે રૂટ ભેગા થાય છે. અહીં સુરતના આઈકોન તરીકે ગણી શકાય એવી 100 મીટર ઉંચી એક ઈમારત અને 40 મીટર ઉંચી બે ઈમારત બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ જગ્યાનો યોગ્ય ઉપયોગ ઉભી કરી રાજ્યની સૌથી ઉંચી ઈમારત ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. યોજના માટે જમીન મનપાની રહેશે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ પીપીપી ધોરણે હાથ ધરાશે. પ્રાથમિક અંદાજ મુજબ આ યોજના પાછળ રૂ. 500 કરોડનો ખર્ચ થવાની ધારણા છે.

મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ જણાવ્યું કે, ત્રણ પૈકી બે ઈમારત સંપૂર્ણપણે કોર્મિસયલ રહેશે. ત્રણે ઈમારત સુરતના કાપડ અને હીરા ઉદ્યોગના કન્સેપ્ટને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ત્રણે ઈમારતનું એલીવેશન કાચનું રહેશે. કાપડના સળની જેમ ઈમારત ડિઝાઈન કરવામાં આવશે. ખરવરનગર જંક્શન પર તૈયાર થનારી ઈમારતના 30મા માળે હીરાના આકારની હેગિંગ રેસ્ટોરન્ટ બનશે. રાતના સમયે આ રેસ્ટોરન્ટ હીરાની જેમ ચમકશે. અહીં એમ્ફિ થિયેટર, આર્ટ ગેલેરી, કોર્મિસયલ સેન્ટર, લાઈબ્રેરી, પાર્ક, ગ્રીન સ્પેસ, વોક વે, ફુવારા, પાર્કીંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.

ડીસીઆરના નિયમો મુજબ સુરતમાં મહત્તમ 40 મીટરની ઉંચાઈ સુધી જ બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. સુડાના રીવાઈઝ વિકાસ નકશામાં પરગટ થયેલા ડીસીઆરના નિયમ અનુસાર 40 મીટર કરતાં વધુ ઉંચાઈના બાંધકામ માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. ખરવરનગર જંક્શન પર 100 મીટર ઉંચી 30 માળની બિલ્ડીંગ બનાવવા માટે મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ રાજ્ય સરકારની મંજૂરી લઈ લીધી છે. મ્યુ. કમિશ્નર એસ. અપર્ણાએ આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ રાજ્ય સરકાર તરફથી આ યોજનામાં આગળ વધવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી બાદ હાલમાં પેપરવર્કની કામગીરી ચાલી રહી છે. પેપરવર્ક પુરૂં થયા બાદ એક્સપ્રેશન ઓફ ઇન્ટરસ્ટ મંગાવવામાં આવશે.

No comments:

Post a Comment