Thursday, December 10, 2009

ગુજરાતની શાળાઓમાં કન્યાઓની અને શિક્ષિકાઓની અછત

By ENN,
અગિયારમી નવેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની અને દેશના સૌપ્રથમ શિક્ષણ પ્રધાન શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની સ્મૃતિમાં આ દિવસ શિક્ષણને સમર્પિત છે. દેશ સાથે ગુજરાતે પણ સૌપ્રથમવાર શિક્ષણ દિવસની ઉજવણી કરી. આપણા રાજ્યમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધારવા અને શિક્ષણ સૌને સુલભ બને એ માટે સરકાર અને સમાજ અનેકવિધ પ્રયત્નો કરે છે. આ દિશામાં થયેલી કામગીરી ખાસ કરીને ગુજરાતની કન્યાઓ અને મહિલાઓના જીવનમાં કેવું અને કેવું અને કેટલું પરિવર્તન લાવી શકી છે તેના લેખાંજોખાં આજે કરીએ તો અવશ્ય ફળદાયી નીવડશે. વર્ષ 2001ની વસ્તી ગણતરીને ઠીક ઠીક સમય પસાર થયો હોવા છતાં તે આંકડાને આધારરૂપ ગણીએ તો ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેની શૈક્ષણિક અસમાનતાને સમજી શકાશે. આ માહિતી પ્રમાણે ગુજરાતમાં મહિલાઓમાં વાંચતાં, લખતાં આવડતું હોય તેનું પ્રમાણ 57.80 ટકા હતું. તેની સામે પુરુષોમાં આ પ્રમાણ 79.66 ટકા નોંધાવ્યું હતું.

શિક્ષણના સંદર્ભમાં આપણા ગુજરાતમાં પ્રાદેશિક તફાવતો આંખે ઉડીને વળગે એવાં છે. રાજ્યના 13 જિલ્લાઓમાં એટલે કે અડધોઅડધ ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ રાજ્યની સરેરાશથી ઠીક ઠીક ઓછું હતું. તેનો અર્થ એ થયો કે આજે પણ આપણા પ્રદેશમાં 40 ટકાથી વધુ મહિલાઓને વાંચતા લખતાં આવડ્યું નથી. આશા છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત થશે ત્યારે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હશે.

એક તરફ સાક્ષરતાનું પ્રમાણ આજે પણ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાને વ્યક્ત કરે છે. તો બીજી તરફ શાળામાં ભણતા કિશોર-કિશોરીઓ વચ્ચે પણ ખાસા તફાવતો સર્જાયા છે. આજથી એક દાયકા પૂર્વ એટલે કે વર્ષ 2000માં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં કન્યાઓનું પ્રમાણ 40.66 ટકા વર્ષ 2007ની ગણતરી સરકારી માહિતી પ્રમાણે તેમાં નજીવો વધારો થઈને માત્ર 41.12 ટકાએ પહોંચ્યું છે. અહીં એ બાબત પર ધ્યાન દોરવું અનિવાર્ય છે કે ગુજરાતની કુલ મહિલાઓમાં 40 ટકા અભણ છે. તો તેના સમાંતર 12 વર્ષથી 17 વર્ષ સુધીમાં સમાવિષ્ટ કન્યાઓમાં અડધો અડધ કન્યાઓ બારમું ધોરણ પાસ કરીને કોલેજના પગથિયે પહોંચી શકતી નથી. આ છેવાડે રહી ગયેલી એકવીસમી સદીનો ગુજરાતી કન્યાઓ ક્યાં તો ખેતરોમાં કે કારખાનામાં કામ કરે છે અથવા તો નાની ઉંમરે લગ્ન થવાથી ગૃહસ્થીમાં સામેલ થઈ જાય છે.

આપણી શાળાઓના વર્ગખંડોમાં કન્યાઓની હાજરીમાં ધીમો વધારો થાય છે, પરંતુ તેઓ શિક્ષણના ક્યા ક્ષેત્રમાં ભણે છે તે હકીકત સમજવાથી કન્યા કેળવણીનું ચિત્ર વધુ સ્પષ્ટ અને ગંભીર બને છે. સરકારના શિક્ષણ વિભાગની વર્ષ 2007ની માહિતી તપાસીએ તો રાજ્યની શાળાઓના બારમા ધોરણમાં કુલ 110925 કન્યાઓ ભણતી હતી. તેમાંથી મહંદ અંશે એટલે કે 72 ટકા માત્ર વિનયન (આર્ટસ) વિદ્યાશાખામાં નોંધાઈ હતી. વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં આ પ્રમાણ અનુક્રમે 16 ટકા અને માત્ર 6 ટકા જ હતું.

આપણે જોયું કે કિશોરાવસ્થા દરમિયાન ભણતરના મુદ્દે છોકરાં અને છોકરીઓમાં અસમાનતા છે પરંતુ આ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકોમાં પણ સ્ત્રી પુરુષના સંદર્ભમાં આપણે સમાનતા લાવી શક્યા નથી. લેખમાં દર્શાવેલ માહિતીમાં એક હકીકતમાં દીવા જેવી સ્પષ્ટ થઈ કે કોલેજમાં પ્રવેશતા પહેલાં બારમા ધોરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમાં પણ કન્યાઓ આર્ટસ વિદ્યાશાખામાં જ ભણી શકે છે. તેના કારણે વ્યવસાયલક્ષી આજીવિકા કે નોકરી માટે તેઓના દરવાજા બંધ થઈ જાય છે. પરિણામે વિશેષ રૂપે છોકરીઓને શિક્ષિકા બનાવવાનું વલણ રાખવું પડે છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષિકાઓનું પ્રમાણ ઉતરોત્તર વધતું જાય છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુરુષ અને સ્ત્રી શિક્ષિકાની સંખ્યામાં મોટું અંતર સર્જાયું છે.

લેખના કોઠામાં વર્ષ 2006-07 દરમિયાન શિક્ષકોની જિલ્લાવાર માહિતી પ્રમાણે રાજ્યમાં 76054 શિક્ષકો હતા. તેમાં મહિલા શિક્ષકો માત્ર 20413 (27ટકા) હતી. આ તફાવત તમામ જિલ્લાઓમાં જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ જોવા મળે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસે આપણને એટલો અહેસાસ તો અવશ્ય થવો જોઈએ કે સ્ત્રી સશક્તિકરણને વાસ્તવિકતા બનાવવી હશે તો કન્યાઓ અને શિક્ષિકાઓ બંનેને પુરુષ સમોવડી તક અને સવલતો આપવી પડશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે નવી પેઢીને કેળવવાના પ્રશ્ને આપણી પાસે શિક્ષિકાઓનું આટલું મર્યાદિત પ્રમાણ છે અ હકીકત અનેક પ્રશ્નો સર્જશે. કન્યાઓ શાળામાં ભણતી હોય એ સમયે તેઓના શૈક્ષણિક, માનસિક, શારીરિક કે અન્ય પ્રશ્નોને સમજવા અને તેનો ઉકેલ લાવવામાં મહિલા શિક્ષકો અગત્યની ભૂમિકા ભજવી શકે એમ છે. બનાસકાંઠા જિલ્લામાં તો માત્ર 12 ટકા શિક્ષિકાઓ છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક બદલાવ આવવો જોઈએ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ સંદર્ભનો તફાવત આપણે મહિલાઓને શિક્ષિત કરવામાં ક્યાં ઉભા છીએ એ સ્પષ્ટ કરે છે. શિક્ષણના ક્ષેત્રે હાંસિયામાં ધકેલાતી ગુજરાતણ પ્રશ્ન કરે છે.

No comments:

Post a Comment